સ્વિમિંગ પૂલ્સ હવે આઉટડેટેડ… ખુલ્લામાં તરવાની હોડ લાગી છે!
કવર સ્ટોરી – પ્રથમેશ મહેતા
બરાબર ૧૦૦ વર્ષે ફ્રાન્સના પૅરિસમાં ફરી એક વાર ઑલિમ્પિક ગેમ્સનો મેગા રમતોત્સવ શરૂ થઈ ચૂક્યો છે. શાનદાર અને અદ્ભુત ઓપનિંગ સેરેમનીમાં પૅરિસની સેન નદી કેન્દ્રસ્થાને હતી. વિશ્ર્વના કરોડો લોકો એવા હશે જેમણે ક્યારેય સેન નદીનું નામ પણ નહીં સાંભળ્યું હોય, પરંતુ એક ઓપનિંગને લીધે આ રિવરનું નામ હવે દુનિયાના ખૂણેખૂણે ચર્ચાતું થયું છે. અહીં આ લેખમાં આપણે નદીની જ વાત કરવી છે, પણ થોડી અલગ રીતે.
તમને અગાઉની તરણ સ્પર્ધાઓ યાદ આવશે જે મુખ્યત્વે સ્વિમિંગ પૂલમાં યોજાતી હતી, પણ આ વખતે તમને એવી કેટલીયે તરણ સ્પર્ધાઓ જોવા મળશે જે ખુલ્લામાં અર્થાત કુદરતી જળાશયોમાં યોજાશે.
પૂરા વિશ્ર્વ સહિત ભારતના યુવાનોને હવે નદીઓ, તળાવો અને સમુદ્રની ચેનલોમાં તરવાનું એવું ઘેલું લાગ્યું છે કે હાઇપોથર્મિયા નામની બીમારીની શક્યતા હોય કે જેલિફિશના ડંખની વેદના. ગમે ત્યારે પલટાતું હવામાન હોય કે દરિયાઇ સાપનો ભય, સી સિકનેસથી માંડીને મૃત્યુની નજીક લઇ જતાં અનેક બનાવો કેમ ન બને પણ આ રોમાંચક રમતોએ હવે યુવાનોને ધેલું લગાડ્યું છે. આ બધો રોમાંચ કૃત્રિમ અને બંધિયાર સ્વિમિંગ પુલમાં ક્યાંથી મળે?
મિનેશ બાબલા નામના તરણવીર જેણે પાર્ટનર મહેશ વેદ નામના સોફ્ટવૅર એન્જિનિયર સાથે મળીને ‘મુંબઇ સી સ્વિમર્સ’ની સ્થાપના કરી છે એ કહે છે કે આજની યુવા પેઢી સલામત સ્વિમિંગ પૂલો છોડીને આવાં જોખમી અને કુદરતી જળાશયોમાં તરવાની ઇચ્છા રાખે છે કારણ કે આ તેમનો શોખ થઇ ગયો છે. ખુલ્લામાં તરીને રોમાંચ મેળવવાની ધૂન સવાર થઇ છે.
૫ંચાવન વર્ષના મિનેશે ૨૦૧૬માં અમે આ ઑપન વૉટર સંસ્થાની શરૂઆત કરી ત્યારે મુઠ્ઠીભર લોકો એમાં જોડાયા હતા પણ આજે આવા ઇવેન્ટમાં ભાગ લેનારાઓની સંખ્યા ૩૫૦થી ૭૦૦ સુધી પહોંચી ગઇ છે. એપ્રિલમાં યોજાયેલી કોચી સ્વિમેથોનમાં ૬૦૦ તરવૈયાઓએ ભાગ લીધો હતો અને હજુ પણ આ સંખ્યા વધી રહી છે. ઑગસ્ટમાં પુડુચેરીમાં હજી વધુ સંખ્યામાં લોકો જોડાશે. ગયા વર્ષે અમે દરેક ઇવેન્ટમાં ૨૦૦થી વધુ તરવૈયાઓને પ્રવેશ ન આપવાનું નક્કી કર્યું હતું, પણ આ વખતે ભારે ડિમાન્ડ હોવાથી અમારે આ સંખ્યા વધારીને ૩૦૦ કરવી પડી છે એમ આ ઇવેન્ટના ઓર્ગેનાઇઝર અને ટ્રાઇ એથલીટ નિશાન્ત રવિચંદ્રન કહે છે.
આવા ઇવેન્ટમાં ભાગ લેનારાઓની સંખ્યા વધી રહી છે તેના કારણો આપતાં રવિચંદ્રન કહે છે કે લોકોને સમુદ્રમાં તરવાનો ક્રેઝ વધતો જાય છે. યુવાનોમાં ઉત્સાહ અને સાહસવૃત્તિ વધતી જાય છે.
બીજું એક કારણ એ પણ છે કે કોરોના સમયે સ્વિમિંગ પૂલ બંધ રહેવાથી યુવાનો તરવાનો શોખ પૂરો કરવા અને કસરત જાળવી રાખવા ખુલ્લામાં તરવાનો આશરો લેવા માંડ્યા. ચેન્નઇના કૉસ્ટ સર્ફિંગ ઇન્સ્ટ્રક્ટર મૂર્તિ મેઘાવનના કહેવા પ્રમાણે દસમાંથી બે પૂછપરછ ખુલ્લામાં તરવા માટેની હોય છે. હવે અમે લોકોને ખુલ્લામાં તરવાની ટ્રેનિંગ આપીએ છીએ. સલામતી સાથે તેમને શીખવીએ છીએ.
વાઇલ્ડ સ્વિમિંગ તરીકે ઓળખાતી આ પ્રવૃત્તિઓ વિશ્ર્વસ્તરે લોકપ્રિય બનતી જાય છે. કિનારે તરવાથી માંડીને નદીની અંદર ૨૦૦ કિમી. તરવાની તાલીમ અપાય છે. ન્યૂયોર્કની ધ હડસન રિવર સ્વિમમાં શીખવા દુનિયાભરથી શોખીનો આવે છે. આ વખતે પેરિસ ઑલિમ્પિકમાં પણ મેરેેથોન સ્વિમિંગ, ટ્રાયથ્લોન અને પેરાટ્રાયથ્લોન જેવી ખુલ્લા પાણીમાં સ્પર્ધાઓ યોજાશે.
વર્ષે લગભગ ૨૫૦૦૦થી વધુ ઑપન વૉટર ઇવેન્ટ્સ દુનિયાભરમાં યોજાય છે. એમાંય ઇંગ્લિશ ચૅનલ તરવાનો ક્રેઝ વધતો જાય છે. દર વર્ષે ૩૦૦થી વધુ લોકો આ સમુદ્રી સાહસ ખેડવાનો પ્રયાસ કરતા હોય છે. પણ પાંચમાંથી એક જ જણ એમાં સફળ થાય છે. વેણુગોપાલ નામની બૅંગલોરી તરણવીર કહે છે કે આ ચેનલ તરવા સ્ટાર્ટિંગ પોઇન્ટ પર એટલા ભારતીયો જમા થાય છે કે તે સ્થળને તમે લિટલ ઇન્ડિયા કહી શકો. જેમ પર્વતારોહણ માટે માઉન્ટ એવરેસ્ટ મહત્ત્વનો છે તેમ તરવૈયાઓ માટે આ ચૅનલ તરવી ગૌરવપ્રદ ગણાય છે એમ સફળતાપૂર્વક આ ચેનલ તરનારા વિજયવાડાના તરણવીર કૉન્સ્ટેબલ તુલસી ચૈતન્યે જણાવ્યું હતું. એ વધુમાં જણાવે છે કે આ પ્રવૃત્તિનું વળગણ વધતું જાય છે કારણ કે મને સ્વિમિંગ પૂલમાં હું ઇન્ચાર્જ હોઉં તેવું લાગે છે પણ ખુલ્લી જગ્યાઓમાં કુદરત આપણી ઇન્ચાર્જ હોય છે. દરેક અલગ અલગ ઉષ્ણતામાન વાળા પાણીમાં તરવું પડકાર સમાન હોય છે. કેટેલિના ચૅનલમાં પાંચ ડિગ્રી જેટલું નીચું ઉષ્ણતામાન હોય છે તો વળી કુક સ્ટ્રેઇટ ચૅનલમાં તો પાણી વૉશિંગ મશીનની જેમ ગોળગોળ ફરતું હોય છે જે ખરેખર રોમાંચક હોય છે.
વેણુગોપાલ વધુમાં કહે છે કે ઑપન વૉટર ઇવેન્ટમાં માત્ર તરવાનું જ નહીં કંઇ કેટલું વધુ શીખવાનું હોય છે. સી સિકનેસથી બતવાનું હોય છે. તરતી વખતે ૨૦ સેક્ધડની અંદર જ પાણી, જ્યૂસ, ઇલેક્ટ્રોલાઇટ્સ કે લાડુના ભૂક્કા ખાઇને શરીરની શક્તિ-સ્ફૂર્તિ જાળવવાની હોય છે નહીં તો હાઇપોથર્મિયા નામની બીમારી થવાની શક્યતાઓ વધી જાય છે.
લાંબા અંતરના તરણનો આ શોખ પાળવો ખર્ચાળ પણ છે, ઇન્સ્ટ્રક્ટર, ઉપરાંત સાથે રહેવા માટે એક બૉટ ધારક અને લોકોને શીખવવા માટે આખું સરોવર ભાડેથી લેવું પડે છે એટલે આ શોખ પોષવા અને શીખવા ઇચ્છુકોએ એ પ્રમાણે ફીની રકમ પણ ચૂકવવી પડે છે.
પરંતુ શોખ હોય તેને આ પોષાય પણ છે કારણ કે તેમને આમાં રોમાંચકારી તત્ત્વની પળેપળે અનુભૂતિ થાય છે અને તે માટે તેઓ કોઇ પણ આર્થિક,માનસિક કે શારીરિક જોખમ ઉઠાવવા પણ તૈયાર હોય છે.