સ્માર્ટ મકાનો
સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા
સ્માર્ટ મકાન એટલે એવું મકાન કે જે કશું કહ્યા વગર પણ આપમેળે જે તે વ્યક્તિને અનુરૂપ માહોલ ઊભો કરે
સ્માર્ટ મકાનોની એક પૂર્વ શરત એ છે કે એમાં હયાત જુદાં જુદાં ઉપકરણો વચ્ચે સંપર્ક અને સમન્વય હોવો જોઈએ. આ બધાં ઉપકરણો પરસ્પર સંકલનથી કામ કરતા હોવા જોઈએ. જો બધાં ઉપકરણો સ્વતંત્ર રીતે કામ કરે તો ક્યાંક પ્રશ્ર્નો અને અગવડતાઓ ઊભી થવાની સંભાવના રહે. મકાનમાં પ્રયોજાયેલા બધા જ ઉપકરણો એક એકમ તરીકે – એક અસ્તિત્વ તરીકે કામ કરતા હોય તો જ તેની અસરકારકતા ઊભી થાય. મકાનના મુખ્ય દ્વાર પર સલામતી માટે રખાયેલ ઉપકરણ મકાનની અંદર રખાયેલ સલામતીના અન્ય ઉપકરણો સાથે સંકળાયેલ હોવું જોઈએ. પાણી પુરવઠામાં કોઈ ક્ષતિ પહોંચે તો પાણી પુરવઠા માટેનું ઉપકરણ આપમેળે સૂર્ય કે વીજ ઉર્જાથી સ્વયં સંચાલિત થવું જોઈએ. ઉપકરણ સલામતી માટે હોય કે સગવડતા માટે, મનોરંજન માટે હોય કે વ્યવસાયિક કાર્ય માટે, સુખાકારી માટે હોય કે પ્રફુલ્લિતતા માટે, આ બધા વચ્ચે સંકલન બહુ જરૂરી છે. મકાન આમ પણ એક એકમ તરીકે કામ કરતું હોય છે. આ એકમ યથાર્થ ત્યારે જ ગણાય જ્યારે તેમાં રહેલી બધી જ સુખ-સુવિધા આ એકમની સાથે તાલમેલમાં હોય. સ્માર્ટ મકાનોમાં કૃત્રિમ બુદ્ધિમતા, અવાજની ઓળખ પછી એના દ્વારા સંભવિત નિયંત્રણ, વિસ્તૃત સંપર્ક વ્યવસ્થા તથા ઊર્જાની ખપતમાં ઘટાડાની વ્યવસ્થા મુખ્ય ગણાય છે. આ ઉપરાંત પણ સ્માર્ટ મકાનોમાં પર્યાવરણને નિયંત્રિત કરતી બાબતોનો અને માનવીય સંવેદનાઓનો પણ સમાવેશ કરવા પ્રયત્ન કરાય છે. મુખ્યત્વે આ બધી બાબતો સગવડતા, સલામતી તથા કાર્યક્ષમતા માટે છે.
સ્માર્ટ મકાનોથી લાંબા ગાળે માનવ જીવન પર કઈ અસર થશે તે કહેવું અઘરું છે. એમ બની શકે કે વ્યક્તિની કાર્યક્ષમતા વધે પણ સાથે સાથે તેનું શરીર શિથિલ થતું જાય. એમ બને કે ટૂંકા સમયમાં વધુ સારાં પરિણામો મળી શકે પણ પછી ફાજલ સમયનો વ્યય પણ વધી જાય. એમ પણ લાગે છે કે વ્યક્તિની વિવિધ પ્રકારની પ્રવૃત્તિ માટેની સંભાવનાઓ વધી જાય અને સાથે સાથે વ્યક્તિની ઉપકરણો પ્રત્યેની પરતંત્રતા પણ વધે. એમ પણ બની શકે કે લાંબા ગાળે વ્યક્તિના અસ્તિત્વમાં શરીર કરતાં મનનું પ્રભુત્વ ઘણું વધી જાય. સ્માર્ટ મકાન એ સારી વસ્તુ છે પણ તેનો ઉપયોગ સમાજના કયા સ્તર સુધી પહોંચાડવો તે એક યક્ષ પ્રશ્ર્ન છે.
શું એવું સોફ્ટવેર ડેવલપ થવું જોઈએ જેનાથી વિદ્યાર્થીઓનું ગૃહકાર્ય આપમેળે થાય, જેથી તેને પોતાના વિકાસ માટે વધારે સમય મળે ? અને જો વિદ્યાર્થીનો આ પ્રમાણે વિકાસ થાય તો તે લાંબા ગાળે સમાજ માટે ઇચ્છનીય હશે ? પ્રશ્ર્ન સ્માર્ટ મકાનનો નથી પણ આ સ્માર્ટનેસને કયા સ્તરે લઈ જવી તેનો છે. દેશના સંરક્ષણાત્મક મકાનો સ્માર્ટ હોઈ શકે પણ શું આવી સ્માર્ટનેસ બધી જ જગ્યાએ ઇચ્છનીય છે ?
લાંબા ગાળે એ થશે પણ ખરું. મકાનને સ્માર્ટ બનાવવામાં વિવેક તથા સંયમની જરૂર છે. મકાનોની શ્રેણી વર્ગીકૃત થવી જોઈએ અને દરેક શ્રેણીમાં કેટલી માત્રામાં અને કેવા પ્રકારની સ્માર્ટનેસ ઇચ્છનીય હોય તે નિર્ધારિત થવું જોઈએ. મોબાઈલ બધા પાસે હોવો જોઈએ પણ બધા પાસે સરખો હોવો જોઈએ તે જરૂરી નથી. નાના બાળકને પણ મોબાઈલ આપી શકાય, પણ તે મોબાઈલની રૂપરેખા તેના વિકાસ માટે જરૂરી અને તેની બુદ્ધિમતાને અનુરૂપ હોવી જોઈએ. વૈજ્ઞાનિકો પાસે જુદી કક્ષાનો મોબાઇલ હોવો ઇચ્છનીય છે. આવી જ સમજ મકાનની સ્માર્ટનેસ માટે જરૂરી છે. એવી દલીલ ચોક્કસ કહી શકે કે દરેક મકાનને પ્રાપ્ય સંસાધનો અનુસાર સ્માર્ટ બનાવી શકાય. આજની તારીખે આ વાત યોગ્ય લાગે, પણ બની શકે કે કાલે જ્યારે ટેકનોલોજી સહજતાથી પ્રાપ્ય બને ત્યારે વિવેક અને સંયમ બંનેની વધુ જરૂરિયાત જણાય. તેની માટે અત્યારથી જ ટેવ પાડવી પડે. સગવડતા બધાને જોઈએ છે પણ તે બધાને સરખી માત્રામાં આપવી જોઈએ કે નહીં તે એક જ્વલંત પ્રશ્ર્ન છે.
કદાચ જીવન બેઠાડુ થઈ જશે. કદાચ વ્યક્તિગત સંબંધો ઉપકરણો દ્વારા જ નિયંત્રિત થશે. કદાચ સમગ્ર વિશ્વ વિશાળ જણાતું હોય તો પણ એક નાના ઉપકરણમાં સમાઈ જશે. વ્યક્તિગતતા વધતી જશે અને સામાજિક તાણાવાણા ઉપકરણો દ્વારા નિયંત્રિત થશે. એમ પણ બની શકે કે વ્યક્તિ પોતાની ગોપનીયતા લગભગ ગુમાવી બેસશે. કોઈપણ વ્યક્તિના જીવનની ઝીણી ઝીણી બાબતોની પણ ઉપકરણો નિયંત્રિત કરતી વ્યક્તિને ખબર પડતી જશે. માનવી ભલે સામાજિક પ્રાણી રહ્યો, પણ આ સામાજિકતા તેના વ્યક્તિગત જીવનના ભોગે ન હોઈ શકે.
ટેકનોલોજીથી સ્થાપત્યમાં નવી નવી સંભાવનાઓ ખુલતી જાય છે. આ સંભાવનાઓ માનવજાત ઉપર ઉપકાર સમાન છે. એમ કહેવાય છે કે હવે તો વિજ્ઞાન વ્યક્તિના આયુષ્યને પણ નિર્ધારિત કરી શકશે, તો પછી સ્માર્ટ મકાન તો બહુ નાની વાત થઈ. પૃથ્વીની વાત તો કરી જ શકાય, પણ હવે તો ચંદ્ર પર કેવું મકાન બનાવી શકાય તે વિશે ચર્ચા શરૂ થવી જરૂરી છે. એ તો સ્વાભાવિક છે કે ચંદ્ર પરનું મકાન સ્માર્ટ જ હોય અને તેની માટેના પ્રયોગો પૃથ્વી પરથી જ શરૂ કરવા પડે. જો ચંદ્ર ધ્યેય હોય તો આ પ્રયોગો સર્વ સ્વીકૃત કહેવાય, પણ જો માત્ર પૃથ્વી માટે આવા પ્રયોગો થતા હોય તો તેની આડઅસર વિશે સભાનતા જરૂરી છે. નહીંતર બનશે એવું કે અમુક પ્રશ્ર્નો ઉકેલવા માટે નવા પ્રશ્ર્નો સ્વીકારતા જશે. આ નવા પ્રશ્ર્નોના નિરાકરણ માટે જે ઉકેલ આવશે તે બીજા નવા અન્ય પ્રશ્ર્નો સાથે લાવશે. ટેકનોલોજીમાં ક્યાં – શું – કેટલું – તથા કેમ વાપરવું, તેની સમજ જરૂરી છે. નહીંતર એવી વાત થશે કે કારના કાચ ઊંચા નીચા કરવા માટે રીમોટ રાખવું અને પછી સવારે હાથની કસરત માટે જીમ જોઈન કરવું.