વીક એન્ડ

વાત થાળી જેવડા કારોળિયાઓની…

નિસર્ગનો નિનાદ – ધર્મેન્દ્ર ત્રિવેદી

લગભગ નેવુંના દાયકામાં એક ફિલ્મ બહુ ચર્ચાયેલી અને હિટ પણ ગયેલી. ફિલ્મનું નામ હતું આરાકનોફોબિયા. માનસશાસ્ત્રમાં અનેક પ્રકારના ફોબિયા નક્કી થયા છે. જેમાંના ઘણા ફોબિયા તો એવા છે જે જાણીને આપણને આશ્ચર્ય લાગે કે આવા તે કાઈ ફોબિયા હોતા હશે? પણ આપણે પહેલાં એ સમજી લઈએ કે યે ફોબિયા ફોબિયા કયા હૈ . . .’ અંગ્રેજી શબ્દ ફોબિયા એટલે કે કોઈ પણ વસ્તુ કે સ્થિતિના લીધે માનવના મનમાં જન્મ લેતો જરૂર કરતાં વધારે પડતો ડર. હવે કારોળિયા પ્રાણીસૃષ્ટિમાં આરાકનીડ શ્રેણીમાં આવે છે. આમ તો આ સિવાય પણ બીજી શ્રેણીઓ છે કારોળિયાઓની, પરંતુ આપણે એ વિજ્ઞાનમાં ઊંડે ઊતરવું નથી. આ ફિલ્મના કારણે આરાકનીડ શબ્દ ખાસ્સો પ્રસિદ્ધિ પામેલો. ઉંદર, ગરોળી અને કરોળિયાનો ડર એ સ્ત્રી વર્ગમાં જોવા મળતો સૌથી સામાન્ય ફોબિયા છે. સાવ નાનું એવું કારોળિયું જોયું નથી કે એવી તો ચીસો પાડે કે એમ જ લાગે કે જાણે ઘરમાં ડાયનોસોર ઘરી ગયો હોય …

પણ અગાઉ આપણે જોઈ ગયા તેમ કારોળિયાની એક અલગ દુનિયા છે, તેનો ઉદ્દભવ, ઉત્ક્રાંતિ અને તેની જાળાં બનાવવાની પ્રક્રિયા વિષે આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ. આજે આપણે થોડા એવા કારોળિયા વિષે જાણીશું કે જે વિશ્ર્વના સૌથી મોટા કદના કારોળિયા છે. આટલું વાંચતાં જ તમારા મનમાં લડ્ડુ ફૂટવા માંડ્યા હશે કે હા ઈ તો મને ખબર છે, ઈ તો મને ખબર છે . . . ટેરેન્ટુલા જ હશે . . . તો હા ભાઈ હા, પરંતુ તે કેટલા મોટા હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તો ચાલો લગે હાથ એક નવાઈની વાત કરી દઉ. ટેરેન્ટુલાની વાત કરીએ એટલે આપણને એમેઝોનના અડાબીડ જંગલો યાદ આવી જશે, પરંતુ ગુજરાતનાં ડાંગ અને ગીરના જંગલોમાં પણ ટેરેન્ટુલાની એક-બે જાતો જોવા મળે છે. ડાંગના પ્રવાસ દરમિયાન એક ફોરેસ્ટ ઓફિસર મિત્ર સાથે ટેરેન્ટુલા રૂબરૂ જોવા મળેલો અને તેની ફોટોગ્રાફી પણ કરેલી. ડાંગી આદિવાસીઓ ટેરેન્ટુલાને પતાલગિરિ’ કહે છે. આ નામનો સીધો અર્થ છે જમીનમાં રહેતો મહાકાય કરોળિયો. ટેરેન્ટુલા ગ્રાઉન્ડ સ્પાઈડર હોય છે. અને ટેરેન્ટુલા ઝેરી જાતિ છે અને પોતાના બચાવ અને શિકાર માટે કુદરતે તેને ડંખ મારવાની શક્તિ અને શરીરરચના આપી છે.

વિશ્ર્વના મોટા ભાગના વિશાળ કરોળિયા ટેરેન્ટુલા પરિવારના હોય છે અને તેઓ નાના પક્ષીઓ, ગરોળી, દેડકા અને માછલી પણ ખાઈ શકે છે. વિશાળ કરોળિયા આક્રમક નથી હોતા, પરંતુ તેઓ પોતાને અથવા પોતાના ઇંડાને બચાવવા માટે જ ડંખ મારશે. નર કરોળિયામાં સેટા નામની શરીરરચના હોય છે જેનો ઉપયોગ પોતાના સંરક્ષણ અને અવાજ ઉત્પન્ન કરીને માદાને આકર્ષવા માટે કરે છે. અચરજ એ થાય કે મોટા કદના કરોળિયા માણસો પણ સાંભળી શકે તેટલા મોટા અવાજો ઉત્પન્ન કરી શકવાની ક્ષમતા ધરાવે છે. છે ને નવી વાત? તો ચાલો આપણે હવે થોડા દૈત જેવડા કારોળિયાવનો પરિચય કરીએ.
ગોલિયાથ બર્ડ ઈટર નામનો કરોળિયો વિશ્વનો સૌથી મોટો સ્પાઈડર છે, અને એનું વજન લગભગ ૧૭૫ ગ્રામ એટલે કે પોણા બસ્સો ગ્રામ હોય છે, અને તેનું કદ લગભગ ૧૨ ઈંચ એટલે કે એક ફૂટ જેટલું મોટું હોય છે. ગોલાયથ માનવને પણ કરડી જાય છે, પરંતુ તેનો દંશ માનવ માટે ઘાતક નથી. તેની વિચિત્રતા એ છે કે તેના પર હુમલો થાય તો તે પોતાની પૂઠના કાંટાળા વાળ હવામાં ઉડાડે છે જે શિકારી કે ખતરાની ત્વચા અને આંખોમાં દિવસો સુધી ખંજવાળ અને બળતરા પેદા કરે છે. આ સ્પાઈડર ક્યારેક પક્ષીઓને પણ ખાઈ જાય છે એટલે તેનું નામ બર્ડ ઈટર પડ્યું છે. ઉત્તર દક્ષિણ અમેરિકાના વરસાદી જંગલો અને પાણી કીચડ વાળા વિસ્તારોમાં વસતા આ કારોળિયાને ત્યાંનાં રહેવાસીઓ શેકીને
ખાઈ જાય છે. નવી ફેશન મુજબ લોકો તેને પાળે પણ છે!

જાયન્ટ હન્ટ્સમેન સ્પાઈડર. આ હન્ટ્સમેન કરોળિયાના પગ ખૂબ જ લાંબા અને મોટા હોય છે. હન્ટ્સમેન કરોળિયા તેમના પગના દેખાવ પર થી જ ઓળખી શકાય છે, આ કરોળિયો જો માનવને કરડે તો હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. આ પ્રજાતિના કારોળિયા પણ બાર ઈંચ જેટલા કદના હોય છે. મજાની વાત એ છે કે માદાને આકર્ષવા માટે હન્ટ્સમેન નર મોટેથી આપણી ક્વાર્ટઝ વોલકલોક જેવો ટીક-ટીક અવાજ કરે છે. હન્ટ્સમેન કારોળિયા થાઈલેન્ડમાં માત્ર લાઓસની ગુફામાં અને તાઈવાનમાં પણ જોવા મળે છે.

બ્રાઝિલિયન સેલ્મોન પિંક બર્ડઈટર એ વિશ્ર્વમાં ત્રીજો સૌથી મોટો કરોળિયો છે. કદમાં અગિયાર ઈંચ જેટલો હોય છે. આ જાતિના નર કારોળિયાનાં પગ માદા કારોળિયા કરતાં લાંબા હોય છે, પરંતુ માદા કારોળિયા નર કરતાં વધુ વજનદાર હોય છે. આ કારોળિયાને પાંજરે પૂરો તો પણ તે સરળતાથી પ્રજનન કરે છે. સેલ્મોન પિંક બર્ડઈટર કારોળિયા બ્રાઝિલના વર્ષાવનોમાં જ જોવા મળે છે.

આવો જ એક બીજો પ્રચંડ કરોળિયો પણ દક્ષિણ અમેરિકાના બ્રાઝીલના વર્ષાવાનોમાં વસે છે. ગ્રામોસ્ટોલા એન્થ્રેસીના નામના આ કરોળિયાનું કદ લગભગ ૧૦ ઈંચથી પણ વધુ જોવા મળે છે. ગ્રામોસ્ટોલા જાતિનો આ કરોળિયો પણ ટેરેન્ટુલાની જ એક એવી જાતિ છે જેને માનવ જોખમ વગર પાળી શકે છે.

આ કરોળિયો જંગલમાં કંસારીથી માંડીને મોટા કદના ઊંદરોનો શિકારે કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગ્રામોસ્ટોલા પ્રજાતિનો આ મહાકાય કરોળિયો આશરે ૨૦ વર્ષ સુધી જીવે છે. આ જાતિના કારોળિયા દક્ષિણ અમેરિકામાં ઉરુગ્વે, પેરાગ્વે, બ્રાઝિલ અને આર્જેન્ટિનામાં જોવા મળે છે.

કેમલ સ્પાઈડર. આ સ્પાઈડરનું નામ એટલા માટે પડ્યું કારણ કે તે સવારના બ્રેકફાસ્ટમાં ઊંટ ખાય છે… કયા ફેંકતા હૈ બે… જસ્ટ કીડિંગ. પરંતુ તેનું નામ કેમલ સ્પાઈડર એટલા માટી પાડવામાં આવ્યું છે કે તે રણમાં રહે છે અને તેનો રંગ ઊંટ જેવો હોય છે. ઘોડા અને ગધેડાની મિશ્ર જાતિને જેમ આપણે ખચ્ચર કહિએ છીએ તેવી જ રીતે કેમલ સ્પાઈડર વીંછી અને કરોળિયા વચ્ચેની ક્રોસબ્રીડ છે, વિંછિને પૂંછડીમાં જેમ ડંખ હોય છે તેવા જ પ્રકારના બે ડંખ તેના મોં આગળ હોય છે. આ વિચિત્ર પ્રકારનો સ્પાઈડર અવાજો પણ કરી શકે. રણમાં વસતા આ કારોળિયાની દોડવાની ઝડપ ગજબની હોય છે. આ સ્પાઈડર લગભગ કલાકે ૧૬ કિલોમીટરની ઝડપથી દોડી શકે છે, પણ ગભરાવાનું કારણ નથી કારણ કે દોડીને એ તમને કરડે તો માનવને તેની બહુ અસર થતી નથી. આ કરોળિયો ઓસ્ટ્રેલિયાના રણ અથવા ઝાડીઝંખરા વાળા વિસ્તારોમાં કાયમી વસવાટ કરે છે.

આમ, ચિત્ર વિચિત્ર ભીમકાય કારોળિયાની દુનિયામાં ભારત અને શ્રીલંકામાં એક ભીમકાય કરોળિયો થાય છે જેનું નામ ‘ફેસ સાઈઝ્ડ’ સ્પાઈડર છે. માનવના મોંના કદનો હોવાથે એનું નામ આવું વિચિત્ર છે. ઘરમાં નાનો કરોળિયો જોઈ ચીસાચીસ કરી મૂકતી મહિલાની ભલે આપણે મજાક કરીએ, પરંતુ જૂના જમાનાની પિત્તળની થાળી જેટલા કદનો કોઈ કરોળિયો એકાએક તમારી સામે આવી જાય તો શું તમે ફોબિયાનો પ્રકાર શોધવા બેસશો? કે પછી ઓઈઈઈઈઈઈઈઈ માઆઆઆ કરીને પલંગ પર ચડી જશો?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button