કૉવિડ પ્રત્યેનો સ્થાપત્યકિય પ્રતિભાવ
સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા
કૉવિડ મહામારીએ ઘણાની જિંદગી બદલી નાખી. કૉવિડે સમાજને ઘણા પાઠ પણ ભણાવ્યા. કૉવિડના લીધે શૈક્ષણિક ક્ષેત્ર અને કોર્પોરેટ વિશ્ર્વમાં પણ ઘણા બદલાવ આવ્યા. સામાજિક સંપર્કના સિદ્ધાંતો બદલાઈ ગયા. કોવિડમાં તંદુરસ્તીનું મહત્ત્વ પણ સમજાયું, વારંવાર સાબુથી હાથ સાફ કરવાની ટેવ પડી. કોમ્પ્યુટરનો ઉપયોગ વધુ અસરકારક થયો, ઓનલાઈન વ્યવહાર વધી ગયો, રોકડ નાણાંનું મહત્ત્વ ઓછું થઈ ગયું, સાથે સાથે સ્થાપત્યના ક્ષેત્રમાં પણ કેટલીક બાબતો અનિવાર્ય બની. અને હા, કોણ પોતાનું છે અને કોણ પારકું-પરાયું તે પણ ધ્યાનમાં આવ્યું.
કૉવિડ જેવી મહામારીએ સ્થાપત્યને પણ કેટલાક પાઠ ભણાવ્યા છે. હવે તંદુરસ્તી અને તંદુરસ્તી જાળવી શકે તેવા માહોલને વધુ મહત્ત્વ મળશે. આ માટે કુદરતી હવા ઉજાસ જરૂરી છે તે સમજાતું થયું. મકાનની અંદર ભેજની માત્રા નિયંત્રિત સ્તર પર હોવી જોઈએ, ચોક્કસ સમયગાળા માટે સૂર્યપ્રકાશની હાજરી હોવી જોઈએ, એક સ્થાનેથી બીજા સ્થાને જતી વખતે વચ્ચે એવું સ્થાન આવવું જોઈએ જ્યાં આપમેળે એક પ્રકારે કુદરતી ફિલ્ટર ઊભું થાય, વાતાનુકૂલ સ્થિતિમાં પણ પ્રાણવાયુની માત્રા જળવાઈ રહેલી હોવી જોઈએ અને આ બધા સાથે ઇમર્જન્સી માટે વિશેષ પ્રાવધાન હોવું જોઈએ. આ બધી બાબતોની આમ તો બધાને ખબર જ હતી, પરંતુ કોવિડ નામની મહામારીએ આ બાબતો માટે જરૂરી જાગૃતતા ઊભી કરી.
કૉવિડ પાસેથી શીખ્યા પછી હવે મકાનમાં, જ્યાં જ જરૂરી છે ત્યાં સંપર્ક જળવાશે અને જ્યાં જરૂરી નથી ત્યાં વ્યક્તિ માત્ર પોતાના કામમાં જ ધ્યાન કેન્દ્રિત કરી નીકળી જશે. સામાજિક દૃષ્ટિકોણથી સંપર્ક જરૂરી છે, પણ કૉવિડ જેવી મહામારી સામે સંપર્ક મર્યાદિત રહે તે પણ જરૂરી છે. જે જરૂરી છે તેટલું કરવામાં આવશે અને વધારાનું ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે. અથવા તો સમગ્ર રચનામાં એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે કે જેથી વચગાળાની અંતરાળ જગ્યાઓ ઊભી થાય, જેનો ઉપયોગ સંપર્ક સાધવા માટે અને સંપર્ક નિયંત્રિત કરવા માટે પણ થઈ શકે. સ્થાપત્યમાં આ પ્રકારની વિચારધારાનો સમાવેશ કરવો પડશે.
આ થઈ મકાનના આંતરિક સંપર્કની વાત. મકાનનો બાહ્ય પરિસ્થિતિ સાથેનો સંપર્ક પણ નિયંત્રિત રીતે સ્થાપવામાં આવશે. મકાનની બહાર ખૂલતાં બારી-બારણાનો પ્રકાર, તેની આસપાસ જરૂરી વિષાણુ લક્ષી રક્ષા કવચ, તેની નજીક આવેલ અંતરાલની રચના, બાંધકામની સામગ્રી તેમ જ મકાનના વિવિધ અંગોની વ્યવસ્થિત રીતે સંભવિત બની શકતી સફાઈ, જેવી બાબતો માટે હવે વધુ સંવેદનશીલ રહેવું પડશે. સ્થાપત્યમાં આ મુશ્કેલ નથી. અગત્યનું એ છે કે આ બધી બાબતો અગ્રતાક્રમમાં આવવી જોઈએ. ઘણીવાર એમ જણાય છે કે આ બધી બાબતોના ભોગે ક્યારેક દેખાવને કે અન્ય બાબતને વધુ મહત્ત્વ મળી જાય છે.
મકાનનું સંરચનાકીય માળખાનું આયોજન પણ હવે વધુ ચીવટતાથી નિર્ધારિત કરેલું હોવું જોઈશે. પાણી કે ગટર લીક થાય એ હવે નહીં ચાલે. મકાનની અંદર એકત્રિત થતા ભેજ માટે બહાર નીકળવાની વ્યવસ્થા નહીં હોય તે હવે સ્વીકાર્ય નહીં બને. વરસાદના પાણીના નિકાલ માટે પણ અસરકારક વ્યવસ્થા જરૂરી બનશે. આ બધા સાથે કુદરતી હવાની આવનજાવનથી પ્રાણવાયુની માત્રાનું નિયંત્રણ પણ અતિ આવશ્યક ગણાશે. આ સાથે વેસ્ટ મેનેજમેન્ટ પણ સંવેદનશીલ મુદ્દો બની રહે છે – તે પણ માત્ર મકાન કક્ષાએ નહીં પરંતુ ચોક્કસ વિસ્તાર કે સમગ્ર શહેર માટે વધુ અસરકારક બને તે જોવું પડશે. હોસ્પિટલ જેવી જગ્યાએ તો આ વ્યવસ્થા ફૂલ-પ્રૂફ બનાવવી પડશે. સમગ્ર રચનામાં જુદા જુદા પ્રકારના સેન્સરનું મહત્ત્વ પણ વધુ રહેશે. વળી, જેમ આગની સંભાવના માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે તેમ વિશેષ પ્રકારની મહામારી સમયે માનવીના આવનજાવનના નિયંત્રણ માટે પણ વ્યવસ્થા ઊભી કરવી પણ પડે. આ તો થઈ બધી તકનીકી વાત. આ સાથે માનવીના મનમાં વિશ્વાસની લાગણી જન્મે તે પણ જરૂરી છે.
મકાનમાં પ્રવેશતા માનવીને એક મનોવૈજ્ઞાનિક ખાતરી મળવી જોઈએ કે બધું સલામત છે.
અહીં માનવીને એ પ્રમાણેની અનુભૂતિ થવી જોઈએ કે તેની સામાન્ય અને વિશેષ જરૂરિયાતો સંતોષાઈ જશે – અને તેમાં પણ કટોકટી ભરેલા તબક્કામાં ખાસ. પ્રત્યેક વ્યક્તિ મહત્ત્વની છે એવો વિશ્ર્વાસ મકાનમાં પ્રવેશતી વખતે જાગ્રત થવો જોઈએ. લાગણીઓ અને મનોવિજ્ઞાન સાથે સંકળાયેલી આવી બાબતો માટે સ્થપતિએ વધુ સંવેદનશીલ અને સર્જનાત્મક રહેવું જરૂરી બનશે.
તાજેતરમાં દુનિયાએ જે મહામારીનો સામનો કર્યો છે તે મુજબ ભવિષ્યના સ્થાપત્યમાં આ પ્રકારના ફેરફાર સંભવ બની શકે. બની શકે કે વર્ષો સુધી અન્ય કોઈ મહામારી આવે જ નહીં, એવા સંજોગોમાં ફરીથી સ્થાપત્યની રચનાના નિર્ધારણમાં ફેરબદલ થશે. પરિસ્થિતિ પ્રમાણે સ્થાપત્ય પોતાનો ચહેરો બદલતું રહેશે. આજની જે પરિસ્થિતિ છે તેને આધારે કાલ માટેના નિર્ણય લઈ શકાય. કાલે પરિસ્થિતિ બદલાય તો તે પ્રમાણે પરમ દિવસ માટેના નિર્ણયો લેવાશે. સમાજના માળખાનું આ એક સત્ય છે.
સમય બદલાય છે, ભૌગોલિક પરિસ્થિતિ બદલાય છે, વાતાવરણ તથા પર્યાવરણમાં પણ અકલ્પનીય ફેરફાર આવી રહ્યો છે, વ્યક્તિ તેમ જ સમાજની માનસિકતા પણ બદલાય છે અને સાથે સાથે તેમના અગ્રતાક્રમમાં પણ બદલાવ આવી રહ્યો છે, કળાની અભિવ્યક્તિના પ્રકાર બદલાય છે અને સાથે સાથે વિજ્ઞાન અને ઇજનેરી ક્ષેત્રમાં રોજ એક નવી સંભાવના ઊભરે છે, કાયદા બદલાય છે એને કાયદા પાછળનો હેતુ પણ બદલાયા કરે છે, રોગનો પ્રકાર બદલાય છે, રોગનો વ્યાપ અને તે વ્યાપ માટેની ઝડપ પણ બદલાય છે – તો પછી આ બધાના પ્રતિભાવ રૂપે સ્થાપત્યનો ચહેરો બદલાય કે બદલાશે તે સ્વાભાવિક છે.