વીક એન્ડ

જરૂરિયાત પ્રમાણે વ્યવસ્થા ઊભી કરતાં સ્માર્ટ મકાન

સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા

પરિસ્થિતિ પ્રમાણે ઉપયોગકર્તાની જરૂરિયાતોને જાણી લઈ તે પ્રમાણે વ્યવસ્થા ઊભી કરનાર મકાન એટલે સ્માર્ટ મકાન. ઘણીવાર તો ઉપયોગકર્તાની જાણ બહાર તેની માટે ઇચ્છનીય વ્યવસ્થા પણ આ મકાન ઊભું કરી દે. એમ પણ કહી શકાય કે ઉપયોગકર્તા માટે શું ઈચ્છનીય છે તેનો નિર્ણય પણ મકાન કરે.

સ્માર્ટ મકાનની સંરચના નિર્ધારિત બે રીતના થઈ શકે. એક, ઉપયોગકર્તાની જરૂરિયાતોને વ્યવસ્થિત સમજી તે પ્રકારની માહિતી પહેલેથી જ નિર્ધારિત કરી તે પ્રમાણેના ઉપકરણો પ્રયોજવામાં આવે. બીજી રીતમાં સંપૂર્ણતામાં જે યોગ્ય છે તે પ્રમાણે ઉપકરણોને તૈયાર કરવામાં આવે. શક્ય છે કે પહેલા વિકલ્પમાં ઉપયોગકર્તા યોગ્ય નિર્ણય ન પણ લઈ શકે, તેવી પરિસ્થિતિમાં સૈદ્ધાંતિક રીતે જે તે બાબત નક્કી કરી તે પ્રકારના નિયમ અનુસાર સ્માર્ટ મકાનની રચના કરવામાં આવે. ઉપયોગકર્તાની પરિપક્વતા કે માનસિકતા યોગ્ય સ્થિતિમાં ન હોય ત્યારે નિર્ણય ચોક્કસ સિદ્ધાંતો પર છોડવામાં આવે અને જે તે ઉપકરણ તે પ્રમાણે કાર્યરત
થાય.

સ્માર્ટ મકાનના જુદા જુદા પરિમાણોને ચોક્કસ માળખામાં વર્ગીકૃત કરાય છે. સંપર્કતા અને નિયંત્રણ માટેની વ્યવસ્થા, મનોરંજન માટેના ઉપકરણો, ઊર્જાની વપરાશ માટેનું માળખું, સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા, વપરાશમાં અનુકૂળતા અને સરળતા તથા સ્વાસ્થ્યને લગતા નિર્ણયો જેવી બાબતો સ્માર્ટ મકાનની રચનામાં ધ્યાનમાં લેવાય છે.

સંપર્કતા માટે વ્યુહાત્મક સ્થાન પર સરળતાથી પહોંચી શકાય તે રીતે ગોઠવાયેલા ઉપકરણો, તેમનો વિસ્તાર, તેમની સાથે સંકળાયેલ ઊર્જા વ્યવસ્થા તથા કટોકટીના સમયે જરૂરી નિર્ણય ક્ષમતા મહત્વના ગણાય છે. મનોરંજન માટે તો સ્વાભાવિક છે કે ટીવી, સ્પીકર, ઇલેક્ટ્રોનિક રમતના ઉપકરણો, ભાવાત્મક પ્રકાશ વ્યવસ્થા જેવી બાબતોનો સમાવેશ થાય. સ્માર્ટ મકાનમાં ઊર્જાના નિયમન માટે આપમેળે નિયંત્રિત થતું તાપમાન, તે માટે જરૂરી માપન વ્યવસ્થા, જરૂરિયાત પ્રમાણે ચાલુ બંધ થતી કૃત્રિમ પ્રકાશ વ્યવસ્થા, સ્માર્ટ ઉપકરણોથી નિર્ધારિત કરાતું ઇચ્છનીય તાપમાન તથા બહારના વાતાવરણ સાથે તાલમેલ રાખનારી વ્યવસ્થા મુખ્ય બાબતો છે.મકાનની સલામતી માટે વિપરીત સમયે રક્ષણ આપતા બારી બારણાં, આપમેળે બંધ થતા કે ખુલતા તાળાં, નક્કી કરેલ નિયમોને આધીન સૂચના આપતા સેન્સર અને તેની સાથે સંકળાયેલ એલાર્મ સિસ્ટમ, પાણી કે ગેસ કે વીજ પ્રવાહના અવરોધ સામે ચેતવણી, ધુમાડાની માત્રા પ્રમાણે આપમેળે સંચાલિત થતી અગ્નિશામક સંરચના, બહારના તરફ લગાવાયેલ કેમેરા અને તેની સાથે સંકળાયેલ વિડીયોથી વાતચીત કરી શકાય તેવી ગોઠવણી તથા નાના બાળકોની સલામતી માટેની વિશેષ વ્યવસ્થાનો સમાવેશ થાય છે. વપરાશમાં અનુકૂળતા માટે ઓછા પ્રયત્નને અથવા અવાજ માત્રથી ચાલુ બંધ થઈ શકે તેવી સંરચના પ્રયોજાતી હોય છે. ક્યારેક તો જુદા જુદા ઉપકરણો ચોક્કસ મર્યાદામાં આપમેળે ચાલુ બંધ પણ થતા હોય છે.

જીવનશૈલી અને તંદુરસ્તીની બાબત માટે જેટલી વાત કરાય તેટલી ઓછી છે. હવે તો દાંત સાફ કરવાથી માંડીને, દાઢી કરવાથી શરૂ કરીને સ્નાન કરવા અને કસરત કરવા માટેના પણ ઉપકરણો પ્રયોજાય છે. આ બધા જ સ્માર્ટ મકાનમાં પોતપોતાની રીતે ઉપયોગકર્તાનું જીવન સરળ બનાવે છે. સ્માર્ટ મકાનની રચનામાં આ બધી બાબતોની યોગ્ય ગોઠવણી સૌથી અગત્યની ગણાય છે. આ સમૂહ રચનાઓનું માળખું એટલું સરળ નથી હોતું.

વિજ્ઞાનના સીમાડા નથી. ટેકનોલોજી પાસેથી જેટલું માંગીએ તેટલું એ આપવા સમર્થ છે. કાલે એમ પણ બની શકે કે સ્માર્ટ મકાનમાં એવા ઉપકરણો આવે કે જે ખોરાક ચાવીને આપણા મોઢામાં મૂકી દે. એમ પણ બની શકે કે જે તે ઉપકરણ પાણી પીવે અને આપણી તરસ બુઝાય. આપણે બેઠા હોઈએ ને આપણને ઊંઘ લીધાનો આરામ મળી જાય. સ્માર્ટ ઘરમાં બેઠા બેઠા જ આપણે સૂર્ય મંડળના કોઈપણ ગ્રહ ઉપર લટાર મારીને આવ્યાનો અહેસાસ થઈ શકે. આવી ટેકનોલોજી સાથે જો તબીબી જ્ઞાન પણ ઉમેરાય તો શ્ર્વાસ લીધા વગર પણ કદાચ કાલે જીવી શકાશે. ક્ષેત્ર બહુ વિશાળ છે અને સંભાવનાઓ ઘણી છે.

આ બધી સંભાવનાઓનું મૂળ હેતુ માનવીનું જીવન સરળ બનાવવાનો છે. પણ આ સરળતાની સીમા કઈ. જીવન કેટલી હદે સરળ બનવું જોઈએ એ એક વિચારવા જેવી બાબત છે. ખોરાક લેવો કે શ્ર્વાસ લેવું એ શું તકલીફજનક પરિસ્થિતિ છે. શરીરનો મુખ્ય ધર્મ શરીરને સાચવવાનો છે – શરીરને ટકાવી રાખવાનો છે – શરીરની જરૂરિયાતો પૂરી પાડવાનો છે. જો આ કામ કોઈ ઉપકરણને સોંપી દેવામાં આવે તો શરીરના અસ્તિત્વનો અર્થ શો. લાંબે ગાળે કઈ અને કેટલી માત્રામાં સરળતા ઈચ્છનીય છે તે સમજવાની જરૂર છે. શરીરને કાર્યરત રાખવું એટલું જ જરૂરી છે જેટલું જરૂરી અમુક બાબતમાં સરળતા ઊભી
કરવી છે.

અંતે તો માનવી સુખી થવા જ પ્રયત્ન કરે છે. પ્રશ્ર્ન એ છે કે જીવન સરળ બનવાથી માનવી સુખી થશે કે નહીં. શું સુખ અને સગવડ એકબીજાના પર્યાય છે. શું સુખ એ શારીરિક સ્થિતિનું પરિણામ છે કે માનસિક ભાવનાથી નિર્ધારિત થતી ઘટના છે. સ્થાપત્ય કે મકાન રચનાનો મુખ્ય ધ્યેય શો.

એક રીતે જોતાં જણાશે કે મકાન અને માનવી વચ્ચેનું સમીકરણ માનવી તેમજ સમાજના ઘડતરમાં બહુ અગત્યનું છે. માનવી મકાનને ઘડે છે તો સમય જતા તે મકાન માનવીને ઘડે છે.

અહીં વિચારવા જેવી બાબત એ છે કે સ્માર્ટ મકાન કાલના માનવીનું કઈ રીતે ઘડતર કરશે અને કાલનો સમાજ કયો આકાર ધારણ કરશે. દરેક પરિસ્થિતિના ફાયદા અને ગેરફાયદા હોય છે. સ્માર્ટ મકાનના ગેરફાયદા વિશે અત્યારથી જ સભાનતા કેળવી તે દિશામાં જાગૃતિ લાવવી જરૂરી છે. એ સમજવું જરૂરી છે કે કઈ પરિસ્થિતિ જેમની તેમ કેટલી માત્રામાં સ્વીકારવી જોઈએ અને ક્યાં ક્યાં તેમાં બદલાવ લાવવો જરૂરી છે. એ પણ જાણવું જરૂરી છે કે અંતે આપણે ક્યાં જઈ રહ્યા છીએ – આ બધા પાછળનો લાંબા ગાળાનો હેતુ શું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button