વીક એન્ડ

સેકન્ડ હેન્ડ લગ્નના દહેજમાં નવું ફર્નિચર મળે?!

ઊડતી વાત -ભરત વૈષ્ણવ

‘રાજુ, લગ્ન એ શું છે?’
મેં રાજુ રદીના ઘરે જઇને એને પૂછયું.
રાજુ રદી નાની ખાટલીમાં કુંભકર્ણની જેમ ઘોરતો હતો. એના નસકોરા લુહારની ધમણની જેમ ચાલતા હતા મેં એને હડબડાવ્યો.મહા પ્રયત્ને રાજુ રદી જાગ્યો.બાથરૂમમાં જઇ મોં ધોઇને આવ્યો. ગિરધરભાઇ,આઇ બેગ યોર પાર્ડન… તમે સવાલ પૂછ્યો ત્યારે હું ભર નિંદ્રામાં હતો.તમે શું પૂછેલું ? રાજુએ મને સામે સવાલ કર્યો પછી એણે મારા હાથમાં ચાનો કપ પકડાવ્યો.

લગ્ન એ શું છે?’ચાનો ઘૂંટડો લઇ મેં સવાલ દોહરાવ્યો. ગિરધરભાઇ, લગ્ન એ દ્રાક્ષ છે. મારી જેવા દ્રાક્ષ ખાવા કૂદકા મારે છે, પરંતુ દ્રાક્ષ મળતી નથી. જો કે, હું નિરાશ થયેલ નથી. હુ દ્રાક્ષને ખાટી માનતો નથી. મારા માટે દ્રાક્ષ હજુ પણ મીઠીમધ છે… દ્રાક્ષ મળશે ત્યારે લિજજતથી આરોગીશ!’ રાજુ રદીએ પુરાણી અને પ્રચલિત માન્યતાનું ભારપૂર્વક ખંડન કર્યું.

રાજુ,લગ્ન એ આમલી જેવા છે. આમલી જોઇને સૌ ખાવા લલચાઇ જાય. આમલી ખાઇને દાંત અંબાઈને ખાટાખસ થઇ જાય છે. જો કે, કેટલાકને લગ્ન રૂપી ગોરસ આમલી જેવા લાગે છે. આંબલી હોય તો ખાટી હોય કે મોળી એની સાથે આપણે શી નિસ્બત! મેં રાજુને સઉદાહરણ લગ્નની સંકલ્પના સમજાવી . ગિરધરભાઇ, લગ્ન અને સેલ વચ્ચે એક સામ્ય છે. બંનેને લગભગ બારમાસી કહી શકાય.ચોમાસામાં વરસાદ પડે કે ન પડે, પરંતુ સેલ- મહાસેલ- બિગ ડિસ્કાઉન્ટ સેલનાં વાદળાં મહિલાઓને પલાળતા રહે છે. પછી ભલે ગોરધનોનાં ખિસ્સા તલવારની ધારે કપાતા હોય!સામાન્ય રીતે સેલનો સમય સવારના દસથી રાતના દસ હોય છે, છતાં મહિલાઓને ચાંદલા, બકલ રબ્બર બેન્ડ , હેરપિન, લિંગરી, ઇનરવેર, ટયુબટોપ, કુર્તી, પલાજા , લેગિન્સ, જેગિન ,ગાઉન, વનપીસ જાણે કેટકેટલી વસ્તુનું શોપિંગ કરવાનું હોય? આટલા ટૂંકા સમયમાં આઇટમની પસંદગી કરવી મુશ્કેલ હી નહીં, પણ નામુમકીન ગણાય! ૭૮ કુર્તીની ટ્રાયલ લેવી, ૯૦ પલાજોના રંગના શેડ, ટોપના ૧૧૩મા દોરાના કલર સાથે મેચિંગ કરવું પછી બોડી ટોન સાથે મેચ કરવું, વગેરે મેરેથોન રેસથી કમ નથી. તમે ઇન્ટેલિજન્ટ હો તો મને મહોતરમાઓ, માફ કરજો. જે ઇન્ટેલિજન્ટ હોય એ સેલના રવાડે કે ચક્કરમાં ફસાય ખરી? તમે સ્વપુરૂષાર્થે આઇપીએસ કે આઈએએસ થઇ શકો .જો કે, લિપસ્ટિકના ડાર્ક લાઇટના અઢારસો શેડમાંથી એક શેડ દસ કલાકમાં સિલેકટ કરી શકો તો મને ફટ
કહેજો! બોસ, ફિમેલના હોઠ ઓલરેડી સોંદર્યનો ભંડાર હોય તેને ટોકસિક- હાનિકારક લિપસ્ટિક લગાડી ચંદ્રમાં ડાઘ લગાડવાની શી જરૂર છે? ’
સહેજ શ્ર્વાસ લઈને રાજુ રદીએ એની મેરેથોન વાત આગળ ધપાવી:
ગિરધરભાઈ,લગ્નનું પણ એવું છે. હવે તો ધનારક, મિનારક, કમૂરતાનો કળકળતો ખીચડામાં પણ લગ્નના ઢોલ ઢબૂકે છે. ઇવન, સિંહસ્થ વરસમાં લગ્ન ન થઇ શકે તેમ વિપ્રોએ માર્ગદર્શન આપેલું, છતાં અન્ય વરસની સરખામણીએ એ વર્ષે સૌથી વધુ મેરેજ થયેલાં ! લગ્ન અને સેલ બંનેમાં નાણાં કોથળી જોઇએ. બંનેમાં ભીડ જોઇએ….સેલ બધાને ફળતું નથી.

લગ્ન પણ કયાં બધાને ફળે છે? સોક્રેટિસ જેવાને ઝેન્થિપી જેવી કર્કશા અને કુબ્જા મળી હતી. ભતૃહરિને પીંગળા જેવી રાણી મળી હતી….. સેલમાં ક્યારેક ડિફેકટિવ, ક્યારેક ઓવરસાઇઝ, ક્યારેક અંડરસાઇઝ કપડા ભટકાડી દેવામાં આવે છે. ઘણીવાર ખરીદેલ વસ્તનું એકસચેન્જ કરતા નથી કે માલ રિટર્ન કરતા નથી કે પૈસાનું રીફંડ થતું નથી…..એવું જ લગ્નમાં છે… રાજુએ લગ્ન અને સેલનું સામ્ય સમજાવ્યું.

રાજુ, લગ્નમાં સેલ જેવી સ્કિમ હોતી નથી. સેલમાં એકની ખરીદી પર એક ફ્રી મળે છે. ઉટી હવાઇમથક પર હોમ મેઇડ લિકરની એક બોટલની ખરીદી પર સાત સાત બોટલ ફ્રી મળે છે….! મેં લગ્ન અને સેલનો વિરોધાભાસ દર્શાવ્યો.

ગિરધરભાઇ, લગ્નમાં પણ ફર્સ્ટ હેન્ડ, સેક્ધડહેન્ડ, પ્રિયુઝડ, ગ્રે માર્કેટ, ડિસ્કાઉન્ટ સ્કિમ અમલમાં રહે છે. કેટલીક કંપનીઓ બારે માસ ડિફેકટિવ પીસનું સેલ રાખે છે. માનો કે કંપનીએ નવોનકોર માલસામાન બનાવવાના બદલે ડિફેકટિવ માલ બનાવવાની મહારત હાંસલ કરી ન હોય! સારો છોકરો કે સારી છોકરીની શોધમાં અમુકતમુક વરસો પસાર થયા પછી લગ્ન બજારમાં રિજેકટેડ – ડિફેકટિવ ક્ધયા કે વર જે વધ્યું ઘટ્યું હોય એને પસંદ કરવું પડે…

‘આમાં હાથને બદલે માથામાં મેંદી લગાવનાર, કેસલેસ – ,ટાલિયા પણ મળે..!’ રાજુએ પૂરક માહિતી રજૂ કરી.

‘રાજુ, લગ્નમાં દહેજ કે કરિયાવરની લેતીદેતી અનિવાર્ય અનિષ્ટ છે. આઇએસ અગર આઇપીએસ જેવી પ્રાઇમ સ્ક્રિપ્ટ હોય એટલે મનચાહ્યું દહેજ મળે. કેટલાક બેવકૂફો કંકુ-ક્ધયા માટે દુરાગ્રહ રાખે બાકી તો સૌ દહેજગંગામાં ડૂબકી લગાવે!’ મેં દહેજની વિષમ અને સ્ફોટક સ્થિતિની વ્યથાકથા કહી.

ગિરધરભાઇ, દહેજની લેતી- દેતીને ફ્રેશ લગ્ન કે પુન:લગ્ન જેવો એવો ફરક પડે ખરો? નવા લગ્નમાં દહેજમાં બધી નવી વસ્તુ મળે,જ્યારે બીજાં લગ્નમાં પ્રિયુઝડ કે સેક્ધડહેન્ડ વસ્તુ દહેજમાં મળે ? રાજુએ દહેજસંબંધિત સળગતા સવાલનો લાઇવ કાકડો ફેંકયો.

રાજુ, તાજેતરમાં એક બનાવ બની ગયો. હૈદરાબાદમાં એક લગ્ન યોજાયેલા. એમાં ક્ધયા ચોરીમાં આવી, પણ વરરાજા પ્રગટ ન થયા. ત્યારે કોઇએ વરને ફોન કરી પરણવા ક્યારે આવો છો?’ એમ પૂછયું તો નારાજ વરરાજાએ ગુસ્સામાં ફોડ કહ્યું કે ક્ધયાના પિતાએ દહેજમાં જૂનું ફર્નિચર ફટકાર્યું છે માટે એને આ મેરેજ મંજૂર નથી. અહીં કલાઇમેકસ એ છે કે વર અને ક્ધયાના બીજા લગ્ન હતા…! મેં ફોડ પાડ્યો!
રાજુ રદી ઓછા લાકડે કયાં બળે એવો છે?

રાજુ રદી કહે : ‘બીજા એટલે સેક્ધડ હેન્ડ લગ્નમાં દહેજમાં સેક્ધડ હેન્ડ ફર્નિચર ન મળે તો શું મળે? દહેજમાં નવું ફર્નિચર મેળવવું હોય તો નવા અને પહેલી વારના લગ્ન કરવા પડે!’
સાલ્લું, રાજુ રદીની વાતમાં પહેલીવાર મને સોલીડ દમ દેખાયો!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button