વીક એન્ડ

હોટલની વાનગીમાં જીવડું નીકળે તો શું કરવું એની એસઓપી!!! (સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર)

ઊડતી વાત -ભરત વૈષ્ણવ

અમારા માનવંતા (અરે,ભાઇ માનવંતા માખણ લગાવવા લખવા ખાતર લખ્યું છે. આજકાલ ગરજે ગધેડા શું વરૂને પણ બાપ કહેવા પડે છે!!બાકી માનવંતા ગ્રાહક ??? માય ફૂટ! કંકોડા માનવંતા ?? એક પિત્ઝા ખરીદ કરે અને ટોમેટો કેચઅપના પંદર પાઉચ માગે!! ભૂખડીબારસ !!કિંમત નક્કી કરતી સમયે ગ્રાહક રાજા નહીં અપમાનવંતા હોય છે!!) અમે દેશી ઘીનો ભાવ લઇ વસ્તુ ડાલ્ડા એટલે વનસ્પતિ ધીમાં ધાબેડીએ છીએ. વનસ્પતિ ઘી નામ જ હર્બલ, ઓર્ગેનિક અને સુપર રીચ પૌષ્ટિકતાનો ભંડાર લાગે છે. અમે વટથી ફરસાણ રેડ પામોલીનમાં તળીએ છીએ તેવી કબુલાત કરીએ છીએ. ગ્રાહક ચંદનનાં લાકડાનો ભાવ ચુકવીને બાવળના લાકડે બળે છે!!!

અમે નફાખોર, શોષણખોર મખ્ખીચુસની મહામામૂલી પ્રતિષ્ઠા એમ ને એમ અર્જિત કરી નથી. તેની પાછળ વરસોની દિલદગડાઇ અને અંડાગંડા જવાબદાર છે. અમે સ્વપ્રતિષ્ઠિત અને પરાશ્રયી ઉત્પાદક છીએ!!વરસોની કુટિલતા, અધમતા અને નીચતા ધીરે ધીરે રંગ લાવી રહી છે! મહોબ્બત રંગ લાતી હૈ જનાબ આહિસ્તા આહિસ્તા ગીત અમારી જર્ની માટે બરોબર ફીટ થાય છે. હાથમાં મહેંદી લગાવીએ અને તેનો રંગ છ સાત કલાકે આવે એમ અમારી પણ પ્રતિષ્ઠા રંગ બેરંગ થઇ રહી છે!

અમારા માટે ગ્રાહક પેટીએમ કે એટીએમથી વિશેષ સવિશેષ નિશેષ કે શેષ કશું નથી. કસ્ટમર ઇઝ બેરર ચેક ઓર લિગલ ટેન્ડર,નથીંગ મોર એન્ડ એવરીથીંગ લેસ!! અમે અમારો બિઝનેસ અમારા માટે રન કરીએ છીએ. કસ્ટમર ઇઝ કિંગ એવું મહાત્માજી કહી ગયા છે. ઓહ ડેમ બુલશીટ !! કસ્ટમર ઇઝ સ્કેપગોટ ફોર અસ. ગ્રાહકને વળી શેના રાઇટ!? પુઅર કસ્ટમરને નો રાઇટ,-ઓન્લી રિસ્પોન્સિબિલિટી!! એ પણ બિલ ચુકવવાની!! અમે તેમને કેશ, ડિજિટલ , કાર્ડ કે પેટીએમ યુપીઆઇના અનેકવિધ ઓપ્શન આપીએ જ છીએ. બોલો અમે નોબલ કે ઉદાર છીએ કે નહીં?? (બાકી ,કસ્ટમર તો કસ્ટથી મરવો જોઇએ !!) એમ તો પાંચસો રૂપિયાના પિત્ઝામાં ગ્રાહકને પચાસ રૂપિયાનું ડાઉનપેમેન્ટ કરી પાંચ રૂપિયાના નેવું હપ્તાએ પિત્ઝાના ચટાકા કરવા હોય છે!!

અમે અમારા પિત્ઝા કવોલિટીના નિમ્નતમ માપદંડનુ ઉચ્ચતમ પાલન કરીએ અને જરર જણાયે ઉલ્લંધન કરીએ છીએ!!ગ્રાહકની હેલ્થ, ડાયેટ તેમ જ પોષક તત્ત્વોની આવશ્યકતા મુજબ પિત્ઝામાં મેયોનીઝ, ચીઝ, બટર , બ્લેક પેપર, ઓરેગોન વંદા, જીવાત, જીવડા રૂચિનુસાર, સ્વાદાનુસાર એડ કરીએ છીએ. ધનેડાને ચડાઉ ધનેડા કહેવાય છે. ડાયનોસોર પર પણ ચડી જાય!! એને કયાં એર ટેકસી કે બુલેટ ટ્રેનના ભાડા ચુકવવાના છે?? વંદા તો ઇન્ડિયા વિપક્ષી ગઠબંધન જેવા ઘમંડિયા છે! પિત્ઝા, ઢોંસા, સેન્ડવીચ, બર્ગરમાં થી નીકળે છે! જયાં ન પહોંચે રવિ ,ત્યાં પહોંચે કવિ, જયાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે અનુભવી અને જયાં ન પહોંચે અનુભવી ત્યાં પહોંચે વંદા!! વંદા પરગજુ અને પરોપકારી પરોપજીવી. આપણે ત્યાં મહેમાનોની આગતા સ્વાગતાની ઉજળી પરંપરા છે!! આવો તો વેલકમ અને જાવ તો ભીડકમ એવું કહેવાય છે!! મહેમાનોને જાકારો થોડો અપાય?? પછી મહેમાન ભલે ફેવિકોલ જેવા ચીટકું કેમ ન હોય?? અમારી કંપની અનવોન્ટેડ (વંદાએ રેપ કે હત્યા જેવો ગુનો કર્યો હોય તો કોર્ટ તેની સામે સમન્સ વોરંટ કાઢે તો જ વોન્ટેડ થઇ શકે!! અન્યથા અનવોન્ટેડ. ) મહેમાનોની પણ રજવાડી સરભરા કરે છે!! (ઘણા કિસ્સામાં માબાપ અનવોન્ટેડ બનીને વૃદ્ધાશ્રમની ખાક છાનતા હોય છે!!)

અમે વંદા, જીવાત , ધનેડાને ઓરિજનલ ફોરમેટમાં ગ્રાહકને સર્વ કરતા નથી. અમે તેને ફ્રાય, ડીપ ફ્રાય, સેલો ફ્રાય, રોસ્ટેડ, ટોસ્ટેડ, ઓવન કે ગ્રીલમાં ચાલીસ પિસ્તાળીસ ડિગ્રીએ બેક્ડ કરીએ છીએ!! તદન હેલ્ધી પ્રોસેસથી બેંક કરીએ છીએ. લગભગ તે ગંગામૈયા જેવા હોલિસ્ટિક થાય છે!! અમને અમારી કૂકિંગ પ્રોસેસ પર પ્રાઇડ અને પ્રાઇડ છે!? આમ, જોઇએ તો તમે પિત્ઝાના ઉપરના લેયરમાં વંદા કે જીવાત જુવો એટલે ગરોળી જુએ અને બેનો ચીસાચીસ કરી મુકે તેવું રીએકશન આપો છો. બધું દેખ્યાનું ઝેર છે?? જો ઇંડા વેજિટેરિયન હોય તો વંદાને કયાં હાડકા કે કાંટા હોય છે?? અસ્થમાના રોગી રોગ મટાડવા માછલી ગળી જાય છે. કોડલિવર ઓઇલ શેમાંથી બને છે?? પિત્ઝાના ઉપરના લેયરમાં નીકળેલ વંદો પિત્ઝાના વચ્ચે નીકળ્યો હોત અને ન દેખાયો હોત તો ?? તમે ટેસથી વંદો ટટકાડી ગયા હોત કે નહીં?? પાંચસોના પિત્ઝામાં વંદો કે ધનેડા તો બહુબહુ તો દેડકો નીકળે . તેમાંથી કોબ્રા કે હાથી કાઢવાનું અમારા માટે એફોર્ડેબલ નથી!! અમારે ઘરે બૈરી-છોકરા છે. એમના પેટ પાળવા અને નખરા ઉઠાવવાના છે!!

અમારી કંપની અને કંપની પ્રોડકટને બદનામ કરવા માટે વંદા, ગરોળી,ધનેડાં, ઉંદર વગેરેએ હાથ મિલાવ્યા છે( હાથ મિલાવે એટલે કોંગ્રેસી. કોંગ્રેસ એટલે વિપક્ષ. પિત્ઝાને વિદેશી ગણે!! એટલે અમારી આબરૂ , ઇજ્જત , શાખ ,પ્રેસ્ટિજ બગાડવા સંયુક્ત ષડયંત્ર રચ્યું છે. જેથી ગ્રાહકો પિત્ઝાવિમુખ થઇ દેશી રોટલાભિમુખ થાય! સાંસ્કૃતિક અને આહારિક કાવતરું છે!! આજે પિત્ઝા છે, કાલે સેન્ડવિચ હોઇ શકે!! અમે જય શ્રી રામ કે ભારતમાતાની જય પોકારી પ્રકરણ રફેદફે કરવા માટે મેળાપિપણું કરવા તૈયાર છીએ!! અમને બદનામ ન કરે તે માટે વંદા, ધનેડાની નિકાસ કરવા માટે પીએમ ચડાઉ ધનેડા નિકાસ પ્રોત્સાહન વંદન યોજના લોંચ કરવા અનુરોધ કરીએ છીએ!!

અમારી કંપનીની મથરાવટી મેલી હશે! પરંતુ, મોડાસાની એન્જિનિયરિંગ કોલેજની કેન્ટી ન ,એસજીવીપી હોસ્પિટલની કેન્ટિન, સમરસ હોસ્ટેલ અમદાવાદ , નરોડાની ગેલેક્સી હોટલ, જામનગર શહેરના ત્રણ બત્તી ચોક વિસ્તારમાં આવેલી કલ્પના હોટલ, ગુજરાત વિધાનસભાના કેન્ટીન, નસવાડીની ભવાની ફરસાણ માર્ટ,હીના રેસ્ટોરાં, એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની કેન્ટીન અમદાવાદના આનંદનગર રોડ પર આવેલી હોકો ઈટરી, વડોદરાની કાઠીયાવાડી ખડકી હોટલ, ઓનેસ્ટ રેસ્ટોરન્ટ, શહેરના રિલીફ રોડ પર આવેલ આઝાદ હોટલોની વાનગીમાં વંદા, ગરોળી, ઉંદર, જીવાત નીકળ્યા હતા. ચંદીગઢની એક ફેમસ રેસ્ટોરન્ટમાં મોટી બેદરકારી જોવા મળી હતી. ચંદીગઢની એક પ્રખ્યાત રેસ્ટોરન્ટ ચેઇનને તેમની એક શાખામાં ભોજન પીરસવામાં ઘોર બેદરકારી બદલ ગ્રાહક રણજોત કૌરને રૂ. ૨૫,૮૫૨નું વળતર ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. રણજોત કૌરને ૧૪ સપ્ટેમ્બરના રોજ શહેરના પ્રખ્યાત મોલમાં આવેલી ચિલી રેસ્ટોરન્ટમાં ચિકન રાઇસ ડીશમાં જીવતો કીડો મળ્યો હતો. જામનગરમાં ‘છાશવાલા’ નામની કંપનીના આઇસ્ક્રીમ સ્ટોરમાંથી એક ગ્રાહકે ખરીદેલા આઇસ્ક્રીમમાં જીવાત નીકળતા ગ્રાહક ગુસ્સાથી લાલઘુમ થઇ ગયો હતો અને મનપાને ફરિયાદ કરી હતી!!વાસ્તવમાં બ્રહ્મ સત્ય છે અને તમારી ડીશમાં અવતરિત જીવાત મિથ્યા છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે તેમ જીવાત લટકા કરે ગ્રાહક પાસે!!!, હોટલ રેસ્ટોરન્ટને બદનામ કરવાનું મોટુંમસ કાવતરું છે!!

અમે તેની સામે છરીકાંટા ચમચીની મદદથી પૂરી તાકાત વાપરી લડી લઇશું . પુષ્પા લડેગા, પુષ્પા ઝૂકેગા નહીં!’વાનગીનો સ્વાદ, રંગ, પોષણ અને વજનમાં વઘારો કરીએ છતાં મુનો,મુનુ
અને મુની બદનામ થાય ડાર્લિંગ કસ્ટમર તેરે લીયે!!

છાશવારે કે દૂધ-દહીંવારે રેસ્ટોરેન્ટ, હોટલ , લોજ, ઢાબા, ગલ્લા પર ધસી જઇને પેટપૂજા કરતા ગ્રાહકોને તેમની ડીશમાં જીવડા નીકળે તો આદર્શ ગ્રાહક તરીકે સમ્યક , સંસ્કારી , શાલીન વર્તન કરવા અને કોઇ પણ સંજોગોમાં ગુસ્સો ન કરવા અને ગુસ્સો આવે તો વેઇટર પર થૂંકી નાખવા બાબતે ટિપ્સ આપવા માગીએ છીએ!!! આ રહી ટિપ્સ . અબ તુમ્હારા સમય શરૂ હોતા હૈ અબ!!
૧. પિત્ઝાની આજુબાજુ જીવડા ફરતા હોય તો પેનિક ન થાવ.

૨. પિત્ઝામાં રહેલા વંદા જીવાત , કીડા મંકોડા જીવિત છે કે મૃત તે નક્કી કરવા એક સો આઠને કોલ કરો.

૩. તમે ડોકટર હોવ તો પણ જીવડા જીવિત છે કે મૃત તે માટે તેની પલ્સ પકડી જજ ન કરો. એ માટે વેટરનરી ડોકટરનો ઓપિનિયન જરૂરી છે!!

૪. આપણી ડિશમાં એક જીવડું નીકળે તો બાજુના ટેબલ પર બેસેલ મિસની ડિશમાં બે જીવડા પણ નીકળી શકે!!

૫.આપણા ઘરે રોટલીમાં લાલ કીડી ચડી ગઇ હોય તો રોટલી ફેંકી દઇએ છીએ?? રોટલી ખંખેરતા કે કીડી સાથે રોટલી ઝાપટી જઇએ છીએ કે હોબાળો કરીએ છીએ?? અલબત,હોબાળો કરવાનો સવાલ જ નથી, કેમ કે, બગાવત કરનારે મંગલ પાંડેની જેમ શહીદ થવાની તૈયારી રાખવી પડે !!

૬.રેસ્ટોરન્ટની વાનગીમાં જીવડા નીકળે તો કશું બન્યું નથી
તેમ જમવાનું ચાલું રાખો.કેમ કે, વધારાની જીવડાંની આઇટમ માટે હોટલ માલિક કોઇ ચાર્જ લેવાનો નથી.

૭. રેસ્ટોરન્ટમાં જમવા જનાર દરેકની ડિશ કે પ્લેટનાં જીવડાં નીકળતા નથી . મહિલા અનામત વિધેયકની પ્રસ્તુતિ સમયે ઇશ્ર્વરેને મને આ કામ માટે પસંદ કર્યો છે. વારાણસીની લોકસભાની બેઠક પર ઉમેદવારી માટે ગંગામૈયાએ સાહેબને સ્વયં બોલાવ્યા હતા તેવો સાહેબનો દાવો હતો તેમ ઈશ્ર્વરે તમારી ડિશમાં જીવડા નીકળે તેમ માનવું !!

૮. આપણી ડિશમાં જીવડાં નીકળે તે માટે કેટલા બધા અડદ-મગના પાપડ વણવા પડે છે. આપણો નંબર લાગે તે માટે ઓમ જીવડાય નમ:ના દસ હજાર મંત્રજાપ કરવા અને સોળ સોમવારનું વ્રત કરવાથી અપ્રતિમ અવસર મળે છે!!ભાગ્યશાળીનં ભૂત રળે તેમ નસીબદારની ડિશમાં જીવડા નીકળે છે!!

૯. સાબરકાંઠાનાં કેટલાંક ગામોમાં ચૂડવેલ નામની જીવાતનો ત્રાસ છે સાંજ થાય તે પહેલા જમી લેવું પડે .નહિતર સમગ્ર ઘર પર અંધેરા નહીંપરંતુ,ચૂડવેલ કાયમ રહેગી!!તમારે તો એકલદોકલ જીવડા સાથે પનારો પડે છે!!!

૧૦. તમારી ડિશમાં મરેલો ઉંદર નીકળે તો ફિલ્મના કલાઇમેકસ જેવો સેન્ટિન્ટલ કે સેન્સેનલ સીન ક્રિએટ કરવાની જરૂર નથી. ડિશમાં ઉંદર છે, ઊંટ કે ઉરાંગઉટાંગ નહીં. આ ભાવમાં ઉંદર જ પરવડતા હૈ!! બિહારના અભૂતપૂર્વ ભૂતપૂર્વ મુખ્ય મંત્રી જીતેનરામ માંઝીના કહેવા મુજબ તેના શૈશવમાં ભૂખ ભાગવા જીવતા ઉંદર પકડીને શેક્યા,બાફ્યા કે તળ્યા વિના મરચામસાલા સિવાય કાચેકાચા ઉંદર ઉદરમાં પધરાવતા હતા, જે પેટમાં દોડાદોડી કરતા ન હતા!!તો તમે મરેલો એ પણ હાઇજેનિક ઉંદર જમી ન શકો??

૧૧. તમામ હોટલ, રેસ્ટોરન્ટ માલિકોએ ભૂવાની દાણા જોવાની પદ્ધતિ મુજબ એકી કે બેકી સંખ્યામાં જીવડાંનો વધાવો નીકળે તે માટે સર્વસંમતિ સાધવી!! ગ્રાહકને સર્વ કરેલ જીવજંતુ બદલ કેટલો સર્વિસ ટેકસ લેવો તે માટે એકમતેએ બહુમતી મેળવવી !!!

૧૨. ઘરે ચાની ચુસ્કી લેતા હોઇએ અને ઉડતી ઉડતી માખી ચાના કપમાં પ્લેન જેમ ઇમરજન્સી લેન્ડિંગ કરે તેમ હારાકીરી કરવા ધસે છે તો ચા સિન્કમાં ઢોળી દઇએ કે તોડી નાખ તબલા જેન કપ ફોડી નાખીએ છીએ?? પાડાને વાંકે પખાલીને ડામ ન દેવાય!! માખીના વાંકે પ્યાસા ન રહેવાય. દસ માણસો વચ્ચે બેઠા હોઇએ તો ચાના કપમાં પડેલી ઇન્સેક્ધટએલચી ઉર્ફે માખીને કોઇને ભનક સુધ્ધાં ન આવે તે રીતે ફેંકી દઇએ છીએ!! આપણે રેસ્ટોરન્ટમાં પણ આવું જ વર્તન કરવાનું છે!! કાંઇ બન્યું નથી તેવા અનાસક્ત સાક્ષીભાવે ત્રણચાર એંગલથી પિત્ઝા સાથે સેલ્ફી પાડી સોશિયલ મીડિયામાં (ઘણા લોકો સોશિયલ મીડીયાને રાડીયા પણ કહે છે!!) અપલોડ કરવી!!

મને લાગે છે કે મારા ભાણામાં જીવડા પડે તે પહેલાં ડિનર પૂરું કરવું પડશે. મારા ભાણાની માખી મારે કે તમારે ઉડાડવી ન પડે એટલે હું હવે અહીં અટકું છું!!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button