વીક એન્ડ

સિનિયર સિંહા સક્રિય ને જુનિયર સિંહા રિટાયર!

વ્યંગ -ભરત વૈષ્ણવ

તમે સરકારી નોકરી કરતા હો કે ખાનગી, એક ચોક્કસ ઉંમરે કે તારીખે ફરજિયાત નિવૃત થવું પડે.. લશ્કરમાં પંદર કે વીસ વરસ સેવા આપ્યા પછી સ્વૈચ્છિક નિવૃતિ મળી શકે છે.

દરેક વ્યકિત નોકરી કે વ્યવસાય કરીને પોતાના પરિવારનો જીવન નિર્વાહ કરે છે. સંગઠિત ક્ષેત્ર કે બિનસંગઠિત ક્ષેત્રમાં વ્યકિત અમુકતમુક વરસો કામ કરી નિવૃત થાય છે. નિવૃતિ પછી બાકીની જીંદગી સરળ અને સારી રીતે પસાર થાય એટલે ફયુચર રિટાયરમેન્ટ પ્લાન કરે છે. એલઆઇસી કે મ્યુચલ ફંડ,નેશનલ પેન્શન સ્કિમમાં રોકાણ કરે છે.

આપણે સક્રિય સેવામાં હોઈએ અને કામગીરીના પહાડ નીચે દબાયેલા હોઈએ ત્યારે મનોમન વિચારીએ કે નિવૃત થયા પછી જવાબદારીની કાંચળી ઉતારીએ એટલે જલસા જ કરવા છે.હરવું છે, ફરવું છે, સગાસ્નેહીને મળવું છે, વાંચવું છે, સંગીત સાંભળવું છે, સાંબેલું વગાડવું છે, વૈશાખીનંદનની જેમ ગાવું છે, પત્નીની આંખોમાં આંખ પરોવી ગુમાવેલી વસંત પરત લાવવી છે! જો કે, નિવૃત થયા પછી ઘણા લોકોને આંખે અંધારા આવી જાય છે. જિંદગી ખુશનુમા થવાનો બદલે ચિંતાની ચગડોળ બની જાય છે. નિવૃત માણસ ચક્કર ચક્કર ઘૂમવા માંડે છે. સઇ એટલે કે દરજી જીવે ત્યાં લગી સીવે એવી કહેવત છે. અરે, ભાઇ સીવે નહીં તો કેવી રીતે જીવે ? માત્ર સઇ જ નહી્ પણ કંદોઈ જીવે ત્યાં લગી ઝારો ચલાવે છે. માળી કાતર ચલાવે છે. માળી, રિક્ષાચાલક, ડ્રાઇવર , કૂલી, કુંભાર, સુથાર,મજૂર વગેરે માટે નિવૃતિ કેવીને વાત કેવી? હાથપગ ચાલે ત્યાં સુધી મજુરો ,કારીગરો, રીક્ષાચાલક, લારીચાલક, ખુમચાધારકો, ફેરિયાને બ્રેડબટર કે બ્રેડ મળે છે. હાથપગ ન ચાલે ત્યારે આર્થિક ભવિષ્ય ધૂંધળું કે અંધકારમય થઇ જાય છે.

કેટલાક વ્યવસાયમાં નિવૃત થયા પછી એ કામ નિવૃતિ બાદ કરી શકાય છે. મેડીકલ પ્રેક્ટિશનર સરકારી દવાખાના, હોસ્પિટલ કે કોલેજમાં સેવા આપતો હોય તો નિવૃત થયા પછી પ્રાઇવેટ પ્રેકટિસ કરી શકે છે કેટલાક જજ નિવૃત થયા પછી ઉપલી કોર્ટમાં વકીલાત કરી શકે છે અગર પંચ, ટ્રિબ્યુનલમાં પુન: સ્થાપિત થઇ શકે છે. આપણે ત્યાં વકીલો નિવૃત થતા નથી! રામ જેઠમલાણી નેવું વરસે પણ પ્રેકટિસ કરતા હતા. કથાકાર કે મહારાજોને પણ નિવૃત થવાનું રહેતું નથી!ક્રિકેટરો ટેસ્ટ વનડે કે ટવેન્ટી ટ્વેન્ટીમાથી નિવૃતિ લીધા પછી આઇપીએલમાં રમે છે અને કરોડોની કમાણી કરે છે. ક્રિકેટ રમવાનું બંધ કરે તો કોચિંગમાથી તોતિંગ કમાણી કરે, કોમેન્ટરી કરે અને કમાય, જાહેરાત કરે અને કમાય છે….ગાંગુલી જેવા તો કેટલાક બીસીસીઆઇના ચેરમેન બની જાય છે. જો કે, જીંદગીભર બેટ ન પકડનારા બીસીસીઆઇના સેક્રેટરી બની જાય છે!

રાજકારણ એ એવું ક્ષેત્ર છે. જયાં નિવૃતિવય તય કરવામાં આવેલી નથી. એક પગ કબરમાં એ રૂઢિપ્રયોગ રાજકારણમાંથી આવેલો છે. ગ્રામપંચાયતનો સભ્ય , સરપંચ, તાલુકા ડેલીગેટ, જિલ્લા ડેલીગેટ, વિધાયક, સાંસદ, સંસદીય સચિવ,નાયબ મંત્રી,રાજ્ય કક્ષા મંત્રી, કેબિનેટ મંત્રી, મુખ્યમંત્રી,પ્રધાનમંત્રી, સ્પીકર વગેરે બન્યા છતાં જીવાત્માને સંતોષ થતો નથી. ભગવાન રાજકારણીના ખોળિયામાં સંતોષેન્દ્રિય મૂકવાનું ભૂલી ગયો છે! રાજકારણી વ્હીલચેરમાં પણ વિધાનસભા કે સંસદ જશે. પરંતું, રિટાયર્ડ નહીં થાય! નેતા ટાયર થશે .પરંતું, રિટાયર થશે નહી. આમ, બા રિટાયર થશે. પરંતું, રાજકારણમાં બા કે બાપા રિટાયર નહીં થાય! છેવટે રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ થશે! કેટલાક તો પ્રધાન થયા પછી સરપંચ થશે.

રાજકારણમાં અંતરાત્માના અવાજ મુજબ જીસકે તડમેં લડું ઇસકે તડમેં હમ’ લાભ માટે લાલા લોટાલોટ કરે છે. માનો કે પામેરિયન આપણા પગમાં લોટપોટ થતું ન હોય! રાજકારણમાં નેતાને ધક્કો મારી માર્ગદર્શક મંડળમાં ખદેડવામાં આવે છે છતાં બુઢા જુવાનો નિવૃત થવાનું નામ લેતા નથી! આપણે ત્યાં મોરારજી દેસાઈએ સરકાર પડી ગયા બાદ રાજકારણને રામ રામ કરી દીધા હતા. ઓગણીસસો ઓગણ્યા એશીમાં સરકાર ગયા પછી મૃત્યુ પર્યન્ત રાજકારણને અલવિદા કરેલ. માઘવસિંહ સોલંકીએ વિદેશમંત્રીના કાર્યકારી દરમિયાન સ્વિડિશ વિદેશમંત્રીને આપેલ પત્રના વિવાદના કારણે મંત્રી પદેથી રાજીનામું આપેલુ.. પછી મરણપર્યન્ત રાજકારણ સામે જોયું ન હતું!

કેટલાક રાજકારણી રિટાયરમેન્ટની ઉંમર વીતી ગયા પછી પ્રધાનમંત્રી બનેલ. મોરારજી દેસાઈ એક્યાશી વરસે પ્રધાનમંત્રી થયેલ. ચરણસિંહ અઠ્ઠોતેર વરસે પ્રધાનમંત્રી થયેલ. મનમોહનસિંહ બોતેર વરસે પ્રધાનમંત્રી થયેલ. બાજપાયીજી ચુમ્મોતેર વરસે પ્રધાનમંત્રી થયેલ. માત્ર રાજીવ ગાંધી ચાલીસ વરસે એટલે કે યુવાનીમાં પ્રધાનમંત્રી થયેલ!

લોકસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે. બે ત્રણ સુખદ આંચકા જોવા મળ્યા. ક્રિકેટર તરીકે ગંભીર છાપ છોડી ગયેલા ગૌતમે રાજકારણમાંથી મહાભિનિષ્ક્રમણ કરવાનું એલાન કર્યું. જો કે, ગૌતમ રાજકારણમાં ગંભીર છાપ પાડવામાં નિષ્ફળ ગયેલ અને તેને ટિકિટ મળવાની સો ટકા શક્યતા ન હતી. એટલે આબરૂ બચાવવા રાજકારણને હાયહાય કરી બાય પાસ કરી બાયબાય કર્યું હોય એમ પણ બની શકે! ગૌતમે ક્રિકેટ પર ફોકસ કરવાનું બહાનું રજૂ કર્યુ. ભાઇ, રાજકારણમાં આવ્યા પહેલાં તમારા ક્રિકેટનો ધી એન્ડ’ થઇ ગયેલ. જો ક્રિકેટને પ્રાથમિકતા હતી તો રાજકારણમાં કેમ આવ્યા? કોઇએ કંકુ ચોખા તો ચોડ્યા ન હતા. ટિકિટ ન મળી એટલે રાજકારણમાં રોજા રાખવાની ગૌતમ ગંભીરની વાત ગંભીર જણાતી નથી. પરંતું,દંભી લાગે છે!

ડો હર્ષવર્ધન જાણીતો ચહેરો છે. વ્યવસાયે તબીબ છે. કોરોના સમયે આરોગ્યમંત્રી હતા. ડોકટર હોવાના લીધે કોરોનામાં સારી કામગીરી કરી હોવા છતાં મંત્રી તરીકે પડતા મુકાયેલ. હવે, ચૂંટણીની ટિકિટ આપવામાં આવી નથી. હર્ષવર્ધને હવે બહું થયું એમ ટ્વિટ કર્યું. કૃષ્ણનગરની કલિનિક રાહ જૂવે છે એમ કહી રાજકારણને સાયોનારા કહ્યું. હર્ષવર્ધનજી કલિનિક તો દસ વરસ પહેલાં પણ તમારી પ્રતીક્ષા કરતું હતું. માત્ર દ્રાક્ષ ખાટી હોતી નથી, કેરી કે સ્ટ્રેબેરી પણ ખાટી હોય છે!

જયંત સિંહા તો બધાના બાપ નીકળ્યા. જયંત સિંહા બે ટર્મ તરીકે સાંસદ રહ્યા. રાજ્ય કક્ષાના મંત્રી પણ બન્યા. ઓગણીસસો ત્રેસઠમાં જન્મેલ જયંત સિંહાની ઉંમર એકસઠ વરસ છે.જયંત ટેકનોક્રેટ અને એમબીએ હતા. આ ઉંમરે બ્યુરોક્રેટ રિટાયર થાય, પોલિટિશ્યન નહીં! મજાની વાત એ છે કે ઓગણીસ સો સાડત્રીસમાં જન્મેલ યશવંતસિંહા જયંતના પિતાજી છે. યશવંતની ઉંમર સત્યાંશી છે. યશવંતસિંહા સનદી અધિકારી હતા. દેશના નાણામંત્રી પણ રહી ચુકયા છે. હાલમાં યશવંતસિંહા ટીએમસીના સાંસદ છે. યશવંત સિંહા રિટાયર થવાના મુડમાં નથી! લાગે છે કે રાજકારણમાં મરણ સુધી ઇનિંગ ખેલી નાંખશે’સિનિયર સિંહા રાજકારણમાં સક્રિય છે. જયારે જુનિયર સિંહા રાજકારણમાંથી રિટાયર થઇ રહ્યા છે! આને મજેદાર કરૂણતા કે કોમેડી કહી શકાય કે નહીં?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા