સ્થાપત્ય અને તેની આકાશ રેખા
સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા
મકાન ત્રણ સ્તરે આજુબાજુની પરિસ્થિતિ સાથે સંવાદ સ્થાન સાધે છે: તેનો જમીન સાથેનો સંવાદ, તેનો આકાશ સાથેનો સંવાદ અને આ બે વચ્ચેના માળખા થકી હવા અને પ્રકાશ સાથેનો સંવાદ.
મકાન જે રીતે જમીન સાથે સંકળાયેલું હોય તેનાથી એ વ્યક્ત થાય છે કે તે જમીનમાંથી ઊગી નીકળ્યું છે કે બહારથી લાવીને બેસાડી દેવામાં આવ્યું છે. જ્યારે જમીન તથા જમીનને લગતી સ્થાનિક બાબતો પ્રત્યે હકારાત્મક પ્રતિભાવો અપાયા હોય ત્યારે એમ જણાય કે મકાન એ સ્થાન માટે જ બનાવ્યું છે અને ત્યાં જ ઉગવા – ઊભા રહેવા અસ્તિત્વમાં આવ્યું છે. જો આ પ્રતિભાવ એવા હકારાત્મક ન હોય તો મકાન બહારના કોઈ વિશ્ર્વની ‘એન્ટીટી’ બની રહે અને સ્થાનિક પરિસ્થિતિ સાથે એક પ્રકારનો અલગાવ અને અસંદર્ભિકતા વ્યક્ત થાય. આ બંને પ્રકારના અભિગમ સ્થાપત્યમાં સ્વીકાર્ય છે પણ જ્યારે સ્થાન સાથેના તેના સમીકરણની વાત આવે ત્યારે હકારાત્મક અભિગમ વધુ પ્રશંસા પામે. મકાનનું જમીન સાથેનું જોડાણ ઓટલા, પગથિયાં, વિસ્તૃત છજજા, જમીન પર મકાનને અડીને બનાવેલ પ્લિંથ પ્રોટેક્શન, ફૂલ-છોડના ક્યારા તથા મંચ જેવી રચના પર આધાર રાખે છે. આ દરેક અંગ જુદી જુદી રીતે મકાન અને જમીન વચ્ચેનો સંબંધ સ્થાપિત કરે છે…
માનવી જમીનની ઉપર તથા આકાશની નીચે રહે છે તેથી મકાનનો જમીનની ઉપરનો અને આકાશ રેખાની નીચેનો ભાગ સ્થાપત્યમાં સૌથી મહત્ત્વનું ગણાય.
આ સ્થાનમાં જ માનવીના કાર્યસ્થાનો તથા તે માટેની સગવડતાનો સમાવેશ થાય છે. આ ભાગમાં જ ઓરડાઓ તથા તેના બારી-બારણાઓ ગોઠવાય છે. આ બારી-બારણામાંથી દૃશ્ય સ્વરૂપે મકાન જાણે બહાર નીકળે છે અને પ્રકાશ અને હવા સ્વરૂપે બહારની પરિસ્થિતિ મકાનની અંદર પ્રવેશે છે. આ આપ-લે મકાનનાં મુખ્ય માળખાની ગુણવત્તા નક્કી કરવા માટે મહત્ત્વની ગણાય છે. ફરસ -દિવાલો – છત વડે બનતો આ ભાગ મકાનની આખી વાર્તા કહી જાય છે. અહીં આવેલ મકાનનાં પ્રત્યેક અંગનો એક હેતુ તથા ઉપયોગિતા હોય છે અને સાથે સાથે દૃશ્ય અનુભૂતિ પણ તેની સાથે જોડાયેલી રહે છે.
મકાનનાં ઉપરના ભાગ – સ્કાય લાઈન – આકાશ રેખા થકી તેનો આકાશ સાથેનો સંવાદ સ્થપાય છે. જો આ રેખા સીધી સપાટ હોય તો તેનાથી મકાન અને આકાશ વચ્ચે જાણે વિભાજન થઈ જાય છે. તેની સામે જો આ આકાશ રેખા થોડા ઊંચા નીચા આકારો વડે ગોઠવાય હોય તો આકાશ અને મકાન વચ્ચે અનેરો સંબંધ સ્થપાય શકે. તે ઉપરાંત મકાનનાં ઉપરના ભાગમાં જો મંડપ કે પરગોલા જેવી રચના કરાઈ હોય તો આકાશ કંઈક અંશે મકાનની અંદર પરોવાઈ ગયું હોય તેમ જણાય. માત્ર બીમ-કોલમની રચના પણ આકાશ અને મકાનને પરસ્પર બાંધતી હોય તેમ લાગે. વળી મકાનનાં આકારની ઓળખ ઘણીવાર આવી આકાશ રેખા થકી જ નક્કી થાય છે – મકાનનાં ઉપરના ભાગમાં જો શંકુ આકાર હોય તો આખું મકાન શંકુ આકારનું જણાય અને જો ગુંબજ ગોઠવાય તો તેની પ્રતીતિ એ પ્રમાણેની થાય. ઘણીવાર સ્થાપત્યની શૈલીની ઓળખમાં આકાશ રેખાનો ફાળો મહત્ત્વનો બની રહે છે.
હાલમાં વિશ્ર્વમાં ઊંચા મકાન બનાવવાની જાણે હોડ ચાલે છે. મકાનની ઊંચાઈ બે રીતે મપાય છે; તેમાં આવેલા માળની સંખ્યા પ્રમાણે અને તેની જમીનના તળથી ઊંચાઈ પ્રમાણે. વચમાં એવો તબક્કો હતો જ્યારે સૌથી ઉપરના માળ ઉપર ઊંચો એન્ટીના મૂકી દઈને મકાનની ઊંચાઈ માટે દાવો થતો. પછી સંલગ્ન સંસ્થા દ્વારા એમ નક્કી કરાયું કે જે સ્તરે સામાન્ય સંજોગોમાં માનવી પહોંચી શકે તેટલી જ ઊંચાઈ મકાનની છે તેમ માનવું. પણ ત્યાં સુધીમાં તો ઘણા ગગનચૂંબી મકાનોની આકાશ રેખા આવા ઉમેરણથી નિર્ધારિત થઈ ચૂકી હતી. આ પ્રકારની એન્ટીના જેવી રચના વડે મકાન જાણે આકાશમાં સોય ભોંકતું હોય તેવી પ્રતીતિ થતી.
મકાનનાં ઉપરના ભાગનો – અગાસીનો ઉપયોગ, આપણા પરિપ્રેક્ષ્યમાં સુવા માટે કે વાર તહેવાર ઉજવવા માટે થાય છે. ત્યાં વધારાનો ભંગાર પણ પડી રહે અને ત્યાં શાંતિપ્રિય માનવી બેસવા માટે પણ જાય. અગાસીમાં પાપડ પણ સુકવવામાં આવે અને પક્ષીઓ માટે ચણ પણ ત્યાં જ નાખવામાં આવે. આમ તો આપણી આબોહવા માટે અગાસી એ એક અગત્યનું સ્થાન છે પણ યુરોપના સ્થપતિ લા કાર્બુઝિયરે તો અહીં ક્લબ તથા બાળકોને રમવાના સ્થાન બનાવી તેને જુદા જ પ્રકારનું મહત્વ આપ્યું. આ એક રસપ્રદ વિચાર હતો જેનાથી મકાનનાં સૌથી ઉપરના ભાગની ઉપયોગિતા તો વધી પણ સાથે સાથે તેની આકાશ રેખા વધુ અર્થપૂર્ણ બની. સાંપ્રત સમયમાં પણ આ વિચાર અમલમાં મુકાય છે. જ્યારે આવા વિચારનું વ્યક્તિગત આવાસના ધોરણે અમલીકરણ થાય ત્યારે ‘પેન્ટહાઉસ’ બને.
ઘણા એમ માને છે કે મકાનની અનુભૂતિમાં આકાશ રેખા એટલી મહત્ત્વની નથી. આ વાત બહુમાળી મકાનમાં સાચી લાગે કારણ કે અતિ ઊંચાઈવાળા બાંધકામમાં મકાનનો ઉપરનો ભાગ ,અન્ય મકાનોની સરખામણીમાં, એટલું ધ્યાન ન ખેંચે. પણ જો આપણે મોટાભાગના સામાન્ય મકાનોની વાત કરીએ તો તેની આકાશ રેખા તે મકાનની અનુભૂતિમાં મહત્ત્વની બની રહે. મકાનના વિગતિકરણમાં આકાશ રેખા પર કરાયેલ રચના થકી મકાનની નાજુકતા, દ્રઢતા, સરળતા, કલાત્મકતા, ભવ્યતા તથા સમૃદ્ધિ વ્યક્ત થતા રહ્યા છે. આ આકાશ રેખાની રચનામાં જો મકાનની જ સામગ્રી વપરાઈ હોય તો એક પ્રકારની અનુભૂતિ ઊભી થાય અને જો સામગ્રીમાં બદલાવ લાવવામાં આવે તો આ અનુભૂતિ નાટકીય રીતે બદલાય. તેવી જ રીતે મકાનના પ્રમાણમાપ આકાશ રેખાની રચનામાં પ્રયોજાયા હોય કે ન પ્રયોજાયા હોય તેની પણ સચોટ અસર થતી હોય છે. મકાનની આકાશ રેખાને દૃશ્ય અનુભૂતિમાં વધુ તીવ્રતા આપવા ત્યાં થોડું વધારે ઝુકતું છજ્જુ કાઢી તેના પર ઘાટો રંગ કરી દેવાની પ્રથા પ્રચલિત છે.