વીક એન્ડ

વેર-વિખેર – પ્રકરણ ૧૫

મને પણ થતું હતું કે મારાં નસીબ શું એટલાં સુધરી ગયાં કે જિંદગીની છેલ્લી પળોમાં એક સરસ મજાની સમજદાર સાથી મળી ગઈ. પણ સોરી, મિસ મહાજન, તમે પણ બીજાની જેમ માટીપગા નીકળ્યાં!

કિરણ રાયવડેરા

‘કાકુ, હું તમને આત્મહત્યા કરું એટલી નબળી દેખાઉં છું? મારા પપ્પાએ મને હાર માનવાનું શીખવ્યું નથી. મરે મારા દુશ્મન. હું શા માટે આત્મહત્યા કરું!’

આ સાંભળીને જગમોહન દીવાન ડઘાઈ ગયો. કાંઈ ન સમજાતું હોય એવા ભાવ એના ચહેરા પર તરવરવા લાગ્યા. તો શું… તો શું… ગાયત્રીએ એની સાથે છેતરપિંડી કરી હતી?
‘ગાયત્રી, તું પણ…’ જગમોહન આગળ બોલી ન શક્યો, પણ એના મનમાં ચાલતું વિચારોનું ઝુંડ અટક્યું નહીં. કેવી રીતે બને? એ જ્યારે મેટ્રો સ્ટેશનના પાટા પર કૂદવાની તૈયારી કરતો હતો ત્યારે આ જ ગાયત્રીએ એનો હાથ પકડીને પાછળ ખેંચ્યો હતો ને જીદ પકડી હતી કે મને પહેલાં મરવા દો! , તો શું એ ત્યારે નાટક કરતી હતી કે પછી પાછળથી એણે પ્લાન ફેરવી નાખ્યો?

‘કાકુ, તમે તો ખૂબ ગંભીર થઈ ગયા! તમને માઠું લાગ્યું?’ ગાયત્રીએ લાગણી નીતરતા સ્વરે પૂછ્યું. જગમોહને મનોમન ગાંઠ વાળી લીધી કે હવે આ છોકરીની કોઈ ચાલમાં ફસાવું નથી. એ બીજી બાજુ જોવા લાગ્યો. કોઈ એની સાથે ભયાનક રમત રમી ગયું હોય એવું એને લાગતું હતું.

‘વ્હાય? ગાયત્રી વ્હાય ડીડ યુ ડુ ધીસ ટુ મી?’ વારંવાર હોઠ સુધી આવી જતા પ્રશ્ર્નને જગમોહન આખરે રોકી ન શક્યો:

‘તેં પણ મારી સાથે છેતરપિંડી કરી? આમેય તને ગેમ રમવાનો પહેલેથી શોખ હતો, ખરું ને મિસ ગાયત્રી મહાજન?’

‘પ્લીઝ, મને ટોણા નહીં મારો. મેં કોઈ છેતરપિંડી નથી કરી. તમારી ટીખળ કરવાનો પણ મારો ઈરાદો નહોતો, કાકુ.’ ગાયત્રીનો ચહેરો રડમસ થઈ ગયો.

‘તો પછી તેં શું વિચાર્યું હતું? ડોક્ટરો તબીબી વિજ્ઞાનની તાલીમ લેવા માટે મડદાની ચીરફાડ કરે તેમ મનોચિકિત્સક બનવા માટે તારે મારા જેવાની કોઈ જીવતી લાશ પર અખતરા કરવા હતા?’

ગાયત્રીનો ચહેરો ઝંખવાઈ ગયો. હાસ્ય ચહેરા પરથી વિલીન થઈ ગયું. એની મોટી આંખોમાં ફરી ઝળઝળિયાં ઊપસી આવ્યાં.

‘અને મિસ મહાજન, આ રડવાનું નાટક બંધ કર. મને ઈમોશનલ બ્લેકમેઈલિંગ કરવાની તારી યુક્તિ હવે કારગત નહીં નીવડે. બહુ થયું. મને પણ થતું હતું કે મારાં નસીબ શું એટલાં સુધરી ગયાં કે જિંદગીની છેલ્લી પળોમાં એક સરસ મજાની સમજદાર સાથી મળી ગઈ. પણ સોરી, મિસ મહાજન, તમે પણ બીજાની જેમ માટીપગા નીકળ્યાં!’

ગાયત્રીએ આંખમાંથી પડવાની તૈયારી કરતાં આંસુને મક્કમભાવે પોંછી લીધાં.

‘બોલી લીધું કાકુ? હવે હું મારા બચાવમાં કાંઈ કહી શકું?’ ગાયત્રી સ્વસ્થ દેખાવાનો પ્રયાસ કરતી હતી.

ગાયત્રી તરફ એક તેજાબી દૃષ્ટિ ફેંકતાં જગમોહને પૂછ્યું.

‘બાય ધ વે, મિસ મહાજન, તમને શું પહેલેથી ખબર હતી કે હું એક સફળ ઉદ્યોગપતિ છું?’
કોઈએ તમાચો માર્યો હોય એવી રતાશ ગાયત્રીના ગાલ પર ઊપસી આવી. એની આંખોમાં તિખારો પેટ્યો. એના અવાજમાંથી પણ જાણે તણખા ઊઠતા હતા.

‘વ્હોટ ધ હેલ ડુ યુ થીંક યુ આર?’ તમે તમારી જાતને શું સમજો છો, મિ. દીવાન. મેં તમને અગાઉ પણ કહ્યું છે કે તમે એક અમીર બાપની ભટકેલી ઔલાદ છો. બાપે બિઝનેસમાં એકડો ઘૂંટી દીધા બાદ ઉદ્યોગમાં એકથી દસ લખવું બહુ જ આસાન છે. મિસ્ટર દીવાન, તમારા પિતાનાં કર્મ અને કોઈ પૂર્વજોના આશીર્વાદને કારણે તમારા પર લક્ષ્મીની કૃપા વરસી છે.’

જગમોહન એને બોલતાં અટકાવે એ પહેલાં ગાયત્રીએ હાથ ઊંચો કરીને એને અટકાવી દીધો. :

‘વેઈટ, તમે બહુ બોલ્યા, હવે મારે જે કહેવું છે એ તમારે સાંભળવું પડશે. એક વાત યાદ રાખજો કે તમારા સફળ બિઝનેસમેન પિતાનો ધંધો તમને વારસામાં ન મળ્યો હોત તો કદાચ તમારા ભાગે પણ મારી જેમ ભૂખ્યા પેટે સૂવાનો વારો આવત. હજી મેં મારી વાત પૂરી નથી કરી. તમે તમારા જ દૃષ્ટિકોણથી બીજા સાથેના તમારા સંબંધો મૂલવો છો એટલે જાણે-અજાણે તમારા ફાયદા-નુકસાનની ચિંતા કરો છો.’ ગાયત્રી હાંફી રહી હતી.

‘ગાયત્રી, તું તારી હદ વટાવી રહી છો.’ જગમોહને એના અવાજને ઉગ્ર કરવાનો પ્રયાસ કર્યો પણ ફાવ્યો નહીં.

‘કઈ હદની વાત કરો છો,તમે ?, હું મારી લિમિટ ખુદ નક્કી કરું છું અને હા, બીજાની હદ પણ ક્યારેક હું જ નક્કી કરતી હોઉં છું.બાકી આજે સવારના પ્લેટફોર્મ પર તમે તમારી હદ વટાવી જ ચૂક્યા હતા.’

‘એ એક ઈરાદાપૂર્વક લેવાયેલો નિર્ણય હતો, વ્યવસ્થિત રીતે વિચાર કર્યા બાદ લેવાયેલો નિર્ણય, પણ હું તમારી જેમ કોઈનું અપમાન નહોતો કરતો.’ જગમોહનની દુ:ખતી રગ પર જાણે કોઈએ આંગળી દબાવી દીધી.

‘સાહેબ, ઈશ્ર્વરે આપેલી મૂલ્યવાન જિંદગીની ભેટને નષ્ટ કરીને તમે ભગવાનનું અપમાન કરી રહ્યા હતા. તમે જિંદગીનું પણ અપમાન કરી રહ્યા હતા અને હવે મેં જાણી જોઈને, બદઈરાદાથી એક શ્રીમંતની જિંદગી બચાવી છે એવો આક્ષેપ કરીને એક સ્ત્રીના સમ્માનને પણ ઠેસ પહોંચાડી રહ્યા છો!’

‘મિસ મહાજન, બહુ સાંભળ્યું તમારું લેક્ચર! હવે આપણે હું મારા રસ્તે અને તમે તમારા રસ્તે એવું નક્કી કરીએ એ પહેલાં મને જણાવવાની તસ્દી લેશો કે સવારના તમે મને શા માટે મરવા ન દીધો? તમારા અભ્યાસ માટે એક હરતા ફરતા સબ્જેક્ટને જોઈને તો તમને જલસો પડી ગયો હશે, ખરું ને?’

જગમોહનના શબ્દોમાંથી ભારોભાર કટુતા ટપકતી હતી. ગાયત્રીએ પ્રત્યુત્તર ન વાળ્યો. એ દૂર ક્ષિતિજ પર ઝૂકતા સૂર્યને જોઈ રહી. સૂર્યાસ્તનાં નિસ્તેજ, પીળાં કિરણો એની ભીની આંખોમાં ઝિલમિલાઈ રહ્યાં.

જગમોહનનનું મન કડવાશથી ભરાઈ ગયું હતું. આ છોકરી સવારથી એની સાથે ઢોંગ કરતી આવતી હતી એ યાદ આવતાં એના રોમેરોમમાં ઝાળ લાગી જતી હતી. શા માટે એણે પ્લેટફોર્મ પર પાણી પીવાની ઈચ્છા વ્યક્ત કરી? શા માટે એણે એકબીજાની વાતો સાંભળવાની રમત શરૂ કરીને બે કલાકનો સમય લીધો? એ શું કરવા ઈચ્છતી હતી?
ગાયાત્રી, મને હજી પણ આ તારી- તમારી ગેમ સ્પષ્ટ નથી થતી. મને બચાવવા પાછળ તમારી શું ચાલ હતી એનો ખુલાસો કરશો તો હું આભારી થઈશ. પછી આપણે પોતાપોતાના રસ્તે રવાના થઈએ અને હા, આપણે અહીંયાં મળ્યાં એ તો ઠીક છે, પણ ઉપર નહીં મળતાં!’ આકાશ તરફ આંગળી ચીંધીને જગમોહને એક વધુ ફટકો માર્યો.
‘કાકુ…’ ગાયત્રી આગળ બોલી ન શકી. જગમોહન કહેવા જતો હતો કે પ્લીઝ, આ કાકુ કહેવાનું બંધ કરો પણ એણે જાત પર સંયમ રાખ્યો.

‘કાકુ, તમને મેં જ્યારે પ્લેટફોર્મ પર ઊભેલા જોયા ત્યારે એક સેક્ધડ માટે તો હું પણ થાપ ખાઈ ગઈ કે મારા પપ્પા ઊભા છે. એવા જ સોનેરી ફ્રેમનાં ચશ્માં, કાન પાસે સફેદ વાળ, એ જ કદ, તમારું સમગ્ર વ્યક્તિત્વ મારા પપ્પાને મળતું આવતું હતું. બાય ધ વે મિસ્ટર દીવાન આને ઈમોશનલ બ્લેક મેઈલિંગ નહીં સમજતા. પછી તમને ધ્યાનથી જોયા બાદ મને તમારી હરકતો વિચિત્ર લાગી. ઝીણવટથી નિરીક્ષણ કરતાં ખ્યાલ આવી ગયો કે તમે આત્મહત્યા કરવાની પેરવી કરી રહ્યા છો. બસ, પછી મારે વિચારવાનું હતું જ નહીં. મારી એક ખૂબ જ વહાલી વ્યક્તિ જેવી લાગતી બીજી વ્યક્તિને મારે બચાવવી જ જોઈએ એ વિચારે મેં તમારો હાથ પકડીને તમને પાછળ ખેંચી લીધા. આમાં કોઈ તર્ક નહોતો, કોઈ ગંદી ચાલ નહોતી, કોઈ રમત નહોતી અને કાકુ, હવે તમે તમારા રસ્તે જઈ શકો છો!’

આટલું બોલતાં ગાયત્રી જાણે હવે હાંફતી હતી.

‘તો પછી તેં એમ શા માટે કહ્યું કે તું પણ તારું જીવન સમાપ્ત કરવા માગે છે?’ જગમોહનને ઊંડે ઊંડે પ્રતીતિ થવા લાગી હતી કે એના જજમેન્ટમાં ફરી એક વાર ભૂલ થઈ રહી હતી.

‘કાકુ, તમે કોઈ નાના બાળકને અગાશીની પાળી પર ઊભા રહીને વારંવાર નીચે પડી જવાની ધમકી આપતાં જુઓ તો શું કરો? તમે એને ડરાવો, ધમકાવો કે એની સાથે જીદ કરો તો એ બાળકની નબળી ક્ષણ એને વધુ નબળી બનાવશે. એ અગાશી પરથી કૂદી પડશે પણ તમે એને સમજાવો, ફોસલાવો, પટાવો તો કદાચ ધાર્યું પરિણામ આવે. હવે બોલો કાકુ, તમે શું કરો?’

ક્ષોભ અને ગુનાના ભારથી જગમોહન નીચું જોવા લાગ્યો. બીજાની વાતમાં જજમેન્ટ લેવામાં એ હંમેશાં ઉતાવળિયો રહ્યો છે. ધૈર્યના અભાવને કારણે હંમેશાં એને નુકસાન થયું છે. હવે ભગવાન જાણે આ છોકરી એના વિશે શું વિચારશે.

‘કાકુ, જો હું તમારી સામે જીદ કરત કે દલીલ કરત કે તમારે આપઘાત ન કરવો જોઈએ તો તમે મારી વાતને માનવાના નહોતા. એ તમારી નબળી પળ હતી એટલે
‘હું પણ આપઘાત કરવા માગું છું એવું કહીને મેં તમને આઘાત આપ્યો. પરિણામે તમારું ધ્યાન તમારા સ્યુસાઈડના પ્લાન પરથી વળીને મારા પર કેન્દ્રિત થયું. તમને તરત જ વિચારો આવવા લાગ્યા હશે કે આટલી આ છોકરીને જિંદગી ટૂંકાવવાની શું જરૂર પડી.’
જગમોહન ગાયત્રીની સામે આંખ મિલાવીને જોઈ નહોતો શકતો.

પણ ‘કાકુ, તમે તો ઊંધી ખોપરીના નીકળ્યા. તમને જેવી ખબર પડી કે હું પણ જીવનથી કંટાળેલી છું કે તમે મને સમજાવવા-વારવાને બદલે સામૂહિક આત્મહત્યા કરવાનો પ્લાન ઘડી કાઢ્યો. હું તો ડરી ગઈ હતી. મને થયું કે મર્યા, આ ઝનૂની માણસ પોતે તો મરશે પણ મને પણ સાથે લઈને ડૂબશે એટલે મેં મરનારની આખરી ઈચ્છાને પૂરી કરવાના શિરસ્તાનો ઉલ્લેખ કરીને પાણી પીવાની ઈચ્છા વ્યક્ત કરી.’

‘ઓહ, તો તને તરસ નહોતી લાગી?’

‘કાકુ, મારે તમને મેટ્રો સ્ટેશનથી દૂર લઈ જવા હતા. જે સ્થળે આપણે આત્મહત્યા કરવાનું વિચાર્યું હોય એ જગ્યાએ એ જ વિચાર ઘૂંટાયા કરે એટલે મેં પહેલાં તરસ લાગી છે એવું કહીને પ્લેટફોર્મમાંથી બહાર કાઢ્યા. પછી એકમેકની વાતો કહી-સાંભળીને હળવા થવાની રમત આદરીને તમને સ્ટેશનની બહાર કાઢ્યા. એક વાર તમે મેટ્રો સ્ટેશનથી બહાર નીકળ્યા કે મને વિશ્ર્વાસ બેસી ગયો કે હું મારા મકસદમાં કામિયાબ થઈ. અને કાકુ, ઉપરવાળો પણ નહોતો ઈચ્છતો કે તમે તમારો જીવ લ્યો. એટલે જ પેલા બાળકનો એક્સિડન્ટ થયો અને તમે એનો જીવ બચાવવામાં નિમિત્ત બન્યા.’ ગાયત્રીના ચહેરા પર ફરી હાસ્ય ફેલાવા લાગ્યું હતું.

‘અને પેલો જડભરત ઈન્સ્પેક્ટર તો માનવા જ તૈયાર નહોતો કે હું જગમોહન દીવાન છું.’ હવે તો જગમોહન પણ જાણે હસવાની હિંમત આવી..

‘તો મિ. દીવાન, હવે તમને વિશ્ર્વાસ બેસી ગયો હશે કે તમને બચાવવા મેં એક આખો દિવસ બરબાદ કર્યો. એક દિવસની મજૂરી મેં ગુમાવી. બાય ધ વે, , મને ખરેખર નહોતી ખબર કે તમે એક જાણીતા શ્રીમંત ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ છો.’

‘સોરી, ગાયત્રી’ જગમોહન ગાયત્રીનો હાથ પકડી લેતાં બોલ્યો: પ્લીઝ, હવે મને વધુ શરમિંદો ન કર. આઈ એમ રિયલી સોરી. મેં તને ન કહેવાનાં વેણ કહ્યાં.’

‘ઈટ ઈઝ ઓ.કે. કાકુ, પણ હવે આપણા રસ્તા અલગ. આપણી લેણદેણ પૂરી. તમે તમારા રસ્તે અને હું…’

ગાયત્રીનો ચહેરો સપાટ હતો, બિલકુલ ભાવશૂન્ય.

‘ગાયત્રી, પ્લીઝ, મેં માફી તો માગી. હવે મને તરછોડીને ક્યાં જાય છે?’ ગાયત્રીનો હાથ જગમોહને છોડ્યો નહીં.

‘પાપી પેટ કા સવાલ હૈ હા, પણ તમે અહીંથી ક્યાં જવાનું વિચારી રહ્યા છો?’ ગાયત્રી ગંભીર હતી કે મજાક કરતી હતી એ કહેવું મુશ્કેલ હતું.

‘આઈ ડોન્ટ નો. મને કંઈ સૂઝતું નથી. કંઈ નક્કી નથી કરી શકતો!’ જગમોહન ખરેખર ગુંચવાયેલો દેખાતો હતો.

‘કાકુ, ફરી મેટ્રો સ્ટેશને જવાનું વિચારી રહ્યા છો?’

‘ખબર નથી, કદાચ જાઉં પણ ખરો. સાચું પૂછ તો સવારથી લઈને અત્યાર સુધી જીવનમાં એવું કોઈ પરિવર્તન નથી આવ્યું કે હું આત્મહત્યાનો વિચાર માંડી વાળું. હા, તું મળી, તેં મને બચાવ્યો, બે ઘડી સાથે રહ્યાં. અને હવે પાછાં જ્યાં હતાં ત્યાં. ફરી જીવનના ત્રિભેટે. અહીંથી એક રસ્તો ઘર તરફ જાય છે અને બીજો સીધો ઉપર.’ જગમોહન ગમગીન થઈ ગયો.

અને હા, સવારથી અત્યાર સુધી એક ફરક જરૂર પડ્યો છે. સવારના મરતી વખતે મને કોઈને છોડવાનું દુ:ખ નહોતું. અત્યારે તારાથી વિખૂટા પડતાં ભય લાગે છે. એની વે.
ગાયત્રી, થેન્ક્સ ફોર એવરીથીંગ! આ મારું વિઝિટિંગ કાર્ડ રાખ. કાલે મારી ઑફિસે જજે. ત્યાં મારા ફાઈનાન્સ એડ્વાઈઝર મિસ્ટર કામથને મળજે. બાકીની જિંદગીમાં તારે જે જોઈતું હશે એ બધું તને મળી જશે.’

ખિસ્સામાંથી કાર્ડ કાઢીને એની પાછળ કંઈક લખ્યું અને પછી ગાયત્રીના હાથમાં મૂકતાં ઉમેર્યું:

‘ઓલ ધ બેસ્ટ, ડિયર.’

‘કાકુ, મારે જે જોઈતું હોય એ આપવા તૈયાર છો?’

‘હા, તૈયાર છું પણ હવે મને પ્લેટફોર્મ પરથી પાછો નહીં ખેંચતી!’ જગમોહન ફિક્કું હસ્યો.
‘કાકુ, તમે ખરેખર બાળક જેવા છો. રાધર, બાળક કરતાંય બદત્તર .. તમારે તમારા ઘરે જ પાછા જવું જોઈએ. તમારા જીવનથી ભાગીને ઘરથી ભાગીને બહાર ક્યાંય શાંતિ નહીં મળે.’
‘નહીં ગાયત્રી, આ વિશે મારો નિર્ણય અફર છે. હું હવે કદાચ જીવીશ તો પણ બાકીની જિંદગી મારી શરત પર, મારી રીતે જીવીશ. મને ગમે તેવી રીતે જીવીશ, બીજાને ખુશ કરવા નહીં.’

‘યસ, કાકુ, હવે તમે મિ. જગમોહન દીવાનના મોભાને છાજે એવું બોલ્યાં. કાકુ, આપણે એક કામ કરીએ!’

‘શું?’

‘આપણે ફરી એક રમત શરૂ કરીએ. એક નવી જ ગેમ..!’ (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button