વીક એન્ડ

સમય પ્રમાણેની અનુભૂતિ

સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા

મકાન જેવું સવારે દેખાય તેવું સાંજે નથી દેખાતું. તે જેવું દિવસના ગાળામાં ભાસે તેવું રાત્રે નથી ભાસતું. એમ પણ કહી શકાય કે મકાનની સમજ શિયાળામાં જેવી ઊભરે તેવી ઉનાળામાં કે વર્ષાઋતુમાં નથી ઊભરતી. સમય સમય પ્રમાણે મકાન જાણે અલગ અલગ રૂપ ધારણ કરે છે. મોટા પ્રમાણમાં જોવા જઈએ તો ધરતી એ વિશાળ આવાસ છે અને આ ધરતી જુદા જુદા સમયે જે જુદા જુદા રંગ રૂપ ધારણ કરે છે. એ અવધારણા મકાન માટે પણ લાગુ પડે છે એમ કહેવાય.

સવારમાં જે દીવાલો પર સૂરજનાં કિરણો પડતા હોય અને દીવાલ જે પ્રમાણે ભાસતી હોય એના કરતાં સાંજે જ્યારે સૂરજ વિપરીત દિશામાં હોય ત્યારે તે દીવાલ સાવ વિપરીત ભાસે. તેવું જ ઉનાળામાં અને શિયાળામાં થતું જોવા મળે. સૂરજનાં કિરણોની દિશા અને તેમાં સંગ્રહાયેલ ગરમીની માત્રા બદલાતી રહે છે, પવનની દિશા અને ગતિ પણ બદલાયા કરે છે, ક્યારેક વરસાદ પડે છે તો ક્યારે વાતાવરણમાં ભેજની માત્રા પણ નહીંવત હોય છે; આ બધા સંજોગોમાં મકાનના દરેક અંગ અલગ રીતે પ્રતીત થાય છે.

સમય બદલાતા મકાન તરફની અપેક્ષાઓ પણ બદલાય. માનવીની મનોસ્થિતિ પણ સમયાંતરે બદલાતી રહે છે. માનવી સવારે જેવો હકારાત્મક હોય તેવો સાંજે ન પણ હોય. આવા બદલાવને પરિણામે માનવીની મકાન તરફની અપેક્ષાઓ પણ બદલાય. શિયાળામાં જ્યાં આપણને તડકો જોઈતો હોય ત્યાં ઉનાળામાં છાયડાની અપેક્ષા બંધાય. એક સમયે જ્યાં બારીઓ બંધ રાખવાની ઈચ્છા થાય ત્યાં અન્ય સમયે એમ લાગે કે જાણે બહારની પરિસ્થિતિને માણવા માટે બારીઓ નાની પડે છે. મકાને આ બધાને પ્રતિભાવ આપવો પડે છે. જોકે આવા પ્રતિભાવ માટે નાની નાની ચેષ્ટાઓ કરાય છે – ક્યાંક પડદા લગાવી દેવાય તો ક્યાંક છાંયડો કરી લેવાય તો ક્યાંક કુંડા ગોઠવી દેવાય. પણ આ બધામાં મકાન તો આંશિક રીતે પણ બદલાયેલું જણાશે.

તહેવારોમાં મકાન જાણે નવું જ રૂપ ધારણ કરે. ઉત્તરાયણમાં મકાન જેવું ભાસે એવું દીપાવલીના તહેવારમાં ન ભાસે. નવરાત્રીમાં જ્યાં માતાજીની કે ગણેશ ચતુર્થીના ઉત્સવ માટે બાપાની સ્થાપના થતી હોય તે વખતનું મકાન જાણે નવા જ રંગ-રૂપ ધારણ કરે. સામાજિક પ્રસંગો માટે પણ આવું જ કંઈક બને. જે ઘરમાં લગ્ન હોય તે ઘર દુલ્હનની જેવો શણગાર ધારણ કરે અને જે ઘરમાં આકસ્મિક અવસાન થયું હોય તે ઘર જાણે દુ:ખની અભિવ્યક્તિ કરતું લાગે. એક સમજ પ્રમાણે મકાન એ જીવંત અસ્તિત્વ છે, પણ તેની આ જીવંતતા તેનામાં સ્વયં નથી, પરંતુ તેમાં રહેનાર માનવ સમુદાય સમય પ્રમાણે તેને અલગ અલગ રીતે તે સર્જે છે. આમ પણ મકાન એ માત્ર માનવીની ઉપયોગિતા માટે નથી, તેમાં સાથે સાથે સંવેદનાઓ પણ જીલાવવી જોઈએ.

જુદા જુદા સમયે માનવી જુદી જુદી રીતે પોતાના મકાનમાં સંમેલિત થતો જોવા મળે છે. માનવીનું પોતાના મકાન સાથેનું સમીકરણ ક્યારેય જેમ નું તેમ નથી રહ્યું. માનવીનો વિકાસ જેમ જેમ થાય તેમ તેમ તે મકાન સાથે જુદી જુદી રીતના સંલગ્ન થતો હોય છે. નાનું બાળક મકાનના જે ભાગમાં સૌથી વધારે તાદાત્મ્યતા અનુભવતું હોય તે ભાગમાં તે જ્યારે યુવાન થાય ત્યારે ત્યાં તેવી તાદાત્મ્યતા ન અનુભવે. માનવીની સ્થિતિ બદલાતા મકાન સાથેનો તેનો સંબંધ બદલાય અને સમયના આ બદલાવને મકાન સરળતાથી પોતાની અંદર સમાવી લે. એક સમયે એવું લાગે કે બાળક સાથે મકાન બાળક બની જાય છે અને યુવાન સાથે તે યૌવનને ધારણ કરે છે. આમાં ક્યાંક કવિતા જેવી રજૂઆત લાગશે પણ સંવેદનશીલતાથી સૂક્ષ્મતામાં વિચારતા જણાશે કે આ વાત સાચી છે. દીવાલ એ નાના બાળક માટે લીટા કરવાની તક છે જ્યારે યુવાન માટે એ પોતાના પ્રિય પાત્રના ફોટાને મઢી યાદને સતત તાજી રાખવાની સંભાવના છે. દીવાલ એક જ છે પણ એ જુદી જુદી રીતના લેવાય છે અને દીવાલ આ બદલાવને સરળતાથી સમાવી લે છે. આવું જ સમગ્ર મકાન માટે.

આ બધા બદલાવ સાથે પણ મકાન તો એ જ જણાય છે. આનું કારણ જે તે બદલાવની માત્રા અને તેની અવધિનો છે. મકાનનું મૂળ માળખું તો જેમનું તેમ જ રહે, તેમાં રંગ બદલાય કે રાચરચીલામાં કંઈક ફેરફાર થાય. પ્રમાણમાં આ ફેરફાર નાનો ગણાય. મકાનમાં વિવિધતા તો સમયાંતરે આવતી રહે છે પણ સાથે સાથે તેની માળખાગત સાતત્યતા એકધારી રહે છે. છતાં એમ કહી શકાય કે મકાનમાં સમયાંતરે આવતી વિવિધતાને માનવી વધુ સઘનતાથી નોંધતો હોય છે અને તે પ્રમાણે પ્રતિભાવ આપતો હોય છે. બારી બંધ હોય કે ખુલ્લી તેના આધારે નક્કી થાય કે અંદરની જગ્યાની ઉપયોગિતા તથા તેની અનુભૂતિ કેવી રીતે બદલાશે. આમાં બંધ કે ખુલ્લી બારીનો બદલાવ પણ મહત્ત્વનો બની રહે છે.

એ વાત સાચી છે કે, કોઈપણ વસ્તુ કાયમી નથી. કાળેક્રમે તે વિકસે છે અને નાશ પામે છે. પરંતુ મકાનની અવધી માટે આ પ્રકારની અવધારણા કદાચ યોગ્ય નથી લાગતી. કારણ કે જે સમયગાળા માટે મકાન બનાવવામાં આવ્યું છે તે સમયગાળામાં તો તે લગભગ જેમનું તેમ જ રહે છે. તો પછી આ બદલાવ કયો – કે આ બદલાવ શેનો. આ જે કંઈ બદલાવ વર્તાય છે તે માનવીના જે તે મકાન સાથેના સમીકરણને કારણે ઉદભવે છે. માનવી જે રીતે મકાનને લે તે રીતે મકાનમાં બદલાવ લાવે અને મકાન પણ તેની મૂળ બાબતો અને આ બદલાવ પ્રમાણે વર્તે. ક્યાંક આ બદલાવ દૈનિક ધોરણે જોવા મળે તો ક્યાંક માસિક કે વાર્ષિક ધોરણે. આવો બદલાવ પ્રાસંગિક પણ હોય છે. કંઈ બાબત જેમની તેમ રહે અને કઈ બાબતમાં બદલાવ કરી શકાય તે જો જાણી લઈએ તો મકાનની ઉપયોગિતા અને યથાર્થતા બંને વધે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…