ક્લોઝ અપ : વિચિત્ર સવાલોના વિસ્મયજનક જવાબ!
- ભરત ઘેલાણી
જિજ્ઞાસા એક એવો જાદુ છે, જે આબાલવૃદ્ધને એના જવાબ જાણવા માટે ચિત્ર-વિચિત્ર પ્રશ્ર્નો
પૂછવા ઉશ્કેરે છે. આવા અજાણ્યા પ્રશ્ર્નના અવાક કરી મૂકે એવા જવાબ આપણે જાણીએ આ સવાલ-જવાબની સિક્વલમાં !
આદિકાળથી આજે ડિજિટલ યુગના માનવીમાં એક જન્મજાત વૃતિ- પ્રકૃતિ કુદરતી રીતે વણાયેલી છે અને એ છે કશુંક નવું નવું જાણવાની જિજ્ઞાસા આમેય પ્રશ્ર્નોથી અટવાતી ને પ્રશ્ર્નોથી ઉકેલાતી આ જિંદગીમાં આપણાં મનમાં અનેક સવાલ નિરંતર જાગતા રહે છે. કેટલાંકના જવાબ મળે તો અમુક તો જિંદગીભર અનુત્તર રહી જાય છે.
એક ઉદાહરણ લઈએ :
‘ચાંચિયા પોતાની એક આંખ કાળા રંગના ગોળ ચગદા-કાપડના ટુકડાથી કેમ ઢાંકી રાખે છે અને ચાંચિયા એમની સાથે પોપટ કેમ રાખે છે ?’
આ સવાલ તો બાળવાર્તા વાંચતાં હતા ત્યારથી મૂંઝવતો હતો,પણ ભાગ્યે જ એનો જવાબ આપણને મળ્યો છે! આવા લા-જવાબ રહેલા સવાલના સંતોષકારક જવાબ કોઈ પણ આયુએ જાણવા રસપ્રદ બની જાય છે.
આવા અનેક પ્રશ્ર્નો અને માન્યામાં ન આવે એવા સરળ તેમજ થોડા અઘરા ઉત્તરોનું સંકલન કરેલું ડેવિડ ફેલ્ડમન લિખિત એક પુસ્તક ‘ઈમપોન્ડરેબલ’ આબાલ- વૃદ્ધોમાં ખાસ્સું લોકપ્રિય છે. (ઈમપોન્ડરેબલ’નો સરળ અર્થ છે: ‘અંદાજ ન આવે એવું’ કે ‘કલ્પના ન કરી હોય તેવું..’ !) અનેક સવાલના માન્યામાં આવે અને ન પણ આવે એના જવાબ કે ખુલાસા પણ જાણવા જેવા હોય છે, જેમકે આપણું માથું ક્યાંક અથડાય ત્યારે ધોળે દિવસે તારા કેમ દેખાવા માંડે છે?
જવાબ: ‘કોલમ્બિયા યુનિવર્સિટી’ના નેત્ર નિષ્ણાત ડો. લેનવર્થ જહોન્સન આનો જવાબ આપતા કહે છે કે માથું અથડાય ત્યારે આંખની અંદર રહેલું પારદર્શક પ્રવાહી એ રીતે ખળભળી જાય કે રેટિના- નેત્રપટલનો બ્રેન-મગજ સાથેનો સંપર્ક કામચલાઉ તૂટી જાય છે. પરિણામે આપણને ‘ધોળે દિવસે તારા દેખાયા’ હોય એવો આભાસ થાય છે.
શા માટે કોઈ વરિષ્ઠ મિલિટરી ઓફિસરને અપાતાં મેડલ્સ એના યુનિફોર્મની ડાબી બાજુ જ ઝુલાવવામાં આવે છે?
જવાબ: અગાઉ કોઈ પણ મિત્ર દેશ લશ્કરી ઓફિસરને આવાં મેડલ્સ એનાયત કરતાં ત્યારે નેપોલિયનના જમાનામાં આવાં જથ્થાબંધ મેડ્લ્સની જગ્યા ડાબી કે જમણી બાજુ ફરતી રહેતી ! હવે આવાં મેડ્લ્સ માત્ર ડાબી બાજુ જ જોવાં મળે છે.આના માટે કોઈ ખાસ કારણ જાણવા નથી મળતું ,પણ એવું મનાય છે કે માણસનું સૌથી અગત્યનું અંગ હૃદય ડાબી તરફ હોય છે એટલે ગૌરવવંતી કામગીરી માટે અપાતાં મેડલ્સ ડાબી બાજુ ઝુલાવવાની પ્રથા શરૂ થઈ ગઈ !
બાળકને બ્લ્યુ-વાદળી અને બાળકીને પિન્ક-ગુલાબી રંગ સાથે કેમ સાંકળવામાં આવે છે?
જવાબ : યુરોપમાં સદીઓ જૂની એવી માન્યતા હતી કે નવજાત શીશુ પર અસૂરી તત્ત્વોની ખરાબ નજર હોય છે એટલે એના રક્ષણ માટે રંગોમાં સૌથી શક્તિશાળી મનાતા વાદલી રંગ પસંદ કરવામાં આવે છે, જ્યારે બાળકી જન્મે છે ત્યારે એને નઠારા તત્ત્વોનો ભય નથી હોતો,પણ એ જન્મે ત્યારે ગુલાબની પાંખડી જેવી કોમળ હોય છે એટલે એના માટે પિન્ક કલર પસંદ કરવામાં આવે છે.
આંધળી વ્યક્તિ શા માટે કાળા ગોગલ્સ પહેરે છે?
જવાબ: નેત્ર-નિષ્ણાતે જેને સત્તાવાર રીતે ‘દ્રષ્ટિહીન-આંધળી’ જાહેર કરી હોય એમાંથી ૭૫ % વ્યક્તિ એવી હોય છે,જેને આછું-પાતળું પણ દેખાતું હોય. આવી વ્યક્તિની આંખ બહારનો તડકો કે તીવ્ર પ્રકાશ સહન નથી કરી શકતી એટલે એમણે ડાર્ક ગોગલ્સ પહેરવા જરૂરી હોય છે. ઉપરાંત આવા કાળા ચશ્માથી બીજાને ખબર પડે છે કે સામેની વ્યક્તિ દ્રષ્ટિહીન છે..
આ પ્રકારના અન્ય કેટલાક સવાલ આપણે આ અગાઉ પણ આ જ કોલમમાં જોઈ ગયા છીએ, પરંતુ અનેક વાચકો આવા જ નવા રસપ્રદ સવાલ -જવાબ જાણવાની જિજ્ઞાસા અવારનવાર વ્યક્ત કરે છે. આમેય આજકાલ સિકવલનો ટ્રેન્ડ છે માટે આજે અહીં કેટલાક અજાયબ નવા સવાલ ‘ભાગ -૨’ તરીકે રજૂ કરીએ…
હવે આ સવાલ સાંભળો…
કોઈ જાણીતી વ્યક્તિની અંતિમયાત્રા વખતે શા માટે ૨૧ ગનની જ સલામી આપવામાં આવે છે ?
જવાબ :વિભિન્ન સંશોધન અનુસાર આવી ગન -સલામીની શરૂઆત છેક ૧૬મી સદીમાં થઈ હતી.આવી સલામી દ્વારા સંદેશ આપવામાં આવતો કે રક્ષણ થઈ શકે એવાં આ જીવલેણ ઘાતક શસ્ત્રો દ્વારા કોઈ વીર આત્માને શ્રદ્ધાંજલિ પણ આપી શકાય છે. અગાઉ કેટલી ગનની સલામી એની સંખ્યા નક્કી નહોતી. હાથમાં જેટલો દારૂગોળો હોય એ મુજબ નિર્ણય લેવાતો. સમય વીતતાં ૧૭૩૦માં સર્વપ્રથમ બ્રિટિશ નેવી અને પાછળથી ૧૮૯૯માં અમેરિકન નૌકાદળ દ્વારા ૨૧ ગન (કે તોપ)ની સલામી આપવાની શરૂ થઈ બસ, ત્યારથી આ પ્રણાલિકા ચાલુ છે.
અજાણી વાત કે જેનો જવાબ જાણતા નથી એના માટે આપણે અંગ્રેજી અક્ષર X (ઍક્સ ફેકટર) કેમ વાપરીએ છીએ?
જવાબ : હાલમાં જેના જવાબ આપણી પાસે નથી એ દર્શાવવા આજે ‘ડ’ અક્ષર કે સંજ્ઞા વપરાય છે. શરૂઆતમાં અમેરિકાના એક જાણીતા ગણિતશાસ્ત્રી ડેવિડ જોઈસ અંગ્રેજી બારાખડીનો અંતિમ અક્ષર ‘ણ’ વાપરતા, પણ સમય જતા એમને સમજાયું કે ‘ણ’ દેખાવમાં ૨-બે’ ના આંક જેવો લાગે છે એટલે એમણે ‘ડ’ વાપરવું શરૂ કર્યું , જે આજે પણ અજાણી વાત માટે ‘ડ’ વપરાશમાં છે.
આ જ ‘X’ નો પ્રતીકાત્મક ઉપયોગ આપણે કિસ-ચુંબન દર્શાવવા કેમ કરીએ છીએ?
જવાબ : યુરોપના રાજવીઓ કોઈ પણ મહત્વના દસ્તાવેજ પર એમની પૂરી સહી કરવાને બદલે ‘XXX’ રૂપે ટૂંકાક્ષર કરતા. આને સત્તા અને વિશ્ર્વાસની સંજ્ઞા માનવામાં આવતી. પાછળથી ઉમરાવો અને શ્રીમંતો પણ એમના પ્રેમપત્રોમાં ચુંબનને દર્શાવવા ‘X’ વાપરવા લાગ્યા. આજે ચુંબન અને આલિંગન માટે ‘XOXO’ સંજ્ઞા પણ યુવા પેઢીમાં ખાસી લોકપ્રિય છે.
હવે આપણે શરૂઆતમાં પૂછેલા પેલા ચાંચિયાવાળા પ્રશ્ર્ન પર પરત આવીએ
ચાંચિયા પોતાની એક આંખ કાળા રંગના ગોળ ચગદા-કાપડના ટુકડાથી કેમ ઢાંકી રાખે છે?
જવાબ: સામાન્ય માન્યતા એવી છે કે દરિયાઈ ઝપાઝપી વખતે ઈજા પામેલી – ફૂટી ગયેલી આંખને છુપાડવા એ કપડાની પટ્ટીથી ઢાંકે છે. હકીકત આવું નથી ચાંચિયાની ટોળકી રાતે અંધારામાં પોતાના શિકાર પર ત્રાટકે છે એના કલાકો પહેલાં એક આંખને કાળા રંગના કપડાના ટુકડા(આઈ પેચ)થી ઢાંકી રાખે છે, જેથી એની એક આંખ અંધારાથી ટેવાઈ જાય આ ઉપરાંત એમની ટોળકીનું વહાણ દિવસના પ્રકાશમાં દરિયામાં ભમતું રહે છે એટલે પ્રકાશ અને અંધારા વચ્ચે અંધારામાં ય સારી રીતે જોઈ શકાય એ માટે આંખ પર કપડાનું ચગદું પહેરી રાખે છે
આ દરિયાઈ ચાંચિયા એની સાથે પોપટ કેમ રાખે છે ?
જવાબ : સમુદ્રની લાંબી કંટાળાજનક મુસાફરીમાં એમનું મનોરંજન કરી શકે એવું બહુ ‘બોલતું’ પક્ષી પોપટ છે માટે દરિયાની રઝડપાટમાં કંપની મળે એ માટે ચાંચિયા ટોળકી હંમેશાં પોપટને સાથે ફેરવે છે!
આ પ્રકારના ઉત્કંઠા વધારે – ઉત્સુકતા જગાડે એવા તો અનેક પ્રશ્ર્નો છે, જેના ઉત્તર પણ બહુ રસપ્રદ છે,પણ એ વિશે ફરી કયારેક.
સિકવલ -૩ તરીકે !
(સંપૂર્ણ)