‘બ્લેક હોલ’માં ફંગોળાઈ ગયેલી અજબ લૌરાની ગજબ કહાણી
ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક
આંખો વિનાની જિંદગી કેવી હોય? કોઈ રંગ નહિ, કોઈ દ્રશ્ય નહિ, કોઈ ચહેરો નહિ… માત્ર અવાજો અને ખામોશી ઉપરથી તમારે દુનિયાને ઓળખવાની હોય- માત્ર ગંધને આધારે પરિસ્થિતિનો તાગ મેળવવાનો હોય, અને સ્પર્શને આધારે ઘણું બધું સમજી જવાનું હોય તો આ દુનિયા તમને કેવી લાગે?
આવી તમે કલ્પના કરશો તો ય ગૂંગળામણ થઇ આવશે. કોઈક વાર આંખે પાટો બાંધીને એક દિવસ પસાર કરવાનો હોય તો? જે ઘરમાં તમે વર્ષોથી રહેતા હો અને જે સ્વજનો સાથે લોહીના સંબંધથીએ જોડાયેલા હો એમની જ અનુભૂતિ કરવામાં પણ તમે ગોથું ખાઈ જશો!
દ્રષ્ટિની ગેરહાજરીમાં માત્ર અવાજ ઓળખીને કે ભાષા દ્વારા પ્રત્યાયન-વ્યવહાર કરવો અઘરું પડી જાય. અત્યારે જે દુનિયા તમે જુઓ-જાણો-માણો છો એનાથી તદ્દન વિપરિત છેડાની અનુભૂતિ છે આ!
હજી થોડું આગળ વિચારો… ધારો કે તમે સાંભળી અને બોલી પણ ન શકતા હો તો? કોઈકે અચાનક ધક્કો મારીને તમને બ્લેક હોલમાં ફંગોળી દીધા હોય એવી ફીલિંગ આવશે. આશ્ર્ચર્યજનક વાત એ છે કે આ ધરા પર કેટલાંક રત્નો એવા ય પાક્યાં છે, જેમણે શારીરિક મર્યાદાઓના ‘બ્લેક હોલ’ ઉપર વિજય મેળવીને જગતના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કર્યું હોય!
શારીરિક મર્યાદાઓને વળોટી જવાની વાત હોય ત્યારે સ્વાભાવિકપણે જ આપણા મનમાં સૌથી પહેલું નામ હેલન કેલરનું આવે. ૨૭ જૂન, ૧૮૮૦ને દિવસે અમેરિકાના અલાબામા ખાતે જન્મેલી હેલન કેલર એક સ્વસ્થ બાળકી હતી, પરંતુ માત્ર ૧૯ મહિનાની ઉંમરે એ બીમારીમાં પટકાઈ, જેના કારણે એની દ્રષ્ટિ જ નહિ, પણ વાચા અને શ્રવણ શક્તિ પણ હણાયા! આંખે કશું દેખાય નહિ, કાનેથી સાંભળી ન શકે અને મોઢેથી કશું બોલી ન શકે…! નસીબજોગે અનેક શારીરિક મર્યાદાઓ વચ્ચે બાળકી હેલન જીવી ગઈ. એટલું જ નહિ, એની સુલિવન નામક શિક્ષિકાની મદદથી એ ભણી એન્ડ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી… માનવ ઇતિહાસમાં હેલન કેલરે એક માઈલસ્ટોન-સીમાચિન્હ કાયમ કર્યું છે.
હવે તમને જાણીને નવાઈ લાગશે કે હેલન કેલરનો જન્મ થયો એનાં વર્ષો પહેલા બીજી એક સ્ત્રી આવો જ માઈલ સ્ટોન સ્થાપી ચૂકી હતી. એનું નામ લૌરા બ્રિજમેન. આજે તમને આ નામ તદ્દન અજાણ્યું લાગશે, પણ એક સમય હતો જ્યારે એની ગણના દુનિયાની સૌથી જાણીતી વ્યક્તિઓમાં થતી હતી. હેલન કેલરે જે સિદ્ધિઓ મેળવી એમાં લૌરા બ્રિજમેનનો પણ આડકતરો ફાળો હતો. જો લૌરા વહેલી ગુજરી ગઈ હોત તો કદાચ હેલન પણ બીજા અપંગ બાળકોની જેમ થોડાં વર્ષો કાચું-પાકું જીવીને ગુજરી ગઈ હોત!
કોણ હતી આ લૌરા? હેલન કેલરના જીવન ઉપર એનો આટલો પ્રભાવ શા માટે?
લૌરા બ્રિજમેનનો જન્મ ૧૮૨૯માં,એટલે કે હેલન કેલર કરતાં પાંચ દાયકા અગાઉ…! અમેરિકાના ન્યૂ હેમ્પશાયર ખાતે આવેલા નાનકડા નગર હેનોવરમાં રહેતા ડેનિયલ બ્રિજમેન અને એની પત્ની હાર્મનીની ત્રીજી દીકરી એટલે લૌરા.
આમ તો પરિવાર સુખી હતો, પણ કાળની નજર લાગી અને લગભગ આખો પરિવાર બેક્ટેરિયલ ઇન્ફેકશનને કારણે થતા સ્કારલેટ ફીવર નામક રોગમાં સપડાયો. આ રોગે લૌરાની નિયતી બદલી નાખી! બ્રિજમેન પરિવારની મોટી બંને દીકરીઓ તાવમાં મૃત્યુ પામી. લૌરા બચી તો ગઈ, પણ જીવતી લાશ જેવી! કુદરતે મનુષ્યને પાંચ ઇન્દ્રિયો આપી છે. દ્રષ્ટિ, શ્રવણેન્દ્રિય (સાંભળવાની શક્તિ), ઘ્રાણેન્દ્રિય (સૂંઘવાની શક્તિ), સ્વાદેન્દ્રિય (જીભ) અને સ્પર્શેન્દ્રિય (સ્પર્શ દ્વારા અનુભવ), પણ સ્કારલેટ ફીવર લૌરાની પાંચ પૈકીની ચાર ઈન્દ્રિયને તો ભરખી ગયો! જીવ તો બચી ગયો, પણ માત્ર સ્પર્શની જ સેન્સ બાકી બચી. જોવાની, સાંભળવાની, સૂંઘવાની કે સ્વાદનો અનુભવ કરવાની શક્તિ લૌરા ગુમાવી બેઠી..!
ખેડૂત પરિવાર માટે તો એક દીકરી બચી ગઈ એ જ મહત્ત્વનું હતું. સમય વીતતા લૌરાની તબિયતમાં સુધારો આવ્યો ખરો પણ લૌરા હવે આજીવન બહેરી અને આંધળી રહેશે, એવું જાણ્યા બાદ કુટુંબનું વલણ બદલાઈ ગયું. મા તો મા હોય. બાળક નબળું હોય તો એનો પ્રેમ ઉલ્ટાનો વધી જાય, પણ બીજા સભ્યોનું શું? લૌરાની માતાએ દીકરીની સવિશેષ કાળજી રાખવાની શરૂઆત કરી, પણ પિતા સહિતનો બાકીનો પરિવાર લૌરાથી દૂર જ રહેવા માંડ્યો!
મનુષ્ય ગજબનું સ્વાર્થી પ્રાણી છે. આપણને પરિવાર જોઈએ છે, પણ એ પરિવાર આપણી મરજી મુજબનો જ હોવો જોઈએ. જો એકાદ સભ્ય બિચારું કુદરતી રીતે જરા જુદું હોય, તો બીજા સભ્યો આપોઆપ પોતાની જાતને પેલા સભ્યથી અળગી રાખવામાં જ ભલાઈ સમજે છે. લૌરા સાથે પણ કંઈક એવો જ વર્તાવ થયો. ઉલટાનું એના પિતાને તો લૌરા પ્રત્યે રીતસર અભાવ થઇ આવ્યો. એને પ્રેમ આપવાનું તો બાજુએ રહ્યું, પણ આંધળી- બહેરી છોકરીને ‘શિસ્તબદ્ધ’ કઈ રીતે રાખવી એની ચિંતા ડેનિયલને થતી. એક વાર એણે ડિસિપ્લીનનો ‘ડેમો’ આપવા માટે લૌરાની નજીક જઈને પોતાનો પગ જમીન પર જોરથી પછાડ્યો, જેથી એના વાઈબ્રેશન્સને કારણે નાનકડી લૌરા ધ્રૂજી ઊઠે! બિચારી બાળકીએ દુનિયા જોઈ જ નહોતી, પણ દુનિયા એને ડિસિપ્લીન શીખવવા તલપાપડ હતી!
જો કે આ બધા અનુભવો વચ્ચે લૌરાને એના જેવો જ એક દોસ્ત મળી ગયો. ટેની નામનો એક છોકરો બિચારો માનસિક ક્ષતિને કારણે બરાબર બોલી નહોતો શકતો. એટલે મજબૂરીવશ ઈશારાઓ દ્વારા વાતો કરવાની કોશિશ કરતો.
આમ ટેની અને લૌરા, બંને પાસે ભાષા-વાણીનું માધ્યમ નહોતું. અને એટલે જ બંને એકલું-અટુલું બાળપણ વેઠતાં હતાં. એવામાં બંનેનો ભેટો થઇ ગયો, અને બેય બાળકો એકબીજા સાથે સ્પર્શ દ્વારા વાત ‘કરતા’ શીખી ગયા. આ પણ કુદરતની કેવી બલિહારી! જ્યાં શારીરિક-માનસિક રીતે સક્ષમ પરિવાર પોતાની જવાબદારી ચૂક્યો, ત્યાં કુદરતે એક એવો મિત્ર આપ્યો, જે લૌરાને સમજી શકતો હતો! પાછળથી લૌરાએ પોતાનું બાળપણ આનંદમય બનાવવાની સઘળી ક્રેડિટ આ ટેનીને જ આપેલી. ટેની મૂળે તો બ્રિજમેન પરિવારનો ચાકર ગણાય. ટેનીને કેટલાક નેટિવ અમેરિકન લોકો સાથે દોસ્તી હતી. આ લોકો ‘અબેનાકી’ તરીકે ઓળખાતી પ્રજાતિના હોવાનું કહેવાય છે. આ પ્રજાતિના લોકો હાથના ઈશારા વડે બોલાતી ‘ભાષા’નો ઉપયોગ કરતા. સેન્ટ્રલ કેનેડાના કેટલાક વિસ્તારોમાં વસતા આદિવાસીઓ આવી ભાષાનો ઉપયોગ કરે છે, જ¡Plains Indian Sign Language (PISL)’ તરીકે ઓળખાય છે. સાદી ભાષામાં એને ‘હેન્ડ ટોક’ પણ કહેવાય.
ટેની પોતાના મિત્રો પાસેથી આવી ભાષા શીખી ગયેલો. અને પોતાની નાનકડી દોસ્ત લૌરાને પણ એણે આ ભાષા શીખવાડી.
પરિણામે લૌરા હેન્ડ ટોક વડે કાચું-પાકું કમ્યુનિકેશન શીખી.
જોવાની વાત એ છે કે એક ગૂંગી-બહેરી-આંધળી છોકરી માટે એના પિતાએ જ આશા છોડી દીધેલી, પણ એક માનસિક વિક્ષિપ્ત ગણાતા છોકરાએ એ છોકરીને ‘વાત-ચીત’ કરતા શીખવાડ્યું! આવી ઘણી કમાલ લૌરા બ્રિજમેનના જીવનમાં થવાની હતી, જેની સીધી અસર હેલન કેલરના જીવન પર પડવાની હતી….
આ રસપ્રદ વાતો આપણે જાણીશું આવતા સપ્તાહે…..