વીક એન્ડ

સુરત-શિકાગો: વાત ગોઝારા અગ્નિકાંડથી તબાહ બે શહેરની

ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક

સુરત, શિકાગો,

દરેક મહાનગરને પોતીકો ઇતિહાસ હોય છે અને એવા દરેક ઇતિહાસમાં રાજકોટના અગ્નિકાંડ જેવી ઘટના અચૂક નોંધાયેલી જોવા મળે. પ્રશ્ર્ન એ છે કે પોતે અનુભવેલી દુર્ઘટનામાંથી જે-તે શહેરે શું બોધપાઠ લીધો? ભારતમાં આવી દુર્ઘટના બને ત્યારે એમાં સરકારી તંત્રની બેજવાબદારી અને ભ્રષ્ટાચાર ઉડીને આંખે વળગે એવા હોય છે. પણ કર્મની કઠણાઈ એ છે કે આપણે ભારતીયો ઇતિહાસમાંથી કશું શીખવામાં બહુ નબળા છીએ. આજે અહીં બે જુદા જુદા શહેરે વેઠેલી એકસરખી દુર્ઘટના અને એના બોધપાઠની વાત કરવી છે.

સુરત અને શિકાગો.એકબીજાથી સાડા બાર હજાર કિલોમીટર દૂર આવેલા આ બંને શહેરે ઓગણીસમી સદીમાં એકસરખી દુર્ઘટના વેઠી, જેણે આ બંને શહેરને લગભગ તબાહ કરી નાખ્યા. આ દુર્ઘટના એટલે વિકરાળ આગની ભભૂકતી જ્વાળામાં સેંકડો લોકો હોમાયા એ વખતે માલ-સામાનના નુકસાનની કોઈ ગણતરી જ શક્ય નહોતી. પ્રશ્ર્ન એ છે કે આવી ભારે તબાહીમાંથી કઈ પ્રજાએ શું શીખ મેળવી?

શરૂઆત આપણા સુરતથી કરીએ. એક સમયે સુરત બંદરે ચોર્યાસી દેશના વાવટા ફરકતા એ વાત સર્વવિદિત છે. સ્વાભાવિક છે કે એક વેપારી મથક તરીકે સુરતની ખાસ્સી નામના અને સમૃદ્ધિ હતા. એ વખતે, એટલે કે ૧૮૩૭માં સુરત શહેર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હેઠળ હતું. ૨૪ એપ્રિલ ૧૮૩૭, સોમવારે સાંજે પાંચ વાગ્યે માછલીપીઠ વિસ્તારમાં એક પારસી વેપારીના ઘરમાં અકસ્માતે ઉકળતા ડામરનું વાસણ ઢોળાયું, આગની નાની ચિનગારીઓ ઊઠી. પહેલા તો બધાએ એની અવગણના કરી, પણ થોડી જ વારમાં પારસી બાવાનું લાકડાનું ઘર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું. કોણ જાણે શું કારણ હતું, પણ પડોશીઓએ આગ બુઝાવવા માટે પોતાના કૂવામાંથી પાણી આપવાની ના પાડી દીધી! પરિણામ એ આવ્યું કે આગ વિસ્તરીને પાડોશીઓના ઘર સુધી ય પહોંચી. સમયસર પાણી ન આપવા બદલ કદાચ પડોશીઓને પસ્તાવો થયો હશે. કવિ કલાપિ લખી ગયા છે કે ‘હા! પસ્તાવો વિપુલ ઝરણું… પણ આ કિસ્સામાં પસ્તાવો વિપુલ ઝરણું’ સાબિત થાય એવા કોઈ ચાન્સ નહોતા, કેમકે ગીચ વસ્તી ધરાવતા એ વિસ્તારમાં આગ એટલી ઝડપથી ફેલાતી ગઈ કે પાણીના હાથવગા સ્રોત ઓછા પડે. સાંકડી ગલીઓમાં લગભગ તમામ મકાન લાકડાના, અને એમાં વળી પાછા લટકતા ઝરૂખા, એટલે આગ કૂદકે ને ભૂસકે આગળ વધી. એપ્રિલની ગરમી અને ઉત્તરથી આવતા ભારે પવનને કારણે થોડા જ કલાકોમાં આગ ત્રણ માઈલના વિસ્તારમાં ફરી વળી! નજરે જોનારાઓએ કહ્યું કે રાત્રે આગના પ્રકાશથી ઝળહળતા ધુમાડાના ગોટેગોટા વીસ-ત્રીસ માઈલના અંતરેથી પણ દેખાતા હતા!

બીજે દિવસે એટલે કે ૨૫ એપ્રિલના રોજ નૈઋત્ય દિશાથી વાતા પવને જાણે આગમાં ઘી હોમવાનું કામ કર્યું. એ દિવસે બપોરે બે વાગ્યા સુધીમાં આગ તેની પરાકાષ્ઠાએ પહોંચી. એ પછી આગ ક્રમશ : બુઝાવા લાગી ને ૨૬ એપ્રિલના રોજ સવારે હોલવાઈ ગઈ. કુલ પોણા દસ માઈલના વિસ્તારમાં પ્રસરેલી આગને કારણે શહેરના લગભગ ત્રણ ચતુર્થાંશ વિસ્તારમાં મકાનો નાશ પામ્યાં હતાં. સુરતની આ ઐતિહાસિક આગમાં ૫૦૦ લોકો હોમાઈ ગયા. કેટલાક તો આગથી બચવા નદી-કૂવામાં પડ્યા અને ડૂબી મર્યા! શહેરના ૯,૩૭૩ મકાનોને ભરખી ગયેલી આગે કુલ કેટલા રૂપિયાનું નુકસાન કર્યું એનો સાચો હિસાબ માંડવો લગભગ અશક્ય છે. આજની તારીખે એ આંકડો અબજોમાં જતો હશે. કહેવાય છે કે આગને કારણે સવારે શ્રીમંત વેપારી તરીકે ઊંઘમાંથી જાગેલા લોકો સાંજ પડતા સુધીમાં તો પાઈ પાઈ માટે મોહતાજ ભિક્ષુક સમા બની રહ્યા! હવે પ્રશ્ર્ન એ છે, કે શું સુરતવાસીઓએ અને તત્કાલીન તેમજ ત્યાર પછીના સરકારી તંત્રોએ ઓગણીસમી સદીમાં લાગેલી ઐતિહાસિક આગમાંથી કશોક ધડો લીધો ખરો? વેલ, ત્યારથી માંડીને આજ સુધીનો ઇતિહાસ તપાસશો તો સમજાશે કે ક્યાંય કોઈ ધડો લેવામાં નથી આવ્યો! આગને કારણે પારાવાર તબાહી વેઠી ચૂકેલા આ શહેરમાં આજે ય અનેક સ્થળો ફાયર સેફ્ટીની વ્યવસ્થા વિના ધમધમતી રહ્યાં છે.

હવે વાત શિકાગોની. ઇસ ૧૮૭૧ની ૮ થી ૧૦ ઓક્ટોબર દરમિયાન નોર્થ અમેરિકાના શિકાગોમાં પણ સુરતજેવી જ ત્રણેક દિવસ લાંબી આગ ફાટી નીકળી હતી. આશરે ૯ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલી આ આગ ૩૦૦ લોકોને ભરખી ગયેલી અને ૧૭,૦૦૦ મકાનો તબાહ થઇ ગયા અને એક લાખ કરતાં વધુ લોકો રસ્તા પર આવી ગયા! સુરતની માફક જ એકાદ ઘર- ગોડાઉનથી અકસ્માતે શરૂ થયેલી શિકાગોની આગ પવન પર સવાર થઈને આખા શહેર પર ફરી વળી. એ સમયે શિકાગો પણ અમેરિકાના આર્થિક ક્ષેત્રમાં એક મહત્ત્વના થાણા તરીકે ઊભરી રહ્યું હતું, અદ્દલ સુરતની માફક, પણ જેમ આગ પછી સુરત તબાહ થયું એમ શિકાગોના વેપારીઓ પણ પાયમાલી વેઠીને રંક બન્યા. જો કે ખરી જાણવા જેવી વાત ઐતિહાસિક આગ પછીના શિકાગોની છે. અભ્યાસુઓ માને છે કે શિકાગોની ઐતિહાસિક આગે એક નવા જ શિકાગો શહેરને જન્મ આપ્યો. આગના ત્રણેક મહિના બાદ શિકાગોના નવા મેયર તરીકે ચૂંટાયેલા જોસેફ મેડિલે શહેર માટે નવી ફાયરપ્રૂફ પોલિસી’ રજૂ કરી, જે અનુસાર લાકડાના મકાનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકીને બીજા આગપ્રતિરોધક બિલ્ડિંગ મટિરિયલ્સના વપરાશ પર ભાર મુકાયો. શહેરના ગરીબ વર્ગ, ખાસ કરીને જર્મનીથી આવનાર મજૂરોએ પોતાની ગરીબીનું કારણ આગળ ધરીને લાકડાનાં મકાનનો જ આગ્રહ રાખ્યો. કશોક મોટો બદલાવ લાવવો હોય ત્યારે સરકારી તંત્ર અને પ્રજા વચ્ચે આવા સંઘર્ષો સ્વાભાવિક ગણાય. આથી મેયરે ગરીબ ગણાતા વિસ્તારોને બાકાત રાખીને ફાયરપ્રૂફ પોલિસી અપનાવનાર વિસ્તારોને વધુ
વિકસાવ્યા.

૧૮૭૧માં વળી બીજી આગ લાગી, એ પછી પ્રજા સમજી ગઈ કે જાન- જિંદગી બચાવવી હશે તો સસ્ટેનેબલ-ટકાઉ વિકાસની નીતિ અપનાવ્યા વિના છૂટકો નથી. એ પછી આખા શિકાગોમાં મકાનોના બાંધકામમાં લાકડાનો વપરાશ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો અને ફાયરપ્રૂફ ગણાતા મટિરિયલ્સ-ચીજવસ્તુ વાપરવાની શરૂઆત થઇ. ખાસ કરીને ટેરા કોટા ઇન્ડસ્ટ્રીમાં ભયંકર તેજી જોવા મળી. એટલું જ નહિ, બાંધકામ ઉદ્યોગમાંય જે તેજી આવી એને પ્રતાપે તેજસ્વી અને યુવાન આર્કિટેકટ્સનો નવો ફાલ શિકાગો તરફ આકર્ષાયો. પરિણામે આગમાં બળી ગયેલું શિકાગો શહેર થોડાં જ વર્ષોમાં ફિનીક્સ પંખીની જેમ નવા રૂપ-રંગ સાથે રાખમાંથી બેઠું થઈ ગયું.

હવે સુરત અને શિકાગો વચ્ચે સરખામણીની વાત કરીએ. ઓગણીસમી સદી દરમિયાન સુરત અને શિકાગો, બંને શહેર વેપારી મથકો તરીકે વિખ્યાત હતા, પણ ૧૮૩૭માં સુરતમાં આગ લાગી એ જ વર્ષે ઓગસ્ટ મહિનામાં મોટી રેલ આવી. પરિણામ એ આવ્યું કે આપત્તિઓને કારણે પારસી, જૈન અને હિંદુ વેપારીઓ મુંબઈ આવી ગયા. બાદમાં સુરતને પાછળ રાખીને મુંબઈ ભારતના પશ્ર્ચિમ કિનારાનું મુખ્ય બંદર બન્યું. કહે છે કે ત્યાર પછીનાં વર્ષોમાં પણ સુરત નાની-મોટી આગથી પ્રભાવિત થતું રહ્યું. આમ છતાં કોઈને એવો વિચાર ન આવ્યો કે જ્યાં વિશ્ર્વના ચોર્યાસી દેશના વાવટા ફરકે છે એવા વેપારી કેન્દ્ર સુરતને જૂની ઘરેડમાંથી બહાર કાઢીને નવો ઓપ આપીએ બની શકે કે અંગ્રેજ શાસકો રાજ કરતા હોવાને કારણે એમણે સુરતના વિકાસમાં ઝાઝો ઉત્સાહ ન દાખવ્યો હોય, પણ ભારત આઝાદ થયું એ પછીના દાયકાઓનું શું?!

બીજી તરફ શિકાગોની ઐતિહાસિક આગ પછી સરકારી તંત્રની નીતિઓ ન્યૂ એજ ડેવલપમેન્ટ – નવા જમાના પ્રમાણેની રહી. પ્રજાએ પણ પ્રારંભિક વિરોધ પછી સાથ આપ્યો. પરિણામે શિકાગો ક્રમશ: વ્યવસ્થિત ટાઉનપ્લાનિંગ સાથે વિકસેલું શહેર બની રહ્યું. થોડા જ દશકોમાં એ ગગનચુંબી ઈમારતોના શહેર તરીકે પણ પ્રખ્યાત થયું. આજે ય સ્કાયસ્ક્રેપર ધરાવતા વિસ્તારોની યાદીમાં શિકાગોનું નામ ઉપલા ક્રમે આવે.

સો મોરલ ઇઝ બોધપાઠ એ જ કે અનેક ગોઝારી ઘટનાઓ પછી આપણે એક પ્રજા તરીકે આક્રોશ ઠાલવવાથી વિશેષ કશું ભાગ્યે જ કરી શકીએ છીએ. પરિણામે એકસરખી દુર્ઘટનાઓ ઘટતી રહે છે. બીજી તરફ વિશ્ર્વનાં અનેક શહેરો આફતને તકમાં પળોટી શક્યા છે, દુર્ઘટનાના મૂળ સુધી પહોંચીને કાયમી નહિ તો ય ઘણુંખરું નિવારણ કરી શક્યા છે,જ્યારે આપણે ય દુર્ઘટનાઓને પછી વાંઝણા આક્રોશથી આગળ વધીને મૂળ સમસ્યા સુધી પહોંચી એનું નિવારણ શોધતા શીખવું પડશે.

તાજા કલમ :
સુરત – શિકાગોની જેમ જ લંડન પણ વર્ષ ૧૬૬૬માં ૨ થી ૬ સપ્ટેમ્બર સુધી વિષમ અગ્નિજ્વાળામાં સપડાયું હતું . એની તબાહી પછી પુન: ખડા થઈ ગયેલા નવા લંડનની કથા પણ અનેરી છેએ વિશે ફરી કયારેક!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો