વિશ્વની વિખ્યાત વ્યક્તિઓની વિશેષ સફળતાનાં રહસ્ય આ રહ્યાં..!
ક્લોઝ અપ – ભરત ઘેલાણી
આ સિક્રેટ્સ જાણવા અનેક અવનવાં સંશોધન થયાં છે. એનાં તારણ મજાનાં અને નવી દિશા તરફ દોરી જનારાં છે… સફળતાના સાત સિક્રેટ. આ વાક્ય પહેલી નજરે અજાણ્યું નહીં લાગે. અમુક વ્યક્તિની કેટલીક આદત-અમુક રીતિ-નીતિ -અમુક કાર્ય પદ્ધતિ એને પોતાનાં કાર્યમાં -વ્યવસાયમાં સફળતા તરફ દોરી જાય છે. આવી સફળ વ્યક્તિઓની રોજિંદી હેબિટ્સ -આદતો વિશે બહુ લખાયું છે – અનેક પુસ્તકો પ્રગટ થયા છે. કોઈ લેખકે સફળ વ્યક્તિની સફળતા પાછળની ૭ આદત ગણાવી છે તો કોઈ સંશોધકે ૧૧ હેબિટસ વર્ણવી છે તો કોઈ મનોચિકિત્સકે લાંબાં-પહોળાં અને ઊંડાં સંશોધન પછી સકસેસફૂલ આદમીની ૧ નહીં -૧૧ નહીં, પણ પૂરી ૫૧ આદત વર્ણવી છે! આ દરેક લેખકે -સંશોધનકારે જાણીતી વ્યક્તિની સફળતા પાછળની આદતોનું પોતાની રીતે પોસ્ટમાર્ટમ – પૃથક્કરણ પણ કર્યું છે..
સફળતાનાં ચોક્ક્સ સિક્રેટ્સ શોધતી મનોચિકિત્સક ‘મેન્ડી ક્લોપર્સ’ એની ‘મેન્ટલહેલ્થ ડોટકોમ’ના એક લેખમાં સક્સેસનાં ૧૦ રહસ્ય વર્ણવતી વખતે કહે છે કે તમે દરરોજ સવારે શું કરો છો તેટલું જ મહત્ત્વ આગલી રાતે તમે શું કર્યું એ છે. બીજા દિવસના કામની સફળતા માટે આગલી રાતે જે પ્લાનિંગ કરો છો એ અગત્યનું છે. તમે આવતીકાલ દરમિયાન પૂરાં કરવા ઈચ્છો છો તેવાં પાંચ સૌથી અગત્યનાં કાર્યની યાદી બનાવો પછી એ પાંચ કામ સાથે દિવસની શરૂઆત કરો. જો તમે કામનું આયોજન આગલી રાતના કરી રાખ્યું હશે ને બીજે દિવસે એ અનુસાર કાર્ય કરશો તો તમે ખુદ ચકિત થઈ જશો કે એ બધાં કાર્ય કેટલાં સરળતા અને ઝડપથી પતી ગયાં! અલબત્ત,અહીં દિવસનો પહેલો કલાક સૌથી જટિલ છે. તમારો બાકીનો દિવસ કેવો રહેશે એનો અંદેશો આ પ્રથમ કલાકથી આવી જશે..
Also read: અરાઉન્ડ ધ વર્લ્ડ : એડિનબરા ફ્રિન્જ – દુનિયાના સૌથી મોટા કોમેડી ફેસ્ટિવલમાં…
‘પેન્સિલવેનિયા યુનિવર્સિટી’ની વોર્ટન સ્કૂલના અનુભવી મનોચિકિત્સક એવા પ્રોફેસર એડમ ગ્રાન્ટ ‘ઝવશક્ષસ અલફશક્ષ’ – ’ઘશિલશક્ષફહત’ અને ‘ઘાશિંજ્ઞક્ષ ઇ’ જેવાં બેસ્ટ સેલિંગ પુસ્તકના લેખક છે. એ છેલ્લાં કેટલાંક વર્ષથી અત્યંત સફળ લોકોનો અભ્યાસ કરે છે. એમણે પોતાના સંશોધન પછી એવી ૧૧ આદત અલગ તારવી છે, જેને જાણીતી સફળ વ્યક્તિઓ દરરોજ અમલમાં મૂકે છે. જોકે, આપણે એ બધાની ચર્ચા અહીં ન કરીએ, માત્ર એને અલપ-ઝલપ જોઈ જઈએ, જેમકે એમના કહેવા અનુસાર …
સફળ વ્યક્તિ સરળતાથી સફળ થવા નથી ઈચ્છતા. એ સામેથી કડાકૂટવાળો માર્ગ પસંદ કરે છે. એમને પડકાર પસંદ છે..
‘અમુક કામ કરવાથી તમુક ભૂલ થશે’ એવી જાણ હોવા છતાં એ વ્યક્તિ ચાહીને પોતાની જાતને અજમાવવા ‘ભૂલવાળા’ અખતરા કરીને ઠોકર ખાઈને એમાંથી માર્ગ કાઢે છે…
એ કોઈ કામ કરે-કોઈ નવો પ્રોજેકટ હાથમાં લે તો એની નજીકની વ્યક્તિ પાસે એ પ્રતિસાદ નથી માગતી-એ ટીકા સાથેની સલાહ માગે છે…
સફળ આદમી પોતાનું કામ જલદી પૂરું થાય એ માટે ઉતાવળ નથી કરતા. પોતાનું કામ શ્રેષ્ઠ રીતે પૂર્ણ થાય એનો આગ્રહ રાખે છે. એ પોતે ક્યાંક અટવાઈ જાય તો કામચલાવ થોભી જાય છે-કામમાં વિશ્રામ લે છે. આવો ‘વિશ્રામ’ એને આગળ વધવાનો નવો માર્ગ સુઝાડે છે…
એ બીજાની વાતથી દોરાઈને પોતા વિશે નિર્ણય લેતા નથી. એ ખુદ્ પોતાના અંતિમ ન્યાયાધીશ છે આવી વ્યક્તિ હંમેશાં માનતી હોય છે -કહેતી હોય છે કે ‘મને સાચા નિર્ણય કેમ લેવા એની કદાચ સમજણ નથી, પણ કોઈ નિર્ણય લીધા પછી એને સાચો કરવાની મારામાં સમજણ છે..!’ (આપણા ઉદ્યોગઋષિ રતન તાતા પણ આમ કહેતા અને અનુસરતા !)
આમ જુઓ તો સફળતાનું કોઈ ખાસ કારણ હોતું નથી ને તેમ જુઓ તો સફળતાનાં અનેક કારણ હોય છે.. આમાંનું એક વિશેષ કારણ એ છે કે જે કાર્ય કરો એ એકધારું કરો ને એને નિષ્ઠાપૂર્વક વળગી રહો.
આજે જાણીતી છે-સફ્ળ છે એવી કેટલીક વ્યક્તિઓની આદત-લત અથવા કહો તો કાર્યપદ્ધતિ વિશે જે રસપ્રદ પૃથક્કરણ થયું છે એ બધાની સફળતા પાછળ પ્રત્યક્ષ-પરોક્ષ રીતે સચોટ તારણરૂપે એક નિયમ બહાર આવ્યો છે અને એ નિયમ છે:
‘ફાઈવ અવર ગોલ્ડન રુલ’ માઈકલ સિમોન્સે નામના એક સંશોધનકારે સફળતાનો આ ‘ફાઈવ અવર ગોલ્ડન રુલ તૈયાર કર્યો છે. હકીકતમાં આ રુલ છે શું?’
આ નિયમ છે કે રોજનો એક કલાક એટલે કે અઠવાડિયાના પાંચ કલાક તમારે નિયત સમયે રોજ તમને ગમતી એક પ્રવૃતિ કરવાની એટલે કરવાની-પછી એ તમારી હોબી હોય કે ધંધા – વ્યવસાયને લગતી હોય -અને વિશ્ર્વની અનેક ખ્યાતનામ વ્યક્તિઓ પૂરતી સજાગતા સાથે આ નિયમનું પાલન કરે છે. આ રોજનો એક એવા અઠવાડિયાના પાંચ કલાક દરમિયાન એ બધા એક નિશ્ર્ચિત -અગાઉથી નક્કી કરેલાં કાર્યમાં જ ઓતપ્રોત રહે છે.આ બધાની સફળતા પાછળ એક વિશેષ વાત એ ફલિત થઈ કે રોજનું ઓછામાં ઓછું એકાદ કલાકનું વાંચન બહુ જરૂરી છે, જેમકે સૌથી સફળ રોકાણકાર વોરેન બફેટ વાંચનનાં રાજા છે. ૯૪ વર્ષીય વોરેન બફેટ આજે પણ રોજ દિવસના પાંચથી છ કલાક પાંચ છાપાં અક્ષરે અક્ષર વાંચે ઉપરાંત જેમાં એમને રોકાણ કરવું હોય એ કંપનીઓના વાર્ષિક રિપોર્ટ્સ (૫૦૦ પાનાં!) સુધ્ધાં ઉથલાવી મારે..!
એ જ રીતે જાણીતી ટીવી પ્રેઝન્ટર ઑપ્રા વિનફ્રેને રોજ સતત પુસ્તકો વાંચવાની વેણ ઊપડે છે. સતત સિગારેટ ફૂંકતાને આપણે ચેન સ્મોકર કહીએ છીએ તેમ ઑપ્રા ‘ચેન રીડર છે. ટેક્નોલોજી કંપની ‘માઈક્રોસોફટ’ના માલિક બિલ ગેટ્સે વર્ષ દરમિયાન પોતે ચૂંટેલાં ૫૦ પુસ્તક વાંચવા જ એવો નિયમ બનાવ્યો છે.
બીજી તરફ, આપણને ફેસબુક તથા વ્હોટ્સ ઍપની લપ લગાડી આપણી વાંચવાની આદતની વાટ લગાડનારા માર્ક ઝુકરબર્ગ દર ૧૫ દિવસે ઓછામાં ઓછું ૧ પુસ્તક તો વાંચે જ છે તો આજે અમેરિકાના આગામી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્ર્મ્પના ખાસ મિત્ર અને વિશ્ર્વના સૌથી શ્રીમંત, જે ઈ-કાર દોડાવતી તથા સ્પેસક્રાફ્ટ ઉડાડતી કંપનીના સર્વેસર્વા છે એવા ઉદ્યોગ સાહસિક ઈલોન મસ્ક અગાઉ એક દિવસમાં ફટાફ્ટ બે બુક વાંચી જતા, પણ હવે અતિ વ્યસ્ત રહેવાને કારણે મહિનામાં એકાદ પુસ્તક જરૂર વાંચે છે.
Also read: સ્પોર્ટ્સ મૅન : ભારતનો ડી. ગુકેશ ચેસ જગતનો નવો સમ્રાટ બનશે?
આવી અને એમના જેવી અનેક સફળ નીવડેલી ૨૦૦ જેટલી વ્યક્તિ વિશે સંશોધન કરી એનાં તારણ પર ‘રીચ હેબિટ્સ ઑફ વેલ્ધી’.. નામના પુસ્તકના લેખક થોમસ કોર્લી કહે છે કે એ ૨૦૦માંથી ૮૬ % ટીવી જોવાનું ટાળીને પુસ્તકો અને બ્લોગ્સ વાંચે છે- ઑડિઓ બૂક ને પોડકાસ્ટ સાંભળે છે!
આમ સફળતાના ફાઈવ અવર રૂલમાં એક નિયમ નિયમિત વાંચનનો છે અઠવાડિયાના બાકીના ચાર કલાક માટે દરેક સફળ વ્યક્તિએ પોતપોતાની રીતે ગોલ્ડન રૂલ બનાવ્યા છે. કોઈ સપ્તાહમાં એક કલાક મનને શાંત રાખવા મેડિટેશન કરે-ધ્યાન ધરે તો કેટલાક આગલા દિવસે કે પછી આગલા અઠ્વાડિયે ધંધા- વ્યવસાયમાં ક્યાં ભૂલ કરી-એને હવે કઈ રીતે સુધારવી એના ઉપાય વિચારે એક કલાક માટે..
આ બધા વચ્ચે ‘ફાઈવ અવર ગોલ્ડન રૂલ’ના પાલન કરવા ઉપરાંત ‘એમેઝોન’ના જેફ બેઝોસ એક મુલાકાતમાં કહે છે કે કામનું ગમે તેટલું ટેન્શન હોય તો પણ રાતે પૂરા આઠ કલાકની ઊંઘ તો હું અચૂક લઉ! એમાં કોઈ બાંધછોડ હું નથી કરતો. એ પછી ઑફિસે જઈ લંચ લેતા પહેલાં અગત્યની મિટિંગ કરીને મહત્ત્વના નિર્ણય લેવાના અને હાં, લંચ પછી કયારેય હું મહત્ત્વનો નિર્ણય નથી લેતો!’ જેફ બેઝોસ દ્ર્ઢપણે માને છે કે અપૂરતી ઊંધ અને ભરેલ પેટે લીધેલા નિર્ણય ભૂલભરેલા નીવડી શકે!