વેર-વિખેર – પ્રકરણ-૩૩
ઓહ, તો તમને પણ પપ્પાનું હજી લાગી આવે છે? ખેર, સાચી વાત ખબર પડશે ને ત્યારે તમારા પણ હોશહવાશ ઊડી જશે!
કિરણ રાયવડેરા
‘પૂજા, પૂજા ઊઠ… તેં મને શા માટે બોલાવ્યો હતો?’ પૂજાને ઢંઢોળીને વિક્રમ ઉઠાડતો હતો, પણ પૂજા ભરઊંઘમાં હતી. હં… હં…’ કરીને ફરી સૂઈ ગઈ.
‘અરે, પૂજા, શું બપોરના આ રીતે ઘોડા વેચીને સૂતી છો? તો મને બોલાવ્યો શું કામ?’
વિક્રમની કમાન છટકતી હતી. એક તો બપોરના ઑફિસથી પાછા ફરવું પડ્યું એટલે એનું મગજ ઠેકાણે નહોતું. ઑફિસમાં ઘણું કામ હતું. અધૂરામાં પૂરું, સવારથી પપ્પા ઑફિસે એક વાર પણ આવ્યા નહીં. ડ્રાઈવર જાદવે કહ્યું કે એમને રવીન્દ્ર સદન મેટ્રો સ્ટેશન પાસે ડ્રોપ કર્યાં હતા.
પપ્પાને મેટ્રો સ્ટેશન પાસે શું કામ પડ્યું હશે? જાદવ કહેતો હતો કે એમનો કોઈ મિત્ર બહારગામથી આવ્યો હતો. કમાલ કહેવાય! પહેલાં કોઈ દિવસ પપ્પા આ રીતે મિત્રને મળવા રસ્તા વચ્ચે ઊતરી ગયા હોય એવું બન્યું નથી.
એવો ક્યો સ્પેશિયલ ફ્રેન્ડ હશે? સવારની વાત હજી ભુલાતી નહોતી ત્યાં બપોરના ઘરે આવ્યા બાદ એકપછી એક કંઈ ને કંઈ બનતું રહે છે. એક તો વિક્ર્મને ઑફિસે કોઈ પર્સનલ ફોન આવે એ ગમતું નહીં. પૂજાને એણે હંમેશ માટે તાકીદ કરી રાખેલી કે ઈમર્જન્સી ન હોય ત્યાં સુધી મને ઓફિસે ફોન ન કરવો. આગ લાગે કે કોઈ બીમાર પડે ત્યારે મને ડિસ્ટર્બ કરવો. એમાંય નાની- મોટી આગ કે બીમારીમાં મને બોલાવવો નહીં, છતાંય પૂજાએ આજે ફોન કર્યો હતો.
પહેલી વાર તો અવાજ ઓળખાય જ નહીં. એક વાર તો પૂછીને ખાતરી કરવી પડી કે સામે છેડેથી બોલનાર પૂજા જ હતી ને!
‘આજે તારા અવાજને શું થયું છે? ઊંઘમાં હોય એ રીતે બોલે છે.’ વિક્રમ ચિડાઈને બોલ્યો હતો.
પૂજા ફક્ત એક જ વાક્ય દોહરાવતી હતી:
‘તમે જલદી આવી જાઓને! પપ્પા મુશ્કેલીમાં છે!’
ઘરે આવ્યા બાદ જોયું તો પૂજા સૂતી હતી. મમ્મીના રૂમમાં ગયો તો મમ્મી પણ કેવું વિચિત્ર વર્તન કરતાં હતાં, મેં જ્યારે કહ્યું કે પૂજા કહેતી હતી કે પપ્પા મુશ્કેલીમાં છે તો પણ મમ્મી તરફથી કોઈ રિએકશન આવ્યું જ નહીં. એવું લાગતું હતું કે જાણે એ બીજા વિચારોમાં ખોવાયેલી હતી.
મમ્મીના રૂમમાંથી બહાર નીકળ્યો કે જમાઈબાબુ કોરિડોરમાં ભટકાઈ ગયા.
‘અરે, સાળાબાબુ, તમે બપોરના ઘરે શું કરો છો?’ જતીનકુમાર પોલીસની જેમ ઊલટતપાસ લેતા હોય એ રીતે પૂછવા લાગ્યા હતા.
આ માણસની ચામડી પણ ગેંડા જેવી છે. પોતે કોઈ પણ કામધંધા વિના મારા ઘરમાં ભરબપોરે આંટા મારે છે અને મને ટોણા મારે છે કે ઑફિસ છોડીને બપોરે ઘરમાં શું કરો છો?
વિક્રમે જવાબ ન આપ્યો. બની શકે ત્યાં સુધી એ જતીનકુમારને ટાળતો. વાતચીત થાય અને નાહકનો એનો પિત્તો જાય અને કંઈ આડુંઆવળું બોલાઈ જાય તો રેવતીને સહન કરવું પડે. જતીનકુમારને જોઈને વિક્રમને હંમેશાં રેવતીની યાદ આવતી.
એ ઘણી વાર વિચારતો કે અમુક માણસોને આપણે થોડી મિનિટિ પણ સહન નથી કરી શકતા તો એમની પત્નીઓ આવા માણસો સાથે જિંદગીભર કેમ રહી શકતી હશે!’
‘કાં, સાળાસાહેબ, મને જોઈને બધાને સાપ કેમ સૂંઘી જાય છે?’ અરે ભાઈ, આજથી હું તમારે ત્યાં રહેવા આવ્યો છું, હંમેશ માટે ! આ તો તમારાં મમ્મી બહુ જ આગ્રહ કરતાં હતાં એટલે મને દયા આવી ગઈ. ભગવાન જાણે, તમારા પપ્પાને એમના પર કેમ દયામાયા નથી.’
‘જતીનકુમાર, આપણે પપ્પા-મમ્મીને છોડીને કોઈ બીજા વિષય પર વાત કરીએ તો કેમ રહેશે?’ વિક્રમ માંડ માંડ જાત પર સંયમ રાખીને બોલતો હતો.
‘ઓહ, તો તમને પણ તમારા પપ્પાનું હજી લાગી આવે છે? ખેર, સાચી વાત ખબર પડશે ને ત્યારે તમારા પણ હોશહવાશ ઊડી જશે.’ જતીનકુમાર મંદ હસ્યા.
‘કઈ વાત… ફોડ પાડો તો કંઈ સમજાય.’ વિક્રમને લાગ્યું આ માણસ જરૂર કોઈ ચાલ રમે છે. અમુક માણસોનો સ્વભાવ ન બદલાય તે ન જ બદલાય. જતીનકુમાર પણ એ જ કોટિનો ઈન્સાન હતો.
‘તમે તો એવા માસૂમ બનો છો જાણે કંઈ ખબર જ ન હોય. અરે, હું તમારા પપ્પાના વસિયતનામા વિશે વાત કરી રહ્યો છું.’ એક આંગળી મોઢામાં નાખીને દાંતમાં ભરાયેલો કચરો કાઢતાં જતીનકુમાર બોલ્યા.
આ જોઈને વિક્રમને ચિતરી ચઢી ગઈ.
‘જે કહેવું હોય એ સ્પષ્ટપણે કહેજો, જમાઈબાબુ. તમને ખબર છે કે આડીઅવળી વાતમાં મને બિલકુલ રસ નથી.’ વિક્રમે અવાજ ઊંચો કર્યો.
‘હા, તો લ્યો આ સ્પષ્ટ વાત. તમારા પિતાશ્રીએ એમના વસિયતનામામાં તમારા નામ સુધ્ધાંનો ઉલ્લેખ નથી કર્યો. હવે તમારું નામ જ ન હોય એ સ્વાભાવિક છે.’ બોલીને જતીનકુમાર કરણના બેડરૂમમાં પ્રવેશી ગયા.
વિક્રમ સ્તબ્ધ થઈ ગયો. થોડી વાર તો જાણે કોઈએ સ્ટેચ્યૂ’ કહી દીધું હોય એ રીતે ઊભો રહી ગયો, પછી દોડ્યો મમ્મીના રૂમ તરફ.
‘પૂજા ઊઠ…. જો તું નહીં ઊઠે તો હું ચાલ્યો ઑફિસ’ વિચારતાં વિચારતાં વિક્રમને યાદ આવ્યું કે પૂજા તો હજી સૂતી હતી. એ ફરી વિચારે ચડી ગયો. મમ્મીના રૂમમાં પહોંચ્યો તો જોયું કે કરણ પણ ત્યાં જ હાજર હતો.
‘મમ્મી, પપ્પાએ કોઈ વીલ તૈયાર કરાવડાવ્યું છે?’ પોતાના વિશે વાત કરવી ઉચિત નહીં રહે એવું વિચારીને વિક્રમે જુદી રીતે પ્રશ્ર્ન કર્યો.
‘ભાઈ, તમે એમ કેમ નથી પૂછતા કે પપ્પાએ તમારી કોઈ વ્યવસ્થા કરી રાખી છે કે નહીં?’ વિક્રમ સામે જોઈને કરણે પૂછ્યું.
‘નાના, તું શું મને એટલો સ્વાર્થી સમજે છે કે હું મારી જ ચિંતા કરું? વિક્રમને ગુસ્સો પણ ચડતો હતો અને એને આશ્ર્ચર્ય પણ થતું હતું કે બહુ ઓછું બોલનારો કરણ આજે આટલી મોટી વાત કેટલી સહજતાથી કરી ગયો!
‘ના, બેટા, કરણનો મતલબ એવો નથી…’ પ્રભા વચ્ચે પડી.
‘મમ્મી, આ અમારા બન્નેની વાત છે. તું નાનાનું ઉપરાણું લઈને વચ્ચે નહીં પડ.’ જતીનકુમાર પરનો ગુસ્સો કરણ પર ઊતરતો હતો. આમેય વિક્રમને કોઈ સ્વાર્થી કહી જાય એ અપમાનજનક લાગતું. ખાસ કરીને એનાં લગ્ન બાદ તો એ વધુ તકેદારી રાખતો કે કોઈને એવું ન લાગે કે એ માત્ર એના કુટુંબની જ ફિકર કરે છે.
‘ભાઈ, તમે ઊંધું સમજો છો. મારા કહેવાનો ખરેખર એવો અર્થ નહોતો. તમે મમ્મી પર ગુસ્સે નહીં થતા, ભાઈ.’ કરણે મમ્મીની ભેર તાણી.
‘કાં… એ શું તારી એકલાની જ મમ્મી છે? તું શું સમજે છે તારા મનમાં? શું હું નથી જાણતો કે આજકાલ તું શું કરે છે કોલેજમાં? પપ્પાને ખબર પડે એટલી વાર છે.’
કરણ હબક ખાઈ ગયો.
આપણે જેને ખાનગી-ગુપ્ત વાત સમજતા હોઈએ એની ચર્ચા ચોરેચૌટે થવા લાગે તો કેવી લાગણી થાય? કરણને સમજાતું નહોતું કે રૂપા વિશે બધાંને કેવી રીતે ખબર પડી ગઈ. આ બધાં કારસ્તાન એના જિનિયસ જિજાજીનાં લાગે છે. હવે ભાઈને સંભાળવા પડશે
‘ભાઈ, ભાઈ, તમે સમજવાની ટ્રાય કરો. હું તમને સ્વાર્થી સમજવાની કદી ભૂલ નહીં કરું. પણ મને ખબર છે કે જતીનકુમારે તમને આ વાત કરી હશે. એમણે મને અને મમ્મીને પણ આ જ વાત કરી છે.’ કરણે જરા પણ ઉત્તેજિત થયા વિના સમજાવ્યું. હમણાં વાત વસિયતનામાની થાય તો સારું, જેથી રૂપા ભુલાઈ જાય, કરણ વિચારતો હતો.
‘હા, બેટા, કરણ સાચું કહે છે. આ આપણા જમાઈરાજ આપણને બધાને તારા પપ્પા વિરુદ્ધ ભંભેરે છે.’ પ્રભાએ આગળ આવીને વિક્રમના ખભા પર હાથ રાખતાં કહ્યું,
‘બેટા, કરણ અને તું બંને મારા માટે સરખા જ છો. તું પણ એટલો જ વહાલો છો. હું નાનાનું ઉપરાણું શા માટે લઉં, દીકરા? પ્રભાનું ગળું ભરાઈ આવ્યું.
‘સોરી, મમ્મી, પણ જુઓને, આજે બધું ઊંધું થવા બેઠું છે. પૂજા મને ફોન કરીને આવવાનું કહીને સૂઈ જાય છે. જતીનકુમાર મને વિલની વાત કરે છે અને પપ્પા… ભગવાન જાણે પપ્પાને શું થયું હશે…’ વિક્રમ ઢીલો પડી ગયો હતો.
‘તું ચિંતા નહીં કર. તારા પપ્પા જરૂર પાછા આવી જશે. તું પૂજાને પૂછ કે પપ્પા માટે એ શું કહેતી હતી?’ પ્રભાએ પોતાના મોટા દીકરાને સમજાવ્યો.
વિક્રમ પોતાની રુમમામ પરત આવ્યો. પૂજા હજુ સૂતી હતી.
‘પૂજા, તારે ઊઠવાનું નથી? ગો ટુ હેલ. હું ચાલ્યો.’ એ ફરી પૂજા પર ગુસ્સો થવા લાગ્યો હતો.
‘અરે શું કામ ઘાંટા પાડો છો? અને તમે અત્યારે ઘરમાં શું કરો છો?’ પૂજા સફાળી જાગી જતાં પૂછી બેઠી.
આજે તો જેને ફાવે એ બધા મને બપોરે ઘરે શું કરે છે એ વિશે જ પૂછે છે.
‘તું ઊંઘી ગયા બાદ બધું જ ભૂલી જાય છે. હવે જતીનકુમારની જેમ પ્રશ્ર્નો પૂછવાનું બંધ કરીએ મને કહે કે તેં મને શા માટે બોલાવ્યો હતો?’ વિક્રમ તાડૂક્યો.
‘મેં તમને બોલાવ્યા? શા માટે? હું શા માટે બોલાવું? તમારી તબિયત તો સારી છે ને?’
પૂજા પલંગ પરથી ઊતરીને વિક્રમ પાસે આવી. વિક્રમ વિચારમાં પડી ગયો. આ સ્ત્રી પર ગુસ્સે થવું કે શું કરવું એ સમજાતું નહોતું.
‘સાંભળ પૂજા, તેં મને ઑફિસે ફોન કર્યો અને કહ્યું કે પપ્પા કોઈ મુશ્કેલીમાં છે. તમે જલદી આવો, એટલે હું દોડતો આવ્યો.’
‘મેં તમને આવું કહ્યું?’ કહીને પૂજા રડવા જેવી થઈ ગઈ..
‘પ્લીઝ… મારો વિશ્ર્વાસ કરો. હું તમારા સોગંદ ખાઈને કહું છું કે મેં તમને નથી બોલાવ્યા.’
એ જ ક્ષણે બારણા પર ટકોરા પડ્યા.
‘કમ ઈન’ વિક્રમ ચિલ્લાયો.
કરણ રૂમમાં દાખલ થતાં બોલ્યો, ‘ભાઈ, મને મમ્મીએ વાત કરી કે તમને પૂજાભાભીએ ફોન કરીને બોલાવ્યા છે.’ પછી પૂજાનો રડમસ ચહેરો જોઈને કરણ અટકી ગયો. .
‘ભાઈ, પૂજાભાભીએ મને પણ એમ જ કહ્યું હતું કે પપ્પા કોઈ મુશ્કેલીમાં ફસાયા છે.’ કરણ બોલ્યો.
‘કરણભાઈ, તમે પણ મારી સાથે આવું કરશો? મેં ક્યારે આવી વાત કરી?’ પૂજાએ આંસુ ખાળવાની વ્યર્થ કોશિશ કરતાં પૂછ્યું.
‘કરણ, મહેરબાની કરીને કોયડાની ભાષામાં વાત નહીં કર… મને કંઈ સમજાતું નથી.’
‘ભાઈ, પૂજાભાભીને ઊંઘમાં ચાલવાની બીમારી લાગુ પડી છે. સ્લીપ વોકિંગની બીમારી. તમે આજે જ ડોકટર પટેલને બોલાવી લ્યો.’ કરણે ખંચકાતાં ખંચકાતાં વાત પૂરી કરી.
વિક્રમ અને પૂજા બંને કરણ સામે તાકી રહ્યાં. એ જ ક્ષણે કરણનો મોબાઈલ રણકી ઊઠ્યો. કરણે સ્ક્રીન પર નામ વાંચ્યું. એના ચહેરા પર ખુશીની એક લહેરખી દોડી ગઈ :
પપ્પા…!
‘હેલ્લો પપ્પા, આર યુ ઓલરાઈટ?’
સાંભળ કરણ, મારી પાસે સમય ખૂબ જ ઓછો છે. હું જે કહું એમ કર.’ સામે છેડેથી જગમોહન દીવાનનો ધીમો અવાજ સંભળાતો હતો.
‘ડોકટર, તુમ તમારા કામ શુરૂ કર દો અને જગમોહન દીવાન, હવે હું અહીં બેસીશ અને તમે જઈને ઈરફાન અને બાબુને છોડાવી લાવશો. પણ યાદ રહે થોડી ગફલત થઈ છે તો…’ બબલુ ગનને ગાયત્રી તરફ ફેરવી. રૂમમાં હાજર રહેલાં બધાં સમસમી ગયાં હતાં પણ કોઈ કંઈ બોલ્યું નહીં.
ડોકટર પટેલે ઈન્સ્પેકટર શિંદેને તપાસવાની શરૂઆત કરી દીધી.
‘કેમ લાગે છે, ડોકટર?’ બબલુની ધમકીને અવગણીને ડોકટર પટેલને જગમોહને પૂછ્યું..
‘આઈ થિન્ક હું સમયસર જ આવી ગયો છું. હ ઘા સાફ કરીને બેન્ડેજ કરી આપું છું અને ઈંજેકશન આપી દઉં છું. સાંજ સુધીમાં નોર્મલ થઈ જશે.’ પછી ગાયત્રીને ઈશારાથી ગરમ પાણી લાવવા કહ્યું.
‘અરે તુમ લોગ કો સમજ મેં આતા હૈ કી નહીં? જગમોહન દીવાન, મારી વાત ધ્યાનથી સાંભળી લે. જો તું મારા માણસોને નહીં છોડાવી લાવે તો આ માણસ જીવી જશે તો પણ હું એને મારી નાખીશ.’
બબલુને સમજાતું નહોતું કે આ માણસને ડર કેમ નથી લાગતો?
‘તું કોને મારી નાખીશ?’ બબલુ તરફ જગમોહન આગળ વધ્યો.
‘અહીં હાજર રહેલાં બધાંને’ બબલુ ખુરશી પરથી ઊભો થઈ ગયો. ‘સૌથી પહેલાં આ મુંબઈના પોલીસ ઈન્સ્પેકટરને… જગમોહન, તમે મને ઓળખતા નથી. હું પહેલાં ગોળી મારું છું પછી ધમકી આપું છું.’ (ક્રમશ:)