વીક એન્ડ

ધારો કે તમે હું છો…

ટૂંકી વાર્તા -તેજસ જોશી

ધારો કે તમે હું છો તમે શું કરો…?
એમ નહીં, માંડીને વાત કરું.

બસ આવી, રોજ આવે છે એવી જ હકડેઠઠ ભરેલી. બધા બસને બાઝી પડ્યા. સાકરના કણને કીડાઓ બાઝેલા એમ. હું પણ. બોચીમાં થયેલા પરસેવાને લૂછવાની પણ તમા ન કરી. સ્ટોપ આવ્યું અને હું ઊતરી પડ્યો. આટલી ભીડમાં કંડક્ટર પાછળ સુધી આવે એ પહેલાં મારું સ્ટોપ આવ્યું એટલે આજના ટિકિટના પૈસા બચી ગયા. એટલે રોજની જેમ જમ્યા પછી પાન ખાવાનો વિચાર આવ્યો પણ આજે તો…

મોડું થઈ ગયું હતું એટલે લગભગ દોડ્યો. બજારમાં ગરદી વધી ગઈ હતી. હાથગાડીઓ ભરાતી હતી. સોદાઓ પાકા થતા હતા. છૂટીછવાઈ ગાળો બોલાતી હતી. હું દુકાને પહોંચ્યો. બહાર ચંપલ કાઢયા અને આદતસર ઘડિયાળ તરફ નજર કરી. ખાસ્સો અડધો કલાક મોડો પડેલો. મહેતાજીએ પણ મારી જેમ ઘડિયાળ તરફ નજર કરી. પાછી મારા તરફ અને રજિસ્ટર ખોલી સમય નોંધી લીધો. હું મારી જગ્યાએ જઈને પલાંઠી વાળીને બેઠો. બહુ કામ છે એવો ડોળ કરી હું શેઠજીની રાહ જોતો કામ કરવા લાગ્યો. ગઈકાલે સાંજે આવેલા પત્રો, ‘યુવાન સેલ્સમેન જોઈએ છે.’ જાખ વાંચીને આવેલા બાયોડેટા, બીજાં કેટલાક કાગળિયા, પણ શેઠજીનો આજે પત્તો નહોતો. મેં મહેતાજીને પૂછ્યું. ‘શેઠજી, આજે મોડા આવવાના છે કે શું?’ એણે બંને હોઠ વાંકા કરી ખબર નથી – નો સંકેત કર્યો.

રોજ તો શેઠજી લગભગ સાડાઅગિયાર સુધીમાં આવી જતા. પહેલાં તો મોટર ઠેઠ દુકાનના પગથિયે ઊભી રખાવતા. શાંતિથી ઊતરી ઝભ્ભો ઠીક કરતા અને પછી દુકાનના પગથિયાને વાંકા વળી પગે લાગતા. પછી જ દુકાનમાં પ્રવેશતા, પરંતુ જ્યારથી ડૉક્ટરે ચાલવાનું કહ્યું છે ત્યારથી એ મોટર ગલીના નાકે ચા વાળાની પાસે ઊભી રખાવતા. ઊતરીને ઝભ્ભો ઠીક કરતાં. પછી બે હાથ પાછળ રાખી બજારમાંથી ધીમે ધીમે ચાલતા દુકાનના પગથિયે આવતા. લો, શેઠજી આવી ગયા. મેં અછડતી આંખે જોઈ લીધું. રોજની જેમ વાંકા વળ્યા. પછી સીધા થઈ દુકાનમાં પ્રવેશ્યા, રોજની જેમ મેં ઊભા થઈ ડ્રાવરના હાથમાંથી ટિફિનની થેલી લીધી અને પાછળની કેબિનમાં મૂકી આવ્યો. રોજની જેમ મહેતાજીએ શેઠજીને જયશ્રી કૃષ્ણ કહ્યા. શેઠજીએ અમારા સૌ તરફ અછડતી દૃષ્ટિ કરી જાણે અમારી ગણતરી કરી રહ્યા હોય એમ. રોજની જેમ ટોપી કાઢી બે હાથ વચ્ચે દબાવી શ્રીનાથજીની તસવીર સામે ઊભા રહ્યા અને ગણગણ કરવા લાગ્યા. શેઠજી પૈસા ગણતી વખતે પણ આમ જ ગણગણતા હોય છે. શેઠજી કયો શ્ર્લોક બોલે છે એ અમને તો કોઈને ખબર નથી. કદાચ ભગવાનને પણ ખબર નથી. પછી શેઠજી એમની ગાદી પર જઈને બેઠા. ટોપી મૂકી પરસેવો લૂછ્યો. માથા પરનો પંખો ચાલુ કર્યો. ખાના ખોલીને પાછા બંધ કરી દીધા. પછી મહેતાજી સામે જોયું. મહેતાજીએ તરત જ રજિસ્ટર લઈને એમને પાસે જઈ બેઠા. રજિસ્ટર ખુલ્લું મૂક્યું. આ મહેતાજી છેલ્લાં ચાળીસ વર્ષથી આમ જ શેઠજીની સેવા કરતા. દર દિવાળીએ એમને બે પગારનું કવર મળતું. ઘાટી કમ પ્યુન કમ ગુમાસ્તા ધોંડુએ ચાંદીના ગ્લાસમાં પાછી ધર્યું. શેઠજીએ ગરદન પાછળ ઝુકાવી ઊંચેથી પાણી પીધું ત્યારે ગળાની કરચલીઓમાં પાઉડર ચોંટી ગયેલો સ્પષ્ટ દેખાતો હતો. ધોંડુ તરત જ ચા કાઢવા પાછલી કેબિનમાં ગયો. શેઠજીની ચા થર્મોસમાં ઘરેથી જ આવતી અને શેઠજીનો એક નિયમ કે ચા તો દુકાને આવીને જ પીએ. ઘરેથી ફક્ત થોડોક નાસ્તો અને ફળોનો રસ જ પીને નીકળે. હું આજે મોડો પડ્યો એટલે મારા આવતા પહેલાં દુકાનના સર્વેએ ચા પી લીધેલી. મેં મનમાં કહ્યું, ‘લે લેતો જા ચાલ્લા, આજે બસના પૈસા બચાવ્યા એમાં તારી ચા લટકી ગઈ… એ જ લાગનો છે તું.’ હું કામમાં પરોવાતો ગયો એટલામાં શેઠજીએ પહેલી આંગળીના ઈશારે મને બોલાવ્યો. હું તેમની નજીક સરક્યો.

‘લ્યો, આ વાંચો. કંઈક ગિરિરાજધરણ ચેરિટેબલ ટ્રસ્ટના લેટરહેડ પર દાન સેવાર્થે માગણી કરતો પત્ર હતો. હું પ્રશ્ર્નાર્થ નજરે એમની સામે તાકી રહ્યો એટલે એમણે કહ્યું, ‘મહેતાજીએ રૂા. ૫૧,૦૦૦/-નો ચેક બનાવી રાખ્યો છે. એ સાથે એક પત્ર લખી નાખો અને ઈન્કમ ટેક્સમાં ફાયદો થાય એવી રસીદ મગાવી લ્યો.’ સમજી ગયો એમ ડોકું ધુણાવી હું મારી જગ્યાએ આવ્યો. નોકરીવાળાઓની અરજીઓ પડતી મૂકી હું આ પત્રના કામમાં જોડાયો. આજે શેઠજી મૂડમાં લાગે છે એવો વિચાર આવતા મેં શેઠજી સામે જોયું. યોગાનુયોગ શેઠજી પણ મારી સામું જોતા હતા. અત્યંત ધન્યતા અનુભવતો હોઉં એમ મેં કહ્યું, ‘શેઠજી, મારે તમારી સાથે લગીર વાત…’ ‘મારે પણ તમારી સાથે વાત કરવી છે પણ જમ્યા પછી.’ એમના અવાજમાં આત્મીયતા કરતાં સત્તાનો રણકો વધારો હતો. હવે રાહ જોવાનો વારો મારો હતો. થોડીવારે શેઠજી જમવા માટે પાછળની ઓરડીમાં ગરી ગયા. આજે શેઠજીને જમતા વધારે વાર લાગી કે હું ઉતાવળિયો થયેલો એ સમજાયું નહીં. અંદરથી શેઠજીના કોગળા કરવાના અવાજ આવ્યા એટલે મને નિરાંત થઈ. હું અરજીઓ ઉપર-નીચે કરતો થોડી વાર બેસી રહ્યો. એટલામાં તો મિલનની ધન્ય ઘડી આવી પહોંચી. હું અંદરની ઓરડીમાં ગયો ત્યારે શેઠજી પગ પહોળા કરી ચાંદીની સળીથી દાંતમાંથી કેરીનું છોતું ઉખાડતા હતા, જે દાતમાં છોતું અટવાયું હતું એની બાજુના દાંતના પોલાણમાં એ સળી ઘુસાડતા હતા બે ઘડી તો એમ થયું કે હું જ મારા નખેથી એમને કેરીનું છોતું કાઢી આપું કદાચ ખુશ થઈ જાય અને…

પણ એમ વાઘના મોંમાં હાથ કોણ નાખે? શેઠજીએ સળી પડતી મૂકી. હું પૂછવાનો હતો, ‘કેમ શેઠજી, છોતું નીકળી ગયું?’ પણ આપણા જેવા મધ્યમ વર્ગને અને કેરીના છોતાને શું લાગેવળગે? ‘આજકાલ કેમ મોડા આવો છો?’ એમ પૂછી એમણે ભ્રમર બે વખત ઊંચીનીચી કરી. મોડા તો રોજ તમે આવો છો. પણ આપણાથી એમ થોડું કહેવાય. ગમે તેમ તોય આપણા શેઠજી છે. ગમે ત્યારે આવે અને ગમે તેમ તોય આપણા શેઠજી છે. ગમે ત્યારે આવે અને ગમે ત્યારે જાય. મેં શરૂ કર્યું, ‘શેઠજી, તમે તો જાણો છો, મારી પત્નીને ટી.બી. છે અને અત્યારે એ ટાટા હૉસ્પિટલમાં છે. એટલે સવારે બધું કામ જાતે આટોપી, હૉસ્પિટલ જઈ પછી હું ઓફિસે…’ ‘એ તો બધું ઠીક છે, પરંતુ આમ ક્યાં સુધી ચાલશે?’ મારી પત્ની મરે નહીં ત્યાં સુધી, પણ આપણાથી એમ થોડું કહેવાય. ગમે તેમ તોય પત્ની કહેવાય. ત્રીસ વર્ષથી સાથે છે. ‘શેઠજી, સમય તો લાગે જને? ગંભીર બીમારી છે, ખર્ચો પણ સારો એવો થઈ ગયો છે. જો તમે ૧૦,૦૦૦ રૂપિયાની સગવડ કરી આપો તો… ના ના એટલે ઉપાડ તરીકે સ્તો. પગારમાંથી કાપી લેજો.’ શેઠજીએ મારી સામે નજર કરી મહેતાજીને બોલાવ્યા. ‘શાહનું ખાતું ખોલો’. મહેતાજી ચોપડો લઈ આવ્યા. આંખી ઝીણી કરી વાંચવા લાગ્યા. ‘હજી ત્રણ મહિના પહેલાં જ ૬૦૦૦ ઉપાડેલા એના ૪૦૦૦ બાકી બોલાય છે.’ આ મહેતાનો ચહેરો મને ચિત્રગુપ્ત જેવો લાગવા માંડ્યો. સાલા બધાના ચોપડા રાખે છે. શેઠજીએ નકારમાં ડોકું હલાવ્યું. ‘શેઠજી હેવી ડોઝના પાંચેક ઈન્જેક્શન આપવા પડશે પછી એને સારું થઈ જશે એમ ડૉક્ટરો કહે છે. આ વખતે તમે જરા…’ ‘એ બધું બરાબર છે પણ મારે દુકાન ચલાવવાની કે નહીં. ધંધા તો એટલા છે નહીં, તમે જ જુઓ છોને? ઘરના રોટલા ખાવા પડે છે. આ તો ઠીક છે કે હું છું એટલે આ દુકાન ચાલુ રાખી છે બાકી બીજો કોઈ હોત તો ક્યારનો નાહીને બેસી ગયો હોત. રહી તમારા ધર્મપત્નીની માંદગી વાત તો તમે મોડા આવો છો કે અડધી રજાએ જાઓ છો એનો પગાર ન કપાય એવી સૂચના હું આપી દઈશ. બાકી આવી ગંભીર, લાંબી અને ખર્ચાળ માંદગીમાં તો આપણા જેવા કાળા માથાના પામર માનવી કંઈ ન કરી શકે. હજાર હાથવાળો ઉપર બેઠો છે એના ભરોસે ચાલવું.’ શેઠજીએ કારણ વગર નિસાસો નાખ્યો પછી અચાનક એમને કેરીનું છોતું યાદ આવ્યું. એમણે ફરી સળી લીધી. હું મારી જગ્યા પર પહોંચ્યો.

જમવા જાઉં છું કહીને સીધો હૉસ્પિટલ પહોંચ્યો. એ આઈ.સી.યુ.માં સૂતી હતી. ડૉક્ટરનો આવવાનો સમય થઈ રહ્યો હતો. હું વેઈટિંગ રૂમમાં બેઠો. કયા ભગવાનને યાદ કરવા એ વિસામણમાં હું બેઠો રહ્યો. ભગવાન પણ આજકાલ એટલા વધી ગયા છે કે ખરેખર આવા સમયે આપણને કોણ મદદ કરશે એ સમજાતું નથી. એટલામાં ડૉક્ટર આવ્યા. અંદર ગયા. થોડીવારે બહાર આવ્યા. મેં ભગવાનને પડતા મૂકી ડૉક્ટરને પકડ્યા. ‘જુઓ મિ. શાહ, એમને હાઈ ડોઝના ઈન્જેક્શન આપી શકાય, પરંતુ એ તમારે અહીંથી ખરીદવા પડશે. અત્યારે એમનું શરીર રિએક્ટ નથી કરતું. અમે અમારા પ્રયત્નો કરીએ છીએ. સાંજ સુધી જોઈએ શું પરિણામ આવે છે.’ અને ડૉક્ટર જતા રહ્યા. હું બેસી પડ્યો.

‘એ રિએક્ટ નહીં કરે ડૉક્ટર, કોઈ દિવસ રિએક્ટ નહીં કરે.’ મારું માથું ફરી ગયું. એ બાઈએ મારા જેવા ધૂની અને જડ સાથે આખી જિંદગી હરફ ઉચ્ચાર્યા વગર કાઢી નાખી. શરીરનું કંતાન કરી નાખ્યું. એ શું રિએક્ટ કરવાની. અમારી પ્રથમ બાળકી મરેલી આવી અને પછી ગર્ભાશય કઢાવી નાખવું પડ્યું ત્યારથી લઈને એને ટીબી છે એ જાણતી હોવા છતાં મારા ટિફિનની ચિંતા ગઈકાલે કરતી’તી એ શું રિએક્ટ કરવાની. હું એ જમાનામાં મેટ્રિક થયેલો. અંગ્રેજીમાં સહી કરતો. અને એ ૪થું પાસ. પરણીને મારે ઘેર આવી ત્યારે મેં એને રિજેક્ટ કરેલી ત્યારે પણ એણે રિએક્ટ નહોતું કર્યું. ફક્ત એટલું જ કહેલું કે હું તમને ક્યારેય ફરિયાદ નહીં કરું. તમને અડચણરૂપ નહીં થાઉં.’

વિચારોનું ઘેન ચડ્યું ને હું ક્યારે ખુરશી પર જ ઢળી પડ્યો એનું ભાન જ ન રહ્યું. આંખ ખૂલી ત્યારે આઈ.સી.યુ.માં ચહલપહલ હતી. ડૉક્ટર અંદરથી બહાર આવ્યા. મારો હાથ તેમના હાથમાં લઈ સોરી જેવું કશુંક બોલ્યા ત્યારે ખબર પડી કે હવે એ મને છોડીને… ના ના એણે મને રિજેક્ટ કરી દીધો છે. હવે મારે શું રિએક્ટ કરવું?

હૉસ્પિટલની જ એમ્બ્યુલન્સ લઈ ઈલેક્ટ્રિક સ્મશાને ગયા. અસ્થિ લેવાના નહોતા એટલે ઘરે આવી નાહ્યો અને પલંગ પર આડો પડ્યો ત્યારે સવાર થવા આવી હતી. હું તૈયાર થઈ બસમાં ચઢ્યો. પરસેવો થયો. ટિકિટ લીધી બજારમાં ગરદી, ગંદી ગંદી ગાળો, ચંપલની તૂટેલી પટ્ટી, પરંતુ આજે હું સમયસર ઓફિસે પહોંચી ગયો. આજે ચા પીવા મળી. શેઠજી આવ્યા, ભગવાન સામે ગણગણ્યા પછી મને બોલાવ્યો અને પૂછ્યું ‘પેલો ગિરિરાજધરણ ચેરિટેબલ ટ્રસ્ટનો ચેક મોકલાવી દીધો?’ હવે ધારો કે તમે હું છો તો તમે શું જવાબ આપો?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button