વીક એન્ડ

વાર્તા રે વાર્તા… વાંચવી ક્યાં ક્યાં

ફોકસ – નિધિ ભટ્ટ

દિલ્હીમાં બેઇઝમેન્ટમાં બનેલી લાઇબ્રેરીમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓ એમાં પાણી ભરાઇ જવાને કારણે અને દરવાજો સમય પર ન ખુલી શકવાને કારણે ગૂંગળાઇને મૃત્યુ પામ્યા. વિદ્યાર્થીઓની કોઇ પણ જાતની સલામતીની ચિંતા કર્યા વિના, કોઇ પણ જાતના અધિકૃત લાઇસન્સ વિના, ભ્રષ્ટાચારને પોષીને આડેધડ લાઇબ્રેરીઓ ખોલી પૈસા ખંખેરનારા લોકો વિશે વાંચીને ખરેખર આપણને ઘૃણા ઉપજે. આ છે દિલ્હીની એક કાળી બાજુ તો બીજી બાજુ દિલ્હીમાં જ ‘ફ્રી લાઇબ્રેરી નેટવર્ક’ઉર્ફે એફએલએનના નેજા હેઠળ ગરીબોના બાળકોને મફતમાં પુસ્તકોની સુવિધા આપતી, તેમને વાર્તાઓ કહેતી, જનરલ નૉલેજ આપતી, લખતા વાંચતા શીખવતી, શિક્ષણ માટે તૈયાર કરતી અને બાળકો સાથે હસતી રમતી લાઇબ્રેરિયનવાળી લાયબ્રેરીઓ જોઇને એમ થાય કે ખરેખર કાળા વાદળનેય રૂપેરી કોર હોય છે તે આનું નામ.

ધન્ય છે આ એફએલએનને કે જેનો પથારો પૂરા ભારતમાં પથરાયો છે . હાલ તેની ૨૦૦થી વધુ શાખાઓ પૂરા ભારતમાં પ્રસરેલી છે જે ગરીબ, દલિત, શોષિત, છેવાડેના બાળકોના ભવિષ્યને ઉજાળવાનો સુંદર પ્રયાસ કરે છે.

દિલ્હીની નગીના આમ તો થિયેટર આર્ટિસ્ટ તરીકે કામ કરે છે, પણ રોજ એક કલાક તે નિઝામુદ્દિન બસ્તી જેવા ઓછી ઇન્કમ ગ્રુપના રહેણાંક વિસ્તારમાં આવે છે જ્યાંએક જ માળ પર આવેલા ત્રણ રૂમમાં આગાઝ ટ્રસ્ટ દ્વારા ચલાવાતી કૉમ્યુનિટી લાયબ્રેરી છે. ગરીબ પણ હોંશીલા બાળકો અહીં પહેલેથી જ નગીના દીદીની રાહ જોતાં, આજે એ કઇ વાર્તા સંભળાવશે તેની ઉત્સુકતા લઇને બેઠા હોય. આ એવા બાળકો હોય છે જેમની પાસે પુસ્તક ખરીદીને વાંચવાના પૈસા હોતા નથી. જે પોતાના ઘરની દારિદ્રતા અને દીનતાને ભૂલીને અહીં ખુલ્લા મને કશુંક જાણવા અને શીખવા આવે છે.

આવી લાઇબ્રેરીઓમાં સામાન્ય લાઇબ્રેરીઓમાં હોય છે તેવી શિસ્ત કે કડકાઇ તમને જોવા ન મળે. સામાન્ય લાઇબ્રેરીઓમાં કોઇ પુસ્તક ઉપાડો તો દૂર બેઠેલો કોઇ ખડ્ડુસ લાઇબ્રેરીયન બુમ મારે, પણ અહીં એવું કંઇ ન મળે. અહીં બેસીને તમે એવી ચર્ચા કરી શકો જે ઘરમાં ન કરી શકો. તમારું ટેન્શન હળવું કરી શકો. પાયલ નામની વિદ્યાર્થિની તો આને પ્યારભરી લાયબ્રેરી ગણાવે છે.
માત્ર દિલ્હી જ શું કામ આવી લાઇબ્રેરી આસામમાં પણ છે જ્યાં પુસ્તકો વાંચતા વાંચતા તૃતિયપંથીઓના હકની વાતો પણ ચર્ચાઇ શકે છે. મધ્ય પ્રદેશમાં પણ છે જ્યાં આદિવાસી અને ટ્રાન્ઝીટ કૅમ્પમાંથી આવેલા પશ્મંદા મુસ્લિમ બાળકો વાંચતા લખતા શીખી શકે છે અને તમિળનાડુમાં પણ છે જ્યાં દિવ્યાંગ બાળકો હૉસ્પિટલના રોજીંદી થકવી નાખનારી વિધિઓથી મુક્ત થઇને પુસ્તકોને મિત્ર બનાવવા આવી પહોંચે છે.

એફએલએન ભારતમાં હજુ વધારે લાયબ્રેરીઓ ખોલવા માગે છે, પણ તેનો ઉદ્દેશ કંઇક હટ કે છે. દરેક વર્ગના લોકોને માહિતી અને જ્ઞાન મેળવવાનો હક છે. શિક્ષણ પ્રાપ્તિનો અધિકાર છે એવું તેમનું માનવું છે. તેઓ એવી લાયબ્રેરીઓનું નિર્માણ કરવા માગે છે જ્યાં લાઇબ્રેરિયન માત્ર પુસ્તકો ગોઠવી રાખનારો બુકકીપર ન હોય, પરંતુ વિદ્યાર્થીઓને મદદ કરનારો, તેમને જોઇતી કોઇ પણ બુક મેળવી આપનારો, કોઇ પણ વયના લોકોને ભેગા કરીને તેમનામાં શિક્ષણ અંગે જાગૃતિ ફેલાવનારો મળતાવડો હોવો જોઇએ.

ભારતમાં હાલ ૨૫,૦૦૦થી ૫૫,૦૦૦ સાર્વજનિક લાયબ્રેરીઓ છે. જ્યારે યુનેસ્કોની ભલામણ પ્રમાણે ૧,૪૦,૦૦૦ લાયબ્રેરી મતલબ ૧૦,૦૦૦ માથા દીઠ એેક લાયબ્રેરી જોઇએ. સરકારી સહાયના અભાવમાં આગાઝ જેવી ઘણી સંસ્થાકીય લાયબ્રેરી ચલાવવા આગળ આવી છે. ઑરીઅન્ડા રૂથવેન દિલ્હીની મેહરૂલ સમુદાયની લાયબ્રેરી ચલાવે છે. બે રૂમ જેટલી જગ્યામાં ચાલતી આ લાયબ્રેરીને આસપાસના વિસ્તારથી ઘણો સહકાર મળે છે, પણ અનુદાન જોઇતુ હોય તો ઘણી શરતો પાર પાડવી પડે છે. સંસ્થા કેટલાક વર્ષ જૂની રજીસ્ટર્ડ હોવી જ જોઇએ. સંસ્થા વિસ્તરણ માગતી હોય તો તેનો પ્લાન બનાવવો પડે છે અને ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) ઍક્ટ હેઠળ તમામ ઇન્કવાયરીઝના ઉત્તર આપવા પડે છે. એ કહે છે કે ધાર્મિક ઉત્સવો ઉજવવા સમુદાયો કે રેસિડેન્ટ્સ વૅલ્ફેર એસોસિયેશન પાસેથી ફંડ મેળવવું સહેલું છે, પણ પુસ્તકો માટે મેળવવું થોડું અઘરું છે. આ પ્રવૃત્તિ માટે લોકોને સમજાવવા ઘણું મુશ્કેલ છે.
ઝારખંડનો સંજય કછ્છપ જે દલિત અને આદિવાસીઓની વસતિ વધારે છે એવા પશ્ર્ચિમ સિંઘભૂમ જિલ્લામાં ૨૦ જેટલી લાઇબ્રેરીઓની શાખા ખોલી છે એ પણ આ બાબત કબૂલતા કહે છે કે લોકો અમારી પ્રવૃત્તિ પર શંકા કરે છે કે આ સંસ્થા કોઇ રાજકારણથી પ્રેરિત એજન્ડા તો નથી ને? આ લોકો નક્સલવાદી તો નથી ને?

ઉલ્લેખનીય છે કે તેણે એવી જગ્યાઓમાં લાયબ્રેરીઓ ખોલી છે જ્યાં અગાઉ દારૂ,સેક્સ જેવી અનેક અનધિકૃત પ્રવૃત્તિઓ થતી હોય. એ ઝૂંપડપટ્ટીમાં ઉછર્યો છે. તેની પાસે પરીક્ષાની તૈયારીને લગતા પુસ્તકો ખરીદવાના પૈસા ન હોતા. લાઇટો જતી રહેતી હતી. શ્રીમંતોના સંતાનોને ઇન્ગિલીશ શીખવીને એ ફંડ ભેગું કરતો અને તેમાંથી એ ભણ્યો અને તેના ભાઇબેનને પણ ભણાવ્યા. તેણે નક્કી કર્યું કે એ સફળ થશે તો બીજાને મદદ કરશે. એ કહે છે કે હવે અમે અહીંના બાળકોના સપના પૂરા કરીએ છીએ. તેમને પુસ્તકો, સ્ટેશનરી અને વાંચવા માટે જગ્યા પૂરી પાડીએ છીએ. ઇન્ટરનેટની સગવડ આપીએ છીએ. ૨૦૦૭ પછી આ જિલ્લામાં હવે અધવચ્ચેથી ભણવાનું છોડી દેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. વિદ્યાર્થીઓ શિક્ષણક્ષેત્રે સારું પ્રદર્શન કરી રહ્યાં છે. અમારી લાયબ્રેરીમાં આવતી છોકરીઓની સંખ્યા છોકરાઓ કરતા પણ વધી રહી છે.

આવી ગેરસરકારી અને અમુક સમુદાયો દ્વારા ચાલતી લાયબ્રેરીઓનો વિરોધ કરવાવાળા પણ ઘણા હોય છે. સંજય કહે છે કે અમારી લાયબ્રેરીઓનું ભાવિ અસલામત છે છતાંય એ માને છે કે અમે બાળકોમાં રહેલી અભિલાષાને ઊર્જા પૂરી પાડવા કટિબદ્ધ છીએ.

સરકાર પહોંચી ન વળે ત્યાં આવી કૉમ્યુનિટી લાયબ્રેરીઓ દ્વારા દેશના ભાવિ નાગરિકોને તૈયાર કરવા પાછળ સમય, તન,મન અને ધન વાપરનારા આવા અનેક ક્ધવીનરો અને લાઇબ્રેરીયનોનો પ્રયાસ સરહાનીય છે. માત્ર કમાવાના હેતુથી લાયબ્રેરીઓ ઊભી કરનારા અને બાળકોની સલામતીની ચિંતા ન કરાનારા પરિબળોએ આવી લાયબ્રેરીઓ પાસેથી ઘણું શીખવા જેવું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button