વીક એન્ડ

શરદ જોશી સ્પીકિંગ: પોં પોં પોં..ઉઉઉઉ : `ભોપું-વાદન’ની ભૂલાતી ભવ્યતા…

કાર, ખટારા, બસ, રિક્ષા, સાઇકલ વગેરેમાં હોર્ન વગાડવાની કળા હવે ધીમે ધીમે લુપ્ત કે અદ્રશ્ય થઈ રહી છે. એક સમય હતો જ્યારે દેશમાં વાહન ચલાવનાર ડ્રાઇવર ભોપુંને એક વાદ્ય તરીકે ગણતો હતો અને એ ભોપુંનો સૂર વાતાવરણમાં એવો ગુંજી ઊઠતો કે દૂર દૂરથી મુસાફરો ખેંચાઈ આવતા. આ નાનકડું વાદ્ય, હાર્મોનિયમ જેટલું ભાગ્યશાળી નહોતું, જે સૂરીલી તાન વગાડીને સિતાર કે સારંગીની ઉચ્ચ હરોળમાં જઈને બેસી શકે, પણ એ એની પોતાની જગ્યાએ સતત સ્થિર રહીને સંગીતની સેવા કરતું. ભોપું આમેય સંગીત સભાની બહાર જ રહ્યું, એ આવી સભામાં ક્યારેય પ્રવેશી શક્યું જ નહીં. એ કાર/વાહન સાથે જોડાયેલું હોવાથી એની સીમા મર્યાદિત હતી. વળી શહરેમાં ભોપું વગાડવાના શાસ્ત્રીય સંગીતની જેમ કાર્યક્રમો પણ કદી યોજાતા નહોતા, છતાંયે અલગ અલગ જગ્યાએ ભોપું વાગતું ને બાઆવાઝે બુલંદ જોરશોરથી વાગતું, જેને ઉચ્ચ, નિમ્ન કે ગરીબ બધા જ વર્ગ પાસેથી સુંદર પ્રતિસાદ મળતો.

રાગ ભોંપુ’ તો ભારતીય હાઇવેની અનોખી ઓળખ છે. 20 30 વર્ષ પહેલાં દેશમાં એવા ડ્રાઇવરો હતા, જેમને આપણે ફક્ત ભોપું વગાડવાની કુશળતાને કારણે વિદેશી ફેસ્ટિવલોમાં મોકલીને હજારોલાખો ડૉલર/પાઉંડ લૂંટી શક્યા હોત, પણ હંમેશની જેમ હાઇ સોસાયટીવાળાં સામાન્ય લોકોનાં વાજિંત્રોને સ્વીકારતા નહોતા એટલે જ મોટર, ખટારા, ટેંપોના બિચારા ડ્રાઇવરોને ક્યારેય સારા સંગીતકાર માનવામાં આવ્યા નહીં! અમીર કે ઉચ્ચ વર્ગના લોકોએ કાર ખરીદી, પણ એના ભોપુંઘરાણાંના સંગીતને ક્યારેય સ્વીકારી શક્યા નહીં. આમ છતાં, ભોંપુંને જીવતા રાખવાનું કામ કર્યું છે આમ જનતાએ. ખરેખર તો ભોપું એક ચાલતું વાદ્ય છે અને કદાચ એ એકમાત્ર વાદ્ય છે, જે ચાલતી ગાડીમાં વગાડવામાં આવે છે. હાઇ-વે પરની બસના ડ્રાઇવરો નદીઓ, પર્વતો, જંગલો અને નાની બસ્તીઓને મસ્તીથી સાંભળતા. હવામાં એક લહેર જેવી શું ઊઠતી,ભોં..પૂઉઉઉઉ….

ભોં..પૂઉઉઉઉઉ….ભોં..’ જાણે કે મનમાં એક પીડા ગુંજી ઊઠતી. પછી એક પ્રકારનું કંપન શરૂ થતું. કુશળ ડ્રાઈવર એની હથેળીથી હળવેથી તાલ આપતો ને એક વિચિત્ર પડઘો આખા ગ્રામીણ વાતાવરણને માદક બનાવતો. જ્યારે વળાંક આવે ત્યારે કદાચ કોઈ અકસ્માતની શંકા ભોપુંસંગીતકારને ધબકાવી દેતી ને પછી ટ્રકમાંથી ધૂન બાજી ઉઠે:પૂહ….પૂહ.ભૂન.પૂહ.!’

પહાડી પાસે વળાંક વહી જાય પછી ધીમે ધીમે ગામ દેખાય. જાણે આવકાર આપતું ગામ. ભોપુંનો અવાજ એવો ગુંજતો કે જાણે વર્ષોથી વિખૂટો પડેલી કોઈ વ્યક્તિ મળવાને આતુર હોય! આહા, કેવા દિવસો હતા એ! એ જમાનામાં અનુભવી ડ્રાઈવર 50 કિલોમીટર સ્પીડની મુસાફરીમાં 2-3 કલાકનો ભોપું વગાડવાનો કાર્યક્રમ આપતો. ઇન શોર્ટ, પ્રેક્ષકોને ટિકિટના પૈસા કરતાં વધારે ભોપુથી મનોરંજન મળતું હતું.

મને 1935-1936નો સમયગાળો બરોબર યાદ છે, જ્યારે ઉજ્જૈન ને ઇન્દોર વચ્ચે બન્ને ખાન નામનો ડ્રાઇવર ગાડી ચલાવતો હતો અને ત્યારે ભોપું વગાડવાની કળા ચરમસીમાએ હતી. બન્ને ખાન લખનઊ-કાનપુર વચ્ચે દોડતી રાધેશ્યામ બસ સર્વિસના પ્રખ્યાત ઉસ્તાદ ગુલશેર ખાન સાંદિવલીનો શિષ્ય કે શાગિર્દ હતો. ભોપું વગાડવાનું એમની પાસેથી જ શીખેલો. બન્ને ખાનને બાળપણથી જ ભોપું વગાડવાનો શોખ. એનો બાપ હામિદ ખાન પંકચર રિપેર કરવા માટે આખા ઉત્તર પ્રદેશમાં ફરતો ત્યારે નાનકડાં બન્નેને ખોળામાં બેસાડીને લઈ જતો ને ભોપું વગાડવાની તક આપતો. બન્નેમાં જન્મજાત ટેલેન્ટ હતી. ભોપુંવાદનમાં એની એવી નિપુણતા હતી કે ભોપુંકલાના જાણકારોએ પહેલેથી જ આગાહી કરેલી કે એક દિવસ બન્ને ખાન ખૂબ સારો ડ્રાઇવર બનશે ને એના ભોપુંનો અવાજ માઇલો સુધી સંભળાશે.. અને થયું પણ એવું જ!

દીકરો બન્ને સ્કૂલમાં લખતોવાંચતો થાય ત્યાં તો બાપે એને સ્કૂલમાંથી ઉઠાડી મૂક્યો ને ડ્રાઇવિંગ શીખવા ગુલશેર ખાનસાહેબને સોંપી દીધો. ત્રણ વર્ષ સુધી, ગુલશેરે બન્નેને સ્ટીયરિગને અડવા દીધું નહોતું. ખાલી ગાડીઓ સાફ કરાવતો, પણ બાળક બન્ને ખાન દૃઢ નિશ્ચયી હતો. એ ધીમે ધીમે ગાડીઓ ચલાવવાનું અને ભોપું વગાડવાનું શીખી ગયો.
મેં જ્યારે એને પહેલી વાર જોયો ત્યારે આ લાઇનમાં એ પોતાનો સિક્કો જમાવી ચૂકેલો. ઉજ્જૈન-ઇન્દોર બસમાં મેં પહેલીવાર એનો ભોપું વગાડવાનો કાર્યક્રમ સાંભળ્યો અને એ યાદગાર ભોપુંવાદનમાં મજા પડી ગઇ!

જોકે મારા જીવનમાં અનેક પ્રખ્યાત હોર્ન વગાડનારા ડ્રાઇવરોને સાંભળવાની તક મળેલી, પણ બન્ને ખાન જેવું સુરીલું ભોપું વગાડનાર ક્યાંય જોયો નહોતો. મને બરોબર યાદ છે કે એ પાઘડી પહેરીને વાહન સ્ટાર્ટ કરતો, સ્ટીયરિગ ને હોર્નને નમન કરતો, અને પછી વાતાવરણ શાંત કરવા માટે હોર્ન વગાડતા પહેલા મુસાફરો તરફ પાછળ જોતો, નાનો અરીસો ગોઠવતો, અને પછી હોર્ન વગાડવામાં એવો તો મગ્ન થઈ જતો કે સામે ઓડિયંસ હોય કે નહીં, એની એને પરવા ન કરતો.બન્ને ખાને જીવનભર એમના ગુએ આપેલ મંત્રનું પાલન કર્યું કે `એક સારા ભોપુંવાદક બનવા માટે સમયસર ખાવું, સમયસર સૂવું, નિયમિત કસરત કરવી ને શિસ્તબદ્ધ જીવન જીવવું અગત્યનું છે.’

હવે ના તો એવા ગાડીખટારા છે કે ના તો એવા ડ્રાઇવરો. કાળક્રમે ભોપું વગાડવાની કળા ખતમ થઈ રહી છે કે થઇ ગઇ છે. ઇલેક્ટ્રિક ઓટોમેટિક હોર્ને લોક વાજિત્ર એવાં ભોપુંકળાનું ગળું ટૂંપી દીધું.. રસ્તાઓ, શેરીઓ, ગલીઓ ભોપુંસંગીતથી વંચિત થઈ ગઈ ને તેનું સ્થાન `પીં…પેં…પેં…’ એવા બેસૂરા હોર્નનાં અવાજોએ લઈ લીધું છે, આવા સંજોગોમાં. જો સરકાર ને સરકારી આકાશવાણી ધારે તો કંઈક કરી શકે. આજેય દેશમાં ઘણાં મહાન મૂર્ધન્ય ભોપુંવાદકો છે, જેમની રેકોર્ડ કે સીડી કે રીલ બનાવી શકાય છે. ભોપુંવાદન અખિલ ભારતીય સ્પર્ધાઓનું આયોજન કરીને અને મોટાં વાહનોમાં ભોપું લગાડવાનું કંપલસરી કરીને ભોપુંકળાને ફરી જીવતી કરી શકાય. હજીયે બહુ મોડું નથી થયું. આપણાં દેશમાં ફરી ભોપું વાગી શકે છે ને ખોવાયેલી રાગ ભોપું નામે કલાને બચાવી શકાય છે.

આપણ વાંચો : શરદ જોશી સ્પીકિંગ : છે પણ ને નથી પણ છતાંય છે તો ખરાં!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button