સુતળી બોમ્બથી સુરસુરિયા સુઘી….
મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી
‘સોનાનો ભાવ તો જો ભૈ સાબ કેટલો વધી ગયો. તો પણ તમારા ભાઈ કંઈક ને કંઈક લેતા તો આવે જ’.’અમારે એને પણ શુકન પૂરતું એકાદ બિસ્કીટ તો લેવું જ એવું નક્કી..’ બે ઘરની દીવાલ વચ્ચે ડોકા કાઢી અને આજુબાજુના બૈરાઓ આવી રીતે વાત કરતા હોય. અને એમના બટકી ગયેલા ’ઈ’જુના થઈ ગયેલા પેંટ ના પાઈચા ગોઠણથી બટકાવી ચડ્ડી બનાવી માળિયામાં ચડ ઉતર કરતા પતિ નામના પ્રાણીઓને કાણાં વાળા ગંજી સાથે પત્નીની સલાહ પ્રમાણે બાવા-જાળા સાફ કરતા જોવા એ એક લ્હાવો છે. બે ટાઇમની આદુવાળી ચા અને જમવાની ફી માં હરાખપદુડો આખો દિવસ ઘરઘાટીની જેમ પારસેવો પાડે.પત્ની એની મા સાથે ફોન પર કલાકો સુધી સફાઇ પ્રોગ્રામનો જીવંત ચિતાર આપે અને જ્યારે બે કલાકની વાત પછી એમ કહે કે થાકી ગઈ છું મમ્મી પછી નિરાંતે ફોન કરું ત્યારે માળીયા માથેથી પડતુ મુકવાનું મન થાય.
આપણી ઉત્સવ પ્રિય પ્રજા વાઘ બારસથી જ દિવાળીનું સ્વાગત કરવા તૈયાર થઈ ગઈ હોય. મને વાઘ બારસનો મહિમા વર્ષો સુધી નહોતો સમજાણો પણ લગ્ન થયા સાથે જ ખબર પડી કે સારામાં સારો વાઘ ઉંદરડો બની જાય છે! આ વાતને મેં એટલી સહજતાથી સ્વીકારી લીધી છે કે હવે કોઈ સાચી વાત કહેવાની કોશિશ કરે તો પણ મને ખબર છે એમ કહીને અટકાવી દઉં છું. કોણ ઘેર પૂછવાની હિંમત કરે! આ પછીનો દિવસ એટલે ધન તેરસ. આ દિવસ એટલે મને જરા પણ ન ગમતો દિવસ કેમ કે ધનતેરસનો મહિમાં મેં સંધિ છૂટી પાડીને સમજી જ લીધો છે ’ધન’ હોય ’તે’ જ ’રસ’ લે, આપણે તો લોન પર જીવતા હોઈએ અને હપ્તા ભરવા માટે પણ હપ્તા કર્યા હોય તેમાં ધનતેરસને અને આપણને શું લાગે વળગે? આ પછીનો દિવસ એટલે કાળીચૌદશ. જૂનો અને જાણીતો જોક છે તો પણ આજની તારીખે લોકો હજુ હેપ્પી બર્થડે લખીને મોકલે છે ત્યારે મને એક વિચાર આવે છે કે જેમ દવાઓની એક્સપાયરી ડેઇટ હોય તેમ જોકની પણ એક્સપાયરી ડેઇટ હોવી જોઇએ.સરકારે જુના,ચવાઈ ગયેલા જોક્સ પર કળ ન વળે એવો ટેક્ષ નાખવો જોઈએ. અથવા જે રીતે એક્સપાયર્ડ દવા વેચનાર સામે કાનૂની પગલા લેવાય છે તેમ જ આવા લોકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવવી જોઇએ. જો કે આ દિવસે ઘણા લેભાગુ બાબાઓનો જન્મ થાય છે અને હજુ પણ તંત્રમંત્રમાં માનતી પ્રજા આ દિવસ ઉજવતી હોય છે. મેં તો વિજ્ઞાનમાં જ વિશ્ર્વાસ કરતા લોકોને અંધશ્રધ્ધા દૂર કરવા આ દિવસે સ્મશાનમાં રાત્રે ૧૨ વાગ્યે જઈને વડા ખાતા જોયા છે. હું પણ તેમાં જોડાવ છું, તમે એવું જરા પણ ન ધારી લેતા કે મને વિજ્ઞાનમાં રસ છે, મને વડાનું વળગણ ખરું એટલે એકલા ન ભાવે તો હું ઘેરથી સાંભાર લઈને જાઉં અને સારી પેટે ખાય લઉં! પણ એક સત્ય એ છે કે પરણેલા માણસે ડાકણથી ડરવાની જરૂર મને નથી લાગતી
દિવાળી સાથે સીઝન પૂરી નથી થતી પણ દિવાળીનો મહિમા વિશેષ છે. આખુ ઘર નવે નવું લાગે, રોશની અને દિવાથી ઝળહળતી શેરીઓ, મકાનો, મહોલ્લાઓ, દુકાનો. ઘરના આંગણમાં સજાવેલી ચિરોડીની રંગોળીઓ જોવો તો દિલ બાગબાગ થઈ જાય પણ બીજાના ઘરમાં! આપણને જ ખબર પડે કે મેડો સાફ કરવામાં, શેટ્ટીઓ, સોફાઓ, સામાન ફેરવવામાં કમર કેવી દુખી ગઈ હોય. રોશની માટે દિવામાં પૂરવાના ઘીના રૂપિયા કોની કોની પાસેથી ઉધાર લીધા હોય! અને રંગોળીના રંગ પૂરવામાં સમસ્યા આવી રહી હોય કેમ કે ચીંટુ, પીંટુ, રીન્કુ, મુન્નો આવીને ત્રણ ચાર વાર તો રંગોળી બગાડી જ ગયા હોય! રોશનીનું તો એવું છે કે આજ દિવસ સુધી મેં આજુ બાજુ વાળાની ‘રોશની’ જોઈને જ આનંદ માણ્યો છે એટલે હું આપણા ઘરની રોશનીને બચાવવા પ્રયત્ન કરતો હોઉં છું! આમ તો મેં રૂપિયાના કારણે ઘણા સંબંધો ગુમાવ્યા છે પણ તમે સવાલના પૂછતા ’કેમ?’ નહિતર મારે જવાબ આપવો પડશે કે બસ ઉછીના લીધા હોય અને પાછાં ન આપ્યા હોય જો કે જેમની પાસેથી ઉછીના રૂપિયા નથી લીધા એવા ચાર પાંચ મિત્રો સાથે આજે પણ સારા સંબંધો છે એટલે તેમને ત્યાં ચોપડાપૂજનમાં હાજરી આપવા જવાનું થાય છે અને મને તો પેઢીઓથી આ પ્રસંગમાં જવાનું થાય છે એટલે હું કોન્ફીડન્સ સાથે કહી શકુ છું કે હવે આ પૂજનનું નામ કોમ્પ્યૂટર પૂજન થવામાં વાર નહીં લાગે એ વાત નક્કી છે! આજે જ મેં એક એડ જોઈ કે તમારા કોમ્પ્યૂટરના ઓનલાઇન પૂજન માટે અત્યારથી જ બૂક કરાવો મારો ધ્યેય તો એટલો હોય કે ફટાકડાનો ખર્ચ બચી જાય કેમ કે ચોપડાપૂજન પત્યા પછી ફટાકડા હોસ્ટના જ ફોડવાના હોય. હું તો સહપરિવાર હાજરી આપુ. મારા આ મળતાવડા સ્વભાવને લીધે આજે હું કહી શકુ છું કે મારો છોકરો હિંમતવાન બન્યો છે અને એ પણ આવા કોઈકના સૂતળી બોમ્બ ફોડીને! બાકી મેં તો ૬ રૂપિયાનો લવીંગ્યા ટેટાનો બાંધો લઈ દિધો હોય અને એક એક છૂટા પાડીને ફોડાવ્યા હોય. આ તો માલેતૂજાર વ્યક્તિઓ છે કે જે પોતાના રૂપિયાનો ધૂમાડો કરી શકે પણ દરેકના નસીબમાં આવું શક્ય નથી બનતું એટલે અમારા કોર્પોરેશને એક સરસ વ્યવસ્થા કરી છે. એક જાહેર સ્ટેડિયમમાં જાત જાતના ફટાકડાઓ ફોડી અને લોકોની દિવાળી સુધારવામાં આવે છે. આવા અલભ્ય ફટાકડાઓ ફૂટતા જોઈને ગરીબ લોકો પોતે ફોડ્યાનો આનંદ મેળવી લેતા હોય છે પણ આ માત્ર ગરીબોની જ નહીં ઘણા બધા ઓફીસર્સની પણ દિવાળી સુધરતી હોય છે! અમારે ત્યાં જાંગડ ફટાકડા મળે. ૧૦ લાખના ફટાકડામાંથી મીડિયા હાજર હોય ત્યાં સુધીના જ ફૂટે અને બાકીના ક્યાં જાય તેનો ખુલાસો કરવાની જરૂર નથી લાગતી
એક સમય હતો કે લોકો દિવાળીની રાતે મોડે સુધી જાગે અને બીજે દીવસે બેસતું વર્ષ એટલે સવારે પાંચ વાગ્યાથી એકબીજાને શુભેચ્છા પાઠવવા, આશિર્વાદ લેવા, આશિર્વાદ આપવા પહોંચી જાય અને સવારે ૯ વાગ્યા સુધીમાં તો લગભગ સગા સંબધીઓને ત્યાં જઈ આવ્યા હોય પણ અત્યારના સંજોગોમાં દિવાળીની રાત્રે દારુ અને ગોળાનું પ્રમાણ ખૂબ વધી ગયું હોય એટલે સવારે હેંગઓવરમાં ક્યાંય જવાનું થતું નથી, વળી એક જાહેર સુવિધા પણ ઊભી થઈ ગઈ છે કે ફેસબૂક પર લખી નાખો કે ‘હેપ્પી દિવાળી ટુ ઓલ’ અથવા થોડા વોટ્સએપ પર આવેલા સારા મેસેજને સાચવીને ફોરવર્ડ કરી દો એટલે નવા વર્ષની શુભેચ્છાઓ પહોંચી જાય છે! અને લોકો પણ
એટલા સરળ બની ગયા છે કે સામે મેસેજ ફોરવર્ડ કરીને સંતોષ માની લે છે કે આપણે જાણે એકબીજાને ગળે લગાડીને નૂતનવર્ષાભિનંદન કહી દીધું! દિવાળીની રજાઓનો મહિમાં પાછો બેસતા વર્ષે પૂરો નથી થઈ જતો, બીજા દિવસ ભાઈબીજ. આ તહેવારે ભાઈને બહેન ઘેર બોલાવીને જમાડે છે અને ભાઈ બહેનને રોકડ અથવા કોઈ ગીફ્ટ આપે છે. આ પછીના તેરસ અને ચૌદસ બે દિવસ તમને એ માટે શાંતિના આપવામાં આવ્યા છે કે દિવાળી દરમિયાન કરેલ ખર્ચ અને પગે લાગીને મળેલા રૂપિયાનો હિસાબ કરીને નક્કી કરી શકો કે લાભપાંચમમાં બોણીના નામે કોને શું શું બટકાવવું જેથી આ હિસાબ સરભર કરી શકાય. સારુ લ્યો ત્યારે હું કહી દઉં કે મારો હિસાબ હંમેસા માઇનસમાં જ હોય છે એટલે જો કોઈએ બોણીમાં હાસ્યના પ્રોગ્રામ કરવા હોય તો એડવાન્સ કરાવી ૫૦% પેમેન્ટ મોકલી આપવું અને આજ દિવસ સુધી કોઈને પણ એડવાન્સ પાછા આપ્યાનો દાખલો નથી બેઠો! એડવાન્સમાં હેપ્પી ન્યૂઇયરના મેસેજીસ આવે એમ કોઈ એડવાન્સ પેમેન્ટ આવે તો જ આપણી દિવાળી સુધરે એમ છે.
દીવાળી જેણે સાળી સાથે માણી તેને દિલમાં પણ ફટાકડા ફૂટ્યા અને “જેના ભાગ્યમાં સાળા, એના ભાગ્ય ભમરાળા”. સાળા દીવાળી કરવાં આવ્યા તેના મગજમાં ફટાકડા ફૂટ્યા.
સાળી ફટાકડા ફોડવા આવે, થોડી બીતી હોય થોડી બીવાની એક્ટિંગ કરતી હોય.હરખપદુડા જીજાઓ સમજતા હોય તો પણ હાથ પકડાવી બોમ્બ ફોડવામાં મદદ કરે. ક્યારેક લગ્નના ૧૦વર્ષ પછી ઘરવાળીનો હાથ પકડીને એકાદ લવિંગ્યો ટેટો ફોડાવ! પણ ના દરેક જીજુને ભાગ્યશાળી બનવુ છે.
દેવદિવાળીએ દરેક પત્નીને ખાસ કહેવાનું કે જો આ વખતે ફટાકડા ન ફોડાવે તો ધણીના હાથમાં સુતળી બોમ્બ પકડાવી અને વાટે અગરબત્તી ચાંપી દેજો.
ચુનિયાનુ દિલ આ દિવાળીએ વગર બોમ્બ ફૂટયે તાર તાર થઈ ગયું.
સાળી એ ફોનમાં લટુડા પટુડા કરીને કીધેલું કે ’જીજુ જીજુ હું દીવાળી કરવા આવું છું’.ત્યાં તો ચુનીયાને ડોલમાં ભરવો પડે એમ ઢોળાઇ ગયો. હજુ ચાર દિવસ પહેલાં જ છોકરાઓ અને ઘરવાળી ને ’ફટાકડા ન ફોડવા જોઈએ કારણ કે પર્યાવરણને નુકસાન થાય, પૈસાનો વ્યય થાય’ વિષય ઉપર બે કલાક સુધી ભાષણ આપેલું. પરંતુ સાળીનો ફોન આવ્યો હવે વાત વાળવી કઈ રીતે?આ ચિંતામાં ચુનીયો ત્રણ દિવસ અને રાત સૂતો નહીં.પછી હિંમત કરી અને ઘરવાળી કરતા છોકરાઓની અને ઘરવાળી સાથે મિટિંગ કરી અને કહ્યું કે ’તમે બહુ આગ્રહ કરો છો તો આ વર્ષે પણ આપણે થોડા ફટાકડા ફોડીશુ.’ છોકરાઓને એમ થયું કે તેની મમ્મીએ આગ્રહ કર્યો હશે અને છોકરાઓ ની મમ્મી ને મનમાં એમ કે છોકરાઓ એ આગ્રહ કર્યો છે.પણ સરવાળે ઘીના ઠામમાં ઘી પડી ગયું. ત્રણ દિવસ રાત ન સૂતેલો ચુનીયો ચોથો દિવસ અને રાત સાળીના આવવાની રાહ માં ન સુતો. દિવાળીની સવારે આસોપાલવના તોરણ બાંધતો ચુનીયો બારણે તોરણ હારો હાર ટિંગાણો પણ સાળીની જ્ગ્યાએ સાળો પ્રગટ થયો.ચુનીયાએ કાળી ચૌદસની રાત્રે જાતે કકળાટ કાઢેલો છતાં આમ કેમ થયુ તેમ વિચારતો ચુનીયો ફટાકડાની જેમ ફુટયો,’કેમ અચાનક આવ્યો?’ સાળાનું મોઢુ તો ચડ્યુ પણ ઘરવાળી અંદર આ શબ્દો સાંભળીને રસોડામાંથી શબ્દો સાથે છુટ્ટા ડોળા ફેંક્યા ‘કેમ સપરમા દાડે ઘરે આવવા માટે પણ અરજી કરવાની?’ ફરી વાત વાળતા ચૂનીયો કેડેથી વળી ગયો.’અરે એવું નથી, મને અગાઉથી જાણ કરી હોત તો હું સ્ટેશને લેવા ગયો હોત ને’ એમ કઈ ધરાહાર સાળાને સારું લગાડ્યું. હકીકતમાં બનેલું એવું કે ફટાકડા ફોડવા માટે ચુનિયાના ઘરવાળાએ જ નાની બેન પાસે ફોન કરાવેલો કે ’હું આવું છું’. બાકી આવવાનો હતો તો નાનો ભાઈ જ.
ચુનિયાએ ચાર-પાંચ દિવસ ના આજુબાજુ ફરવા ના પ્રોગ્રામ પણ સેટ કરી દીધેલા.ભાઈબંધ ને પગે પડી ધરાહાર એક દિવસ ફાર્મ હાઉસનું ગોઠવેલું. સાળીના હાથ પકડી શકાય તે માટે ધરાહાર બીક લાગે તેવા મોટા બોમ્બ પણ લાવેલો. દિવાળી બગડી એવું થયુ. ખૂણામાં ઉભા ઉભા લવિંગીયા ટેટા ફોડ્યા અને ફુલઝર કર્યા.
વિચારવાયુ:
‘ચાઇનીસ ફટાકડા ફોડતા ફોડતા વોકલ ફોર લોકલની વાતું કરવાની મજા જ કંઈક ઔર છે.’ આ કટાક્ષ છે.