વીક એન્ડ

ભાત ભાત કે લોગ : કાઉન્ટ ઑફ મૉન્ટેક્રિસ્ટો: એલેક્ઝાન્ડર ડુમાનું એક અદ્ભુત સર્જન

જ્વલંત નાયક

સારી કથાની ખાસિયત એ હોય છે કે એક વાર બીજા સર્જકોની આંખે ચડ્યા બાદ વિવિધ માધ્યમોમાં એનાં અનેક વર્ઝન્સ સર્જાતાં રહે છે. દાખલા તરીકે ૧૯૦૩માં રવીન્દ્રનાથ ટાગોર ‘ચોખેર બાલી’ લખે છે, જે સમયાંતરે અનેક ભારતીય ભાષાઓમાં અનુવાદિત થાય છે. અરે, રશિયન અને ચાઈનીઝ ભાષા સુધ્ધાંમાં એના અનુવાદો થયા છે.

૧૯૩૮માં સતુ સેન નામના દિગ્દર્શક એના પરથી ફિલ્મ બનાવે છે અને ઠેઠ ૨૦૦૩માં રિતુપર્ણો ઘોષને પણ આ જ કથા આકર્ષે છે અને ઐશ્ર્વર્યા રાય, રાઈમા સેનને કાસ્ટ કરીને ‘ચોખેર બાલી’ નામથી જ ફરી ફિલ્મ બને છે! લોકપ્રિય થયેલી વાર્તા-નવલકથા ઉપરથી બની હોય એવી વિદેશી ફિલ્મોના તો ઢગલેઢગલા છે, પણ આજે એક વિદેશી નવલકથા વિશે વાત કરવી છે.
‘ધ કાઉન્ટ ઑફ મૉન્ટેક્રિસ્ટો’ આવી જ એક કથા છે, જેણે ‘રિવેન્જ’ એટલે કે હીરો દ્વારા લેવાતા અન્યાયના બદલાને એક નવી જ પૌરુષેય ઊંચાઈએ સ્થાપિત કર્યો. વિશ્ર્વના અત્યંત લોકપ્રિય વાર્તાકારોમાં એલેક્ઝાન્ડર ડુમાનું નામ લેવાય અને ડુમાનું સૌથી લોકપ્રિય ગણાતું સર્જન એટલે ઈ.સ. ૧૮૪૪ થી ઈ.સ. ૧૮૪૬ વચ્ચે પ્રકટ થયેલી નવલકથા ‘ધ કાઉન્ટ ઑફ મૉન્ટેક્રિસ્ટો’. મજાની વાત એ છે કે ડુમા પોતાની સાથે કામ કરવા માટે ઑગસ્ટી મેકેટ નામનો એક ઘોસ્ટ રાઈટર રાખતા.

ડુમાએ ‘થ્રી મસ્કેટીયર્સ’ જેવી બીજી એક લોકપ્રિય કથા પણ આ ઘોસ્ટ રાઈટરભાઈના સથવારે જ લખેલી- નથિંગ રૉંગ.
‘ધ કાઉન્ટ…’ની સ્ટોરીલાઈન પણ ઑગસ્ટીએ તૈયાર કરી હોવાનું મનાય છે. વાર્તા એવી છે કે એડમંડ ડાન્ટીસ નામનો તરવરિયો યુવાન કોઈ વાંકગુના વિના કાનૂન કે લંબે હાથમાં સપડાઈ જાય છે -સપડાવી દેવામાં આવે છે. એ પછી રાજદ્રોહના આરોપ હેઠળ કોઈ પણ પ્રકારનો કેસ ચલાવ્યા વિના એને દૂરના ટાપુ પરની જેલમાં ધકેલી દેવામાં આવે છે.

અહીં એક વયોવૃદ્ધ કેદી એને સાદી લાકડીઓની મદદથી તલવારના દાવપેચ શીખવે છે. એ સિવાય પણ એડમંડ આ ડોસા પાસેથી ઘણું બધું શીખે છે. પોતાના મૃત્યુને સમીપ ભાળી ગયેલો એ વૃદ્ધ કેદી એડમંડને અફલાતૂન આઈડિયા આપે છે:
‘હું મરી જાઉં, એ પછી મારી ડેડબોડીની જગ્યાએ તું ગોઠવાઈ જજે… મૃતદેહ ગણીને આ લોકો તને દરિયામાં ફેંકી દેશે એટલે તને તરીને નાસી છૂટવાનો મોકો મળશે!’ એડમંડ બરાબર આવું જ કરે છે. ઔર ફિર ઉસકે બાદ, જેલમાંથી નાસી છૂટેલો એડમંડ કાઉન્ટ ઑફ મૉન્ટેક્રિસ્ટો બનીને દુશ્મનોનો ખાત્મો બોલાવે છે….

હવે જરા યાદ કરો કે હીરોને અન્યાય થાય અને એ પછી એણે લાંબો સમય જેલથી માંડીને જંગલ જેવા સ્થળે ગાળવો પડે… એમાં વળી એને ફિઝિકલ ટ્રેનિંગ આપનારો એકાદ ગુરુ મળી જાય… અને આ પ્રકારના ઘટનાક્રમ પછી હીરો પાછો ફરીને દુશ્મનનો ખાત્મો બોલાવી દે એવો પ્લોટ આપણે જેકી ચેનથી માંડીને જેકી શ્રોફ સુધીના કેટલાય હીરો ભાઈલોગની ઢગલેબંધ ફિલ્મોમાં જોઈ ગયા છીએ. એના મૂળ કાઉન્ટ ઑફ મૉન્ટેક્રિસ્ટોમાં જ હશે ને?!

ઉઠાંતરીઓની વાત બાજુએ મૂકીએ તોય આ નોવેલનાં અનેક ભાષામાં અનુવાદ-રૂપાંતર થયાં છે. સૌથી નવાઈની વાત એ છે કે ચાઈનીઝ અને જાપાનીઝ ભાષામાં આ કથા અત્યંત લોકપ્રિય નીવડી છે. એમાંય જાપાનમાં તો ‘ધ કાઉન્ટ ઑફ મૉન્ટેક્રિસ્ટો’ ના અલગ અલગ જાપાનીઝ વર્ઝન્સ થયાં, જે બધેબધાં લોકપ્રિય નીવડ્યાં. આમાંના એક વર્ઝનનું નામ હતું ૠફક્ષસીતિીં-જ્ઞી. આનો ઉચ્ચાર ભલે ગમે તે થતો હોય, આપણે એને આ લેખ પૂરતું ‘ગેનકુત્સુ’ કહીશું.

જાપાની પ્રજા પર ગેનકુત્સુની અસર કેવી જોરદાર હતી એનો એક જાણીતો કિસ્સો છે. જાપાનમાં એક માણસને ખૂનના ખોટા આરોપસર જેલની લાંબી સજા થઈ. લોકોને જયારે સમજાયું કે આ આરોપ ખોટો હતો, એ પછી આ ઘટના ‘યોશિદા ગેનકુત્સુ’ બનાવ તરીકે ઓળખાતી થઈ ગઈ…એકલા જાપાનમાં જ આ નોવેલ ઉપરથી અનેક એનિમેશન સિરીઝ સુધ્ધાં બની છે.

ફિલ્મોની વાત કરીએ તો ‘ધ કાઉન્ટ ઑફ મૉન્ટેક્રિસ્ટો’ નવલકથા ઉપરથી ૧૯૦૮થી માંડીને ૨૦૨૪ સુધીમાં સત્તાવાર બાવીસેક ફિલ્મો બની ચૂકી છે. વિશ્ર્વની જુદી જુદી ભાષાઓમાં બનેલી આ ફિલ્મોમાં ૧૯૫૮માં જેમિની સ્ટુડિયોએ બનાવેલી હિન્દી ફિલ્મ ‘રાજ તિલક’નો પણ સમાવેશ થાય છે, જેમાં હીરો – એટલે કે કાઉન્ટ ઑફ મૉન્ટેક્રિસ્ટોનો રોલ આપણી સદા યૌવના હીરોઈન રેખાના પિતાશ્રી જેમિની ગણેશને નિભાવેલો. આ વર્ષે આ જ નામથી વધુ એક ફિલ્મ રજૂ થઇ છે, જેને ૭૭મા કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રેક્ષકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.

આ ફિલ્મ વિશ્ર્વભરમાંથી આશરે ૭૨ મિલિયન ડૉલર્સની કમાણી કરી ચૂકી છે! પ્રશ્ર્ન એ છે કે હજારથી વધુ પાનાંની નવલકથાને બે કલાકની ફિલ્મમાં સમાવતી વખતે કેટલી જહેમત પડી હશે!
ડુમાએ લખેલી મૂળ નવલકથા બારસોથી વધુ પાનાંની છે. ‘પોલીફોની’ શબ્દ સંગીતની દુનિયાનો છે, જે અનેક સૂરોના સંયોજન માટે વપરાય છે, પણ સાહિત્યમાં કોઈ કૃતિ અનેક પાસાં, કથાઓ રજૂ કરતી હોય, (જેમકે મહાભારત) તો એને ય ‘પોલીફોનિક’ કથા કહેવાય. એક રશિયન લેખક અને ભાષાવિદ વાદિમ નિકોલાયેવે ધ કાઉન્ટ ઑફ મૉન્ટેક્રિસ્ટોને ‘મેગા પોલીફોનીક નોવેલ’ જાહેર કરી છે.

આ મહાનવલનો પ્રભાવ એવો કે યુરોપની સૌથી લોકપ્રિય નોવેલમાં ગણના પામ્યા બાદ વિશ્ર્વની દરેક મુખ્ય ભાષામાં એના અનુવાદ થયા છે. કેટલીય ટેલિવિઝન સિરીઝ બની છે.

સૌથી અસરકારક સાહિત્ય એને કહેવાય, જે લોકજીવન સાથે વણાઈ જાય. ‘ધ કાઉન્ટ…’ના નામ ઉપરથી કેલિફોર્નિયાની એક ખાણ ‘મૉન્ટેક્રિસ્ટો ગોલ્ડ માઈન’ તરીકે ઓળખાય છે. ક્યુબાની મોંઘી સિગાર, સેન્ડવિચ તેમ જ અનેક બાર અને કેસિનોના નામ મૉન્ટેક્રિસ્ટો પરથી રાખવામાં આવ્યા છે. જો આ નવલકથા અને એના પ્રભાવ વિષે લખવા બેસીએ તો એના માટે એક અલાયદું પુસ્તક લખવું પડે, પણ અત્યારે આટલું જ….

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button