વાત એક રૂપકડી ગરોળીની…
નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી
એકવાર એક મિત્રએ મને ફોન કર્યો : ‘યાર, તું સાપ પકડે છે તો મારા ઘરમાં એક મગર જેવી ગરોળી આવી ગઈ છે તો તું નો કાઢી દે? ’
મારી સર્પ બચાવની પ્રવૃત્તિના કારણે લોકો એવું સમજતા હોય છે કે હું જો સાપ પકડી શકતો હોઉ તો ગરોળા પકડવા તો મારે માટે તો ડાબા હાથનો ખેલ હોય ને . . . પણ ગરોળી પકડવાની બાબત મારા માટે પણ બીજા બધા જેવી છે મતલબ કે મને પણ બધાની જેમ ગરોળીની ચીતરી ચડે છે!
ગરોળી જોતાની સાથે જ મારું ચાલે તો હું પણ ‘ઓય માઆઆઆઆ…’ ચીસ પાડીને ટેબલ કે પલંગ પર ચડી જાઉ! મોડે મોડે મને એનું કારણ સમજાયેલું કે બાળપણમાં ગરોળીનું એક ટચૂકડું
બચ્ચું મારા ગોઠણ નીચે આવીને છૂંદાઈ ગયેલું અને ત્યારે એના ફૂટવાનો અવાજ મારા અંતરમનમાં બેસી ગયો છે.
વાત આજે કરવી છે તો ગરોળીની, પરંતુ મારા- તમારા અને સૌના ગરોળી પ્રત્યેના પૂર્વગ્રહની નહીં, પરંતુ આપણી આસપાસમાં વસતી ગરોળીઓની પણ નહીં. વગડામાં વસતી એક સુંદર ગરોળીની વાત કરવાની છે આજે…
કયા બોલા બે? ગરોળી અને એ બી સુંદર ? ચલ, ગાંડા ન કાઢ !
ગરોળી એ પેટે સરકીને ચાલતો જીવ હોવાથી સરીસૃપ છે. વિશ્ર્વભરમાં ગરોળીઓની લગભગ ૩૩૫ જાતિ છે, ભારતમાં ૪૨ અને ગુજરાતમાં કુલ ૨૪ જેટલી જાતિની ગરોળી જોવા મળે છે. હવે આમાં મૂંઝવણ એ છે કે આપણે ગરોળી એટલે ગરોળી અને અંગ્રેજીમાં ‘લિઝાર્ડ’ . . . પણ ના દોસ્તો, કુળ ભલે એક હોય, પરંતુ અંગ્રેજીમાં બે શબ્દ છે.
એક તો ‘લિઝાર્ડ’ અને બીજુ ‘ગેકો’. લિઝાર્ડસમાં કાચીંડાથી લઈને મસ મોટી ઘો સુધીના જીવો અને તેની જાતિઓ આવી જાય, પરંતુ આપણાં ઘરની દીવાલે લટક મટક ચાલતી જીવડા ખાતી અને ઘરની આસપાસના ઈંટ માટી અને પથ્થરોના ઢગલાઓમાં તથા જંગલ ઝાડીઓમાં જોવા મળતી ગરોળીઓને અંગ્રેજોએ તેના શારીરિક લક્ષણો પરથી ‘ગેકો’ નામ આપ્યું છે. મુખ્યત્વે જે ગરોળીના પગમાં નખ હોય તે લિઝાર્ડ અને જે ગરોળીના પગમાં કોઈ પણ સપાટી પર ચીપકી જાય એવી રચના હોય અને દીવાલ સહિત ગમે ત્યાં ચડી જઈ શકતી નાના કદની હોય એ ‘ગેકો’ .
મોટે ભાગે ગેકોઝ બદસૂરત અને ચીતરી ચડે એવી જ હોય છે, પરંતુ અમુક ગેકોઝની જાતિઓ એવી છે જેને જોઈને સૌ કોઈને શાહરૂખ ખાનની જેમ ફ્લાઈંગ કિસ આપવાનું મન થઈ જાય . . .
‘શું ફેંકે છે યાર?’…
ઓકે ઓકે. . . એટલો બધો પ્યાર ના આવે કદાચ, પરંતુ ગરોળી જોઈને આપણને જેમ ઊબકા આવે એવું તો નહીં થાય, ઊલટાનું એને જોઈને તેને નીરખી રહેવાનું મન તો જરૂર થશે… ગેરંટી! તો આપણી આજની હીરોઈનનું નામ છે ‘લેપર્ડ ગેકો ’ લેપર્ડ એટલે દીપડો અને ગેકો માને ગેકો, યાર!
આ નામ સાંભળીને જ આપણને થોડો ખ્યાલ તો આવી જ જાય કે જે ગરોળીના શરીર પર દીપડા જેવા ધબ્બા હશે તેનું જ નામ વૈજ્ઞાનિકોએ ‘લેપર્ડ ગેકો’ પાડ્યું હશે….તો હા, લેપર્ડ ગેકોના શરીર પરની ડિઝાઈન અને રંગો એટલા સરસ હોય છે કે ભલભલા જોતાં જ રહી જાય.
લેપર્ડ ગેકો મિડલ ઈસ્ટના દેશો અને મધ્ય ભારતથી લઈને છેક ઉત્તર ભારતમાં બધે જ જોવા મળે છે, મતલબ કે ગુજરાતમાં પણ લેપર્ડ ગેકો જોવા મળે છે, દીપડા જેવું રંગબેરંગી શરીર ઉપરાંત લેપર્ડ ગેકોની ખાસિયત છે કે તે સ્વભાવે સાવ શાંત છે.
ઘરની ગરોળીને જેમણે પકડી હશે એ જાણતા હશે કે ગરોળુ પકડાઈ જાય ત્યારે કેવા કેવા ઉધમ મચાવે છે, પરંતુ આપણાં દીપડી ગરોળી પકડાઈ જાય તો પણ શાંત રહે છે.
મોટા ભાગની ગેકોઝને આંખ પર પોપચા હોતા નથી, પરંતુ લેપર્ડ ગેકોને પોપચાં પણ હોય છે અને માનવની અને અન્ય પ્રાણીઓની માફક તે આંખો પણ પટપટાવે છે અને ઊંઘી જાય ત્યારે આંખો બંધ કરીને સૂવે છે. અન્ય ગરોળા જેમ લેપર્ડ ગેકો પર હુમલો થાય ત્યારે તે પોતાની પૂંછડી ખેરવી નાખવાની અને નવી પૂંછડી ઉગાડવાની ક્ષમતા પણ ધરાવે છે, પરંતુ લેપર્ડ ગેકો બચતમાં માને છે… ઓહો… હા , લેપર્ડ ગેકો પૂંછડીમાં ચરબી જમા કરી રાખે છે અને જીવડાઓનો દુષ્કાળ પડે ત્યારે પૂંછડીની એ ચરબીથી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. લેપર્ડ ગેકોની ખાસિયત એ છે કે તે સ્પાઈડરમેનની જેમ દીવાલો પર ચડી શકતી નથી, કારણ કે તેના પંજામાં સકર નામનું ચોંટી જાય તેવું અંગ હોતું નથી, પરંતુ લિઝાર્ડસની માફક પંજામાં નાના નખ હોય છે.
દુનિયાની લગભગ તમામ ગરોળી અવાજો કરી શકે છે, પરંતુ આપણી લેપર્ડ ગકો બીજી ગરોળીઓ કરતાં થોડો અલગ અવાજ કાઢે છે. સામાન્ય રીતે ઘરમાં ગરોળીઓનો અવાજ તમે સાંભળ્યો હશે ચક ચક ચક એવા અવાજ કરે, પરંતુ લેપર્ડ ગેકોનો અવાજ ભસવા જેવો
હોય છે.
બીજી ગેકોઝની માફક જ્યારે ખતરો અનુભવે ત્યારે અથવા નજીકમાં કોઈ માદા છુપાયેલી હોય ત્યારે તેની સાથે લવ કે અફસાને ગાવા માટે તે આવા અવાજો કરતી હોય છે. અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે લેપર્ડ ગેકોને લોકો પાળે પણ છે અને તેની મહત્તમ લંબાઈ ૯ ઈંચ જેટલી થાય છે અને પાલતુ અવસ્થામાં તે દસેક વર્ષ તો આરામથી જીવી જાય છે. લેપર્ડ ગેકો શિકાર કરતી વખતે, પોતાના વિસ્તારનું રક્ષણ કરતી વખતે અને ઈલુ ઈલુ કરતી વખતે પોતાના અવાજમાં ગાય છે કે ‘આજા તુજ કો પુકારે મેરા પ્યાઆઆઆઆર… ઓ મેરે મિતવા. ..! ’
હવે છેલ્લે એક મજાની અને નવાઈ પમાડે એવી એક વાત કરીએ…
લેપર્ડ ગેકો પ્રેમમાં પડે, આશિયાના બનાવે અને અંતે ઈંડા મૂકે. માણસની જેમ બાબો કે બેબીની ચિંતા લેપર્ડ ગેકો નથી કરતી. એણે બાબો કે બેબી એ મુદ્દો ઈશ્ર્વર ઈચ્છા બળવાન માનીને કુદરત પર છોડી દીધું છે.
ગેકો અનેક ઈંડા મૂકે અને મજાની વાત એ છે કે જ્યાં ઈંડા મૂક્યા હોય તે વિસ્તારના ટેમ્પરેચર પર બાબા કે બેબીઓ નક્કી
થાય છે.
૩૨ ડિગ્રી તાપમાન પર ઈંડા સેવાય તો તમામ બચ્ચા બાબા હોય, ૨૭ ડિગ્રી તાપમાન પર બધા ઈંડામાંથી બેબી હોય અને ૨૯.૫ ડિગ્રી તાપમાન પર પચાસ ટકા બાબા અને પચાસ ટકા ઈંડામાંથી બેબી જન્મશે ….!