સોગિયા ડાચાવાળું દેડકું…
આ સોગિયા ડાચાવાળા કાળા મેશ દેડકા સમગ્ર પૃથ્વી પર માત્ર દક્ષિણ આફ્રિકામાં જ જોવા મળે છે, અને એ પણ માત્ર ‘કેપ ફોલ્ડ’ નામના પટ્ટામાં તે વસે છે.
નિસર્ગનો નિનાદ – ધર્મેન્દ્ર ત્રિવેદી
શાહબુદ્દીન રાઠોડ સાહેબના એક જોકમાં બે પ્રકારની વ્યક્તિઓના વર્ણન છે. એક તો ગમે એવા ખુશીના મોકા હોય તો પણ જે લોકો રડતાં અને વિલાપ જ કરતાં હોય અને બીજા એવા હોય કે જેઓ કાયમ જુસ્સામાં જ હોય. રોતલા એટલે કે સોગિયા મોઢાવાળાને કરોડોની લોટરી લાગે કે ફાયદો થયો હોય તોય નાની નાની તકલીફોની લાંબી હિસ્ટ્રી કાઢે અને જુસ્સાવાળાના પિતાજી મૃત્યુ પામ્યા હોય અને તેની વાત કરે તો પણ વટથી કહે એકઝેટ દહ વાગે ફાધર ડાઈડ … આપણને એમ થાય કે સાલું આવા જીવો માનવમાં જ હોવા જોઈએ, પણ ના એવું નથી, કુદરતે એવા જાતભાતના જીવો બનાવ્યા છે કે વાત પૂછશો જ નહીં. હમણાં આપણે એક ડરામણાં મોઢાવાળી માછલી નહોતી જોઈ ? એવી જ રીતે આફ્રિકામાં એક ચોક્કસ વિસ્તારમાં જ જોવા મળતું એક દેડકું છે જે કાયમ સોગિયું ડાચું લઈને જ ફરતું હોય છે. ઓ તેરી . . . એવું તે હોય કાઇ ? હા મિત્રો એટલે જ અંગ્રેજીમાં એનું વર્ણન છે ગ્રમ્પી લૂકિંગ ફ્રોગ ગ્રમ્પી એટલે ઊતરેલું, ઊતરેલી કઢી પી ગયું હોય તેવું દુ:ખી મોઢા વાળું . . . પણ ભગવાને એને આવું મોઢું શું કરવા દીધું હશે એ સમજાતું નથી, યાર મને અને તમને તો ન સમજાય, પણ વૈજ્ઞાનિકોને પણ આ વાત સમજાતી નથી.
તો ચાલો આજે એક સોગિયા ડાચાવાળા દેડકાનો પરિચય કરીએ. અગાઉ આપણે દેડકાઓની વાત કરેલી ત્યારે અંગ્રેજીમાં તેમના માટેના બે શબ્દો જાણેલા, એક તો ફ્રોગ અને બીજો શબ્દ છે ટોડ. ફ્રોગ એટલે પાણીમાં તરવાની સુવિધાવાળા પગવાળો હોય અને પાણીમાં રહેતો હોય એ ફ્રોગ, અને જેના પગમાં આંગળા વચ્ચે તરવા માટે ચામડી ન હોય અને પાણીની આસપાસ પરંતુ જમીન પર રહેતો હોય અને ખરબચડી ચામડી હોય એ ટોડ. તો એની ખરબચડી ચામડીનું પણ રહસ્ય છે. ટોડ હલનચલનમાં દેડકા કરતાં ધીમા હોય છે તેથી દેડકાઓની માફક શિકારીઓથી બચીને ભાગી શકતા નથી. તેથી તેમની ખરબચડી ચામડી નીચે ઝેરની એક ગ્રંથિ હોય છે. તેના પર હુમલો થાય ત્યારે ટોડ આ ગ્રંથિમાંથી ઝેર બહાર કાઢે છે અને તેનો શિકારી કાંતો મૃત્યુ પામે અથવા આજીવન યાદ રહે એટલી પીડા થાય.
તેનો રંગ લગભગ સંપૂર્ણ કાળો હોવાને કારણે તેનું નામ ‘આફ્રિકન બ્લેક રેઇન ફ્રોગ’ પડ્યું છે. પરંતુ ‘હરી તારા નામ છે હજાર’ એમ જ આ સોગિયા મોઢાળા દેડકાના ‘પ્લેઈન રેઈન ફોગ’, ‘આફ્રિકન રેઈન ફોગ’ અથવા ‘સિટીસ્કમ્મા રેઈન ફોગ’ જેવાં બીજાં નામો પણ છે. મુખ્યત્વે ચોમાસામાં વધુ સક્રિય હોવાથી એના નામમાં રેઇન ઉમેરાયું છે, અને સૂકા સમયગાળા દરમિયાન માટીની બખોલોમાં છુપાઈ રહે છે. પાણીમાં અને જમીન એમ બન્ને જગ્યા પર રહી શકતા આ દેડકાનું શરીર નાનકડા દડા જેવું ગોળાકાર હોય છે, તેના શરીરના પ્રમાણમાં તેના પગ સાવ ટૂંકા હોય છે. આ દેડકા પાસે પોતાના બચાવ માટે બીજી કોઈ શક્તિ ન હોવાથી તે હુમલો થાય ત્યારે પોતાના શરીરને ફુલાવીને ખૂબ મોટું કરી નાખે છે જેથી શિકારી તેનાથી ડરીને નાસી જાય. અચરજભરી વાત એ છે કે આ દેડકો પોતાના કદ કરતાં શરીરને ફુલાવીને સાત ગણું મોટું કરી શકે છે.
આ સોગિયા ડાચાવાળા કાળા મેશ દેડકા સમગ્ર પૃથ્વી પર માત્ર દક્ષિણ આફ્રિકામાં જ જોવા મળે છે, અને એ પણ માત્ર ‘કેપ ફોલ્ડ’ નામના પટ્ટામાં તે વસે છે. આ સિવાય આ દેડકું તમને આખા વિશ્ર્વમાં બીજે ક્યાંય જોવા નહીં મળે. તે જમીનમાં ઘૂસી જઈને છુપાવાની કળા જાણે છે અને એટલા માટે જ આફ્રિકાની આ ચોક્કસ જગ્યા પર વસે છે. આ વિસ્તારની માટી રેતાળ છે જેના લીધે આ દેડકાને છુપાવા માટે જમીનમાં ઘૂસી જવું સરળ રહે છે. ચીકણી કે રેતી વગરની માટીમાં આ દેડકા માટે જમીનની અંદર ઘૂસવાનું અઘરું પડી જાય. જમીનની અંદર રહેવાનાં બે કારણો છે, એક તો શિકારીઓથી બચી શકાય અને બીજું જમીનની અંદર ભેજ મળી રહે. દેડકાની મોટાભાગની પ્રજાતિઓની જેમ, આપણું સોગિયું પણ જંતુઓ અને ખાસ કરીને ઉધઈ, કીડીઓ, માખીઓ અને કંસારીઓનો કોળિયો કરી જાય છે. તક મળે તો તે માટીમાંથી ખોદીને જીવડાના લાર્વા પણ ખાઈ લે છે. હાથે ચડે તો કરોળિયા, ફૂદાં અને અન્ય નાનાં પ્રાણીઓનો પણ શિકાર કરતાં અચકાતું નથી.
અંધારામાં આપણને ભલે ડર લાગે પણ આપણો આ દેડકો રાતોનો શહેનશાહ છે. અંધેરી રાતો મેં . . . સુનસાન રાહો પે . . . શહેનશાહની અદામાં તે મૃગયા કરવા નીકળી પડે છે. સાપ અને શિકારી પંખીડા એના મુખ્ય દુશ્મન છે. અને ક્યારેક ક્યારેક સુવરના હાથે ચડે તો એનું રામનામ સત્ય હૈ થઈ જાય છે. હુમલો થાય ત્યારે શરીર ફુલાવવાની કારીગરી ચાલે નહીં, તો ભાઈ જમીનમાં ઘૂસી જાય છે! એની પાસે બચાવની એક બીજી છેતરામણી ચાલ છે. એ પોતે ભલે ફ્રોગ એટલે કે દેડકો રહ્યો, પરંતુ તેની ચામડી ટોડ જેવી ખરબચડી છે. શિકારી પ્રાણીઓ આ સોગિયા ડાચાવાળાની ચામડી જોઈને તેને ઝેરી માની બેસે છે અને ભાઈ બચી જાય છે. આ દેડકાનું ઘર જે પ્રાંતમાં છે એ આખો પ્રાંત પ્રકૃતિની દૃષ્ટિએ સરકારે સુરક્ષિત જાહેર કર્યો હોવાથી આ દેડકાને બહુ ચિંતા નથી, નહિતર તેનું અસ્તિત્વ જોખમમાં આવવાની સંભાવના છે. કુદરતમાં તેની મુખ્ય ભૂમિકા પેસ્ટ કંટ્રોલ છે, એટલે કે જીવાત અને જીવડાઓને કાબૂમાં રાખવાની છે.
અંતે આપણે વાત કરીએ એના સોગિયા ચહેરાની. તમે ફોટો જોશો એટલે સમજાઈ જશે કે એને લોકો ગ્રમ્પી ફેસ્ડ શા માટે કહે છે. આપણા અથવા કહોને કે કોઈ પણ પ્રાણીના હોઠ સીધા હોય, જ્યારે આ સોગિયા ડાચાવાળા દેડકાના હોઠ નીચેની તરફ વળેલા હોય છે. એને જોઈએ એટલે તરત પ્રતીતિ થાય કે ‘સાલું આ દેડકાને જરૂર વ્યાજના હપ્તા ચડી ગયા હશે, અથવા તો એણે જેને પ્રપોઝ કર્યું હશે એ દેડકીનું આવું સોગિયું ડાચું જોઈને એને એમ થયું હશે કે આની તો ના છે’ પ્રેમભગ્ન થયેલા માણસોના મોઢા તો કાયમ ઊતરેલી કાઢી જેવા જ હોયને ભાઈ…