વીક એન્ડ

શરદ જોશી સ્પીકિંગ ઃ છાપરા પર વાગતું વાયોલિન…

સંજય છેલ

બધા આચારમાં ભ્રષ્ટાચાર આ દેશમાં સૌથી સુરક્ષિત છે. ઘણા લોકો છૂપી રીતે કામ કર્યા પછી પણ છાતી ઊંચી કરીને ચાલે છે. તમે લાંચની કમાણીથી બંગલો બનાવીને એમાં ઘણી પેઢીઓ સુધી શાનથી રહી શકો છો. તમે ભ્રષ્ટ આવકથી કાર ખરીદી બજારની વચ્ચોવચ હોર્ન વગાડો, બધા તમારી વાત સાંભળશે.

તમે એ જ કમાણીથી પત્ની માટે કીમતી સાડી અને ઘરેણાં ખરીદ્યાં, પછી એ પહેરાવી કોઈ લગ્ન પ્રસંગમાં એને લઈ જાવ, તો સમાજમાં બધા પૂછશે તમે આ સાડી ક્યાંથી ખરીદી? કોઈ એ પૂછશે નહીં કે આટલી કીમતી સાડી ખરીદી કેવી રીતે? પૂછવાવાળા પણ ભ્રષ્ટ કમાણી કરે છે. એમને પણ કીમતી વસ્તુઓ ખરીદવાની છે.

નાના શહેર અને ગામડામાં જાવ. ત્યાં રિટાયર્ડ તહસીલદાર અને સબ-ઈન્સ્પેક્ટર પોલીસના ઘર બઘાથી જુદા દેખાઈ આવશે. લોકોને એમના પર ગર્વ છે કારણકે તેઓ એક સફળ વ્યક્તિની સફળતાની વાર્તા કરે છે. ઍરપોર્ટ પર કસ્ટમનો ભ્રષ્ટ ઑફિસર દરરોજ ચાળીસ પચાસ હજાર રૂપિયાની નોટોથી ભરેલી બૅગ લઈ ખુલ્લા દરવાજામાંથી બહાર નીકળી પોતાના ઘરે જાય છે.

બંગલાઓ, જમીન સિવાય એની પાસે બે કાર અને બે મોટરસાઈકલ પણ છે. બધા એને આવતાં-જતાં નમીને પ્રણામ જ કરતા હશે અને એની વિદેશી શરાબનો એક ઘૂંટ પીવા માટે તીવ્ર ઇચ્છા રાખતા હશે. ભ્રષ્ટાચારને આપણે ત્યાં એક આદરણીય આચાર માનવામાં આવે છે. ઘણા લોકો એને વ્યવહારિક માને છે. ઉપરની કમાણી કરવી વ્યવહારિક ગણવામાં આવે છે.

ભ્રષ્ટાચાર આ દેશના જીવનની ઊંધી ગંગા છે. એ સમુદ્રમાંથી પાણી ભેગું કરી હિમાલય સુધી પહોંચાડે છે. એક ઈન્સ્પેક્ટર જ્યારે લાંચના સો રૂપિયા લે છે તો એ શાનથી કહે છે, હું એકલો નથી ખાતો, ઉપરવાળાઓને પણ ખવડાવવાનું હોય છે!’ ભ્રષ્ટાચાર વ્યક્તિગત કુશળતા પર આધારિત એક સામુદાયિક કાર્ય છે. એમાં મનના તાર જોડાયેલા રહે છે. ભ્રષ્ટ માણસ જ્યારે પકડાઈ જાય છે ત્યારે એ ભ્રષ્ટાચારની કમાણીથી કેસ લડીને જીતે છે. બહાર લોકો એના સ્વાગતમાં ઊભા રહે છે અને કહેતા હોય છે,આવો દોસ્ત, આવો અને પાછો પોતાનો ધંધો ચાલૂ કરો!’

ભ્રષ્ટાચાર એ ગુનો નથી બનતો કારણ કે એ બે આત્માઓની વચ્ચેનો રહસ્યમય સંબંધ છે. સાબિત તો તમે પતિ-પત્નીના સંબંધને પણ નથી કરી શકતા, તો બે ભ્રષ્ટ માણસોના આર્થિક સંબંધોને શું સાબિત કરી શકશો? જે છૂપી રીતે થયું છે, શું એને સાબિત કરી શકીશું? અને જો છડેચોક કર્યું તો એ ગુનો કેમ કહેવાય? કોઈ ખરાબ ભાવના હોત તો છુપાઈને કરતે અને છુપાઈને કરતે તો તમે એનું શું કરી લેતે? આ દેશમાં ભ્રષ્ટાચાર છાપરે ચઢીને વાયોલિન વગાડે છે. લોકો એ વાયોલિનના લયથી મંત્રમુગ્ધ રહે છે. એની પ્રશંસા કરે છે.

ભ્રષ્ટાચાર એક પથ્થર છે. દિવસ-રાત આ દેશ એ પથ્થરને હાથમાં લઈ માથા પર ઠોકતો રહે છે અને પીડાથી રડતો અફસોસ કરતો રહે છે. તો તમે એનું શું કરી શકો? ધીમે ધીમે આ પીડા એક મીઠી ગુદગુદી બની ગઈ છે. આપણે આને રોકવામાં ક્યાંક અસમર્થ છીએ!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button