વીક એન્ડસ્પેશિયલ ફિચર્સ

શરદ જોશી સ્પીકિંગ : કૉમ્પ્રોમાઇઝની કળા: લગ્નથી લડાઈઓ સુધી….

સંજય છેલ

સમાધાન મોટા ભાગે યુદ્ધ પૂરું થયા પછી જ થાય છે. ત્યારે એ સવાલ ઊભો થાય છે કે શું સમાધાન યુદ્ધ વગર ના થઈ શક્યું હોત? ત્યારે લાગે કે કદાચ સમાધાન ઘનઘોર યુદ્વમાંથી પસાર થયા વગર સીધું-ડાયરેક્ટલી પણ થઈ શક્યું હોત!
પતિ-પત્નીના ઝઘડા હોય કે બે રાષ્ટ્રની રસ્સીખેંચ હોય, એવા ઘણા કિસ્સા છે કે જેમાં ઘણી વાર યુદ્ધ વરસો સુધી લાંબું ખેંચાતું હોય છે ત્યારે એકમેક પર આક્રમણ કરવાનું ઝનૂન માથે ચડી જાય છે. એવું લાગવા માંડે કે યુદ્ધ કરવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. સમાધાન ભલે થઈ શકે, પણ જો આપણે લડાઈ જીતીશું તો જ આપણે આપણી શરત મનાવી શકીશું.

મોટા ભાગની સરકારો પણ ઘણા જન-આંદોલન કે ચળવળના સમયે આ ટાઈપના વિવાદનો જ શિકાર બની જતી હોય છે. જન-આંદોલન કરવાવાળા ચળવળિયા લોકો હંમેશાં એવું ઇચ્છે છે કે ગમે તેમ કરીને મામલો કાયદો અને વ્યવસ્થાનો (લૉ એન્ડ ઑર્ડરનો) બની જાય તો પછી આંદોલન પર કાબૂ મેળવવામાં સગવડતા રહેશે એટલે આંદોલન કરવાવાળા લોકો ટોળાંમાં પોતાના જ માણસોને મોકલીને પથ્થરબાજી કરાવે, જેનાથી એમને પોલીસની લાઠીચાર્જનું બહાનું મળી જાય છે.

પછી એમની ધરપકડ કરવામાં આવે છે, જેથી એ લોકોની મુખ્ય માગણીઓ જ બદલાઈ જાય. હવે આંદોલનકારીઓની મુખ્ય માગણીઓ હોય છે કે – પહેલાં અમારા નેતાઓને જેલમાંથી છોડો, મરનારા અને ઈજાગ્રસ્ત લોકોના પરિવારને મોટું વળતર આપો, જેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે એમને પાછા રાખી લો પછી જ આંદોલન પાછું લેવા વિશે વિચારીશું.’

બિચારી સરકાર આ બધી માગણીને માની લે છે કે માનવી પડે છે, કારણ કે એ બધી સમસ્યાનાં બળતાં ઉંબાડિયાં જાણતાં-અજાણતાં એણે જ ઊભા કરેલાં હતાં. પછી જેના માટે આંદોલન શરૂ થયેલું એ મુખ્ય વાત માટે સરકારી કમિટી બેસાડવામાં આવે છે, જે વરસો ને વરસો સુધી તે સમસ્યા પર બેઠી જ રહે છે ને આખરે સૂઈ જાય છે. મતલબ કે આંદોલનનો મામલો ત્યાંનો ત્યાં જ લટકતો રહે છે.

જે પ્રશ્ર્નો માટે આંદોલન શરૂ કર્યું હતું એ તો એમનું એમ જ રહે છે. ચળવળિયા અને સરકાર બેઉ વરસો સુધી બદલાતા રહે છે, પણ સમસ્યા પડી પડી સડી જાય છે.
આમ છૂટાછેડા હોય કે યુદ્ધ, શરૂ થયેલી લડાઈ પૂરી થઈ જાય છે, પણ એમાં બેઉ પક્ષે લડવાવાળાઓના હાથમાં કંઈ જ આવતું નથી!

જીવનમાં કે જગતમાં લડવાવાળી પાર્ટીઓ શરૂઆતમાં એટલા માટે સમાધાન નથી કરતી, કારણ કે એવું કરવાથી એમનું નાક કપાઈ જાય. શું છે કે મોટે ભાગે સમાધાનની વાત કરવાવાળા દુનિયાની નજરે નબળા સાબિત થતા હોય છે. અહંકારનું નાક ઊંચું રહે એટલા માટે પણ લડાઈ કે આંદોલન એમના માટે જરૂરી થઈ પડે છે.

ઘણી વાર યુદ્ધ કે ચળવળ, ચ્યુઇંગમની જેમ હાસ્યાસ્પદ લંબાઈ સુધી ખેંચાતી જ જાય છે. એમાં બે દેશ કે બે પાર્ટી એટલું બધું લડી ચૂક્યા હોય છે કે આખરે કંટાળીને સમાધાન કરવા સિવાય બીજું કંઈ બાકી રહેતું જ નથી. ઉદાહરણરૂપે, અગાઉ ઈરાન-ઇરાકનું યુદ્ધ ચાલ્યા જ કરેલું, (આજકાલ રશિયા ને યુક્રેન અને ઈઝરાયેલ ને લેબેનોન વચ્ચે યુદ્ધ ચાલે જ રાખે છે એ રીતે.) ત્યાં હવે ખાલી કુસ્તી કરવા સિવાય બીજુ કંઈ જ બાકી રહ્યું નથી!

લડાઈને ગમે ત્યારે પણ રોકીને સમાધાન કરી શકાય છે, પણ એવું કરે કોણ અને શું કામ કરે? એવાં ઘણાં ઉદાહરણ છે, જેમાં ખંધા રાજકારણીઓ યુદ્ધનો ઉપયોગ પોતાની નેતાગીરીની ઈમેજ વધારવા માટે કરે છે. એવાં પણ ઘણાં ઉદાહરણ છે કે ઘણા નેતાઓની ઈમેજ સતત અસંમતિ અને યુદ્ધની ચર્ચા કે યુદ્ધનો ભય ઊભો કરવાથી જ બની છે અને એમણે મોટા ભાગના લોકોને દુશ્મનોનો ડર ફેલાવીને પ્રભાવિત પણ કર્યા હોય છે.

યુદ્ધની વાતો અને યુદ્ધની જાહેરાત કરવાથી એ નેતાની ઈમેજ એટલી ચમકે છે કે પછી એ નેતાના પોતાના જ મનમાં ડર બેસી જાય છે કે – હાય, હાય, ક્યાંક સમાધાનની ચર્ચાથી મારી ઈમેજ નબળી થઈને લોકો સામે ખરાબ ન થઈ જાય!’
પાકિસ્તાનના સરમુખત્યારો સાથે હંમેશાં આવું જ થયું છે. ભારતના આક્રમણનો કાલ્પનિક ડર પેદા કરીને ત્યાંના નેતાઓ પોતાના લોકોમાં અસુરક્ષાની ભાવના પેદા કરે છે અને ‘ભૂખે મરીને પણ લડાઈ કરી લેવા’ની વાતો કરીને પોતાનું નેતૃત્વ કે સત્તા મજબૂત કરે રાખે છે. ત્યાં લૉજિકલ એક એવી સિસ્ટમ પેદા થઈ જાય છે, જે હંમેશાં શસ્ત્ર અને યુદ્ધની ચર્ચામાં જ સતત વ્યસ્ત રહે છે.

આ પણ વાંચો…અદાણી મુદ્દે વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન, કહ્યું- અમેરિકા તરફથી ભારતને કોઈ સૂચના મળી નહોતી

જોકે આપણે પણ અત્યાર સુધી એવું માની લીધેલું કે પંજાબ અને આસામમાં સમાધાનની સાથે આપણે સમાધાનના યુગમાં પ્રવેશ કરી રહ્યા હતા, પણ આજે ચારેબાજુ જુઓ. હવે દેશમાં ઘણી જગ્યાએ એવી પરિસ્થિતિઓ ઊભી થઈ છે કે જ્યાં બન્ને પક્ષ દ્વારા સમજદારીનો ઉપયોગ જરૂરી છે.

આ બધા વચ્ચે મને કેટલાક એવા નેતા લોકો પર દયા આવી રહી છે, જે સળગતી રહેતી સમસ્યાઓની મદદથી જ પોતાના માટે હેડલાઈન્સ મેળવે છે. જો સમાધાનનો યુગ આવી જશે તો એ બિચારા શું કરશે? એ લોકો નક્કી નવી સમસ્યાઓ ઊભી કરશે, જેથી કરીને છાપાં-ટીવી-મીડિયાને સતત ૨૪ કલાકનો ચારો મળતો રહે ને પોતે પણ ચર્ચામાં રહે. ઇન શોર્ટ, સમસ્યાઓ તો ઊભી થતી જ રહેશે, જેથી થોડા સમય પછી આખરે સમાધાન તો કરી શકાય!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button