અવકાશયાત્રાએ ગયેલી સુનીતા વિલિયમ્સ અણધારી ‘ફસાઈ’ ગઈ!
અવકાશીય અડચણોમાં અટવાયેલો મામલો જીઓ-પોલિટિક્સ સુધી ખેંચાશે?

ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક
૭ જૂને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો એક વિડિયો વાઈરલ થયેલો. આ વિડિયોમાં ભારતીય મૂળની અમેરિકન સ્પેસ વિજ્ઞાની સુનીતા વિલિયમ્સ ડાન્સ કરતી કરતી દેખાય છે. સુનીતા ખાસ રીતે ડિઝાઈન કરાયેલા યાનમાં બેસીને લાંબી અવકાશયાત્રા બાદ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ખાતે પહોંચી ત્યારનો આ વિડિયા છે. સુનીતાને સ્પેસ સ્ટેશનમાં આવકારવા માટે ત્યાં હાજર અવકાશયાત્રીઓ પણ ખાસ્સા ઉત્સાહી જણાય છે. સુનીતાના ભારતીય કનેક્શનને કારણે આપણે ત્યાં પણ લોકોએ આ વિડિયા ખૂબ માણ્યો. પણ હવે આજની તારીખે એ વિડિયા જોઈને આનંદને બદલે દહેશત પેદા થઇ રહી છે! એક સમયે ભારતીય મૂળની જ કલ્પના ચાવલાએ જે રીતે અકસ્માતનો ભોગ બનીને પ્રાણ ગુમાવ્યા, એ ઘટના જુદી રીતે ભજવાય એવો ડર ઘણાને સતાવી રહ્યો છે. એનું કારણ છે સુનીતાની સ્પેસ કેપ્સ્યુલમાં ઊભી થયેલી ખામી!
૫ જૂન ૨૦૨૪ના રોજ સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર નામના અનુભવી અવકાશયાત્રીઓ બોઇંગ કંપની દ્વારા બનાવાયેલ સ્ટારલાઈનર કેપ્સ્યુલમાં બેસીને અવકાશી સફરે નીકળ્યાં. બોઇંગ કંપની વર્ષોથી નાસા માટે સ્ટારલાઈનર કેપસ્યુલ્સ બનાવે છે, જે વિવિધ અવકાશી મિશન સફળતાપૂર્વક પાર પાડી ચૂકી છે. પણ આ વખતના મિશનની ખાસિયત એ હતી કે પહેલીવાર એમાં માનવો અવકાશની મુસાફરી કરવાના હતા. આ કેપ્સ્યુલને ‘કેલિપ્સો’ નામ આપવામાં આવ્યું છે. કેલિપ્સોએ ૫ જૂને ઉડાન ભરી, એના ૨૬ કલાક બાદ ૭ જૂને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને લેન્ડિંગ કર્યું. આ એક મહત્ત્વની સિદ્ધિ હતી, જેની ખુશી સુનીતા અને બીજા ક્રૂ મેમ્બર્સના ચહેરા પર જોઈ શકાય છે. થોડા દિવસ રોકાઈને
સુનીતા અને વિલ્મોર કેલિપ્સોનો વળતો પ્રવાસ ખેડીને ૧૩ જૂનને દિવસે પૃથ્વી પર પાછા ફરવાના હતા. પણ હજી સુધી તેઓ પાછા ફરી શક્યા નથી!
બોઇંગ જેવી પ્રતિષ્ઠિત કંપની, અમેરિકન સ્પેસ એજન્સી નાસા જેવા ક્લાયન્ટ માટે કશુંક બનાવે, એટલે એ અફલાતુન જ હોય. એની ડિઝાઈનમાં સત્તર ગરણે ગાળીને જ પાણી પીવાયું હોય, ખરું ને?! પણ કમનસીબે અહીં આખો મામલો સાવ વિપરીત લાગે એવો છે. સૌથી મોટી સમસ્યા એ છે કે કેલિપ્સો સ્ટારલાઈનરમાં એક-બે નહિ પણ પૂરી પાંચ જગ્યાએ હિલીયમ ગેસનું લીકેજ છે!
હિલિયમ વાહનની પ્રોપલ્શન સિસ્ટમને દબાણ પૂરું પાડે છે. આ ઉપરાંત બીજી પણ કેટલીક સમસ્યાઓ પેદા થઇ છે! આ સમસ્યાઓને પ્રતાપે પૃથ્વીનો વળતો પ્રવાસ ખેડવા ઉપર પ્રશ્ર્નાર્થ ચિહ્ન લાગી ગયું છે! કારણકે ટેકનિકલ હિલીયમ લીકેજને કારણે કેલિપ્સોમાં પ્રવાસ કરી રહેલા સુનીતા અને વિલ્મોર કેપ્સ્યુલની ગતિ કે દિશા કંટ્રોલ કરી શકે એમ નથી! એવામાં પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યા બાદ કેલિપ્સો અને એના પ્રવાસીઓનું શું થાય, એ આખો મુદ્દો ઈશ્ર્વર ઈચ્છા પર આધારિત થઇ જાય! બની શકે કે સાવ અન-ક્ધટ્રોલ્ડ મુસાફરી દરમિયાન તેઓ પૃથ્વી તરફ આવવાને બદલે ક્યાંક દૂર નીકળી જાય, અને સદા માટે અવકાશમાં ‘ખોવાઈ’ જાય! હોલીવુડની કોઈ સાયન્સ ફિક્શન મૂવીમાં જોવા મળે એવી બિહામણી કલ્પના છે આ, પણ અત્યારે આ જ હકીકત છે!
અહીં ખીજ ચડે એવી બાબત એ છે કે આ બધી સંભવિત સમસ્યાઓ વિષે નાસા અને બોઇંગને મુસાફરીના પહેલા તબક્કાથી જ ખબર હતી! અગાઉ આ મિશન ૨૦૨૧માં લોન્ચ થવાનું હતું. પણ ટેકનિકલ સોલ્યુશન ન મળતા તારીખો પાછળ ઠેલવામાં આવી. એ પછી આ વર્ષની ૭ મેનું મુહૂર્ત નીકળ્યું. પણ ત્યારે ય મેળ ન ખાધો. આખરે એક મહિનાના વિલંબ બાદ ૫મી જૂને મિશન લોન્ચ થયું, છતાં સમસ્યા તો પેદા થઇ જ!
નાસા પોતાના બચાવમાં એવું કહે છે કે કેલિપ્સોમાં ભલે ખામી સર્જાઈ, પણ અવકાશયાત્રીઓના જીવને લગીરે જોખમ નથી. એ લોકો હાલમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં છે. અને ધારે ત્યારે કેલિપ્સોને ‘અન-ડોક’ કરી શકે છે. અન-ડોક કરવું એટલે વાહન છોડીને ઊતરી જવું. નાસાની વાત સાવ ખોટી નથી. પણ જુદી રીતે વિચારીએ તો સુનીતા અને વિલ્મોર અન-ડોક કરીને જાય ક્યાં? ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એ ક્યાં આપણા ઓળખીતાનો ટુ-બીએચકે ફ્લેટ નથી, જ્યાં વધારાના ૨ મહેમાન આવે તો સાંકડમૂકડ એડજસ્ટ થઇ જાય. જો સુનીતા અને વિલ્મોરે લાંબો સમય રોકાવું પડે, તો અનેક નવા પ્રશ્ર્નો ઊભા થયા વિના રહે નહિ. વળી અહીં પૃથ્વી પરથી એમને લેવા માટે બીજી એકાદ કેપ્સ્યુલ બને એટલી જલ્દી મોકલવી પડે, જે ટેકનિકલી પરફેક્ટ જ હોય એની કોઈ ગેરન્ટી ખરી?! તો પછી સોલ્યુશન શું?
હવે આખા કેસમાં સોલ્યુશન શોધવા બેસીએ તો વાત જીઓ-પોલિટિક્સ સુધી લંબાય એમ છે! નાસા પાસે એક વિકલ્પ એવો છે કે પોતાની બીજી એક ભાગીદાર કંપની Space X ની ડ્રેગન-૨ કેપ્સ્યુલને અવકાશમાં મોકલવામાં આવે. આ કેપ્સ્યુલમાં ચાર લોકો બેસી શકે એવી વ્યવસ્થા છે, છતાં એમાં માત્ર બે જ ટેકનિશિયનને મોકલવામાં આવે. આ ટેકનિશિયન્સ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચીને સુનીતા અને વિલ્મોરની મદદ વડે કેલિપ્સોને ઠીક કરવાની કોશિશ કરે. જો પ્રોબ્લેમ સોલ્વ થાય તો ઠીક, નહિતર ચારે ય જણ ડ્રેગન કેપ્સ્યુલમાં સવાર થઈને પૃથ્વી પર પાછા ફરે.
અને જો આમાં કંઈક ગરબડ થવાનો ડર હોય, તો અમેરિકાએ પોતાના કટ્ટર દુશ્મનોની મદદ માગવી પડે! અત્યારે દુનિયાના બે દેશ એવા છે જેને અમેરિકા કટ્ટર દુશ્મન માને છે, રશિયા અને ચીન. હવે તકલીફ એ છે કે આ જ બે દેશો અવકાશી આફતમાં અમેરિકાને મદદ કરી શકે એમ છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અમેરિકાની નાસા સહિત બીજા પાંચ દેશોની સ્પેસ એજન્સીઝ ભાગીદાર છે, જેમાં રશિયન સ્પેસ એજન્સી Roscosmosનો પણ સમાવેશ થાય છે. જો રશિયા ધારે તો પોતાના સોયુઝ અવકાશયાનમાં સુનીતા, બુચ વિલ્મોર સહિતના યાત્રીઓને લિફ્ટ આપી શકે છે. રશિયાની આ સોયુઝ કેપ્સ્યુલ હંમેશાં ‘એસ્કેપ ક્રાફ્ટ’ તરીકે સ્પેસ સ્ટેશન પર રાખવામાં આવે છે. એજ પ્રમાણે ચીનનું શેનઝોઉ યાન પણ આવી સેવા બજાવી શકે છે. ચીનનું તો પોતાનું જ સ્પેસ સ્ટેશન પણ મોજૂદ છે.
જો કે નાસા કયો વિકલ્પ પસંદ કરે છે, એ તો આવનારા દિવસોમાં ખબર પડશે. અત્યારે તો ૨ જુલાઈ પછી જ કંઈક કરી શકાશે એવી જાહેરાત થઇ છે. બીજી તરફ કેલિપ્સોની ફ્યુઅલ કેપેસિટી માત્ર ૪૫ દિવસ ચાલે એટલી જ છે, જે પૈકીનો અડધો સમય વીતી ચૂક્યો છે. એટલે ઈશ્ર્વરને પ્રાર્થના કરીએ કે આવનારા એકાદ પખવાડિયામાં સુનીતા અને વિલ્મોર હેમખેમ પાછાં ફરે!