વીક એન્ડ

સિંગાપોર – પરંપરા ને આધુનિકતાનો સમન્વય


સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા

સિંગાપોરના 55 બ્લેર રોડ પર આવેલું, સન 2009માં સ્થપતિઓની સંસ્થા ઓ.એન.જી. એન્ડ ઓ.એન.જી. દ્વારા રચિત આ આવાસમાં પ્રત્યેક મર્યાદાને એક તકમાં તબદીલ કરાઈ છે. અહીં પરંપરાને સાચવવાની હતી અને સાથે સાથે આધુનિક જીવનશૈલી પ્રમાણે આયોજન પણ કરવાનું હતું. અહીં જે તે વિસ્તારના સ્થાપત્યકીય ઇતિહાસની છબી જાળવી રાખવાની હતી તો સાથે સાથે સાંપ્રત સમયના આવાસ માટેના સપનાં પણ પૂરાં કરવાના હતાં. આ આવાસ વિરોધાભાસી જણાતી બાબતોના સંતુલિત સમન્વય સમાન છે, અને તે પણ પૂર્ણ કલાત્મકતા, સર્જનાત્મકતા અને સંવેદનશીલતા સહિત.

આ આવાસ બે સમાંતર દીવાલો વચ્ચે ગોઠવાયું છે જેમાં મધ્યમાં આવેલા પાણીના હોજથી તેના બે ભાગ પડે છે. આગળના મુખ્ય ભાગમાં ભોંયતળિયે દીવાનખંડ, પ્રવેશ, ઓટલો તથા અંતરાલ છે. આ બધા વચ્ચે એક ગોળાકાર નિસરણી ગોઠવી દેવાઈ છે. અહીં ઉપરના માળે મુખ્ય શયનકક્ષ તથા તેની સાથે જોડાયેલ વ્યક્તિગત પુસ્તકાલય છે. સાથે નીચેના હોજ તરફ ઝૂલતું ટોઇલેટ પણ ખરું જ. આ વિભાગમાં બીજા માળે વધુ એક શયન કક્ષ છે. પાણીના હોજ પછીના વિસ્તારમાં ભોંયતળિયે ભોજનકક્ષ તથા રસોઈઘર છે. તે ભાગમાં ઉપર જવા માટે અલાયદી ગોળાકાર નિસરણી છે જેનાથી ઉપરના માળે આવેલ નાના શયનકક્ષમાં જવાય જેની સાથે એક સંલગ્ન ટોઇલેટ પણ છે. આ ભાગની ઉપર અગાસી આવેલી છે જેની પોતાની મજા છે. આ બધા જ વિસ્તાર પાણીના હોજની આજુબાજુ એ રીતે ગોઠવાયા છે કે જેનાથી હોજનું મહત્ત્વ વધી પણ જાય અને સમજાય પણ ખરું.

આમ તો આ આવાસ અમદાવાદના પરંપરાગત પોળના આવાસ જેવું છે. પોળમાં પણ ઓટલા પછી અંતરાળ અને ત્યારબાદ બેઠક આવે. પછી ચોક અને તેની પાછળના ભાગમાં રસોડું. બાજુમાં રહેલી નિસરણીથી ઉપરના માળે જવાય જ્યાં શયનકક્ષ હોય. પોળના પરંપરાગત આવાસમાં પણ હવા-ઉજાસ માટે વચ્ચેના ચોકનું મહત્ત્વ હોય છે. પોળના આવાસમાં પહોળાઈ અને તેની ઊંડાઈ વચ્ચેનો ગુણોત્તર 1 : 4 જેટલો હોય છે. પોળના આવાસ પણ બે સમાંતર દીવાલોની વચ્ચે ગોઠવાય છે અને આવાસના વિસ્તારની અંદર જ જાણે કે કુટુંબનું વિશ્વ સમાઈ જતું હોય તેમ જણાતું હોય છે. હવે આ પ્રકારનું બાંધકામ થતું નથી. કારણો ભિન્ન ભિન્ન છે. એક અગત્યનું કારણ એ છે કે હવે જીવનશૈલી બદલાઈ ગઈ છે. પરંતુ સિંગાપુરનું આ આવાસ બદલાયેલી આધુનિક જીવનશૈલી માટે પણ તેટલું જ યથાર્થ છે.

આ આવાસમાં તે વિસ્તારના પરંપરાગત આવાસના લગભગ બધા જ સિદ્ધાંતોનો સમાવેશ થતો જોવા મળે છે. અહીં બહારનું ફસાડ જેમનું તેમ રાખવામાં આવ્યું છે જેથી બહારથી શેરીની સાતત્યતા જળવાઈ રહે. અહીં ફસાડના વિવિધ અંગોની ગોઠવણ, તેમના સફેદ રંગ તથા વિગતિકરણથી સૌમ્યતા ઊભરે છે. બહારથી આ આવાસ એકદમ શાંત, સ્પષ્ટ તેમજ પરંપરાને અનુરૂપ જણાય છે. `પ્રવેશ’ની અંદર પહોંચતા જ અનુભૂતિ સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે. અહીં સામગ્રી નવી છે, ઉપકરણો નવા છે, સ્થાન આયોજન આધુનિક જીવનશૈલી મુજબનું છે, ગોપનીયતાના ધોરણ પણ આધુનિકતા મુજબના છે અને તે બધા સાથે એક પ્રકારની સુસંગતતા જોવા મળે છે. આ બધા સાથે મજા એ છે કે સમગ્ર આવાસમાં કૃત્રિમ પ્રકાશની માત્રા તથા તેના રંગનું નિયમન, એક વ્યક્તિગત કમ્પ્યુટર દ્વારા થઈ શકે છે – જે મનોસ્થિતિ અને ઈચ્છા પ્રમાણે બદલાવી શકે.

કુદરતના મહત્ત્વના અંગ પાણીનો અહીં રચનાત્મક અને અસરકારક ઉપયોગ અહીં જોવા મળે છે. તેની સાથે વચમાં એક વૃક્ષ રખાયું છે જેનાથી આવાસનો આવાસની આંતરિક અનુભૂતિ જુદી જ કક્ષાની થાય છે. પાણીના હોજ ઉપર અલાયદા પથ્થરના ટુકડામાંથી બનાવવામાં આવેલ સેતુ નાટકીયતા સ્થાપે છે. આવાસના પ્રત્યેક ભાગમાંથી આ હોજ, આ સેતુ અને અહીં આવેલ વૃક્ષ નજરે ચડે છે. મધ્યમાં રચાયેલા કેન્દ્રથી જાણે જીવંતતાનો ધબકાર ઝીલાય છે અને ગૌરવની અનુભૂતિ થાય છે. આ બધાં થકી આવાસની અનુભૂતિ વિશેષ હોવા સાથે આધુનિક પણ છે. અહીં પાણીની, વૃક્ષની, રંગની, સપાટીની, વિગતિકરણની અને પ્રમાણમાપની મજા છે.

આ રચના પાછળનો મૂળ વિચાર એકદમ સરળ છે. બે બંધિયાર દીવાલ વચ્ચે અર્થ પૂર્ણ ખુલ્લી જગ્યા પ્રયોજી તેને યથાર્થ મહત્ત્વ આપવું, તેની આસપાસ નીચેના માળે કૌટુંબિક સ્થાનોની ગોઠવણ કરવી, અને તેને જ કેન્દ્રમાં રાખી ઉપરના માળે વ્યક્તિગત સ્થાન ગોઠવવા. આટલી સરળતાથી મૂળભૂત નિર્ણયો લેવાઈ ગયાં પછી જે વિગતિકરણ કરવામાં આવ્યું છે તેનાથી આવાસની અનુભૂતિ સમૃદ્ધ બને છે. બંધીયાર કહી શકાય તેવી જગ્યા માટે જે સ્તરની સર્જનાત્મકતા અહીં નિષ્ઠાપૂર્વક પ્રયોજાઈ છે, ન્યૂનતમ વાદને સમર્થન આપતી હોય તેવી આ રચનામાં જે પ્રમાણે ભવ્યતા સ્થાપિત કરવામાં આવે છે, જૂના વિશ્વાસ સાથે નવા પ્રયાસોનું જે રીતના સંકલન કરવામાં આવ્યું છે, આંતરભિમુખ રચનામાં પણ અનુભૂતિમાં જે રીતે મોકળાશ-યુક્ત સમૃદ્ધિ સ્થાપવામાં આવી છે, પાણી તથા વૃક્ષનો જે અસરકારક ઉપયોગ થયો છે, વધુ પડતું લાંબું જણાતાં આ આવાસમાં જે રીતે વિભાગીકરણ થયું છે, તે બધાંને કારણે આ આવાસ સ્થાપત્યના ક્ષેત્રમાં ઉલ્લેખનીય બન્યું છે અને તેને જે તે વર્ષના શ્રેષ્ઠ આવાસનો પુરસ્કાર પણ મળેલો છે.

આમ તો તે પરંપરાગત આવાસની મરામત જેવું છે છતાં પણ તે જાણે સંપૂર્ણ નવીન છે. સિંગાપોરના પરંપરાગત વિસ્તારમાં સાંકડા તથા વધારે ઊંડાઈવાળા આ ઘરના આયોજનમાં મર્યાદાઓ વધારે હોવા છતાં પણ એમ લાગે છે કે આવી મર્યાદાઓને હકારાત્મકતાથી લઈ સ્થાપત્યકીય સમૃદ્ધિ સ્થાપવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button