ચોમાસામાં તરોતાજા રહેવું છે… તો શું ખાવું – શું નહીં ખાવું?
ચોમાસું પોતાની સાથે અનેક પ્રકારના રોગચાળા લઈને આવે છે, જેમ કેડેન્ગ્યુ, મલેરિયા, શરદી-ટાઢ અને ચોમાસું ફ્લૂ જેવા રોગો લાવે છે. આથી જ આ મોસમમાં સ્વસ્થ - તરોતાજા રહેવા માટે કેટલીક વસ્તુ ખાવાની બંધ કરવી જોઈએ
ફોકસ – રાજકુમાર દિનકર
દરેક મોસમના પોતાના ફાયદા અને નુકસાન હોય છે. આકરી ગરમીથી રાહત આપવા માટે જ્યારે રૂમઝુમ ચોમાસાની મોસમ આવે છે ત્યારે શરીરને ઘણી રાહત મળે છે, પરંતુ આ મોસમમાં સ્વસ્થ રહેવા માટે ખાનપાનમાં ખાસ્સી સાવધાની રાખવાની જરૂરી છે, અન્યથા અનેક પ્રકારની આરોગ્ય સંબંધી તકલીફોનો સામનો કરવો પડે છે.
આનું મુખ્ય કારણ એ કે ખુદ ચોમાસું પોતાની સાથે અનેક પ્રકારના રોગચાળા લઈને આવે છે, જેમ કેડેન્ગ્યુ, મલેરિયા, શરદી-ટાઢ અને ચોમાસું ફ્લૂ જેવા રોગો લાવે છે. આથી જ આ મોસમમાં સ્વસ્થ – તરોતાજા રહેવા માટે કેટલીક વસ્તુ ખાવાની બંધ કરવી જોઈએ, જેમ કે લીલાં શાકભાજી, તળેલી મસાલેદાર વસ્તુઓ, સલાડ, દહીં, સી-ફૂડ, મશરૂમ અને નોન-વેજ.
આનું કારણ એ કે આ ઋતુમાં આયુર્વેદના કહેવા મુજબ શરીરમાં વાતનું પ્રમાણ વધી જતું હોય છે. આથી જ બહુ તીખી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ, કેમ કે આ ઋતુમાં પાચન પ્રક્રિયા પ્રભાવિત થતી હોય છે. પાંદડાવાળા લીલા શાકભાજી આમ તો ઘણા ગુણકારી હોય છે, પરંતુ ચોમાસામાં પાલક, કોબી, મેથી વગેરે ખાવાનું જેટલું ટાળી શકાય એટલું વધુ સારું છે. કેમ કે ચોમાસામાં આ બધાની અંદર અનેક પ્રકારના જીવાણુ રહેતા હોય છે, જેને કારણે ઈન્ફેક્શન – ચેપ લાગવાનો ભય હોય છે. આ મોસમમાં કેટલાક ફળ પણ આરોગ્ય માટે હાનિકારક છે, જ્યારે કેટલાક ફળો અન્ય ઋતુની સરખામણીએ વધુ લાભદાયક હોય છે. ચોમાસામાં એવા ફળો ખાવા જોઈએ જેમાંથી ભરપુર વિટામિન, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ મળે. જેનાથી આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે. આ ઋતુમાં સફરજન, દાડમ, જાંબુ, પપૈયા અને નાસપતી જેવા ફળો ખૂબ ખાવા જોઈએ . સફરજનમાં આયર્ન ખાસ્સું હોય છે. ઉપરાંત અનેક પ્રકારના વિટામિન પણ હોય છે. આ મોસમમાં શરીરમાં આ વિટામિનની ભરપાઈ લાભદાયક નીવડે છે. દાડમ તો દરેક મોસમમાં લાભદાયક છે, પરંતુ ચોમાસામાં તો તે ખાસ શરીરને ફિટ રાખવામાં મદદ કરે છે. જાંબુ એવું ખાટું-મીઠું ફળ છે જે શરીરના હિમોગ્લોબિનના સ્તરમાં વધારો કરે છે. આને કારણે શ્ર્વાસ સંબંધી તકલીફોને દૂર કરવામાં લાભદાયક નીવડે છે. પપૈયામાં અનેક પ્રકારના વિટામિનનો ભંડાર હોય છે. જેમ કે વિટામિન-ઈ, વિટામિન-સી અને વિટામિન-એ આમાંથી મળે છે. આથી જ ચોમાસામાં પપૈયાને ભોજનમાં જરૂર સામેલ કરવું જોઈએ.
હવે સૌથી મહત્ત્વની વાત છે કેરીની. કેમ કે ભારત જેવા દેશમાં ચોમાસાના પ્રારંભમાં આખા દેશમાં કેરી મળે છે. તેનું સેવન પણ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે.
શું ચોમાસામાં કેરી ખાવી જોઈએ? તો આનો જવાબ છે કે હા. કેરીનું સેવન ચોમાસામાં કરવું જોઈએ. કેમ કે આમાં એ ત્રણ વસ્તુ હોય છે જે ચોમાસામાં શરીર માટે ખાસ આવશ્યક હોય છે. વિટામિન-સી, વિટામિન-એ અને એન્ટિ-ઓક્સિડન્ટ્સ. આથી ઉનાળામાં કેરીનું સેવન અચકાયા વગર કરજો,પરંતુ આ મોસમમાં શક્કરટેટી, ચીભડું અને કાકડી ખાવાનું ટાળજો. ચીભડું તો ત્યારે જ ખાવાનું સારું હોય છે જ્યાં સુધી કાળઝાળ ગરમી હોય. વરસાદ પડતાં જ ચીભડું/શક્કરટેટી આરોગ્ય માટે અત્યંત હાનિકારક બની જાય છે. કેમ કે તેના સેવનથી ચોમાસાજન્ય બીમારીનું સંકટ રહેલું હોય છે.
બીજી મહત્ત્વની વાત: ચોમાસામાં પીવું શું જોઈએ? હા, ચોમાસામાં તરસ ઓછી લાગે છે, કેમ કે બહાર વરસાદ પડી રહ્યો હોય તો મન તૃપ્ત રહેતું હોય છે, પરંતુ ધ્યાન રાખવું કે આ જ મોસમમાં સૌથી વધુ લોકો શરીરમાં પાણીની અછતના શિકાર બને છે. આથી જ ચોમાસામાં પાણીનું ભરપુર સેવન કરવું જોઈએ. હા, પાણી પીવાનું મન ન થતું હોય અને શરીરને પાણીની જરૂર હોય તો દાડમનો રસ, લીંબુ પાણી પણ પી શકાય. કેટલાક લોકો તરબૂચનો રસ પીતા હોય છે, પરંતુ ચોમાસામાં તરબૂચનો રસ પીવાનું ટાળવું જોઈએ. નારિયેળ પાણી પી શકાય અને જલજીરા પણ સારું છે.
એજ રીતે જ્યાં સુધી દૂધ પીવાની વાત છે તો આ મોસમમાં દૂધનું સેવન હળદર નાખીને જ કરવું જોઈએ. આ મોસમમાં સૌથી વધુ સેવન કરવાની વસ્તુ છે આદુવાળી ચા, તુલસીવાળી ચા અને સૂપ જેવી વસ્તુઓ. ચોમાસામાં છાશ પીવાનું પણ ટાળવું જોઈએ, જ્યાં સુધી ચોમાસામાં ભોજનની વાત છે તો ઘઉં, જવ, મકાઈ, દાળોમાં મગ અને તુવેરની દાળ ખાવાનું યોગ્ય રહેશે. ચોમાસામાં નાસ્તો કાયમ હેલ્ધી કરવો જોઈએ. પૌંવા, ઉપમા, ઈડલી, સૂકા ટોસ્ટ, પરાઠા અને સાથે બ્લેક ટી અથવા બ્લેક કૉફી આ દિવસોમાં યોગ્ય નાસ્તો છે. લંચમાં લીલા પાંદડાવાળી અને મસાલેદાર શાકભાજી ખાવાથી બચવું જોઈએ. દહીં ખાધા વગર ન ચાલતું હોય તો બપોરે ભોજન સાથે જ ખાવું જોઈએ. આ ઋતુકાળમાં ખીચડી ખાવી યોગ્ય છે. રાતના સમયે અત્યંત ઓછું ભોજન કરવું જોઈએ. રાતે એક ગ્લાસમાં ગરમ હળદરયુક્ત દૂધ અથવા ગોળ સાથે ગરમ દૂધનું સેવન કરવામાં આવે તો તે આરોગ્ય માટે લાભદાયક નીવડે છે.