વીક એન્ડ

ગણતંત્ર દિવસના આટલાં વરસે

શરદ જોશી સ્પીકિંગ -સંજય છેલ

ભારતનો ગણતંત્ર દિવસ દર વર્ષે આવે ને જાય હવે શુક્રવારે આવશે એની આગોતરી વધામણી. હમણાં કેટલાંક વર્ષોમાં ‘આપણા દેશે સારો એવો વિકાસ કર્યો છે’, આ અફવા દેશભરમાં વરસોથી ફેલાતી રહી છે. આપણા નેતાઓ સત્યથી ડરે છે, અફવાઓથી નથી ડરતા. ખબર પાક્કી છે કે દેશમાં વિકાસ તો થયો છે. હવે એ ક્યાંથી કર્યો છે, એની જાણકારી મેળવવાની બાકી છે.

આ વર્ષે હવામાન સારું રહ્યું. ઉનાળામાં ગરમી પડી અને શિયાળામાં ઠંડી પડી. ચોમાસામાં વરસાદ સારો પડ્યો એના કારણે ખેતરોને પાણી મળ્યું અને રસ્તાઓ પર ખાડા પડ્યા. સારો પાક થવાથી જે કમાણી થઈ એ રસ્તાઓનું સમારકામ કરવામાં વેડફાઈ ગઈ. સરકારે નિર્ણય લીધો છે કે ખાલી જગ્યામાં વૃક્ષો વાવવામાં આવશે. ખાલી જગ્યા નહીં હોય ત્યાં વૃક્ષો ઉખાડીને ફરી બીજાં વૃક્ષો રોપવામાં આવશે. પરિસ્થિતિ એવી છે કે વૃક્ષો વાવવાના નિર્ણયો લેવાઇ ગયા છે પણ એનાં બીજ વવાયાં નથી. થાકેલા લોકો નિર્ણયના છાંયડામાં બેસીને એમાંથી ફળ પડવાની રાહ જોતા બેઠા છે.
આમ તો દેશની આર્થિક સ્થિતિ સારી રહી. જે પૈસાવાળા હતા એ પૈસાવાળા જ રહ્યા અને ગરીબ હતા એ ગરીબ જ રહ્યા. પણ એ બંનેની વચ્ચે હતા, એ ક્યાંયના ય ના રહ્યા.

ગણતંત્ર ભારતમાં આ વરસે દેશમાં વ્યક્તિ દીઠ આવક વધી. ખાસ કરીને એ લોકોની જેઓ કમિશન ખાય છે અને લાંચ લે છે. દેશમાં બેરોજગાર ગમે તેટલા હોય, બેકારી એના કરતાં વધારે હતી. જે લોકો કામ કરવા માગતા હતા એ લોકો પાસે કામ નહોતું અને જે લોકો પાસે કામ હતું એ લોકો કામ કરતા નહોતા. જેમણે કામ કર્યું એમાંથી ખાસ કંઇ નિપજ્યું નહીં. દેશમાં સમૃદ્ધિ એટલી વધી કે લોકો ૧૦૦ રૂપિયાની જગ્યાએ ૨૦૦ રૂપિયા અને ૨૦૦ રૂપિયાની જગ્યાએ ૫૦૦ રૂપિયાની નોટનો ઉપયોગ કરવા માંડ્યા છે. આજકાલ ૧ રૂપિયાનું પરચૂરણ ન કોઈ આપે છે કે ન કોઈ લે છે. જીવનધોરણ એટલું ઊંચું થઈ ગયું છે કે ભિખારી ૧-૨ રૂપિયાની જગ્યાએ ૫-૧૦ રૂપિયા માગતા થઈ ગયા છે.

આ દેશે ચા, મસાલા અને કપડાં વેચીને ટી.વી., મોબાઈલ્સ, કમ્યુટરો વગેરે ખરીદ્યા. આ બધી વસ્તુઓ અને દેશની સંપત્તિ કે આવક બે ભાગમાં વહેંચાઈ ગઈ. અડધી નેતાઓએ રાખી લીધી અને બાકીની અડધી ઉદ્યોગપતિઓએ રાખી લીધી. ક્યારેક ટીવી પર નેતાઓ દેખાય છે તો ક્યારેક ઉદ્યોગપતિઓની વાતો આવે છે. લોકો દેશ તરફ જોવાને બદલે આ બધું જોવામાં જ મશગૂલ અને મગરૂર થઈ ગયા છે. દેશમાં ટી.વી.ઓ, મોબાઈલ્સ, કમ્પ્યુટરો શું આવી ગયા, આખેઆખો દેશ એમાં જ અંદર ઘૂસી ગયો છે. જીવનધોરણ ઊંચું થયું. જે લોકો જમીન પર ચાલતા હતા એ હવે ફ્લાય-ઓવર પર ચાલવા માંડ્યા છે. (એ અલગ વાત છે કે ફ્લાય-ઓવર ક્યારેક પડી પણ જાય છે.)

વિદેશી ક્રિકેટ ટીમો આવી અને ભારતને હરાવીને જતી રહી. ભારતીય ક્રિકેટ ટીમ વિદેશ ગઈ અને હારીને પાછી આવી. ક્યારેક જો ભારતીય ટીમ જીતી હોય તો તેઓ પૈસા ભેગા કરવા લાગી પડે છે, જાણે કે તેઓ રમતમાં નહીં ચૂંટણીમાં જીત્યા હોય!

ગણતંત્રના આ વર્ષમાં દેશ ભલે અંદર લડી રહ્યો હતો પણ બહારથી સુરક્ષિત હતો. જ્યારે કે કહેવામાં એમ આવ્યું હતું કે દેશને બહારના પડોશી દેશથી ખતરો છે. દેશ, ગમે તેવો હોય પણ દેશના નેતાઓ સુરક્ષિત હતા. એમનાથી વધુ નેતાઓના ચમચાઓ સુરક્ષિત હતા. દેશમાં અવારનવાર બેંક લૂંટાય છે અથવા ઊઠી જાય છે. દરરોજ અગણિત હત્યાઓ અને બળાત્કારો થયે રાખે છે. ૧૯૭૦-૮૦ના જમાનામાં ડાકુઓ નેતાઓની સામે આત્મસમર્પણ કરતા હતા અને આજે હવે નેતાઓ, ડાકુઓ કે ગુંડાઓની સામે આત્મસમર્પણ કરે છે. આમાં બિચારી પ્રજા ફોટા જોઈને પૂછે છે કે આ બેમાં નેતા કોણ છે અને ગુંડા કોણ છે?

હવે લૂંટફાટની કળા માત્ર ગામડાંઓ સુધી જ સીમિત નથી રહી. શહેરો અને મહાનગરો સુધી વિકસી છે. એક જમાનામાં ડાકુઓએ ઘોડા વેચીને બાઈક ખરીદી અને જેની પાસે બાઈક હતી એણે પિસ્તોલ ખરીદી. બસ પિસ્તોલ દેખાડો અને જે જોઈએ એ લઈ લો!

પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે આ વર્ષે પણ જમાઈઓએ સસરાની તરફ આશાભરી નજરોથી જોયું. વહુઓને સળગાવવા માટે કેરોસિનની અછત નહોતી. જો કે જેને કેરોસિન જોઈતું હતું એ લાઈનમાં ઊભો રહેતો. સામાજિક વાતાવરણ એકંદરે સારું રહ્યું. જ્યારે ગુંડાઓ સક્રિય થયા ત્યારે શાંતિ હતી. પણ જ્યારે પોલીસ સક્રિય થતાં અશાંતિ સર્જાઈ.

શિક્ષણ ક્ષેત્રે પરિસ્થિતિ એવી હતી કે જ્યાં ભણવા માટે બાળકો હતાં ત્યાં શિક્ષકો જ નહોતા ને જ્યાં શિક્ષકો હતા ત્યાં બાળકો નહોતાં. વળી જ્યાં બંને હતાં ત્યાં ભણતર જ નહોતું થતું. છતાં પરિણામો સારા આવ્યાં. જો કે નોકરીઓ તો યે નહીં મળી. આપણા દેશમાં જ્યારે ભણતર પછી નોકરી નથી મળતી ત્યારે લોકો ભણાવવાની નોકરી કરવા લાગે છે. સાક્ષરતા અભિયાનનો વિકાસ થયો છે. જેને સહી કરતાં આવડી ગઈ એ વિદેશ જવાનું વિચારવા માંડ્યો. જેમનાં આ દેશમાં ઘર છે તેઓ વિદેશમાં નોકરી કરવાનું વિચારવા માંડ્યાં છે. અને જેની પાસે વિદેશમાં નોકરી છે તેઓ ભારતમાં ઘર બનાવવાનું વિચારી રહ્યા છે. એક વાત સમજાતી નથી કે લોકો એવું કેમ ઇચ્છે છે કે કમાવા કરવાની જગ્યા ઘરથી દૂર હોવી જોઈએ?

દર્દીઓનું સ્વાસ્થ્ય સારું રહ્યું. ભેળસેળવાળી વસ્તુ ખાઈને લોકો માંદા પડ્યા તો પછી પાછાં ભેળસેળવાળી દવા પીને સાજા થઈ ગયા. જે એલોપથી ડોક્ટરનો દર્દી હતો એ વૈદ્ય શોધવા માંડ્યો, જે વૈદ્યનો દર્દી હતો એ હોમિયોપથી ડોક્ટરને શોધવા માંડ્યો અને જે હોમિયોપથીનો દર્દી હતો એ એલોપથીના ડોક્ટર પાસે ગયો. આ રીતે દેશની હોસ્પિટલોમાં દર્દીઓની કુલ સંખ્યા એ જ રહી જે પહેલાં હતી!
દેશના નેતાઓ વિદેશ જતા રહ્યાં. જ્યારે તેઓ નહીં ગયા ત્યારે વિદેશી નેતાઓ અહીંયા એમને મળવા આવ્યા. પછી એ સૌએ દેશના વિકાસની ચર્ચાઓ કરી. એમાંથી સમય કાઢીને પોતાના વિશે વિચાર્યું…પણ આ બધામાં નેતાઓ ડરતાં રહ્યાં કે ક્યાંક સાલી ચૂંટણી ના યોજવી પડે?

મિત્રો, સાંસ્કૃતિક મોરચે પરિસ્થિતિ એવી હતી કે દેશમાં બધી ભાષાઓનો વિકાસ થયો. પહેલાં ૧૪ કે ૧૫ જ ભાષાઓ હતી હવે ૧૯-૨૦ જેટલી ભાષાઓ થઈ ગઈ છે.

જો કે હિંદી હજી પણ દેશની સૌથી મોટી ભાષા છે, એટલે દરેક રાષ્ટ્રીય નેતા એને પગે લાગતો હોય છે. છતાં ય હિંદી ભાષા ગરીબ જ છે. જે ખરા સાહિત્યકારો છે એ હવે લખતા નથી અને જે નથી લખતા એમને ઈનામો મળી જાય છે!

ગણતંત્રનાં આટલાં વર્ષોમાં ડાન્સર્સની આર્થિક સ્થિતિ સૌથી સારી રહી છે. જે શાસ્ત્રીય સંગીત ગાતા હતા એ ગઝલ ગાવાનું વિચારી રહ્યા છે. જેના સૂર નથી લાગતા એ ભજન કરે છે, કારણ ગમે તે હોય આપણે બે વખતનું ખાવાનું ખાઈએ છીએ.

ગણતંત્રના આવનાર વર્ષમાં બસ સુખ, શાંતિ છે, બધાં ખાઈ રહ્યા છે, બધાં ગાઈ રહ્યા છે. બધાંના પોત પોતાના સૂર છે. બાકી બધું ઠીક છે, પણ આ દેશમાં શુદ્ધ નાગરિક હોવું એ માત્ર અભિશાપ છે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button