ઊંઘ એટલે દરેક જીવનો ચાર્જિંગ ટાઈમ…
નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી
કવિ ગોપાલ શાસ્ત્રીના એક મુક્તકની અંતિમ પંક્તિઓ બહુ મજાની છે…
લાવ, ચાદર ઓઢીએ આ રાતના અંધારની,
સ્વપ્નના સૂરજથી મારી ઊંઘ અજવાળું જરા.
વૈજ્ઞાનિક પરિભાષા અને વ્યાખ્યા અનુસાર દિવસ દરમિયાન માનવ સહિતના પૃથ્વી પર વિચરતા જીવોએ જે ઊર્જાનું દહન કર્યું હોય તેની ખોટ પૂરી કરવા માટે સૌ પ્રથમ આહાર આવે. ખોરાક લેવાથી શરીરને દૈનિક જીવનની ક્રિયા-પ્રક્રિયાઓ માટે જરૂરી ઊર્જા મળી
જાય છે, પરંતુ આ ઊર્જાનો વપરાશ થવાથી શરીરના સેલ્સ એટલે કે કોષોને જે થાકોડો લાગ્યો હોય તે થાક ઉતારીને તેને પુન:સંચારિત કરવા માટે સૌથી મહત્ત્વનું જો કઇ હોય તો તે ઊંઘ છે.
આ પૃથ્વી પરના તમામ જીવે પોતપોતાનાં સ્વભાવ અનુસાર દિનચર્યાનો થાક ઉતારવા માટે ઊંઘ કરવી જ પડે છે. બે પ્રકારના જીવ પૃથ્વી પર વસે છે નિશાચર અને દિવાચર. સૌ જાણે છે કે જે જીવ રાત્રિ દરમિયાન અંધારામાં ભોજન ઇત્યાદિ માટે વિચરણ કરે છે એ ‘નિશાચર’ અને દિવસ દરમિયાન સૂર્યના અજવાસમાં વિચરણ કરતાં હોય તે સર્વે જીવને ‘દિવાચર’ કહે છે.
આ બંને પ્રકારના જીવની ઊંઘની ઘડિયાળ એકબીજાથી વિરુદ્ધ હોય છે મતલબ કે દિવાચર પ્રાણીઓ રાત્રે ઊંઘે અને નિશાચર પ્રાણીઓ દિવસ દરમિયાન ઊંઘ કરીને તાજામાજા થતાં હોય છે.
આ પૃથ્વી પર સ્તનધારી પ્રાણીઓનો એક ઓનોખો સમુદાય છે, જેણે વસવાટ માટે જમીનને બદલે દરિયાનાં પાણી પસંદ
કર્યા છે. હકીકતે આપણે જેમને માછલી
સમજી છીએ તે વ્હેલ, ડોલ્ફિન અને સીલની તમામ પ્રજાતિઓ હકીકતે તો સ્તનધારી
પ્રાણી છે.
આ પ્રાણીની માદા આજે પણ પોતાના બચ્ચાંને સ્તનપાન કરાવીને મોટા કરે છે. દુનિયાનો એક પણ સમુદ્ર એવો નથી જ્યાં આ જીવો ન વસતા હોય. હવે વાત આવે છે આ લેખની શરૂઆતના વિષય ઊંઘ એટલે કે નીંદર માને નિદ્રાદેવીના આગોશમાં જઈને શરીરને તાજુમાજુ કરવાની.
દરિયામાં જીવતી કરોડો પ્રકારની માછલી હોય કે પછી વ્હેલ અથવા ડોલ્ફિનની હોય, તેમને પણ નિદ્રાદેવીના આશીર્વાદ તો લેવા જ પડતાં હશે ને? કારણ કે પૃથ્વી પરના જીવો પાસે તો પગ વાળીને બેસીને અથવા તો ડીલ લંબાવીને સૂઈ જવાની સુવિધા છે, પરંતુ વૈજ્ઞાનિકોના કહેવા અનુસાર દરિયાઈ જીવો અને ખાસ કરીને માછલીઓને તો આ સુખ પ્રાપ્ત નથી, પરંતુ એ જ વૈજ્ઞાનિકો કહે છે કે માછલીઓ જો તરવાનું બંધ કરે તો ચૂઈમાંથી જે ઑક્સીજન મળે તે બંધ થઈ જાય એટલે માછલીઓ દરિયાને તળિયે બેસીને નહીં
પરંતુ સમુદ્રી હળવા પ્રવાહોની સામે એકદમ હળવે હળવે તરીને ઑક્સીજન પણ મેળવતી રહે અને આરામ કરીને શરીરના કોષોને
રિચાર્જ પણ કરી લેતી હોય છે. તો બીડુ,
પ્રશ્ર્ન એ છે કે દરિયામાં રહેતા સ્તનધારીઓ પોતાનો ઊંઘનો ક્વોટા કેવી રીતે પૂરો કરતાં હશે?
ચાલો, આજે એ મુદ્દાના થોડા વૈજ્ઞાનિકોએ કરેલા અવલોકનો અને તારણો જાણીએ. દરિયાઈ સસ્તન પ્રાણીઓ જમીન પરના સસ્તન પ્રાણીઓની માફક પગ વાળીને અથવા તો આડા પડી જઈને ઊંઘી શકતા નથી, કારણ કે દરિયાના પાણીમાં વસતા આ જીવોને શ્ર્વાસ લેવા તો ચોક્કસ સમયે પાણીની સપાટી પર આવવું જ પડતું હોય છે. આનાથી વિપરીત દરિયાની સપાટી પર તરતા રહીને તેઓ ઊંઘી જઈ શકે નહીં, કારણ કે જો એમ કરે તો શિકારીઓનો ખતરો રહેલો હોય છે. તેથી વ્હેલ, ડોલ્ફિન જેવા સમુદ્રી સસ્તન પ્રાણીઓએ એક અનોખી તરકીબો શોધી કાઢી છે. ગુજરાતી કહેવત છે કે ‘ઊંટે કાઢ્યા ઢેકા, તો માણસે બનાવ્યા કાઠાં.’ મતલબ સમસ્યાના ઉપાય શોધી કાઢવાની પ્રાણીઓની કુદરતી શક્તિ જ તેમને વિષમ સ્થિતિઓમાં ટકી રહેવાની ક્ષમતા બક્ષતી
હોય છે.
આ દરિયાઈ જીવોએ ઊંઘ થકી શરીરને રિચાર્જ કરવા માટે શોધી કાઢેલા એક કરતાં થોડા વધુ ઉપાયો વિષે થોડું જાણીએ.
ઊંઘ વગર ચાલે પણ નહીં, પણ ઊંઘી જાય તો સામે શિકાર બનીને અથવા ડૂબી જઈને મૃત્યુ પામવાનો ખતરો પણ છે, તો અબ કરે તો કરે ક્યા?
વ્હેલ અને ડોલ્ફિનોએ આવી સ્થિતિમાં શોધી કાઢેલા ઉપાયને વૈજ્ઞાનિકો ‘યુનિહેમીસ્ફિયરિક સ્લીપ’ નામ આપ્યું છે. આ ઊંઘ વિશ યુ.કે.ની યુનિવર્સિટી ઓફ એન્ડ્ર્યુઝ; ના સંશોધનમાં કહેવાયું છે કે ‘ડોલ્ફિન’ ઊંઘ અથવા આરામ કરવાની સ્થિતિ અથવા સમય થઈ જાય ત્યારે પોતાના શરીરનું હલનચલન ઘટાડી દઈને મગજનો એક ભાગ ઊંઘી જાય અને બીજો ભાગ અર્ધજાગૃત રાખે છે, જેથી કરીને મગજનો જાગૃત ભાગ આસપાસના ખતરાઓ પ્રત્યે સભાન રહે. આમ અરધું મગજ ફટાફટ ઊંઘ એટલે કે પાવર નેપ લે અને બાકીનો ભાગ ખતરાનું તથા શ્ર્વાસ લેવા માટે સપાટી પર જવાનું છે તે યાદ રાખે છે! છે ને અજીબોગરીબ ઘટના? આ સ્થિતિમાં ડોલ્ફિનની એક આંખ બંધ હોય છે અને બીજી આંખ ખુલ્લી હોય છે.
હવે બીજો નમૂનો જોઈએ સ્પર્મ વ્હેલનો. સ્પર્મ વ્હેલ યુનિહેમીસ્ફિયરિક સ્લીપ નથી કરતી, પરંતુ બાઈહેમીસ્ફિયરિક સ્લીપ એટલે કે આખું મગજ જ સૂઈ જાય તે રીતે પરંતુ ટૂંકા સમય માટે ઊંઘે છે.
સ્પર્મ વ્હેલનો આ પાવર નેપનો તરીકો સાવ અનોખો છે. નિની કરવાનો સમય થાય કે જરૂર લાગે ત્યારે સ્પર્મ વ્હેલ ફેફસામાં હવા ભરી લઈને ચોક્કસ ઊંડાઈ સુધી ડૂબકી લગાવીને પછી પોતાનું મોં સપાટી તરફ કરીને ઊંડાઈમાં માથું સપાટી તરફ કરીને પાણીમાં ઊભી હોય તે રીતે સ્થિર થઈ જાય છે અને શરીરનું હલનચલન નહિવત કરી દે છે.
આ સમયે ટૂંકા સમય માટે તેમનું મગજ જોરદાર ઊંઘ ખેંચી લે છે. હવે પાણીમાં ચોક્કસ ઊંડાઈ પર સ્થિર ટકી રહેવા માટે તેના શરીરમાં રહેલા તેલના પાઉચથી તે પોતાની બોયન્સી જાળવી રાખે છે એવું વૈજ્ઞાનિકો માને છે. આવી રીતે ઊંઘ કરીને દર વીસ મિનિટે એ સપાટી પર આવીને શ્ર્વાસ લઈને ફરી ડૂબકી મારી ફરી ઊંઘી જાય છે અને આમ એ લગભગ સાડા ત્રણ કલાક જેટલી ઊંઘ ખેંચી કાઢે છે.
છેલ્લો નમૂનો છે નોર્ધર્ન એલિફન્ટ સીલ નામનું પ્રાણી. આ સીલ પણ ઊંઘ બાબતે સ્પર્મ વ્હેલની ટેકનિક જ વાપરે છે, પરંતુ તફાવત એ છે કે એ લગભગ એક હજાર ફિટની ઊંડાઈ પર ડૂબકી મારે છે અને આ ઊંડાઈ પર તેમનું મગજ તંદ્રામાં આવી જાય છે અને આ ઊંડાઈ પર જ તે યંત્રવત્ ગોળગોળ તર્યા કરે છે, પરંતુ તેનું આખું મગજ ઑક્સીજન ચાલે ત્યાં સુધી ઊંઘ ખેંચી લે છે.
તો ચાલો… આ લેખ થયો પૂરો અને હવે મારું દિમાગ ચકરાવે ચડ્યું છે કે મારે હવે કયા પ્રકારની ઊંઘ કરવી.. યુનિહેમીસ્ફિયરિક કે પછી બાઈહેમીસ્ફિયરિક?!