વીક એન્ડ

ફળફળાદિને બદલે દર્દી માટે લોટરીની ટિકિટ લઇને જાવ!

ઊડતી વાત -ભરત વૈષ્ણવ

રાજુ એક -બે સફરજન, મોસંબી, ચીકુ, ત્રોફા (અરે, ન સમજ્યા? લીલા નારિયેળને ત્રોફા કહે છે. છૂંદણા છુંદવાને પણ ત્રોફાવ્યાં કહે છે.) લઇને મારા ઘરે મારી ખબર કાઢવા આવ્યો.
‘ગિરધરભાઇ. ગેટ વેલ સુન કેમ કરતાં ખાટલો પકડ્યો?’
‘કાર વચ્ચે કૂતરું આવ્યું બચાવવા જતાં ખાટલો આવ્યો….બાય ધ વે, રાજુ. તને ખબર ન પડે કે કોઇની ખબર કાઢવા જઇએ તો ફળફળાદિ લઇને ન જવાય’ મેં અકળાઇને કહ્યું.
‘ગિરધરભાઇ. કોઇની ખબર કાઢવા જઇએ તો બે કિલો વટાણા, મેથીની બે ઝૂડી , ફુદીનો કે લસણ છોલવા માટે ન અપાય? એટલે ફળફળાદિ જ આપવું સારું પડે. ફળ ખાઇ લે કે રસ કાઢીને પી લે એટલે ભયોભયો.’ રાજુએ તાર્કિક વાત રજૂ કરી.

‘રાજુ, એમાં બીમારનું શું દળદર ફીટે?’ મેં આક્રોશ દર્શાવ્યો પછી ઉમેર્યું:
‘રાજુ, આ ખબર કાઢવાની પ્રથાથી બીમારના કુટુંબીના કમરના મણકા ઢીલા થઇ જાય છે. ઉત્તર ગુજરાતમાં જીપો ભરીને દર્દીની ખબર કાઢવા આવે. મહેમાનોની સરભરમાં જમવા જુઠાડવામાં શારીરિક, માનસિક
અને આર્થિક ખુવાર થઇ જાય છે’ મેં વર્તમાન
અનુભવને આધારે પ્રવર્તમાન સિસ્ટમ સામે બખાળો કાઢ્યો.

‘ગિરધરભાઇ. ઘણી જગ્યાએ રોગીના ઓશિકે નાનીમોટી રકમનું કવર, બુકસ વગેરે મૂકી જાય છે.
સરકારી હોસ્પિટલોમાં રોગીના સગાના ધાડાં
જયાં જગ્યા મળે ત્યાં અઠેઠે દ્વારકા સમજીને ઘૂસી
જાય છે!

ફાઇવસ્ટાર હોટલ-હોસ્પિટલમાં તો સગાને રોગીના વોર્ડમાં કે રૂમમાં જ રહેવા દેતા નથી તો સગાનો સવાલ જ ઉપસ્થિત થતો નથી! સગા હોસ્પિટલની લોનમાં કે રિટાયરિંગ રૂમમાં લબડધબડ રહે છે.
આખા દિવસમાં એક વાર રોગી (વાસ્તવમાં હોસ્પિટલના એટીએમ કે કેદી)નું મુખ દર્શન કરાવે છે!’ રાજુએ રોગી રામાયણનું પઠન કર્યું.

‘રાજુ, આપણે આજુબાજુ બનતા બનાવોમાંથી પણ પ્રેરણા લેતા નથી. અમેરિકાના મેસેચ્યુસેટસના અટનબરોમાં આવો પ્રેરણાદાયી બનાવ બન્યો. તમે કોઇ પ્રેરણા લીધી?’ મેં ગુસ્સેલ અવાજે કહ્યું.
‘ગિરધરભાઇ. આપણા રાજ્યમાં લોટરી પર પ્રતિબંધ છે. જો કે ભૂતકાળમાં નિયામક લોટરીની કચેરી અને જિલ્લામાં કચેરી હતી.

આપણે ત્યાં ‘ગુર્જર લક્ષ્મી’ નામની લોટરી ચાલતી હતી. મોટું ઇનામ એકવીસ લાખ રૂપિયા હતું. દર
મહિને લોટરીનો જુદા જુદા જિલ્લા મથકોએ ડ્રો યોજાતો હતો.

લોટરી એટલે લાખો લોકોની આંખમાં સપના આંજી તેમની પાસેથી નાની રકમો પડાવી થોડા માણસોને કરોડપતિ કે લખપતિ બનાવવાની સમાજવાદી વ્યવસ્થા…!’ રાજુએ કહ્યું.
‘અમેરિકાના મેસેચ્યુસેટસના એટનબરોના વતની એલેકઝાન્ડરે હૃદયરોગની શસ્ત્રક્રિયા કરાવી હતી.

એના લંગોટિયો મિત્ર લેરી હોસ્પિટલમાં ખબર કાઢવા ગયો.

લેરી એલેકઝાન્ડર માટે ફળફળાદિ ન લઇ ગયો, ગેટ વેલ સુન અટલે શીઘ્ર સાજા થવાના સંદેશા સાથે સ્ક્રેચ કરવાની લોટરીની ટિકિટ મોકલાવી….
આ લોટરીમાં એક લાખે એકને લોટરી લાગવાની સંભાવના રહેલી છે. આ લોટરીમાં ક્રોસવર્ડ ભરવાનો રહે છે.

પહેલાં ત્રણ અક્ષરોમાં એડબલ્યુએમ હતો. પછી દિલ કોડ લગાવ્યો. ભાગ્યશાળીને ભૂત રળે તેમ એલેકઝાન્ડરને ૧ મિલિયન ડૉલર ઇનામ લાગ્યું. જેનું ભારતીય ચલણમાં રૂપિયા ૭.૫ર કરોડ થાય છે.
લેરીએ અગાઉ પણ એલેકઝાન્ડરને લોટરીની ટિકિટ આપેલી હતી, જેમાં એક હજાર ડૉલરનું ઇનામ લાગેલું હતું.

અલબત, લેરીએ લીધેલ ટિકિટ પર લેરીને ઇનામ મળ્યું કે નથી મળ્યું તેની સ્પષ્ટતા કરેલી નથી.’ મેં રાજુને કહ્યું.

‘ગિરધરભાઇ. અમારો એક મિત્ર છે. મુકેશ ઠકકર તેનું નામ. લોટરીનો ગાંડો શોખ. પગારના નેવું ટકા લોટરીની ટિકિટ ખરીદવામાં વાપરે.

કદી છેલ્લા નંબર પર પાંચ-પચાસ રૂપિયાનું જંગી ઇનામ લાગેલું. તે સિવાય કરોડ બે કરોડનું મામૂલી ઇનામ ક્યારેય લાગેલું નહીં.

પોતાના મકાનમાં રહેવા જતાં કવાર્ટર ખાલી કર્યું
તો બે પવાલી-કોઠી- પીપ ભરીને લોટરીની ન
લાગેલી રદી ટિકિટો ફાડી…’ રાજુએ લોટરી બોમ્બ ફોડ્યો.

‘આ બધી લમણાઝીંકના અંતે દસ કરોડના ઇનામની પાંચ ટિકિટ આપી ગયો. થવાનું શું હતું? મારા અને રાજુના નસીબમાં શકોરૂં જ હોય તો લોટરીથી શું દળદર ફીટે ?!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button