વીક એન્ડ

દરિયાનો સિંહ… લાયન ફિશ

નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી

નામ હી કાફી હૈ… લોઇન… અરે, પેલા વિલન સજીતની જેમ ‘લોઈન’ નહીં… લાયન!.
લાયન એટલે સિંહ અને સિંહ એટલે રોયલ લુક અને સ્વભાવ. આપણે હમણાં ઘણા
સમયથી જમીન ઉપરનાં જ પ્રાણી-પક્ષીઓની ઓળખાણ કરી છે… તો ચાલો, આજે ફરી એકવાર સમુંદરના ઊંડાણમાં ડૂબકી મારીએ. અગાઉ
આપણે આવી થોડી ડૂબકીઓ મારી જ છે.

આજે આપણે દરિયાનો સિંહ એટલે કે ‘લાયન ફિશ’ના નામે ઓળખાતી એક માછલીનો પરિચય કેળવીએ.
નામ એનું લાયન ફિશ છે ને સ્વભાવે એ ખૂંખાર શિકારી પણ છે, પરંતુ સિંહની જેમ
શિકાર કરતી નથી.એની શિકાર કરવાની ઢબ અલગ છે તો પછી એ લાયન ફિશ તરીકે કેમ ઓળખાય છે?
આ માછલીને તેના દેખાવના કારણે લાયન
ફિશ નામ અપાયું છે. સિંહના માથે જેમ
કેશવાળી હોય છે, તેને મળતો દેખાવ અને એ જોખમી હોવાથી તેને વૈજ્ઞાનિકોએ લાયન ફિશ એવું નામ આપ્યું છે.

આમ સાવ શાંતિથી દરિયાની ઊંડાઈમાં તરતી આ ફિશને કોઈ પણ જુવે તો તેને પકડવાનું મન થઈ આવે એટલી સુંદર લાગે, પરંતુ જેમ સિંહને ન છંછેડાય એમ જ આ લાયન ફિશને પણ છંછેડાવી જોખમી છે.

પ્રકૃતિની એક ખાસિયત છે કે જોખમી જીવો એકદમ રૂપાળા અને સૈફ અલી ખાન જેવા રંગીલા હોય છે.

કુદરતે એમને આ દેખાવ તેમના બચાવ માટે આપ્યો છે. આવા પ્રાણીઓના બોલ્ડ રંગોમાં એક સંદેશો છુપાયેલો હોય છે : ‘મારાથી દૂર રહો, હું જોખમી છું.’ તો ચાલે, હવે આપણે આ દરિયાના રૂપકડા સાવજને ઓળખીએ.
વિશ્ર્વભરના દરિયાઓમાં લાયન ફિશની
કુલ મળીને ૧૮ જેટલી પ્રજાતિઓ છે. આ
લાયન ફિશ નાનામાં નાની ૧૩ ઈંચની અને
મોટામાં મોટી ૧૮ ઇંચ જેટલા કદની થાય છે. હવે પ્રશ્ર્ન થાય કે લાયન ફિશ દરિયામાં રહે
ક્યાં? તો દરિયામાં સપાટીથી નીચે ૧૬૪ ફૂટ અને વધુમાં વધુ ૯૮૪ ફૂટની ઊંડાઈએ પણ જોવા મળે છે.

પંખીઓની પાંખમાં જેવા અણિયાળા પીંછા હોય છે તેવા પીંછા આકારની રચના તેના આખા શરીર પર છે. તેના શરીરની ઉપરની બાજુ એટલે કે તેની કરોડરજ્જુ સાથે, નીચેની બાજુ પેટાળ પર અને શરીરની બંને તરફ જોડાયેલા પીંછા પોતે જ અત્યંત ઝેરી હોય છે.

દરેક પીંછાની અંદર બે ‘વિનમ ગ્લેન્ડ’ એટલે કે ઝેર બનાવતી ગ્રંથી હોય છે.

જ્યારે કોઈ શિકારી તેના ઉપર હુમલો કરે ત્યારે તેના પીંછામાંથી કાતિલ ઝેર શિકારીની અંદર
પ્રવેશી જાય છે, જે ખૂબ પીડાદાયક હોય છે.

મજાની વાત છે કે લાયન ફિશ પોતાના ઝેરનો ઉપયોગ શિકાર કરવા માટે નથી
કરતી, પરંતુ શિકારીઓથી બચવા અને સ્વબચાવ માટે જ કરે છે. કહે છે કે પુખ્ત માનવ માટે
લાયન ફિશનું ઝેર ઘાતક હોતું નથી, પરંતુ બાળકો અને વૃદ્ધો માટે આ ઝેર કાતિલ પુરવાર થઈ
શકે છે.

માનવને કરડે તો એકમાત્ર કારગર ઉપાય છે કે તેના દંશ પર પંદર મિનિટ સુધી ગરમ પાણી રેડવું અથવા શેક આપવો.

પરવાળાની છાજલીમાં ધીમી ગતિએ લટાર મારતી લાયન ફિશના શરીર પર સફેદ, લાલ અને કાળા રંગના ચટાપટાથી પોતે ઝેરી છે અને દૂર રહેવું એવી ચેતવણી આપે છે.

લાયન ફિશ પોતાનો ચોકકસ વિસ્તાર બાંધીને તેટલા ઈલાકામાં જ જીવન ગુજારે છે. પોતાના વિસ્તારમાં આવી ચડેલા કોઈ પણ જીવ પર તે પોતાના ઝેરીલા કાંટા ઊંચા કરીને બબાલ કરવા તૈયાર જ હોય છે. ખાસ કરીને આવી બબાલો સંવનન કરતી વખતે અથવા એમને એમ પોતાના વિસ્તારમાં બીજો નર આવી જાય તો તેની સાથે થતી જોવા મળે છે.
લાયન ફિશ સિંહની અને દીપડાની જેમ ઘાત લગાવીને શિકાર કરે છે. તે દરિયાના તળિયે પોતાની પાંખોથી રેતીને ખંખોળે છે અને છુપાયેલા જીવો બહાર આવે એટલે એમને આખે આખા મોઢામાં ખેંચી લે છે.

કિશોરાવસ્થામાં લાયન ફિશ ઝીંગા જેવા
જીવોનો આહાર કરે છે જ્યારે પુખ્ત બન્યા બાદ માછલીઓને પણ ઓહિયા કરી જાય છે. તેના ખોરાકમાં ઝીંગા, આઈસોપોડ, કરચલા અને
માછલી પણ છે, પરંતુ ખોરાક બાબતે લાયન ફિશના બહુ નખરાં નથી હોતા, પોતાના મોંમાં સમાઈ જાય તેવો કોઈ પણ જીવ તેને ભાવે, ભાવે અને
ભાવે જ!

માછલીઘરમાં જો ખોરાક મળવામાં મોડું થયું હોય તો મોટી લાયન ફિશ નાની લાયન ફિશને પણ ખાઈ જાય..! દરિયામાં લાયન ફિશના બે કે ત્રણ દુશ્મન છે અને તે છે શાર્ક, મોરે ઈલ, કોરનેટ ફિશ અને ફ્રોગ ફિશ.

માદા લાયન ફિશ પુખ્ત થયા બાદ ઈલુ ઈલુ કરીને રોજના ૧૦,૦૦૦ થી ૩૦,૦૦૦ જેટલા ઈંડાંના હિસાબે વર્ષ દરમિયાન કુલ મળીને ૨૦,૦૦,૦૦૦ એટલે કે
અંકે વીસ લાખ પૂરા ઈંડાં મૂકે છે. કહે છે કે હૂંફાળા પાણીમાં વસતી લાયન ફિશ ઠંડા પાણીની લાયન ફિશ કરતાં વધુ વખત પ્રજનન કરે છે. તેના શિકારી ઓછા હોવાથી તે જે વિસ્તારમાં વધુ માત્રામાં હોય ત્યાં દરિયામાં બીજી પ્રજાતિઓના ભૂકકા કાઢી નાખે છે અને તે વિસ્તારનું પર્યાવરણ અસંતુલિત બની જાય છે. તેથી વૈજ્ઞાનિકોએ શાર્ક માછલીઓને તેનો
શિકાર કરવાની ટેવ પાડી છે. વધુમાં તેના
કાંટામાં જ ઝેર હોવાથી તેનું બાકીનું શરીર ખાવાલાયક હોય છે એવી જાગૃતિ જુદા જુદા દેશોમાં ચાલે છે.

આ માછલીને આપણે દેશના ઘણા માછલીઘરોમાં જોઈ હશે, પરંતુ તેને જોઈને ‘આહ’ કે ‘ઓહ’ સિવાય તેને જાણવાની દરકાર નથી
કરી.. આમેય આપણી આસપાસના પર્યાવાસમાં વસતા માનવ સિવાયના જીવોમાંય ક્યાં કદી રસ લીધો છે?
જરૂર છે તો બસ એક જ વાતની કે આપણી અંદરના બાળકને આપણે જગાડીએ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button