સ્પોર્ટ્સમૅન : વિશ્વ વિજેતાઓનો હવે એશિયામાં ડંકો વાગશે?
વીક એન્ડ

સ્પોર્ટ્સમૅન : વિશ્વ વિજેતાઓનો હવે એશિયામાં ડંકો વાગશે?

  • અજય મોતીવાલા

ટી-20ના વર્લ્ડ – નંબર-વન અને વર્લ્ડ ચૅમ્પિયન ભારતની ટીમ મંગળવારે યુએઇમાં શરૂ થતો એશિયા કપ જીતવા માટે હૉટ-ફેવરિટ છે.

બરાબર 24 મહિના પહેલાં (સપ્ટેમ્બર, 2023માં) મેન્સ એશિયા કપમાં ભારતે ટાઇટલ જીતી લીધું ત્યારે રોહિત શર્મા ટીમનો કૅપ્ટન હતો અને મોહમ્મદ સિરાજે શ્રીલંકા સામેની ફાઇનલમાં માત્ર 21 રનમાં છ વિકેટ લઈને ભારતને યાદગાર વિજય અપાવ્યો હતો.

ફરી એક વાર એશિયા કપ નજીક આવી ગયો છે, પણ આ વખતે મેદાન પર ન તો રોહિત જોવા મળશે અને ન સિરાજ સપાટો બોલાવશે. કારણ એ છે કે આ વખતે એશિયન સ્પર્ધા ટી-20 ફૉર્મેટમાં છે અને રોહિત આ ફૉર્મેટમાંથી નિવૃત્ત થઈ ચૂક્યો છે. સિરાજને ઇંગ્લૅન્ડ સામેના સંઘર્ષપૂર્ણ અને સફળ ટેસ્ટ પ્રવાસ બાદ ટીમમાં નથી લેવામાં આવ્યો.

જોકે આ બે દિગ્ગજ વિના પણ ભારતીય ટીમ ટ્રોફી જીતી લેવા માટે હૉટ-ફેવરિટ છે. સૂર્યકુમાર યાદવના સુકાનમાં મજબૂત ટીમ યુએઇ પહોંચી ગઈ છે અને સ્પર્ધાના સાત દેશો (ખાસ કરીને પાકિસ્તાન) ટી-20ના વર્લ્ડ નંબર-વન અને વર્લ્ડ ચૅમ્પિયન ભારતની ટીમ સામે કેવી રીતે સાવચેત રહેવું એની મથામણમાં હશે.

આઠ દેશ વચ્ચે ટી-20નો એશિયા કપ મંગળવાર, નવમી સપ્ટેમ્બરે શરૂ થઈ રહ્યો છે. ભારત આ સ્પર્ધાનું મુખ્ય યજમાન છે, પરંતુ તટસ્થ સ્થળે આ રસાકસીભરી સ્પર્ધા રાખવા ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડ સહમત થયા હોવાથી યુનાઇટેડ આરબ એમિરેટ્સ (યુએઇ)માં તમામ મૅચો રાખવાનું નક્કી કરાયું છે જેમાં ભારતની બધી મૅચો દુબઈમાં રમાશે.

2024ના ટી-20 વર્લ્ડ કપમાં ભારત ચૅમ્પિયન બન્યું હતું. ભારતના ખેલાડીઓ છેલ્લી 40માંથી 35 ટી-20 મૅચ જીત્યા હોવાથી હાલમાં જબરદસ્ત ફૉર્મમાં છે. કૅપ્ટન સૂર્યકુમાર યાદવ ઉપરાંત વર્લ્ડ નંબર-વન ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને શુભમન ગિલ તથા રિન્કુ સિંહ કોઈને કોઈ મૅચ એકલા હાથે જિતાડી શકે એમ છે.

ટી-20નો એશિયા કપ શા માટે?
ભારત હાલમાં એશિયા કપમાં એક રીતે ડિફેન્ડિંગ ચૅમ્પિયન કહેવાય અને એક રીતે ન પણ કહેવાય. વાત એવી છે કે છેલ્લે 2023માં એશિયા કપ નામની ટૂર્નામેન્ટ વન-ડે ફૉર્મેટમાં રમાઈ હતી જેમાં ભારતે વિજેતાપદ મેળવ્યું હતું એટલે ટીમ ઇન્ડિયા ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે.

જોકે એના પાછલા વર્ષે (2022માં) એશિયા કપ ટી-20 ફૉર્મેટમાં રમાયો હતો અને એમાં ભારતીય ટીમ ફાઇનલમાં પણ નહોતી પહોંચી શકી. શ્રીલંકાએ ત્યારે ફાઇનલમાં પાકિસ્તાનને પરાસ્ત કર્યું હતું એટલે ખરા અર્થમાં શ્રીલંકા ડિફેન્ડિંગ ચૅમ્પિયન તરીકે યુએઇ આવી છે.

એશિયા કપ ક્યારેક વન-ડેમાં તો ક્યારેક ટી-20 ફૉર્મેટમાં રમાયો છે. 2026નો ટી-20 વર્લ્ડ કપ હવે બહુ દૂર નથી એટલે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) હેઠળ આવતી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)એ એશિયા કપ ટી-20માં રાખ્યો છે.

ભારત સામે ચાર પડકાર
ટી-20 ફૉર્મેટમાં ભારત વર્લ્ડ નંબર-વન છે. આક્રમક ઓપનિંગ બૅટ્સમૅન અભિષેક શર્મા ટી-20ના બૅટ્સમેનોમાં વર્લ્ડ નંબર-વન છે, જ્યારે હાર્દિક પંડ્યા વર્લ્ડ નંબર-વન ઑલરાઉન્ડર અને વરુણ ચક્રવર્તી વર્લ્ડ નંબર-ફૉર બોલર છે.

આમ છતાં, ટી-20ની ગેમમાં કંઈ પણ અણધાર્યું બની શકે અને તરતી રૅન્કવાળી ટીમ ચડિયાતી ટીમને માત આપી શકે એ જોતાં આ વખતના એશિયા કપમાં ભારતીય ટીમે પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ તેમ જ જાયન્ટ-કિલર તરીકે જાણીતા અફઘાનિસ્તાન સામે ખૂબ સાવચેત રહેવું પડશે.

પાકિસ્તાનની ટીમમાં બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન જેવા મોટા નામવાળા ખેલાડીઓ નથી, પણ સલમાન આગાના નેતૃત્વમાં યુએઇ મોકલવામાં આવેલી યંગ ટીમ રવિવાર, 14મી સપ્ટેમ્બરે ભારત માટે પડકાર ઊભો કરી શકે.

શ્રીલંકનો 2022ની સાલમાં વિજેતા બન્યા હોવાથી ચરિથ અસલંકાના નેતૃત્વમાં યુએઇ આવ્યા છે. કામિન્ડુ મેન્ડિસ અને દાસુન શનાકા સહિતના ખેલાડીઓ ધરાવતા ડિફેન્ડિંગ ચૅમ્પિયન શ્રીલંકાને જો કોઈ દેશે આસાનીથી હરાવવાનો મનસૂબો ઘડ્યો હશે તો એણે પસ્તાવું પડશે.

બાંગ્લાદેશની ટીમને પણ નજરઅંદાજ ન કરી શકાય. મેહદી હસન, તાસ્કિન અહમદ અને મુસ્તફિઝુર રહમાન કોઈ પણ હરીફ ટીમની છાવણીમાં સન્નાટો લાવી શકે એમ છે.

અફઘાનિસ્તાનના ખેલાડીઓ પોતાના દેશમાં (4-5 સપ્ટેમ્બરે) માત્ર 24 કલાકમાં ચાર વિનાશક ભૂકંપ થયા હોવાથી ખૂબ ચિંતાતુર હશે જ, પરંતુ એ આઘાત છતાં તેઓ ફરી એક વાર એશિયામાં ભારત પછીની શ્રેષ્ઠ ટીમ તરીકે હરીફ ટીમોને પડકારશે તો નવાઈ નહીં લાગે. ગુલબદીન નઇબ, અઝમતુલ્લા ઓમરઝાઈ, રહમનુલ્લા ગુર્બાઝ, નૂર અહમદ, ઇબ્રાહિમ ઝડ્રાન અને મુજીબ-ઉર-રહમાન સારામાં સારી ટીમને ભારે પડી શકે એવા છે.

આ પણ વાંચો…સ્પોર્ટ્સમૅન: ક્રિકેટને રાષ્ટ્રીય રમત ઘોષિત કરવાનો સમય આવી ગયો છે

ભારતની મૅચોનું શેડ્યૂલ

બુધવાર,
10મી સપ્ટેમ્બર,
રાત્રે 8.00 વાગ્યાથી
યુએઇ સામે

રવિવાર,
14મી સપ્ટેમ્બર
રાત્રે 8.00 વાગ્યાથી
પાકિસ્તાન સામે

શુક્રવાર,
19મી સપ્ટેમ્બર
રાત્રે 8.00 વાગ્યાથી
ઓમાન સામે

ભારતીય ટીમ:
સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન),
શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન),
જિતેશ શર્મા (વિકેટકીપર),
સંજુ સૅમસન (વિકેટકીપર),
અભિષેક શર્મા,
હાર્દિક પંડ્યા,
તિલક વર્મા,
રિન્કુ સિંહ,
શિવમ દુબે,
અક્ષર પટેલ,
જસપ્રીત બુમરાહ,
અર્શદીપ સિંહ,
હર્ષિત રાણા,
કુલદીપ યાદવ
વૉશિંગ્ટન સુંદર.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button