વીક એન્ડ

એક અનોખા કરચલાની ત્રાંસી દુનિયા

આ વિશાળ કદના કરચલાની વિશેષતાઓ જોવા સમજવા જેવી છે. આ કરચલા પૃથ્વી પર ડાયનોસોર અસ્તિત્વમાં આવ્યા તે પહેલાથી જ અસ્તિત્વ ધરાવે છે. વૈજ્ઞાનિકોએ તેમના પ્રાચીન પૂર્વજોના અવશેષો શોધી કાઢ્યા છે જે ૪૪૫ મિલિયન વર્ષો એટલે કે ૪૪.૫ કરોડ વર્ષ પૂર્વેના છે.

નિસર્ગનો નિનાદ – ધર્મેન્દ્ર ત્રિવેદી

કરચલાનું નામ આવતા જ આપણને તેની ત્રાંસી ચાલ યાદ આવી જાય, પછી યાદ આવે તેની આક્રમક મુદ્રા અને અંતે યાદ આવે આપણી રાશિ કર્ક. મને યાદ આવે મારા બાળપણના ગામનો એક ખવાસ યુવાન. એમ કેમ હશે ? બાળ ઉંમરે મને કોઈ માંસાહાર કરતું હોય એવો સ્વપ્ને પણ ખ્યાલ નહોતો. કારણ કે ઘરથી શાળા અને શાળાથી ઘર અને અન્ય ક્યાંય પણ જવાનું હોય તો મા-બાપની છત્ર છાયા હોય જ. એક બપોરે અમારી સોસાયટી પાછળના કેનાલના વોંકળામાં વહેતા નિર્મળ જળમાંથી આ યુવાન પથ્થરો નીચેથી કરચલા પકડે. એ જોઈને અમને એની બહાદુરીની ઈર્ષ્યા આવી, પરંતુ ત્યાર બાદ જે બન્યું એ જોઈને મને કેટલીય રાત ઊંઘ નહોતી આવી. તેણે વોંકળા કાંઠે એક તાપણું કરીને નાના મોટા તમામ કરચલાઓને ભૂંજી નાખ્યા અને ‘એય’ને ચટકારા લેતો લેતો ખાઈ ગયો ! મને તો અરેરાટી છૂટી ગઈ. મનમાં અને મનમાં એને કેટલાય શ્રાપ દીધા હશે… પણ એમ કાંઈ અમારા શ્રાપના લીધે પૃથ્વી પરથી માંસાહાર બંધ થોડો થઈ જવાનો હતો ?

આપણે આજે વાત પાપ-પુણ્યની કે માંસાહાર-શાકાહારના લાભાલાભોની નથી કરવાની, આજે વાત કરવાની છે આ દુનિયામાં વસતા એક અજીબોગરીબ કરચલાની. એ પણ એવો કરચલો જે હકીકતે કરચલો હોવા કરતાં તે કરચલો નથી, પરંતુ વીંછીની જાતનો છે ! આયલા… આવું તે કેવું? હા તે વીંછીથી નજીકની શરીર રચના ધરાવતો હોવા છતાં વૈજ્ઞાનિકોએ અમુક કારણોસર તેને કરચલામાં ખપાવી દીધો છે. તો મિત્રો, આ ચિત્ર-વિચિત્ર કેકડાને જાણીએ. તેનું નામ છે ‘હોર્સ શૂ ક્રેબ’ મતલબ કે ઘોડાની નાળ જેવો કરચલો. વૈજ્ઞાનિક ફોઈબાઓએ તેના ઘોડાની નાળ કે ડાબલા જેવા આકારના કારણે તેનું આવું નામ પાડ્યું છે. આ નામની સાર્થકતા તમને તેનો ફોટો જોઈને જ સમજાઈ જશે.

આ વિશાળ કદના કરચલાની વિશેષતાઓ જોવા સમજવા જેવી છે. આ કરચલા પૃથ્વી પર ડાયનોસોર અસ્તિત્વમાં આવ્યા તે પહેલાથી જ અસ્તિત્વ ધરાવે છે. વૈજ્ઞાનિકોએ તેમના પ્રાચીન પૂર્વજોના અવશેષો શોધી કાઢ્યા છે જે ૪૪૫ મિલિયન વર્ષો એટલે કે ૪૪.૫ કરોડ વર્ષ પૂર્વેના છે. આ પૃથ્વી પર ડાયનાસોર લગભગ ૨૦ કરોડ વર્ષો પહેલા મેસોઝોઇક યુગ નામના સમયગાળા દરમિયાન પ્રથમ વખત દેખાયા હતા. આમ ડાયનોસોર આવ્યા તેના પણ આશરે ૨૦ કરોડ વર્ષો પૂર્વે આ કરચલા પૃથ્વી પર વિચરણ કરતાં હતાં. મતલબ કે જે વિનાશ કાળમાં ડાયનોસોરનું અસ્તિત્વ મિટ્ટીમાં મળી ગયું, એ વિકટતાને પણ આ કરચલા સહન કરીને પોતાનું અસ્તિત્વ સાંગોપાંગ ટકાવી શકેલા. આજે પણ પૃથ્વી પર હોર્સ શૂ કરચલાઓની આશરે ચારેક જેટલી પ્રજાતિઓ અસ્તિત્વ ધરાવે છે – એક પ્રજાતિ ઉત્તર અમેરિકા અને મેક્સિકોના અખાતના એટલાન્ટિક દરિયાકાંઠાના પાણીમાં જોવા મળે છે અને ત્રણ પ્રજાતિઓ એશિયાના દરિયાકાંઠાના પાણીમાં જોવા મળે છે. ઉત્ક્રાંતિ શું ચીજ છે એ ન જાણતા આ કરચલાઓની શરીર રચનામાં છેલ્લા લગભગ ૨૦ કરોડ વર્ષોમાં ખાસ પરિવર્તન આવ્યું નથી અને તેથી જ તેઓને ઘણીવાર વૈજ્ઞાનિકો જીવંત અશ્મિ પણ કહે છે.

એક ફિલ્મમાં નાના પાટેકરનો એક પ્રખ્યાત ડાયલોગ પણ યાદ આવી ગયો. એક મુસ્લિમ અને એક હિંદુના લોહીને નાના પાટેકર પોતાની હથેળીમાં મિક્સ કરીને પોતાની એગ્રેસીવ સ્ટાઈલમાં બોલે છે યે મુસાલમાન કા ખૂન, એ હિન્દુ કા ખૂન… બતા ઇસમેં મુસલમાન કા કૌન સા, હિન્દુ કા કૌન સા…! પણ જો આ ડાયલોગના સમયે હિંદુ અથવા મુસલમાનના ખૂન સાથે જો આપણા હોર્સ શૂ કરચલાનું ખૂન મિલાવવાનું આવ્યું હોત તો નાના પાટેકર પણ માથું ખંજવાળવા માંડ્યો હોત કે સાલા યે ડાયલોગ તો બકવાસ હૈ… કારણ કે આપણા આ અજાયબ કેકડાનું લોહી લાલ રંગનું નથી હોતું, પરંતુ વાદળી એટલે કે બ્લ્યૂ રંગનું હોય છે ! ચાલો તેની આ વિચિત્રતાને પણ સમજીએ. માનવનું રક્ત લાલ છે, કારણ કે આપણું હિમોગ્લોબિન – લાલ રક્ત કોશિકાઓમાં પ્રોટીનનું પરિવહન કરે છે અને તેમાં આયર્ન હોય છે. પણ હોર્સ શૂ કરચલામાં ઓક્સિજન વહન કરતું પ્રોટીન સાવ અલગ હોય છે, જેને હેમોસાયનિન કહેવાય છે. હેમોસાયનિનમાં આયર્નને બદલે તાંબું હોય છે, જે આ કરચલાના લોહીને ચમકતા વાદળી રંગનું બનાવે છે. છે ને વિચિત્ર . . .

હોર્સ શૂ ક્રેબને પગની છ જોડી છે, પરંતુ તે તેમાંથી માત્ર પાંચ જોડી પગનો જ ચાલવા માટે ઉપયોગ કરે છે. હોર્સ શૂ કરચલાઓ પોતાના ૧૦ પગ પર ચાલે છે અને તેમના મોંમાં ખોરાક નાખવા માટે પગની સૌથી આગળની જોડીનો ઉપયોગ કરે છે, આ પગને ચેલિસેરા કહેવાય છે. આ કરચલા કૃમિ, શેવાળ, છીપમાં વસતા જીવને અને અન્ય નાના શિકારોને ખાય છે. હોર્સ શૂ ક્રેબને જડબાં હોતા નથી, અને તેથી ખાતા પહેલા તેમના ભોજનને તેમના પગ વચ્ચે કચડીને તેનો ચૂરો કરી નાખે છે. તેની પ્રજોત્પતિનું ચક્ર પણ ઘણું જ રસપ્રદ છે. આ કરચલી એક વખતે લગભગ ૪૦૦૦ ઈંડાં મુકે છે અને વર્ષમાં લગભગ ૨૦ વાર ઈંડાં મુકે છે. મતલબ કે દરેક માદા એક વર્ષમાં લગભગ ૮૦,૦૦૦ ઈંડાં મુકે છે. આટલાં ઈંડાં મૂકવાનું કારણ શું હશે ? આ કરચલાઓ કરોડો વર્ષોની ઉત્ક્રાંતિ દરમિયાન સમજી ગયા છે કે હજારો ઈંડાંમાંથી માંડ ત્રણ આંકડે પહોંચે એટલા બચ્ચાં જ જીવશે.

હોર્સ શૂ કરચલાઓ માત્ર અજીબો-ગરીબ જીવ છે એવું જ નથી, પરંતુ તેના લોહીનાં ચોક્કસ તત્ત્વોના કારણે તે આજે માનવજીવન બચાવવામાં પણ મદદરૂપ થઈ રહ્યા છે. એ કેવી રીતે? આ કરચલાઓના લોહીમાં ‘લિમ્યુલસ એમેબોસાઇટ લાયસેટ’ અથવા LAL નામનું એક સાવ અનોખું એન્ઝાઇમ મળી આવે છે. આ એન્ઝાઇમ જ્યારે બેક્ટેરિયલ એન્ડોટોક્સિન્ટસના સંપર્કમાં આવે છે ત્યારે લોહી જામવા માટેનું કારણ બને છે, જે ઘણી વાર જીવલેણ સાબિત થતું હોય છે. બાયોમેડિકલ કંપનીઓ એન્ડોટોક્સિન્ટ માટેની દવાઓ, રસીઓ, અંગ પ્રત્યારોપણ અને એવા ઘણા બધા મેડિકલ પરીક્ષણ કરવા માટે LALનો ઉપયોગ કરે છે. કમનસીબે, આ જાતિના ઘણા કરચલા તેમના લોહી એકત્ર કરવાની પ્રક્રિયા દરમિયાન મૃત્યુ પામે છે. વૈજ્ઞાનિકો LAL માટે કૃત્રિમ વિકલ્પો શોધી રહ્યા છે.

અલ્ટ્રા વાયોલેટ લાઈટ નીચે જે રીતે વીંછી ચમકતા હોય છે એ જ રીતે આપણા આ કરચલાભાઈ પણ ચમકી ઊઠે છે. તેના શરીરના પાછળના ભાગે એક પૂંછડી છે. તો આપણને એમ થશે કે પૂંછડીવાળા અન્ય દરિયાઈ પ્રાણીઓની માફક આ કરચલા પણ પોતાના બચાવ માટે પોતાની પૂંછડીનો ઉપયોગ કરતાં હશે… પરંતુ ના, હોર્સ શૂ કરચલા પોતાની પૂંછડીનો ઉપયોગ ખૂબ વિચિત્ર
કારણ માટે કરે છે. આ કરચલા જ્યારે કોઈ પણ કારણસર ઊંધા પડી જાય ત્યારે ફરી સીધા થવા માટે પોતાની લાંબી પૂંછડીની મદદ લે છે !

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…