વીક એન્ડ

રાષ્ટ્રપ્રમુખ પર ગોળી વરસાવનારને ‘નિર્દોષ’ છોડાય?

અમેરિકી રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગનની હત્યાનો પ્રયાસ કરનારને નિર્દોષ જાહેર કરાયો, કેમકે…

રોનાલ્ડ રેગન પર હુમલો.., ફિલ્મ ‘ટેક્સી ડ્રાઈવર ’, આરોપી જ્હોન હિકલી

ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક

અઠવાડિયા પહેલા અમેરિકાની રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણીના ઉમેદવાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો થયો. ટ્રમ્પ તો બચી ગયા, પણ સિક્યોરિટી એજન્ટ્સે હુમલાખોરને ઠાર માર્યો. જસ્ટ વિચાર કરો, કે એ જીવતો પકડાયો હોત, તો એનું શું થાત?

૩૦ માર્ચ , ૧૯૮૧ :

અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ રોનાલ્ડ રેગન (સાચો ઉચ્ચાર) વોશિંગ્ટનની હિલ્ટન હોટેલમાં યોજાયેલ એક પ્રવચનમાંથી પાછા ફરીને પોતાની લિમોઝીન કાર તરફ આગળ વધી રહ્યા હતા. અચાનક ધાંય… ધાંય કરતા ગોળીબાર શરૂ થયા. એક પછી એક છ ગોળી છૂટી. સિક્યોરિટી એજન્ટ્સે પોતાના જીવને જોખમે ભરપૂર પ્રયત્નો કર્યા, તેમ છતાં રિવોલ્વરમાંથી છૂટેલી છઠ્ઠી ગોળી સનન કરતી પ્રેસિડન્ટના કાયાને વીંધી ગઈ. રેગન સાથેના એમના સિનિયર સ્ટાફના ત્રણેક પણ ગંભીર રીતે ઘવાયા. જો કે, સહુનું ધ્યાન સ્વાભાવિકપણે પ્રમુખ રેગનને બચાવવા પર હતું. રેગનને વાગેલી ગોળી કરોડરજ્જુનું હાડકું વીંધીને આરપાર ઘૂસી ગઈ, અને સીધી ફેફસામાં પેસી ગઈ.. ફેફસામાં કાણું પડી ગયું અને ગંભીર પ્રમાણમાં ઇન્ટરનલ બ્લિડિંગ શરૂ થઇ ગયું. પ્રમુખને મારતી ગાડીએ હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. ફરજ પરના ડોક્ટર્સે જોયું કે પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા ઇઝ ઓલમોસ્ટ ડેડ! છતાં ટ્રીટમેન્ટ શરૂ થઇ. ગોળી પ્રમુખના હૃદયથી માત્ર અઢી સેન્ટિમીટર દૂર અટવાઈ ગયેલી. ચમત્કારિક રીતે રોનાલ્ડ રેગન બચી ગયા. એક મહિનો અને અગિયાર દિવસ લાંબો હૉસ્પિટલવાસ વેઠીને ૧૧ એપ્રિલે રેગન હૉસ્પિટલમાંથી બહાર આવ્યા રેગન નસીબદાર હતા, જે આવી પ્રાણઘાતક ઇન્જરી પછી બચી ગયા.

હવે પ્રશ્ર્ન એ છે કે અમેરિકા જેવા સુપર પાવર દેશના પ્રમુખ ઉપર જીવલેણ હુમલો થાય, અને ખુદ પ્રમુખ, એમના પ્રેસ સેક્રેટરી સહિત ઓફિસર્સ ગંભીર ઇજા પામે… તો અમેરિકી તંત્ર પેલા હુમલાખોર શખ્સની શી વલે કરે? મોટે ભાગે તો ડોનાલ્ડ ટ્રમ્પના કેસમાં બન્યું એમ સુરક્ષા એજન્ટ્સ દ્વારા હુમલાખોરને તાત્કાલિક ઠાર કરવામાં આવે. જો કે, પણ રેગનના કેસમાં સાવ ઊલટું બન્યું. હુમલાખોરને પકડી તો લેવાયો, પરંતુ સજા આપવાને બદલે એને ટ્રીટમેન્ટ માટે હૉસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો અને વર્ષો સુધી ત્યાં જ રાખવામાં આવ્યો. ઠેઠ ૨૦૧૪માં રેગનની સાથે ઘવાયેલા એક વરિષ્ઠ અધિકારીનું મૃત્યુ થયું પછી એને હત્યા તરીકે ઓળખાવ્યું, એ પછી પણ ફેડરલ પ્રોસિકયુશને પેલા હુમલાખોરને ‘હત્યારો’ માનવાનો ઇનકાર કર્યો, ઊલટાનું સપ્ટેમ્બર ૨૦૧૬માં એને હૉસ્પિટલમાંથી પણ રજા આપી દેવામાં આવી પણ શા માટે ?. જે વ્યક્તિએ ખુલ્લેઆમ છ-છ ગોળી છોડીને અમેરિકાના રાષ્ટ્રપતિની હત્યા કરવાની કોશિશ કરી, જેની ગોળીથી અનેક ઓફિસર્સ ઘાયલ થયા ને એકનું મૃત્યુ નોંધાયું હોય અને આ આખા ઘટનાક્રમ પછી જે રંગેહાથ ઝડપાઈ ગયો હોય, એને કઈ રીતે નિર્દોષ છોડી મુકાયો? આખો કેસ ઇન્ટરેસ્ટિંગ છે.

ફ્લેશ બેક ટુ ૧૯૭૬. હોલીવૂડની એક ફિલ્મે ધૂમ મચાવી ગઈ. એનું નામ હતું ‘ટેક્સી ડ્રાઈવર’, જેમાં ડેશિંગ હીરો તરીકે હતો ખમતીધર અદાકાર રોબર્ટ ડી’નીરો. ફિલ્મનો પ્લોટ એવો હતો કે… ખેર, છોડો.

ફિલ્મના પ્લોટ સાથે આ લેખને ખાસ કશી લેવાદેવા નથી, પણ એના કેરેક્ટર્સ સાથે છે. રોબર્ટ ડી’નીરોએ આ ફિલ્મમાં કેટલીક માનસિક સમસ્યાઓ ધરાવતા ટેક્સી ડ્રાઈવર ટ્રેવિસનો રોલ કરેલો. સાથે જ ફિલ્મમાં એક આઈરિસ બાળ વેશ્યાનું કેરેક્ટર પણ હતું. આઈરિસનો રોલ જ્યુડી ફોસ્ટર નામની ખૂબસૂરત અભિનેત્રીએ નિભાવેલો. જો કે આ ફિલ્મ બની ત્યારે એ માત્ર ૧૨ વર્ષની જ હતી અને એનો રોલ પણ એવો જ હતો. ફિલ્મમાં ટ્રેવિસ અને આઇરિસ વચ્ચે એક ખાસ સંબંધ છે,

અને ટ્રેવિસ પોતાની રિવોલ્વરમાંથી ગોળીઓ છોડીને કેટલાક ગુંડાઓને મારી નાખે છે. આ હત્યાઓને પગલે આઇરિસ વેશ્યાવ્યવસાયના નર્કમાંથી છૂટીને સ્કૂલ ગર્લ તરીકેના નોર્મલ જીવનમાં પાછી ફરી શકે છે. ફિલ્મમાં બે વાત મહત્ત્વની છે.

એક તો પ્રેસિડેન્ટ ઇલેક્શનમાં ઊભેલા પેલેન્ટાઇન નામક વ્યક્તિની હત્યા માટે ટ્રેવિસ રિવોલ્વર લઈને રેલીમાં પહોંચી જાય છે એ, અને બીજી મહત્ત્વની ઘટના એટલે આઇરિસના જીવન પર ટ્રેવિસનો પ્રભાવ. હવે આપણે મૂળ વાત -ઘટના પર આવીએ થયું એવું કે ‘ટેક્સી ડ્રાઈવર’ રજૂ થઇ, જેને દર્શકો અને સમીક્ષકોએ સાથે જ વખાણી. એ વખતે જ્હોન હિકલી જુનિયર નામના એક શખ્સે પણ આ ફિલ્મ જોઈ. અને એ પછી તો ફિલ્મનો જાદુ એના પર એવો ચાલ્યો, કે હિકલી રોબર્ટ ડી’નીરોએ ભજવેલા ટેક્સી ડ્રાઈવરના પાત્ર જેવી વેશભૂષા પહેરીને ફરવા માંડ્યો. અહીં સુધી બધું ઠીકઠાક હતું. તકલીફ ‘આઇરિસ’ના મામલે થઇ! ટ્રેવિસના ગેટ અપમાં ફરતા રહેતા હિકલીને બાળ વેશ્યાનો રોલ કરનાર આઇરિસનું ય ઘેલું લાગ્યું, અને એ હદે લાગ્યું કે આ રોલ કરનાર જયુડી ફોસ્ટરને એ ચાહવા માંડ્યો! ટીનએજમાં ફિલ્મોનું અને કેરેક્ટર્સનું આવું વળગણ બહુ સ્વાભાવિક ગણાય, પણ હિક્લીને યુવાનીમાં ય આ ગાંડપણ વળગેલું જ રહ્યું. હિકલી પોતે શ્રીમંત પરિવારનો નબીરો હતો. ફિલ્મ રિલીઝ થયાનાં થોડા વર્ષો પછી એને ખબર પડી કે યુવાનીના ઉંબરે પગ મૂકી ચૂકેલી જ્યુડી ફોસ્ટરે પ્રખ્યાત ‘યેલ યુનિવર્સિટી’માં એડમિશન લીધું છે એટલે હિકલી પણ કોર્સ કરવાને બહાને ઘરેથી ૩,૬૦૦ ડોલર્સ લઈને યુનિવર્સિટીમાં એડમિશન લેવા કનેકટીકટ આવી પહોંચ્યા. એડમિશન તો ન લીધું, પણ અહીં રહેવાનું શરૂ કર્યું. જ્યુડીને વારંવાર પત્રો, કવિતાઓ લખીને મોક્લવા માંડ્યા. એ બધાનું કોઈ પરિણામ ન આવ્યું એટલે ભાઈને જરા મોટી ‘હીરોગીરી’ કરવાની ચાનક ચડી. જો જયુડી જેવી ખૂબસૂરત યુવતીનું ધ્યાન ખેંચવું હોય, તો ‘કુછ બડા કરના ઝરૂરી થા’! વિમાન હાઈજેકિંગથી માંડીને જયુડીની નજર સામે આત્મહત્યા કરવા સુધીના અનેક ‘ઉપાય’ વિચારી લીધા, પણ કશામાં મન બેઠું નહિ. અહીં ફરી ‘ટેક્સી ડ્રાઈવર’ ફિલ્મ યાદ આવી. એમાં હીરો ટ્રેવિસ પ્રેસિડેન્ટ ઇલેક્શનમાં ઊભેલા વ્યક્તિની હત્યા કરવાનો પ્લાન બનાવે છે. હિકલીને મનમાં ગડ બેસી ગઈ. ફિલ્મમાં આઇરિસ જે રીતે ટ્રેવિસના પ્રભાવમાં હતી, એવી રીતે પોતે પણ પ્રેસિડેન્ટની હત્યા કરીને જયુડી ફોસ્ટર પર પ્રભાવ પાડી શકે!

હિકલી આટલું વિચારીને અટક્યો નહિ, બલકે તત્કાલીન અમેરિકી પ્રેસિડેન્ટ જીમી કાર્ટરને મારવા માટે રીતસરનું પ્લાનિંગ ચાલુ કરી દીધું. ત્રણ હેન્ડ ગન ખરીદી. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડીની હત્યા કઈ રીતે થયેલી એ વિષે બને એટલી જાણકારી મેળવી. જીમી કાર્ટરની પાછળ પાછળ અમેરિકાના કેટલાક રાજ્યોનો પ્રવાસ કરી નાખ્યો. જ્યાં મોકો મળે ત્યાં કાર્ટરને ઠોકી પાડવો એવી હિકલીની નેમ. એક વાર તો પોલીસને શંકા ગઈ અને વિમાનમાં ચડતા પહેલા જ હિક્લીને દબોચી લેવાયો. હેન્ડ ગન હોવાને કારણે કોર્ટે દંડ ફટકાર્યો. અમેરિકામાં ગન કલ્ચર સામાન્ય છે હિકલીએ બીજો કોઈ ગુનો નહોતો કર્યો એટલે છોડી મૂકવામાં આવ્યો. એ વખતે પોલીસ કે કોર્ટને અંદાજો નહોતો, કે આ માણસ અમથો હેન્ડ ગન લઈને નથી ફરતો, બલકે પ્રેસિડેન્ટને ઉડાવવાનો મનસૂબો એના મનમાં લઈને ફરે છે.!

જો કે, થયું એવું કે હિકલી પોતાનો મનસૂબો પાર પાડે એ પહેલા જ જીમી કાર્ટરની ટર્મ પૂરી થઇ અને નવા પ્રેસિડેન્ટ તરીકે એક સમયના હોલિવૂડના ખ્યાતનામ અભિનેતા રોનાલ્ડ રેગન ચૂંટાઈ આવ્યા. થોડા જ સમય બાદ, આ જ હિક્લીએ રેગન પર જીવલેણ હુમલો કર્યો.

હવે પ્રશ્ર્ન તો થાય જ, કે પ્રમુખ પર હુમલો કરનારને કોર્ટે કેમ છોડી મૂક્યો? બીજો પ્રશ્ર્ન એ પણ થાય, કે શું એક છોકરીને ઈમ્પ્રેસ કરવા માટે કોઈ યુવાન આટલી હદે પાગલ હોઈ શકે કે દેશના રાષ્ટ્રપતિની હત્યા કરવા સુધી જાય? હકીકતમાં પહેલા પ્રશ્ર્નનો ઉત્તર બીજા પ્રશ્ર્નમાં છૂપાયેલો છે.

તબીબી વિશેષજ્ઞોના કહેવા મુજબ હિકલી ‘ઈરોટોમેનિયા’ (Erotomania) નામક માનસિક બીમારીનો શિકાર થઇ ગયેલો. સાવ સાદી ભાષામાં આપણે એને એકતરફી પ્રેમમાં ‘પાગલ’ ગણી શકીએ. ‘ડર’ ફિલ્મનો ક..ક…કિરણ વાળો શાહરુખ ખાન યાદ છે ને? આવા અનેક યુવાનો આપણી આસપાસ જોવા મળશે. આ લોકો સતત પોતાના પ્રિય પાત્રની નજરમાં રહેવા અને એને ગમે તે ભોગે ઈમ્પ્રેસ કરવાની કોશિશ કરતા રહે છે, પણ ક્યારેક એકાદની ડાગળી સાવ ચસકી જાય ત્યારે એ આત્મહત્યાથી માંડીને હત્યા સુધીના આત્યંતિક પગલા ભરી બેસે છે. જ્હોન હિકલી આ એકતરફી પ્રેમ વકરીને ‘ઈરોટોમેનિયા’ નામક માનસિક અવસ્થાએ પહોંચી ચૂક્યો હતો. કોર્ટમાં કેસ ચાલ્યો, એ પછી હિક્લીએ પોતાના કૃત્યને ‘the greatest love offering in the history of the world’ ગણાવેલું! એણે જે કંઈ કર્યું, એની પાછળ એનો ઇરાદો ખરેખર પ્રેસિડેન્ટને મારવાનો કે બીજા કોઈને કશું પણ નુકસાન પહોંચાડવાનો હતો જ નહિ. એણે તો બસ, પેલી આઈરિશ ઊર્ફે જયુડી ફોસ્ટરને ઈમ્પ્રેસ કરવી હતી! જયુડીનો પ્રેમ તો એને ન મળ્યો, પણ એની માનસિક અવસ્થાને ધ્યાનમાં રાખીને કોર્ટે દાયકાઓ સુધી હૉસ્પિટલમાં દેખરેખ હેઠળ રાખ્યો.

…અને ૨૦૨૦માં કોર્ટની પરમિશન મેળવીને હિકલી પોતાની યુ-ટ્યુબ -મ્યુઝિક ચેનલ ચલાવી રહ્યો છે. હવે જરા વિચારો, રોનાલ્ડ રેગન જ્યારે પોતે (રાજકારણમાં આવવા પહેલા) એક ફિલ્મી સિતારા હતા, એવા સમયે કોઈ પત્રકારે સમાજ ઉપર ફિલ્મોની અસર વિષે પૂછ્યું હશે, તો રેગને કેવી ડાહી ડાહી વાતો કરી હશે?! આ પણ એક તપાસ-સંશોધનના વિષય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button