આપણા અને પૂર્વજો વચ્ચેનો સંપર્કસેતુ કાગડો
નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી
ગામડે બાળકોની સાથે શેરીમાં રમતો હતો અને માએ બૂમ પાડી કે કંદોઈને ન્યાયથી તીખા ગાંઠિયા લેતો આય. મારી ટેવ મુજબ અડધું કૂદતો અને અડધું દોડતો કંદોઈને ત્યાંથી છાપામાં વીંટાળીને આપેલ ગાંઠિયાનું પેકેટ લઈને આવતો હતો, ત્યાં જ માથા પર કોઈએ જાણે ખીલો માર્યો હોય એવો પ્રહાર થયો અને ચીસ નીકળી ગઈ, કઈ સમજુ વિચારું એ પહેલા તો પ્રહાર કરનાર પક્ષીએ હાથમાંથી પડીકું ઝૂંટવી લીધું અને દૂર એક મકાનને છાપરે બેસી ગયું. ત્યારે મને ભાન થયું કે કાગડો મને લૂંટી ગયો. હવે મૂંઝવણ એ ઊભી થઈ કે બજારમાંથી વસ્તુ લાવતા વખતે તે વસ્તુઓ પડી જવી, ઢોળાઈ જવી જેવા ગુનાઓનું મોટું લિસ્ટ મારે નામે હોય. તેથી જઓ હવે હુ એમ કહું કે ગાંઠિયા કાગડો લઈ ગયો તો મા માને કે કેમ એ સમસ્યા, માને તો ઠીક નહિતર ગાલ લાલ થવાની કષ્ટદાયક સજાનો ભી . . . કરે તો કરે કયા? પણ માને સત્ય કહેવાનું જોખમ લીધું હતું અને મારા નસીબે માએ સ્વીકારેલું પણ ખરું. પક્ષી જગતના સફાઈ કામદારોમાં કાગડાનું નામ મોખરે આવે. આજે પણ નાના-મોટા પ્રાણીઓના મૃતદેહો પર બેસેલો કાગડો સૌ કોઈએ જોયો જ હોય છે. કાગડો કહેવતો, માન્યતાઓ અને કાવ્યોમાં પણ સ્થાન પામેલો છે. કાગડો આંગણે બોલે એટલે મહેમાન આવે, મૃતદેહને ઠોલતા કાગડા પરથી જ ઠોલી ખાવું શબ્દ પ્રયોગ ઘડાયો છે અને અંતે વાત કરીએ કવિતાની. તો જૂના વખતના બાળકવિ રમણલાલનું બાળગીત છે એક હતો કાગડો, પૂરેપૂરો નાગડો બચ્ચા લોગને કેટલું ગમી જાય? બાકી હતું તો ગુજરાતનાં મહાન કવિ રમેશ પારેખે પણ કાગડો મારી ગયો ગઝલમાં કાગડાના અંતર-બાહ્યને સરસ રીતે આલેખયું છે.
સડકની વચ્ચોવચ્ચ સાવ કાગડો મરી ગયો.
ખૂલેખૂલો બન્યો બનાવ કાગડો મરી ગયો
આ કાગડો મર્યો કે એનું કાગડાપણું મર્યું?
તું એ સિદ્ધ કરી બતાવ કાગડો મરી ગયો.
રમેશ પારીખની ગઝલની આ બીજા શેરમાં કેટલી મજાની વાત છે એ જુઓ તો ખરા કાગડો માર્યો કે એનું કાગડાપણું માર્યું? કાગડાપણું એ મોટે ભાગે લુચ્ચાઈ અને ચાલાકીનું બીજું નામ મનાય છે. હા કાગડા ચતુર, લુચ્ચા અને ચાલાક હોય છે પરંતુ આપણે તેમને બદનામ કરી દીધા છે. ભારતીયો પર એવું આળ છે કે આપણે અંધશ્રદ્ધાળુ છીએ, પરંતુ હકીકત એવી છે કે સો કોલ્ડ પરદેશી ભૂરિયાઓ પણ આપણા જેટલા જ અંધશ્રદ્ધાળુ હોય છે. તેમણે કાગડાને મૃત્યુ, માંદગી અને અશુભના વાહક માની લીધા છે. ગુજરાતમાં આપણે બે જ પ્રકારના કાગડા છે એવું માનીએ છીએ. કાળો પણ રાખોડી ડોકવાળો કાગડો અને આખેઆખો કાળો એ ગિરનારી કાગડો. તો આ બે ભાગ લોકોએ કેવી રીતે પાડયા હશે ? આખા ગુજરાતમાં રાખોડી ડોક વાળા કાગડા જોવા મળતા હશે જ્યારે ગિરનારના જંગલોમાં આખા કાળા કાગડાની વસ્તી વધુ હોવાથી એમને ગિરનારી કાગડાનું ઉપનામ મળ્યું છે. પરંતુ વિશ્ર્વ આખામાં ક્રો, કાક, કૌવા, કાગડા, અથવા દૂનિયામાં અમુક દેશોમાં જેકડોવ અથવા રેવન નામે ઓળખાતા આ પંખીડાનું મૂળ કુળ એક જ છે કોર્વસ. કાગડો એન્ટાર્કટીકા અને દક્ષિણ અમેરિકા સિવાય તમામ જગ્યા પર અસ્તિત્વ ધરાવે છે. પંખીલોકના વૈજ્ઞાનિકોના સંશોધન મુજબ સમગ્ર વિશ્વમાં કાગડાની કુલ ૪૦ જેટલી જાતિઓ નોંધાઈ છે. એની માના કાગડા’ય ચાલીસ જાઈતના?
કાગડા ચતુર હોવાના નાતે તેમની પણ સમાજવ્યવસ્થા છે, અને અમેરિકન કાગડા સારસ બેલડીની માફક જનમ જનમ કા સાથ નિભાવે છે, પણ જો એક સાથીનું મૃત્યુ થાય તો કાગડો કે કાગડી સ્મશાને જતાં નથી . . . જેથી એમનો સમાજ સમજી જાય કે આ ફરીથી પૈણવાનો છે . . . હાહાહા. અમેરિકાના કાગડા શિયાળામાં હજારોની સંખ્યામાં એજ જ સ્થળ પર રાતવાસો કરે છે. એક બીજી મજાની વાત જાણવા મળી છે કે કાગડાનું બચ્ચું કિશોરાવસ્થામાં આવે ત્યારે પોતાના માબાપના બીજા બચ્ચાઓનું રક્ષણ કરે છે, જરૂર પડે પોતાના નાના ભાઈ ભાંડવને અને ક્યારેક તો મા-બાપને પણ બહારથી ખોરાક લાવી આપીને સહાયરૂપ બનતા જોવા મળ્યા છે. મારો એક દૂરનો ભાઈ પ્રાણી-પંખીઓના અવાજ કાઢવામાં એક્કો હતો. અમારા ઘરે આવે ત્યારે કાગડાનું પીંછું હાથમાં રાખીને કાગડાના એવા અદ્દલ અવાજો કાઢે કે આજુબાજુના અસંખ્ય કાગડા ભેગા થઈને કાળો કકળાટ કરી મૂકે. અને મારા એ ભાઈ પર હુમલો પણ કરતા. આ વાતનું સમર્થન વૈજ્ઞાનિકોએ કર્યું છે કે એક કાગડો મુશ્કેલ સ્થિતિમાં હોય તો બીજા કાગડા તેના બચાવામાં આવી જાય છે. બીજું સંશોધન એવું જણાવે છે કે કાગડા ભલે નાના-મોટા કોઈ પણ મૃત પ્રાણીને ખાઈ જતાં હોય પરંતુ તેઓ કદી મૃત કાગડાને ખાતા નથી.
એક એવી અચરજભરી વાત કરીએ જે આપણે જાણતા જ નથી. જાપાનમાં લગભગ ૧૯૯૦ના દાયકામાં એક અજીબોગરીબ ઘટના બની. એ સમયે જાપાનમાં કચરાનું પ્રમાણ વધ્યું અને સાથે સાથે કાગડાઓની વસતિમાં પણ મોટો ઉછાળો આવેલો. પાવર લાઈનના ટ્રાન્સફોર્મર્સ એ કાગડાઓનું માળા બનાવવાનું પસંદગીનું સ્થાન બનેલું અને કાગડા માળા બનાવવા માટે કાઈબર ઓપ્ટિકલ વાયર ચોરવા માંડેલા અને વર્ષેપરાંત જાપાનના પાવર ફેઈલ્યોર્સમાંના ૧૦૦ જેટલા ફેઈલ્યોર્સ કાગડાને કારણે થતાં. આમ કાગડાને કારણે આખું જાપાન અંધારામાં ડૂબી જતું. વૈજ્ઞાનિકોના મતે માનવની માફક કાગડાઓની બોલી પણ બાર ગાવે બદલાઈ જાય છે. જેમ કે કાઠિયાવાડી કાગડો બીજાને કહે એલા હખણીનો રે જે હો નહિતર જોવા જેવી થાહે . . . તો સુરતી કાગડો કહેશે આલા તું સરખો રે’ની, નહિતર મજાની આવે . . .
જાપાનમાં કાગડા મોટા કદના કઠણ કોચલાવાળા ફાળોને તોડવા ટ્રાફિકમાં જઈને ગાડીની નીચે નાખીને તેને તોડે છે . . . ઓ રિયલી? પણ અચરજ તો હજુ બાકી છે. જાપાનમાં કાગડા ટ્રાફિકની લાલ લાઈટ અને લીલી લાઈટનું અર્થઘટન કરતાં શીખી ગયા છે. લીલી લાઈટના લીધે પસાર થતી ગાડી નીચે નાખીને તોડેલું ફળ ખાવા તેઓ ત્યારે જ જમીન પર ઉતરે છે જ્યારે લાઈટ લાલ થાય અને ગાડીઓ રોકાઈ જાય . . . મતલબ એ કે જાપાની કાગડાઓની ટ્રાફિક સેન્સ એવરેજ ભારતીય કરતાં અનેકગણી સારી છે !
કાગડા જીવડાનો શિકાર કરવા નાની ડાળખીઓનો ઉપયોગ કરી જાણે છે, કુંજામાં કાંકરા નાખીને પાણી પીવા વાળી કાગડાની હોશિયારીની વાર્તા આપણા પંચતંત્રમાં છે જ . . . પરંતુ કાગડાઓની સ્મરણશક્તિ બાબતે એક પ્રયોગ થયેલો એ જાણવા જેવો છે. કુલ પાંચ જગ્યાઓ પર બે અલગ અલગ માસ્ક પહેરેલા વ્યક્તિઓ ફર્યા અને એમાંની એક વ્યક્તિએ કાગડાઓને પકડ્યા અને બરોબર પરેશાન કર્યા. ત્યારે આજુબાજૂના કાગડાઓએ તે માસ્ક વાળા વ્યક્તિ પર હુમલા કરેલા. થોડા સમય બાદ એ જ પાંચેય જગ્યા પર એ જ માસ્ક પહેરીને ગયેલી વ્યક્તિઓમાંથી જેણે કાગડાઓને પકડેલા તેના પર બધા કાગડા તૂટી પડેલા અને બીજા માસ્કવાળાની સામે પણ નહોતું જોયું. અચરજ તો હવે થાય છે કે ત્યાર બાદ થોડા વર્ષો બાદ એ જ બે વ્યક્તિ એ જ મસ્કમાં એ જ પાંચેય જગ્યા પર ગયા, ત્યારે આ પ્રયોગ પછીથી જન્મેલા કાગડાઓની બીજી ત્રીજી પેઢીના કાગડાઓએ પણ જે માસ્કવાળી વ્યક્તિએ તેમના પૂર્વજોને હેરાન કરેલા તેમના પર જ હુમલો કરેલો.