વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડ: સેન્સોજી મંદિરમાં ભીડ વચ્ચે ભગવાનની શોધમાં…

  • પ્રતીક્ષા થાનકી

અમેયા યોકોચો માર્કેટથી અમારે સીધું સેન્સોજી ટેમ્પલ જવું હતું. જ્યાં પણ જાઓ ત્યાં આખો દિવસ વિતાવી શકાય અથવા અવારનવાર જઈ શકાય તેવું હતું. જોકે એ ટ્રિપ દરમ્યાન અમે ત્યાં ફરી જઈ શકીએ તેવો કોઈ ચાન્સ નહોતો લાગતો, એટલે જ્યાં પણ જતાં હતાં તેને અબ્ઝોર્બ કરવાનું જરૂરી લાગ્યું હતું. બે દિવસમાં પોતાના પર જ એક્સ્ટ્રા પ્રેશર નાંખવાનું બંધ કરીને હળવા મને ઇન્જોય કરવા પર ફોકસ કર્યું. બધું જ જોવાનું શક્ય હતું પણ નહીં. ટોક્યો આમ પણ સેન્સરી ઓવરલોડ જેવું છે. જે દિશામાં જાઓ ત્યાં કંઇ જોવા, અનુભવવા, ખાવા, માણવા જેવું કંઇ ને કંઇ હતું જ. એવામાં સેન્સોજી મંદિર તરફ ટે્રન ક્યાંથી લેવી તે વાતમાં જરા ઘૂમરે ચડી ગયાં.

થોડો ઝરમર વરસાદ પણ પડવા લાગેલો. હજી ટે્રન સ્ટેશન ગમે ત્યાંથી શોધી લઈએ ત્યાં સુધીની જાપાનીઝ એક્સપર્ટિઝ આવી ન હતી. અમે ફરી ફરીને ફાસ્ટ ટે્રનના સ્ટેશને પહોંચી જતાં હતાં. સેન્સોજી ટેમ્પલ સુધી પહોંચાડે તે મેટ્રો જાણે અમારાથી છુપાઈ હોય તેવું લાગતું હતું. એ સ્ટેશન શોધવામાં વચ્ચે બે તો એનિમલ કાફેઝ દેખાયાં. ત્યાં કોફી પીવા સાથે બિલાડીઓ, કૂતરાઓ, ખિસકોલીઓને રમાડવાનું પણ શક્ય છે. એટલું પૂરતું ન હોય તેમ અમે થાક્યાં ત્યાં પાન્ડા શેપમાં સ્ટફ્ડ પ્ૉન કેક વેચતી દુકાન પણ જોવા મળી ગઈ. તે લેવા માટે પણ લાઇનમાં ઊભા રહેવું પડે. આ શહેર ગજબની ભીડથી કોઈ પણ સમયે ભરચક હોય છે તેમાં કોઈ શંકા નથી. મુંબઈની ઘણી વાર મુલાકાત લીધા પછી એમ થતું હતું કે તેનાથી વધુ ભીડ ભાગ્યે જ ક્યાંય દેખાશે, પણ મુંબઈનાં 22 મિલિયન લોકોના પ્રમાણમાં ટોક્યોમાં 37 મિલિયન લોકો છે. આ દુનિયાનું સૌથી ગીચ શહેર છે. ત્યાં લોકો ભટકાશે જ એ તૈયારી સાથે દરેક દિશામાં આગળ વધવાનું હતું. એવી ભીડમાં મને ચાલીને સેન્સોજી પહોંચીને હજી લંચ પહેલાં જ થાકી જવાનો કોઈ વિચાર ન હતો.

આ પણ વાંચો: અરાઉન્ડ ધ વર્લ્ડ: જાપાનની અમેયા યોકોચો માર્કેટમાં શું જોવું ને શું ન જોવું…

આખરે સેન્સોજી પહોંચ્યાં. ત્યાં અન્ડરગ્રાઉન્ડથી નીકળીને સીધાં કોઈ પોલિટિકલ રેલીમાં પહોંચી ગયાં. તેમાં પણ લોકો ક્યુટ માસ્ક અને ટેડી બેર સાથે દેખાતાં હતાં. રેલી પૂરી થાય પછી લાગ્યું કે મંદિર નજીક આવતાં જરા ભીડ ઓછી થશે, તેના બદલે ભીડ વધી ગઈ. લોકો દરેક દિશાના સ્ટેશનેથી મંદિર તરફ જ આવતાં હતાં. તેનો પહેલો ભવ્ય ગેટ કામિનારિમો આવ્યો ત્યારે મંદિર તરફ જતી ગલીમાં બંને તરફ ખાણીપીણી અને સુવેનિયરની દુકાનો દેખાઈ. જ્યાં જુઓ ત્યાં માણસોનું પૂર આવ્યું હતું. સોશિયલ મીડિયા પર લોકપ્રિય બનેલા નાસ્તાની નકલ ઘણે ઠેકાણે મળતી હતી. ભારે ભીડમાં પણ ત્યાં ઓલમોસ્ટ શિસ્તબદ્ધ લાઇનમાં અમે મંદિરના મુખ્ય દરવાજા અને પાંચ માળનાં પગોડા તરફ આગળ વધ્યાં.

મંદિર નજીક આવતાં પારંપરિક કિમોનો અને યુકાતા જેવા પારંપરિક જાપાનીઝ પોશાકમાં ઘણાં લોકો ફોટા પડાવવામાં વ્યસ્ત હતાં. તેઓ પહેલેથી તે ઘરેથી પહેરીને આવ્યાં હોય તેવું તો નહોતું લાગતું. થોડી જ વારમાં રસ્તામાં પારંપરિક જાપાનીઝ પોશાક ભાડે આપનારી દુકાનો પણ દેખાવા લાગી. અહીં કલાકના ચારથી પાંચ હજાર યેનમાં પોશાક ભાડે મળતો હતો. સાથે એસેસરીઝ, મેક-અપ અને હેર સ્ટાઇલ મેળવતાં દસેક હજાર યેન્સ જેવું થઈ જતું. મોટાભાગે જાપાનીઝ ટૂરિસ્ટ જ એમાં વ્યસ્ત લાગતાં હતાં. થોડાં અમેરિકન ટૂરિસ્ટ પણ તેમાં જોડાયેલાં. એક વાર મંદિરનું મુખ્ય માળખું નજીક આવ્યું પછી ભીડ છતાંય ત્યાંનો માહોલ જાણે બધું જ ધ્યાન પોતાના તરફ ખેંચતો હતો. તે ભીડમાં ભારતથી આવેલાં પેકેજ ટૂરનાં લોકોને જોઈને પણ આનંદ થતો હતો. આપણાં જેવાં ફરવાનાં શોખીન લોકો ભાગ્યે જ બીજે ક્યાંય દુનિયામાં હોઈ શકે. વળી મોટાભાગે લોકો મોઢું ખોલે તો ગુજરાતી જ સાંભળવા મળતું હતું. જોકે તે સમયે સેન્સોજી મંદિરનાં વિવિધ સ્મારકો, પ્લમ બ્લોસમ્સ, લેમન ટ્રી, લોકોની ઇચ્છાઓ સમાવીને બેઠેલાં વિશ-ટ્રી, વિવિધ દંતકથાઓમાંથી બહાર નીકળ્યાં હોય તેવાં પાત્રોનાં શિલ્પ, બધું અનોખાં દૃશ્યો બનાવતું હતું.

આ પણ વાંચો: અરાઉન્ડ ધ વર્લ્ડ: જાપાનની અમેયા યોકોચો માર્કેટમાં શું જોવું ને શું ન જોવું…

ક્યાંય પણ ભીડ ઓછી થતી જ ન હતી. અહીં એક માત્ર એક્સપર્ટ સલાહ માની લેવા જેવી હતી કે ત્યાં સવારમાં વહેલું પહોંચી જવું. તેમ ન થઈ શકે તો બધું બાકીની દુનિયાની હાજરીમાં માણવું પડશે. કોઈ પણ સમયે કમસેકમ પચાસ માણસો નજરમાં આવ્યા વિના નજરે દૃશ્ય જોવું શક્ય જ ન હતું. અંદરની મૂર્તિઓ જોઈ, પરિક્રમા કરી, બુદ્ધનું અનોખું સ્વરૂપ જોયું, પછી ઊંચા પગથિયા પર જઈને માત્ર લોકોને જોયા કરવાની પણ મજા હતી. જાણે દરિયે ઊભા રહીને મોજાં કે કોઈ પાણીનો વોટરફોલ જોવામાં મજા આવે, એવી જ મજા અહીં લોકોનો સમુદ્ર જોઈને આવતી હતી. ભીડ એક હદથી વધ્યા પછી તેને ટ્યુનઆઉટ કરવાનું શક્ય બની જતું હતું. ત્યાંનાં ભવ્ય પેપર લેન્ટર્ન નીચે ઊભા રહીને કોઈ આસ્થાનો અનુભવ તો ન થયો, પણ આ કલ્ચરની સ્લાઇસ અનુભવીને ધન્ય જરૂર ફીલ થતું હતું. ભીડ હોય કે નહીં, સેન્સોજી જોયા વિના ટોક્યોથી બહાર ન જવાય એ નક્કી છે. ત્યાં એન્ટ્રી પર અગરબત્તીનો બંચ પણ અલગ જ સ્તરનો હતો.

બે માછીમારોને સુમિડા નદીમાં એક ગોલ્ડન મૂર્તી મળી આવી તે પછી 680ની સાલમાં આ મંદિરની સ્થાપના થઈ હતી. ત્યારથી અવારનવાર ભૂકંપ, આગ, કોઇ ને કોઈ ડિઝાસ્ટરના કારણે તેને ફરી નવેસરથી બાંધવામાં આવે છે. મજાની વાત એ છે કે આ બૌદ્ધ મંદિરની બધી દિશાઓમાં ખાઉગલી છે જ્યાં અત્યંત લોકપ્રિય જાપાનીઝ સ્ટ્રીટ ફૂડ મળે છે. અમે તે સમયે મંદિરનો આનંદ માણીને ખાઉગલી તરફ જ જવાનાં હતાં. અહીં શ્રાઇનમાં ઘણો સમય વિતાવ્યા પછી લાંબો સમય પીપલ-વોચિંગ કર્યું. વિશ-ટ્રી પર દુનિયાભરની ભાષાઓમાં લોકોની ઇચ્છાઓ વાંચી. ગમે તેટલી મોટી સંખ્યામાં માણસો હોય, બધાં શાંતિ અને શિસ્તથી ફરી રહૃાાં હતાં. ખરેખર આ મંદિરમાં ભગવાન મળે ન મળે, ત્યાં માણસો પર ભરોસો જરૂર થઈ જાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button