સ્પોર્ટ્સમૅનઃ ભારત-પાકિસ્તાન ક્રિકેટ-યુદ્ધને હવે ગણતરીના કલાકો બાકી…

અજય મોતીવાલા
ભારતીય ક્રિકેટમાં ભલભલી આઇસીસી ટૂર્નામેન્ટની ફાઇનલથી પણ વિશેષ છે પાકિસ્તાન સામેનો મુકાબલો. આ દુશ્મન-દેશ સામેની મૅચ નક્કી થાય એટલે કરોડો ક્રિકેટપ્રેમીઓ ગમે એમ કરીને એ મૅચ જોવા બધી પૂર્વતૈયારીઓ કરી લેતા હોય છે તો કેટલાકને પાકિસ્તાન સામે ક્રિકેટ મૅચ રમાય એ સામે વાંધો હોય છે એટલે તેઓ વિરોધ કેવી રીતે કરવો એ નક્કી કરી લેતા હોય છે.
જે કંઈ હોય, એક મૅચનો સૌથી વધુ રૂપિયાનો ખેલો (… અને સટ્ટો પણ) આ મુકાબલા થકી જ થાય છે એટલે એ રમાય એવું જ આયોજકો સહિત મોટા ભાગના લોકો ઇચ્છતા હોય છે. આ વખતે (એશિયા કપમાં) પણ એવું જ છે.
ભારતમાંથી થઈ રહેલા વિરોધ વચ્ચે દુબઈમાં રવિવાર, 14મી સપ્ટેમ્બરે (ભારતીય સમય મુજબ રાત્રે 8.00 વાગ્યાથી) ભારત-પાકિસ્તાનની હાઈ-વૉલ્ટેજ ટક્કર કોઈ પણ સંજોગોમાં થશે જ.
એક તો ભારત-પાકિસ્તાન વચ્ચેનો ક્રિકેટ-જંગ ખેલકૂદ જગતમાં બે દેશ વચ્ચેના મુકાબલાઓમાં સૌથી વધુ ઘર્ષણવાળો ગણાય જ છે એમાં આ વખતે તો માહોલ અભૂતપૂર્વ છે. હજી ત્રણ મહિના પહેલાં ભારત-પાકિસ્તાન વચ્ચે ટૂંકુ યુદ્ધ થઈ ગયું અને ત્યાર પછી પહેલી જ વાર બન્ને દેશના ક્રિકેટરો સામસામે આવી રહ્યા છે.
કાશ્મીરના પહલગામમાં 26 હિન્દુ પર્યટકોની નિર્મમ હત્યા કરવા પાછળ પાકિસ્તાનનો જ હાથ હતો એટલે બે અઠવાડિયાં પછી નરેન્દ્ર મોદી સરકારે આપેલા છૂટા દોરને અનુસરીને ભારતીય સશસ્ત્ર દળો પાકિસ્તાનની ધરતી પર તૂટી પડ્યાં હતાં અને ત્યાંના આતંકવાદી સ્થાનોનો ખાતમો બોલાવવા ઉપરાંત પાકિસ્તાનના હવાઈ દળના મથકો પર પણ મિસાઇલો છોડીને અનેક મથકો ખેદાનમેદાન કરી નાખ્યાં હતાં.
એશિયા કપમાં કોનો હાથ ઉપર? કેમ ક્યારેય ફાઇનલ નથી રમાઈ?
એશિયા કપ ટૂર્નામેન્ટ 1984ની સાલથી રમાય છે. ટી-20નું એકવીસમી સદીમાં આગમન થયું ત્યાર બાદ ટી-20 ફૉર્મેટમાં પણ એશિયા કપ રમાય છે. જોકે એમાં ભારત સર્વોપરી રહ્યું છે. ભારત એશિયા કપના કુલ આઠ ટાઇટલ જીત્યું છે, જ્યારે છ ટાઇટલ શ્રીલંકાને, માત્ર બે ટાઇટલ પાકિસ્તાનને મળ્યા છે.
જોકે નવાઈની વાત એ છે કે એશિયા કપમાં ક્યારેય ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ નથી રમાઈ. માત્ર લીગ સ્તરે કે સુપર-ફોર રાઉન્ડમાં જ બન્ને દેશ સામસામે આવ્યા છે. ક્યારેય પણ ફાઇનલમાં આ બે કટ્ટર દેશ સામસામે નથી આવ્યા.
એશિયા કપના ઇતિહાસમાં ભારત-પાકિસ્તાન વચ્ચે કુલ 15 વન-ડે રમાઈ છે જેમાંથી આઠ ભારતે અને પાંચ પાકિસ્તાને જીતી છે. બે મૅચ અનિર્ણીત રહી છે. એશિયા કપના ત્રણ ટી-20 મુકાબલામાંથી બે ભારતે જીત્યા છે, જ્યારે એકમાં પાકિસ્તાને વિજય મેળવ્યો છે. છેલ્લાં પાંચ વર્ષમાં ભારત-પાકિસ્તાન વચ્ચે પાંચ ટી-20 મૅચ રમાઈ છે જેમાંથી ત્રણ ભારતે અને બે પાકિસ્તાને જીતી છે.
દુબઈનો મુકાબલો પણ વન-સાઇડેડ બની શકે
હવે દુબઈના મેદાનની વાત પર પાછા આવીએ તો બન્ને દેશ વચ્ચેનો મુકાબલો પણ મે મહિનાના યુદ્ધની જેમ વન-સાઇડેડ જેવો બની શકે, કારણકે ભારતની ટીમમાં એક-એકથી ચડિયાતા મૅચ વિનર્સ છે, જ્યારે બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન વિનાની પાકિસ્તાનની ટીમમાં ઘણા બિન-અનુભવી અને નવા ખેલાડીઓ સામેલ છે.
બીજું, ભારતીય ટીમ યુએઇને 57 રનમાં આઉટ કર્યા પછી એને નવ વિકેટે કચડીને હવે જબરદસ્ત જોશ અને ઝનૂન સાથે રવિવારની મૅચમાં રમવા મેદાન પર ઊતરશે.
આ પણ વાંચો…પાકિસ્તાન સામેની મૅચના બહિષ્કારમાં આઇપીએલનું ફ્રૅન્ચાઇઝી પણ જોડાયું!
ભારત-પાકિસ્તાન ક્રિકેટ-ઘર્ષણના ઇતિહાસની રસપ્રદ ઇલેવન
- ટેસ્ટ, વન-ડે અને ટી-20 ત્રણેય ફૉર્મેટમાં પાકિસ્તાન સામેની પ્રથમ મૅચમાં ભારતે વિજય મેળવ્યો હતો: ઑક્ટોબર 1952ની ટેસ્ટમાં ભારતનો એક ઇનિંગ્સ અને 70 રનથી વિજય, ઑક્ટોબર 1978ની વન-ડેમાં ભારતનો ચાર રનથી વિજય અને સપ્ટેમ્બર 2007ની ટી-20માં ભારતનો ટાઇ બાદ બૉલ-આઉટમાં વિજય.
- ટેસ્ટ, વન-ડે અને ટી-20, ત્રણેય ફૉર્મેટમાં પાકિસ્તાન સામેની છેલ્લી મૅચનાં પરિણામો: ડિસેમ્બર 2007ની ટેસ્ટ ડ્રૉમાં ગઈ, ફેબ્રુઆરી 2025ની વન-ડેમાં ભારતનો છ વિકેટે વિજય અને જૂન 2024ની ટી-20માં ભારતનો છ રનથી વિજય.
- કોણ વધુ ટ્રોફી જીત્યું?: ભારત વન-ડેના બે વર્લ્ડ કપ, ટી-20ના બે વર્લ્ડ કપ અને ત્રણ ચૅમ્પિયન્સ ટ્રોફી જીત્યું. એ સાથે, ભારત કુલ સાત ટ્રોફી જીત્યું છે. પાકિસ્તાન વન-ડેનો એક અને ટી-20નો એક વર્લ્ડ કપ તેમ જ એક ચૅમ્પિયન્સ ટ્રોફી મળીને કુલ ત્રણ જ ટ્રોફી જીત્યું છે.
- બન્ને દેશ વચ્ચે કુલ 59 ટેસ્ટ રમાઈ જેમાંથી 12 પાકિસ્તાને અને 9 ભારતે જીતી, જ્યારે બાકીની ટેસ્ટ ડ્રૉમાં પરિણમી. કુલ 136 વન-ડેમાંથી 73 પાકિસ્તાને અને 58 ભારતે જીતી, જ્યારે બાકીની મૅચ અનિર્ણીત રહી. કુલ 13 ટી-20માંથી 10માં ભારતનો અને ત્રણમાં પાકિસ્તાનનો વિજય થયો.
- 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા હતા. બન્ને દેશ વચ્ચે 1952માં પ્રથમ ટેસ્ટ રમાઈ હતી. ત્યારે પાકિસ્તાનની ટીમ ભારત આવી હતી. ત્યારે લાલા અમરનાથ ભારતના અને અબ્દુલ કારદાર પાકિસ્તાનના કૅપ્ટન હતા. એ શ્રેણીમાં પોલી ઉમરીગર (258) સૌથી વધુ રન કરનાર બૅટ્સમૅન અને વિનુ માંકડ (25 વિકેટ) સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યા હતા. ભારતે દિલ્હીમાં સિરીઝની પ્રથમ ટેસ્ટ એક દાવ અને 70 રનથી જીતી લીધી હતી.
- 1961માં પાકિસ્તાની ટેસ્ટ ટીમે ભારતનો પ્રવાસ કર્યો ત્યાર બાદ બન્ને દેશ વચ્ચે છેક 1978માં નવી ટેસ્ટ-શ્રેણી રમાઈ હતી, કારણકે એ દરમ્યાનના 17 વર્ષમાં બન્ને રાષ્ટ્ર વચ્ચે બે યુદ્ધ (1965માં અને 1971માં) યુદ્ધ થયાં હતાં. એ બન્ને યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને કચડી નાખ્યું હતું.
- પાકિસ્તાન દાયકાઓથી આતંકવાદીઓને તાલીમ આપીને ભારતમાં બૉમ્બ-ધડાકા તથા હુમલા કરવા મોકલતું રહ્યું છે જેને પગલે ઘણી વખત બન્ને દેશ વચ્ચેના ક્રિકેટ સંબંધોને બ્રેક લાગી છે. 1980ના દાયકાના પાછલાં વર્ષોમાં અને 1990ના દાયકામાં મોટા ભાગે બન્ને દેશ મોટા ભાગે તટસ્થ સ્થળે જ સામસામે ક્રિકેટ મૅચ રમ્યા હતા જેમાં ખાસ કરીને એવી મૅચો શારજાહમાં રમાઈ હતી.
- વન-ડે વર્લ્ડ કપ, ટી-20 વર્લ્ડ કપ, ચૅમ્પિયન્સ ટ્રોફી, ઑસ્ટે્રલેશિયા (ઑસ્ટે્રલિયા-એશિયા) કપ તેમ જ એશિયા કપ જેવી ટૂર્નામેન્ટોને કારણે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલા રાખવાનું સરળ બન્યું છે, પરંતુ 1999માં એ સમયના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી પાકિસ્તાનના ઐતિહાસિક પ્રવાસે જઈ આવ્યા ત્યાર પછી બન્ને દેશ વચ્ચેના ક્રિકેટ-સંબંધો થોડા મહિના માટે સુધર્યા હતા, પરંતુ પાકિસ્તાને ફરી એની ઔકાત બતાવી અને કારગિલ યુદ્ધને પગલે ફરી ક્રિકેટ-સંબંધોને બ્રેક લાગી ગઈ હતી.
- વાજપેયીના સંનિષ્ઠ પ્રયાસોને પગલે ફરી બન્ને દેશ વચ્ચે ક્રિકેટ-સંબંધો સુધર્યા હતા જેમાં 2003માં ભારતીય ક્રિકેટ ટીમ (15 વર્ષે) પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી, પરંતુ 2008માં પાકિસ્તાને મુંબઈમાં ટેરર-અટૅક કરાવ્યા ત્યારથી ભારતે પાકિસ્તાન સાથેના દ્વિપક્ષી ક્રિકેટના (વન-ટૂ-વન સિરીઝના) સંબંધો તોડી નાખ્યા છે અને બન્ને દેશ વચ્ચે કોઈ દ્વિપક્ષી ટેસ્ટ-શ્રેણી, વન-ડે શ્રેણી કે ટી-20 શ્રેણી નથી રમાઈ અને 2009થી માંડીને 2025 સુધીમાં પાકિસ્તાનના કોઈ જ ખેલાડીને આઇપીએલમાં નથી રમવા દેવાયા.
- 2009માં લાહોરમાં શ્રીલંકન ક્રિકેટ ટીમ પરના આતંકવાદી હુમલા બાદ ભારતે પોતાના ખેલાડીઓને ક્યારેય પાકિસ્તાન નથી મોકલ્યા. ભારતમાં રમાતી બહુરાષ્ટ્રીય ક્રિકેટ સ્પર્ધામાં (આઇસીસીના નિયમને અનુસરીને) પાકિસ્તાનના ખેલાડીઓને રમવાની ભારત સરકાર દ્વારા છૂટ મળે છે અને એવો કિસ્સો છેલ્લે 2023ના વન-ડે વર્લ્ડ કપમાં બન્યો હતો જેમાં અમદાવાદમાં ભારત-પાકિસ્તાનની હાઈ-વૉલ્ટેજ મૅચ રમાઈ હતી.
- વર્લ્ડ કપ ટૂર્નામેન્ટોમાં ભારતનો હાથ ઉપર રહ્યો છે. 16માંથી 15 મુકાબલામાં ભારતનો જયજયકાર થયો છે: વન-ડેના વર્લ્ડ કપમાં ભારતની 8-0થી ક્લીન સ્વીપ અને ટી-20ના વર્લ્ડ કપમાં ભારત 7-1થી આગળ.
આ પણ વાંચો…સ્પોર્ટ્સમૅન : વિશ્વ વિજેતાઓનો હવે એશિયામાં ડંકો વાગશે?