જશની માથે જૂતા…
મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી
કોઈ છોકરો છોકરીની છેડતી કરે અને છોકરી સૌથી પહેલો મારો હથિયાર તરીકે ઉપયોગ કરી છોકરાની ધુલાઈ કરે.
બોલો હું કોણ છું?
લેડીશ ચપ્પલ… સહી જવાબ… તમને મળે છે ચપ્પલમાર રક્ષક યંત્ર… તાલીયા…
ચપ્પલ, ચાખડી, પાદુકા, ખાસડા, જોડા, જૂતા,પગરખા…
મીન રાશિ (દ.ચ.ઝ.થ.)માં હું જન્મ્યો ત્યારે માન
મળ્યું. મકર રાશિ (ખ. જ.)માં જન્મ થયો ત્યારે થોડું
અપમાનજનક લાગ્યું ને ક્ધયા રાશિ (પ.ઠ.ણ.)માં મને સારું
સન્માન મળ્યું. મનુષ્ય જાતિની ગમે તેટલી સેવા કરો, પણ જશ
નહીં આપે- જૂતિયા જરૂર આપે. જો પાછું જાતે જ બેઇજ્જતી થઈ ગઈ.
વાચા તો ગમે તેને ફૂટે. બળાપા નીકળે, પણ ફાયદો કંઈ નહીં. હળવા થવાય બીજું તો શું? લોકોના તળિયા સાચવવા માટે અમે જાત ઘસી નાખીએ અને બદલામાં શું મળે? ઉકરડો. ઘણા લોકો અમે જ્યારે નેતાના પગમાં હોઈએ ત્યારે તળિયા કોઈ ચાટવા માટે આવે. અમને એમ થાય કે હવે અમને’ય લાભ મળશે, પરંતુ નેતા તરત જ અમને ત્યજી દે અને પેલાને તળિયા ચાટવા દે. લોકો અમને ઘરમાં પ્રવેશ આપતા નથી ઘરની બહાર કે ઓફિસની બહાર જ અમને ગોઠવી દે છે પછી બહાર નીકળતી વખતે લોકો પોતાના ચપ્પલ શોધવામાં અમારા ભાઈઓ-બહેનો ઉપર ચાલતા જરાપણ શરમાતા નથી.
તમે પણ કોની વાત સાંભળવા બેસી ગયા…
જો કે ચપ્પલની વાત નીકળી છે તો હું એક-બે અનુભવ કહી દઉં. લગ્નમાં જ્યારે વરરાજાના જૂતા ચોરાય એટલે કે અમારી ચોરી થાય ત્યારે ચોરી જનારના કોમળ હાથનાં સ્પર્શને કારણે ઘડીક તો એમ થાય કે હવે ઓલા અજડ જેવા પુરુષના પગે ક્યારેય નથી જાવું. અને આ કોમળ હાથ વારે ઘડીએ જુદા જુદા હાથમાં લઈને ફરે રાખે તો જીવન ધન્ય છે, પરંતુ સારો ભાવ આવતા જ એ અજડને પાછા પધરાવી દે છે.
અમારે ચુનિયાને કથા સાંભળવાનો બહુ શોખ.પહેલા બે દિવસમાં જ કથાકાર સાથે એવો સંબંધ બાંધી લે કે બાકીના દિવસોમાં કથાકાર ચુનિયાને જોઇને જ કથા પૂરી કરે. ચુનિયાનો ઉદ્દેશ એક જ કે જમવામાં વી.આઈ.પી. ટ્રીટમેન્ટ મળે.
એક દિવસ હું નવરો બેઠેલો. જો કે હું બહુ કામમાં હોઉ છું એવો કોઈ અને ક્યારેય મેં દાવો કર્યો નથી. સવાર સવારમાં મને બાવડું જાલી ઊભો કર્યો:
‘ચાલો મારી સાથે બહુ સરસ કથાકાર આવ્યા છે. જ્ઞાનની સારી સારી વાતો કરે છે. બે વાત સારી કાનમાં પડશે તો થોડા પાપ ધોવાશે’.
મેં કીધું: ‘હુ ક્યાં પાપ કરુ છુ’. પણ ધરાહાર મને કથામંડપમાં લઈ જ ગયો અને બરાબર કથાકાર મહારાજ ની સામે બેસાડી દીધો અત્યાર સુધી મંદ મંદ ચાલતી ધૂન હવે ચુનિયાને જોઈ અને ચલતી પકડી…
શૈલેષ મહારાજ મોજમાં આવી ગયા. જ્ઞાનની વાતો વહેતી થઈ : ‘શું લઈને આવ્યા છો અને શું લઈને જવાના છો.ભૌતિક પદાર્થો મિથ્યા છે. સદગુણ તમારું માથું છે. મારું મારું ના કરો ત્યાગ કરતા શિખો’.
ચુનીલાલ મને જાણે સમજાતું ન હોય તેમ કથાકારની વાત સમજાવતા જતા હતા. ‘જોયું, જોયું શું લઈને આવ્યા હતા ને શું લઈને જવાના છો … કેવી સરસ વાત કરી’.
જમવાના સમયે પહેલા ચોખ્ખા ઘીના શીરાની સુગંધ આવી ગઈ. ચુનિયો સૌથી પહેલો ઊભો થઇ અને એક્ઝિટ ગેટ બાજુ જવા
ગયો. જે સ્પીડ એ ગયો એની ડબલ સ્પીડે ધૂવાં ફૂવાં થતો પાછો આવ્યો: ‘મારી નાખું, કાપી નાખું હાથમાં આવે તો દાંત ભાંગી નાખું…’ આટલો ગુસ્સો ચુનિયો બહુ ઓછો કરે એટલે મને પણ આશ્ર્ચર્ય થયું.
મેં પૂછ્યું : ‘શું થયું’? તો મને કહે : ‘કોઈ ચપ્પલ ચોરી ગયું’. મને મહારાજના શબ્દો યાદ આવ્યા : ‘શું લઈને આવ્યા હતા, શું લઈને જવાનું ?’
ચુનિયો કહે : ‘મહારાજ જે કહે તે, ચપ્પલ લઇને આવ્યો હતો અને ચપ્પલ લઈને જવાનો છું. મારા નહીં મળે તો બીજાના’. ચુનિયાના જીવનમાં ચપ્પલનું મહત્ત્વ કેટલું છે તે મને સમજાયું… જો કે પછી ખબર પડી કે એક મંદિરની બહાર ત્રણ કલાકની તપશ્ર્ચર્યા કર્યા પછી સારામાં સારી જોડી ઉપાડી હતી. કોઈ પણ મંદિરમાં દર્શન કરવા જાવ ત્યારે અડધું ધ્યાન પ્રભુમાં અને અડધું ધ્યાન પગરખામાં જ
હોય છે.
આ મિલન ત્રિવેદી જેવા મારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે. અમારે ઊભરો ઠાલવવા છાપાનો સહારો લેવો પડે છે. મને આજ સુધી ક્યારેય એવો વિચાર પણ નથી આવ્યો કે હું કોઈના ગળાનો હાર બનું, પરંતુ આજકાલ લોકો મને એક સૂતળીમાં પરોવી પૂતળાના ગળાની શોભા વધારે છે.
હાથમાં લઇ મંચ પર છુટ્ટો ઘા કરે કયારેક હું કોઈને સ્પર્શી લઉં
તો કયારેક ન અડક્યાનો વસવસો રહે. અમારો મહિલા વર્ગ
ખુશ છે. પોચી પોચી જાત, આકર્ષક પણ ખરા અને વધારામાં હિલવાળા.
જો કે પતિઓ બહુ ઇજાગ્રસ્ત થાય. ચુનિયાના બાપા છેલ્લા દસ વર્ષથી મારો સાથ છોડતા નથી. મારો મૂળ કલર હું ભૂલી ગયો છું એટલા થીંગડાં માર્યા છે. જનમ્યો ત્યારે બે કિલોનો હતો
અત્યારે થીંગડાં ખાઈ ખાઈને દસ કિલોનો થઈ ગયો છું.
બાપો શિયાળામાં જેટલા અડદિયા નથી ખાતો એટલાં મેં થીંગડાં ખાધા છે. ચાલો, મારું તો ચાલુ જ રહેશે. મને સાચવજો હું તમને સાચવીશ.
વિચારવાયુ
ઈંગ્લિશ ગ્રામર ભણાવતી વખતે ટીચર સમજાવતા કે મોટાભાગે જેની પાછળ ‘ઊઉ’ લાગે તેનો કાળ બદલાઈ જાય છે.
એ વખતે તો ખબર નહોતી પડી પણ હવે ખબર પડી… !