વીક એન્ડ

શરદ જોશી સ્પીકિંગ : છે પણ ને નથી પણ છતાંય છે તો ખરાં!

સંજય છેલ

લોકો તો હંમેશાં નાની નાની ફરિયાદ નોંધાવતાં હોય છે કે પાણીનો નળ તો છે, પણ એમાં પાણી નથી આવતું! એ લોકો બિચારા નથી જાણતા કે આ દેશમાં વસ્તુઓ હોય છે જ એટલા માટે કે એમાં એ ચીજ ન હોય, જેના માટે એ બની હોય છે!
નળ છે, પણ એમાં પાણી નથી આવતું. હેન્ડપંપ છે, પણ એ ચાલતા નથી. સરકારી ખાતાં છે, જે કામ નથી કરતાં. ફોન લગાડ્યો, પણ લાગ્યો નહીં. અધિકારી છે, પરંતુ રજા પર છે. કર્મચારી છે, પણ એને કંઈ ખબર નથી. અરજી આપી હતી, પણ એ મંજૂર ન થઈ. ફરિયાદ નોંધાવી હતી, પણ કંઈ થયું નહીં.

તપાસ થઈ હતી, પણ હજુ રિપોર્ટ આવ્યો નથી. યોજના તો મંજૂર છે, પરંતુ બજેટ નથી. બજેટ મંજૂર છે, પણ પૈસા નથી આવ્યા. વેકેન્સી છે, પણ આજકાલ ખાલી છે. કાબેલ માણસ હતો, પણ એની બદલી થઈ ગઈ. અધિકારી તો સારો છે, પરંતુ એના હાથ નીચે કામ કરતા માણસો સારા નથી. અરે ભાઈ, અધિકારીના હાથ નીચે કામ કરવાવાળા તો કામ કરવા માંગે છે, પરંતુ ઉપરથી ઑર્ડર નથી આવતો. મશીન આવી ગયું, પણ એ બગડેલું છે. ફૅક્ટરી છે, પણ એમાં વીજળી નથી આવી. વીજળી છે, પણ વીજળીના તાર ખરાબ છે.

વસ્તુઓનું ઉત્પાદન થાય છે, પણ વેચાણ નથી થતું. વસ્તુઓની માંગ છે, પણ એ પૂરી નથી થતી. માંગ પૂરી કરી શકાય છે, પણ કોઈ એની ડિમાંડ તો કરે!
પેસેન્જર્સ ઊભા છે, પણ ટિકિટ નથી મળી રહી. ટિકિટ મળી ગઈ તો ટ્રેન મોડી છે. ટ્રેન આવી, પણ એમાં જગ્યા ન હતી. જગ્યા મળી પણ કોઈએ ત્યાં સામાન મૂક્યો હતો. પ્લેનની ટિકિટ લીધી, પણ એ વેઈટિંગ લિસ્ટમાં છે. સીટ ક્ધફર્મ થઈ ગઈ, પણ ફ્લાઈટ કૅન્સલ થઈ ગઈ. જેમના ઘરે જવાનું હતું, એમના ઘરે પહોંચ્યા, પણ એ મળ્યા નહીં.

એ મળ્યા, પણ જલદીમાં હતા. મેસેજ તો મોકલ્યો હતો, પણ એ મોડો પહોંચ્યો. લેટર મોકલ્યો, પણ એનો જવાબ ન આવ્યો.
આવ્યા, પરંતુ આવતાં જ બીમાર પડી ગયા. ઈન્જેકશન આપ્યું, પણ કંઈ ફરક પડ્યો નહીં. હૉસ્પિટલ લઈ ગયા, પણ બેડ ખાલી ન હતા. બેડ પર સૂતા છે, પણ કોઈ પૂછવાવાળું નથી. ફરિયાદ કરીએ, પણ કોઈ સાંભળવાવાળું નથી. નેતાઓ છે, પણ એને મળી ન શકાયું. નેતાજીએ સાંભળ્યું, પણ કંઈ કર્યું નહીં. શિલાન્યાસ થયો, પણ બિલ્ડિંગ ન બન્યું.

બિલ્ડિંગ જે કામ માટે બનાવ્યું છે, પણ એ બીજા કામમાં આવી રહ્યું છે. હા, કામ ચાલે છે, પણ આપણને એનાથી શું ફાયદો?
સ્કૂલ છે, પણ અમારાં છોકરાઓને એડમિશન નહીં મળ્યું. છોકરાઓ ગયાં હતાં ભણવાં, પણ બગડી ગયાં. ક્રિકેટ ટીમને વિદેશ રમવા મોકલી હતી, પણ હારી ગઈ. પ્રૉગ્રામ થયો હતો, પણ એમાં મજા ન આવી. કૉમેડી શો હતો, પણ હસવું ન આવ્યું.

અમે કોઈકને કશુંક પૂછ્યું હતું, પણ એ બોલ્યા નહીં. એક સમાચાર મળ્યા, પણ એ અફવા નીકળી. ગુનો કર્યો, પણ ધરપકડ ન થઈ. આર્ટિકલ લખીને સંપાદકને મોકલ્યો હતો, પણ છપાયો નહીં. એક કવિએ કવિતા લખી, પણ એને સાંભળવાવાળું કોઈ નથી. સ્ટેજ પર નાટક ભજવાયું, પણ ઑડિયન્સ ઓછું હતું. થિયેટરમાં પિક્ચર લાગ્યું, પણ ન ચાલ્યું. પુસ્તક છપાયું હતું, પણ વેચાયું નહીં. વસ્તુને બહુ શોધી, પણ ન મળી.

શું કરીએ? કંઈ થતું જ નથી! ઑફિસર ખુરશી પર બેઠો છે, પણ ઊંઘી રહ્યો છે. ફાઈલો ટેબલ પર પડી છે, પરંતુ સહી નથી થઈ રહી. ફૉર્મ તો ભર્યું હતું, પણ એમાં ભૂલ થઈ ગઈ. શું કહેવું? કંઈ સમજાતું નથી. એણે અવાજ ઉઠાવ્યો, પણ કોઈએ સાંભળ્યું નહીં. નેતાજીએ વિકાસ માટે વચન આપ્યું હતું, પણ એ ભૂલી ગયા. યાદ કરાવ્યું, ત્યાં સુધીમાં તો એમનો ડિપાર્ટમેન્ટ બદલાઈ ગયો હતો.
સાહેબને ફોન કર્યો, પણ એ બાથરૂમમાં હતા. એમની ઑફિસમાં ફોન કર્યો, પણ એ મીટિંગમાં હતા. યુવાનને ડિગ્રી તો મળી ગઈ, પણ નોકરી ન મળી. નોકરીમાં અનુભવી થયા ત્યારે રિટાયર થઈ ગયા.

પૈસા ઘણા છે, પણ બે નંબરના છે. ધંધા માટે પૈસા જમા કર્યા, પણ ત્યાં સુધીમાં મશીનના ભાવ વધી ગયા. મકાન ખાલી છે, પણ ભાડેથી આપી નથી રહ્યા. મકાન વેચવાનું છે, પણ કોઈ ખરીદાર નથી મળી રહ્યો. મકાન લેવાની ઇચ્છા તો છે, પણ બહુ મોંઘાં છે.

શું છે, શું નથી? કર્ફ્યુ હટાવવામાં આવ્યો તો પાછાં રમખાણ થયાં. પરિસ્થિતિ કાબૂમાં છે, પરંતુ ખતરો હજુ પણ છે. માણસ છે, પણ એનામાં માનવતા નથી રહી! માણસમાં દિલ છે, પણ એકબીજા સાથે દિલ મળતાં નથી! દેશ આપણો થયો, પણ લોકો પરાયા થઈ ગયા.

-અને તમે નળમાં પાણી નથી એવું કહી રહ્યા છો?!
સાહેબ, ઘણું બધું છે, પરંતુ હજુ પણ એ નથી, જેના માટે એ સર્જાયું છે!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button