સ્થાપત્યનું વાઈ-ફાઈ: સ્થાપત્યમાં એક મૂંઝવણ ભરેલી સ્થિતિ

- હેમંત વાળા
સ્થાપત્યની રચનાને નિર્ધારિત કરતાં પરિબળોમાં ઉપયોગીતા, બાંધકામની પ્રાપ્ય સામગ્રી તથા તેની લગતી તકનિક, લાગુ પડતા કાયદા, સ્થાનિક આબોહવા, આજુબાજુની સાંદર્ભિક પરિસ્થિતિ, લોકોની કાર્યશૈલી તથા તેમની વચ્ચેનો સામાજિક વ્યવહાર, વિશ્વમાં પ્રવર્તમાન સ્થાપત્ય શૈલી, પ્રાપ્ય સંસાધનો તથા સ્થપતિ તેમજ ગ્રાહકની વિચારસરણી અગત્યનાં છે. આ બધાને હંમેશાં એક સમાન ન્યાય ન મળી શકે. એક બાબતને જ્યારે વધારે મહત્ત્વ આપવામાં આવે ત્યારે બીજી કોઈક બાબતની અવગણના થવાની સંભાવના રહે. આ પ્રકારની અવગણના પર જો વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો સ્થાપત્યની રચના માટેના નિર્ણયો માટે મૂંઝવણ ભરેલી સ્થિતિ ઊભી થાય.
જો કિમતને પ્રાધાન્ય આપવામાં આવે તો જરૂરી દ્રશ્ય અનુભૂતિ સાથે બાંધછોડ પણ કરવી પડે. જો બાંધકામમાં ઝડપનો આગ્રહ રાખવામાં આવે તો અમુક પ્રકારનું વિગતીકરણ શક્ય ન પણ બને. જો સ્થપતિ પોતાની વિચારસરણીને વધુ મહત્ત્વ આપતો થાય તો ક્યાંક ગ્રાહકના સપનાને હાનિ પહોંચી શકે. જો વ્યક્તિગત બાબતો હાવી થતી જાય તો ઇચ્છનીય સામાજિક સમીકરણ માટે પ્રશ્નો ઊભા થઈ શકે. વિવિધ પરિબળો વચ્ચે સંતુલન જાળવવું મુશ્કેલ છે. શક્ય તેટલો પ્રયત્ન થઈ શકે પરંતુ બધાને ન્યાય મળે તે અશક્ય જણાય છે.
આ પણ વાંચો: સ્થાપત્યનું વાઈ-ફાઈ: પતરાં જડવાની ચેષ્ટા…
જો આધુનિકતાને અનુસરીને ચારે બાજુ કાચ જડી દેવામાં આવે તો મકાનની અંદર ગરમીની માત્રા વધી જાય અને મકાનનું આંતરિક તાપમાન અનુકૂળ સ્તરે રાખવા માટે વધુ ઊર્જાની ખપત થાય. જો આંતરરાષ્ટ્રીય શૈલીને અનુસરવામાં આવે તો સ્થાનિક પરંપરાને ક્યાંક અન્યાય થઈ જાય. જો પેરામેટ્રીક સ્થાપત્યમાં થતું હોય છે તેમ સ્થાપત્યની રચનાના નિર્ધારણમાં કોમ્પ્યુટરના ઉપયોગને કેન્દ્રમાં રાખવામાં આવે તો `માનવીય’ સંભાવનાઓ અનિચ્છનીય માત્રામાં ઓછી થઈ જાય. જો બાંધકામની આધુનિક યાંત્રિક તક્નિકનો વધુ ઉપયોગ થાય તો ક્યાંક રોજગાર ઓછો થવાનો ભય ઊભો થાય. આર્થિક સમીકરણ મુજબ જો બાંધકામનું ક્ષેત્રફળ ન્યૂનતમ રાખવામાં આવે તો માનસિક વિકાસ માટે જરૂરી મુક્તતા ન મળે. આ પ્રમાણે લગભગ દરેક કિસ્સામાં એક હાથે કંઈક મળતું હોય તો બીજો હાથ કંઈક ગુમાવતો હોય તેમ લાગે છે. પામવા-ગુમાવવાની પ્રક્રિયા જો એટલી સરળ ન હોય તો મૂંઝવણ ઊભી થાય.
સ્થાપત્યની રચનાને અસર કરતાં પરિબળો ઘણાં છે. બધાને એક સમાન ન્યાય આપી શકાય તેવી સંભાવના નથી હોતી. અહીં પૂર્વ નિર્ધારિત અગ્રતાક્રમ પ્રમાણે નિર્ણયો લેવા પડે છે. જે બાબત અગ્રતાક્રમમાં પાછળના ક્રમે આવે એ બાબત માટે થોડી બાંધછોડ તો લેવાતી જ હોય છે. એવા સંજોગોમાં જ્યારે અગ્રતાક્રમને જુદા જ દ્રષ્ટિકોણથી જોવામાં આવે અથવા તો સમય જતાં અગ્રતાક્રમ જ બદલાઈ ગયો હોય તો આ પ્રકારની સમજૂતી નડે. આ પરિસ્થિતિમાં કઈ બાબત માટે કેવા પ્રકારની સમજૂતી કરાઈ છે તે સ્પષ્ટ દેખાઈ આવે. એક રીતે જોતાં સ્થાપત્યની રચના પસંદગીની પ્રક્રિયા છે. જ્યારે એક બાબત પસંદ કરવામાં આવે ત્યારે બીજી છોડવી પડે. જો પસંદગી માટે સ્પષ્ટ ધોરણે ન હોય તો હંમેશાં મૂંઝવણ ઊભી થાય.
આ પણ વાંચો: સ્થાપત્યનું વાઈ-ફાઈ: ઝી-લાઈન આવાસ – સેમારંગ – ઈન્ડોનેશિયા આવાસની રસપ્રદ ખાંચાખૂંચી
મકાનમાં ગરમીનો પ્રવેશ અટકે તે માટે જુઓ બહારની દીવાલોની માત્રા ઓછી કરવામાં આવે તો મકાનમાં પ્રવેશતા કુદરતી પ્રકાશની માત્રા પણ ઓછી થાય. મકાનની રચનામાં આંતર્ભીમુખતાને મહત્ત્વ આપવામાં આવે તો બહારના વિશ્વ સાથેનો તેનો સંબંધ ક્ષીણ થતો જાય. જો મકાનને વધુ ઊંચાઈ આપવામાં આવે તો અમુક હદ પછી તેની કિમત વધતી જાય, અને જો મકાનનો પ્રસાર વધારવામાં આવે તો જમીનની કિમતને અનુલક્ષીને ક્યાંક આર્થિક સમીકરણ ખોટવાઈ જાય. મકાનની લાગત કિમત ઓછી કરવા જઈએ તો ક્યાંક તેના રખરખાવની કિમત વધી જાય. મકાનનું આંતરિક તાપમાન અનુકૂળ સ્તરે રહે તે માટે જો દીવાલો જાડી કરવામાં આવે તો ઉપયોગમાં આવનાર ક્ષેત્રફળ ઓછું થઈ જાય. એકંદરે એમ કહી શકાય કે સ્થાપત્યની રચનામાં એક લાભ લેવો હોય તો અન્ય કોઈ સ્થળે બાંધછોડ કરવી જ પડે. આ બાંધછોડ જો યથાર્થ તેમજ યોગ્ય માત્રા મુજબની ન હોય તો મન ઉચાટ અનુભવે.
સ્થાપત્યમાં ટૅકનોલૉજી પણ મહત્ત્વની છે અને કળા પણ. અહીં વ્યક્તિ પણ અગત્યનો છે અને વ્યક્તિ-સમૂહ પણ. અહીં ભૂતકાળનું પ્રતિબિંબ પણ જરૂરી છે, વર્તમાનની વાસ્તવિકતા પણ અગત્યની છે અને ભવિષ્યના સપના પણ સાકાર કરવાના છે. અહીં વિશ્વ સાથે તાલમેલ પણ મેળવવાનો છે અને પોતાની ઓળખ પણ જાળવી રાખવાની છે. અહીં સાધનમાં કળાત્મકતા ઉમેરવાની છે અને કળાને ઉપયોગી બનાવવાની છે. અહીં વિરોધી કહી શકાય તેવી બાબતો વચ્ચે સંતુલન જાળવવાનું હોય છે. સ્થાપત્યની રચના નિર્ધારણ કરવાની પ્રક્રિયા પણ જટિલ છે. અહીંયા માહિતીનું પણ મહત્ત્વ છે અને સંવેદનશીલતાનું પણ. અહીં તર્કબદ્ધતા પણ જરૂરી છે અને રચનાત્મકતા પણ. રચનાના નિર્ધારણમાં ચોક્કસ ક્રમનું અનુસરણ કરવામાં આવે તે પણ ઇચ્છનીય છે અને ક્યારેક અપવાદ ઊભો કરવાથી પણ સારાં પરિણામ આવી શકે. સ્થાપત્યમાં આમ જ થઈ શકે તેવું ક્યારેય ન થઈ કહી શકાય, આમ જ હોવું જોઈએ તેવું ક્યારેય સ્થાપિત ન થઈ શકે, આ જ ઇચ્છનીય છે તેઓ દાવો ક્યારેય ન કરી શકાય. સ્થાપત્યનું આ સત્ય ઘણા માટે મૂંઝવણ ઊભી કરી શકે.
આ પણ વાંચો: સ્થાપત્યનું વાઈ-ફાઈ : `બિયોન્ડ ધ એજ’ પ્રવાસી કેન્દ્ર – સર્ગે – પોર્ટુગલ કલ્પનાની રોમાંચક દુનિયા
આમ પણ વાસ્તવિક જિંદગીમાં માત્ર લાભ જ હોય તેવી સંભાવના નહિવત હોય છે. એવો એક પણ વ્યવસાય નથી કે જેમાં સદાય માત્ર નફો મળતો હોય. પસંદગી તો કરવી જ પડે અને પસંદગી જ્યારે એક બાબત પર અટકે ત્યારે અન્ય બાબત વિશે મૂંઝવણ ઊભી થાય પણ ખરી. જ્યારે પસંદગીનાં ધોરણો તર્કબદ્ધ, લગભગ સર્વ સ્વીકૃત કહી શકાય તેવા, રચનાત્મક, સુ-સંવેદનશીલતા અનુસાર, કાર્યક્ષમતા યોગ્ય સ્તરે જળવાઈ રહે તે મુજબના અને માનવીય ભાવનાઓને અનુલક્ષીને લેવાયા હોય તો પ્રશ્નો ઓછા ઊભા થાય. આ શક્ય છે.