સોગિયું મોઢું
મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી
વ્યવસાય એ હું હાસ્ય કલાકાર છું એટલે આ અનુભવ અવારનવાર થાય ખરો. ઓડિયન્સમાં સોગિયા મોઢાવાળા જો સામે બેસી જાય તો એસી હોલમાં પણ અમને પરસેવો પડે.
અમુક લોકો બાળોતિયાના બળેલા હોય. ઉપરવાળો તેના મગજમાં હસવાની ગ્રંથિ ફિટ કરવાનું જ ભૂલી ગયો હોય. કરચલી વાળા ચહેરાને બારેય વહાણ ડૂબી ગયા હોય તેવો ચહેરો કરી તમારી સામે બેસે. એને ગલગલિયાં કરો તો એ રોવે પણ હસે તો નહીં જ. એટલે આમ અમુક જનમજાત સોગિયા હોય તો અમુક પરણેલા હોય. ઓડિયન્સમાં ખૂણે ખાચરે એકાદ બે આવા સોગિયા બેઠા હોય તો વાંધો ન આવે, પરંતુ પહેલી જ રોમાં અદબ ભીડી અને તમારી સામે ઘુવડ જેવી આંખોએ ટગરટગર જોતા હોય અને તમે ગમે તેવી રમૂજ રજૂ કરો પણ એના કપાળની કરચલી ભાંગે જ નહીં તેના ચહેરા પર હાસ્ય લાવો તો તમને પદ્મશ્રી મળે. મને તો ઘણીવાર એવા પ્રશ્ર્ન થાય કે આ સામે બેઠેલા સોગિયાના બાપાને ભૂતકાળમાં મેં ઢોલ ધપાટ કે ધુમ્બા ઢીકા તો નહીં મારી લીધા હોય ને? આવા લોકો કલાકારને ખૂબ ડિસ્ટર્બ કરે.
અમુક લોકોને તમારા જોક્સની ખબર હોય તો હારોહાર બોલતા જાય અને તમે જોક્સ પૂરો કરો તે પહેલા બાજુવાળાને તમારો ક્લાઇમેક્સ કહી ઓર પોરસાતા હોય. ભીખુદાનભાઈની એક બહુ સરસ રમૂજી છે તમે દુહો ઉપાડો કે ‘વાદળ થી વાતો કરે.. તો તરત જ સામે પડકારો કરે એ ગઢ જૂનો ગિરનાર આપણે બીજી કડી ગાઈએ જ્યાં હાવજડા હેજળ પીએ.. તો પાછળને પાછળ બોલે એના નમણા નર ને નાર..’ એલા ભાઈ અમને બોલવા દે તું શું આમ ગુંદાના ઠળિયાની જેમ હારોહાર ચોઇટો આવછ. આવા લોકોને ઢોર ખુલ્લા મુકી તેની જગ્યાએ ખીલે બાંધીને રાખવા જોઈએ.
હમણાં એક કાર્યક્રમમાં પહેલી જ રૂમમાં બેઠેલા એક બેનના ખોળામાં એક ચાર પાંચ વર્ષનો છોકરો સતત વાતો કરતું હતું. આજુબાજુનું ઓડિયન્સને પણ ડિસ્ટર્બ કરતું હતું. એટલે ન છૂટકે મેં તે બહેનને કહ્યું કે ‘બેન એને ચૂપ કરો ને’ બે’ને ધનુર ઉપાડે એવો ગોફણીઓ જવાબ મારા તરફ ફેંક્યો મને કહે ‘ક્યારનો આ પણ મને એમ જ કહે છે કે આને ચૂપ કરો ને,મારે કોનું માનવું?’ પછી ત્યારથી મેં નક્કી કર્યું કે ઓડિયન્સમાં જે કંઈ પણ થતું હોય તે થવા દેવું. ખોટું ડાયું
થવું નહીં.
મારી દૃષ્ટિએ તો સમાજમાં જનમજાત સૌગ્યા મોઢાવાળા હોય કોઈના શુભ પ્રસંગે કે કોઈ કાર્યક્રમમાં જવું જ ન જોઈએ. આમાં શું છે કે કલાકારને લાઈન બદલી નાખવાનો વિચાર આવવા માંડે. એને એમ થાય કે ‘મને આવડતું નથી કે આને સમજાતું નથી?’ હું તો થોડો ઇનોવેટિવ નેચર ધરાવતો માણસ એટલે મને તો એવું સુજે કે આવા જગતના તમામ સોગિયાઓને ભેગા કરી અને એક ઇવેન્ટ કંપની ખોલું અને શોકસભામાં “સોગિયા સપ્લાય કરવાનું કામ ચાલુ કરું. તો શું થાય કે આપણને બે પૈસા મળે અને ખાલી ખાલી બેસી રહેવાના તેમને પૈસા પણ મળે અને ફેઈસ વેલ્યુ એન્કેશ કરી શકે. આવા સોગિયા મોઢાવાળાઓની કિંમત વિપક્ષ પણ સારી રીતે કરી શકે તેમના ફોટા છાપવામાં આવે કે મોંઘવારીને કારણે લોકો કેવા ત્રસ્ત થયેલા જોવા મળે છે. હકીકતમાં તેઓ મસ્ત બની અને બેઠા હોય.
આવા સોગિયા લોકો સામે કારણ વગર હસતા લોકો પણ અમારા માટે તકલીફ રૂપ હોય. જોક પૂરો થાય અને હશે તો અમારી સફળત, પરંતુ શરૂઆતમાં જ હસવાનું ચાલુ કરી દે એ અમારી કઠણાઈ. ઘણીવાર એવું પણ બન્યું છે કે શરૂઆતમાં જ આપણી સામે હસવા માંડે. આપણે મૂંઝવણમાં એ પડી જઈએ કે આપણી સામુ હશે છે કે આપણને જોઈને હસે છે. ઘણીવાર આપણે કપડાં ઠીકઠાક પહેર્યા છે કે નહીં,અને પહેર્યા છે તો બધું બંધ છે ને તે ચેક કરવા માંડીએ.
આવા લોકોને ક્યારેય બેસણા કે ઉઠામણામાં લઈને ન જવાય. ઘરધણી એને તો કાંઇ ના કહે પણ જે લઈને આવ્યા હોય તેની તસરીફ
સુજાડી દે.
સોગિયા મોઢા તરફ પાછો ફરું. સદીઓ પછી કોઈ એક વિરલ આત્મા કે ઓલિયો માણસ પૃથ્વી ઉપર અવતાર લે અને માનવ જગતનું કલ્યાણ કરવાનાં એકમાત્ર ઉદ્દેશ સાથે કોઈ કાર્ય આરંભે તેમ તમામ કલાકારોની આ મૂંઝવણ દૂર કરવાનું મેં બીડું ઝડપ્યું. મને એક વિચાર આવ્યો કે મારે કાર્યક્રમ દરમિયાન બે માણસો સાથે લઈ જવાના અને આંખના ઇશારાથી આગળની રોમાં બેઠેલા સોગ્યા ચહેરાને દેખાડી દેવાનો.એ બંને માણસનું કામ એટલું જ કે તેને ગમે તેમ કરી ઓડિયન્સની બહાર લઈ જઈ સતત વ્યસ્ત રાખવાનો. સામાન્ય
માણસ હોય તો કદાચ આ નુસખો શક્ય પણ બને પરંતુ ગામનો સરપંચ કે કોઈ મંત્રી કે મોભાદાર માણસ સોગિયો નીકળે તો એને તો લઈ પણ કેમ જાવો. તો પણ એક કાર્યક્રમમાં મેં મારા બે માણસોને સ્યો… કર્યું.
શિકારી કૂતરા જેમ સસલા ઉપર ઠેક મારે તેમ બંને ઇ પોતાનું કાર્ય પાર પાડવા કમર કસી. તમે નહીં માનો પણ કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધી અને તે પછી પણ એ માણસ દેખાયો નહીં. કાર્યક્રમ પૂરો થતાં જ મારા બંને માણસોની મેં પીઠ થાબડી પણ જાપટિયાથી જેમ રસ્તા પરની દુકાનનો ફેરિયો વારેવારે ધૂળ ખંખેરવા તેનો ગલ્લો જાપટે તેમ થાબડી. મુશ્કેલી હવે શરૂ થઈ. મેં સંસ્થાના પ્રમુખ અને સેક્રેટરીને આશાભરી નજરે જોયા. કારણકે પુરસ્કારનું કવર હાથમાં આવતું ન હતું. મારા ચહેરા પરનો પ્રશ્ર્નાાર્થ તેઓ સમજી ગયા. મારી નજીક આવી અને મને કાનમાં કહ્યું કે ‘મિલનભાઈ તકલીફ એવી થઈ છે કે કાર્યક્રમ શરૂ થયો અને કોઈ બે માણસો અમારાં ખજાનચીને બહાર લઈ ગયા એવું તો શું કહ્યું કે કાર્યક્રમ પૂરો થઈ ગયો છતાં તે આવ્યા નથી અને તે હવે એ આવે તો તમારું પેમેન્ટ થાય. ભૂતકાળમાં બૂમરેંગ નામનું એક શસ્ત્ર આવે છે તે સાંભળ્યું હતું પણ અનુભવ્યું પહેલી વાર. કોઈએ સાચું જ કહ્યું છે કે સમજદાર માણસોને કોઈ વિચાર આવે તો તે અમલ કરતા પહેલા તેના પર ચિંતન કરે. અકલમઠ્ઠા તરત અમલ કરે.
હવે તમે જ કહો આવી નાનકડી ભૂલની આવડી મોટી સજા હોય?
વિચારવાયુ
જ્યાં સુધી જીવીએ છીએ,
ત્યાં સુધી હાસ્યના પ્રેમમાં રહીએ..
ત્યાર પછી ફ્રેમમાં તો રહેવાનું જ છે..!!