વીક એન્ડ

બોલો, ટ્યુટર ટમેટા, પ્રોફેસર પરવળ, રીડર રીંગણા, કુલપતિ કારેલા ખરીદવા છે તમારે?

વ્યંગ -ભરત વૈષ્ણવ

‘સાહેબ, આ ટ્યુટર ટમેટા લઇ લો. એક કિલોના માત્ર બે હજાર રૂપિયા છે!’ બકાલીએ ગ્રાહકને કહ્યું.

‘વોટ ? ટ્યુટર ટમેટા?’ આખલો લાલ લૂગડું જોઇ ભડકે તેમ ગ્રાહક ટ્યુટર ટમેટાનું નામ સાંભળી ભડક્યો.

‘યેસ સર. તમે બિલકુલ બહેરા નથી. તમે બરાબર સાંભળો છો.આ મારી શોપની સ્પેશિયલ આઇટમ છે!’ બકાલીએ જવાબ આપ્યો.

યાર, ટમેટા કાચા કે પાકા હોય. દેશી કે વિદેશી હોય. ટ્યુટર ટમેટાનું નામ પહેલી વખત સાંભળ્યું. ટ્યુટર ટમેટા ભણે છે કે ભણાવે છે?’ ગ્રાહકે બકાલીને પૂછી નાંખ્યું.

‘અરે, બોસ… મારી શોપમાં પ્રોફેસર પરવળ પણ મળશે’ બકાલીએ જાણે બાઉન્સર ફેંક્યો.

‘વોટ…વોટ? ટ્યુટર ટમેટા પછી પ્રોફેસર પરવળ? ભાઇ, તું ઓગ્રેનિક એટલે પ્રાકૃતિક ફાર્મમાંથી શાકભાજી ખરીદ કરે છે?’ ગ્રાહકે સંશય વ્યક્ત કર્યો.

‘સાહેબ, મારે ત્યાં રીડર રીંગણા પણ મળે છે’ બકાલીએ હવે ગૂગલી ફેંક્યો.

‘યાર, સવાર સવારમાં પહેલી ધારનો ચડાવ્યો છે કે શું?’ રીંગણા લીલા, કાળા કે રીંગણી રંગના હોય. રીંગણા કાંટાવાળા કે કાંટા વગરના હોય,એ તો સમજ્યા. રીંગણાને અને રીડરને શું લેવાદેવા?’ ગ્રાહકે બકાલીને પૂછયું.

બકાલી જયાં લારી લઇને ઊભો હતો તે જગ્યા કોલેજ, યુનિવર્સિટી કે વિદ્યાપીઠ પણ ન હતી. ગ્રાહક માથું ખંજવાળતો રહી ગયો
‘સાહેબ, હું ક્લાર્ક કોથમીર પણ વેચું છુ’

‘અલ્યા, તારું ચસ્કી ગયું છે? ભવન ચકરાઇ ગયું છે?’ ગ્રાહકને બકાલીની દિમાગી સંતુલન પર શંકા થવા લાગી.

‘સર હું કુલપતિ કારેલાનું કિફાયતી દરે વેચાણ કરૂં છું…એક કિલો કારેલા પર એક કિલો ફ્રી આપું છું.’ બકાલીએ ઓર માહિતી આપી.

ં‘તારી લારી-દુકાનનું નામ એબ્સર્ડ વેજીટેબલ સ્ટોર’ રાખી લે!’ ગ્રાહકે સજેશન કર્યુ.

‘મારી શોપની લેકચરર લોકીમાંથી હલવો બનાવશો તો તમે હલવા ઉપરાંત આંગળા પણ ચાટી જશો..આંગળા ચાટવાથી પેટ ન ભરાય એ કહેવત પણ ખોટી સાબિત થશે!’ બકાલીએ એક ઓર નજરાણું રજૂ કર્યું:

‘સાહેબ, તમને ખબર હશે કે ટયુલિપ નામનું પુષ્પ હોય છે. તેને હમણા હોલેન્ડમાં ટયુલિપ ભારતીય એમ્બેસેડર શેફાલી રાજદૂતનું નામ આપવામાં આવ્યું છે.’ બકાલીએ ઇન્ટરનેશનલ ઇન્ફોર્મેશન આપી.

‘એમ તો આપણે ત્યાં ડ્રેગન નામના ફ્રૂટને કમલમ્ નામ આપવામાં આવ્યું જ છેને?! .’ ગ્રાહક પણ બકાલીનું માથું ભાંગે તેવો હતો.

‘બીજું બધું તો બરાબર . મારી શાકભાજીના નામ તમને યુનિક લાગ્યા કે નહીં?’ બકાલીએ પૂછયું.

‘અરે, ઝકકાશ છે. ધાંસુ આઇડિયા છે. ચેતન ભગતની જેમ ફિકશન લખ. તારા મગજમાં યુનિકોર્ન સ્ટાર્ટઅપ જેવા આઇડિયા ઠાંસી ઠાંસીને ભર્યા છે. તેને એન્ક્રેશ કર! તને આવું બધું કેવી રીતે સૂઝે છે?’ ગ્રાહકે પૂછયું.

‘સાહેબ, પેટ કરાવે વેઠ.’ બકાલી નિરાશાથી બોલ્યો.

અરે, કાંઇ સમજાયું નહીં. તું પહેલિયા મત બુઝા! ગ્રાહક મૂંઝાયો.

‘સર, આ દેશમાં પકોડા તળવા એ પણ રોજગારી છે. દેશની તમામ વ્યક્તિ પકોડા તળશે તો પકોડા વ્લાદિમીર પુટિન , બાયડન, નેતન્યાહૂ કે ઝેલેન્સ્કી ખાશે?’ કંપનીઓ પ્રદૂષિત પાણી ખારીકટ કેનાલમાં ઠાલવે તેમ બકાલીએ આક્રોશ મારી સામે ઠાલવ્યો.

‘અખા ભગતની જેમ ચાબખા મારે છે. કેમ આવું બોલે છે?’ ગ્રાહકે અણિયાળો સવાલ કર્યો.

‘સાહેબ, આ દેશમાં શિક્ષણની ઘોર ખોદાઈ છે. વાલીઓના ગજવા કાપવા ખાનગી કોલેજ, સ્કૂલો, યુનિવર્સિટી પાનના ગલ્લાની જેમ ધમધમે છે. ત્રણ કે ચાર વરસે ગ્રેજયુએટ, બે વરસે પોસ્ટ ગ્રેજયુએટ અને પીએચડી કરેલ બેકારોની ફોજ ઊભી થાય છે. પ્યુનની જગ્યા માટે પીએચડી હોલ્ડર અરજી કરે છે. કારકુનની પોસ્ટ પર પીએચડી હોલ્ડર કામ કરવા મજબૂર થાય છે! ’ બકાલીએ શિક્ષણની અવદશા કહી.

‘આ પણ અંદર કી બાત હૈ..સાહેબ, માણસ ભણીને અભણ જેવા વ્યવસાય કરવાની નોબત આવે છે. બી ટેક પાણીપુરીવાળો, એમબીએ ચાયવાળો, પોસ્ટ ગ્રેજયુએટ પાનવાળો, ગ્રેજયુએટ રિક્ષાવાળો.!’ બકાલી બગડ્યો
‘આ બધી વાત અને તારે શું લાગેવળગે?’

‘સર, હું પણ સિસ્ટમનો વિકટિમ છું. તમે મારી શોપનું નામ વાંચવાની તસ્દી લીધી?’ બકાલીએ ગ્રાહકને પૂછયું.

‘પીએચડી સબ્જીવાલા’ ગ્રાહકે મોટેથી નામ વાંચ્યુ. તમે વર્દીવાલા ગુંડા એવું બધું જોયું હશે પરંતુ, પીએચડી સબ્જીવાલા? પહેલીવાર આવું વાંચવા મળ્યું.

‘મારું નામ સંદીપ છે. મારું નામ માત્ર સંદીપ નથી, પરંતુ, ડોકટર સંદીપસિંહ છે. દવાખાનાનો ડોકટર નથી. પીએચડી ડોકટર છું. મેં ચાર ફેકલ્ટીમાં પોસ્ટ ગ્રેજયુએશન પણ કરેલ છે. મેં અગિયાર વરસ એડહોક લેકચરર તરીકે પંજાબ યુનિવર્સિટીમાં નોકરી કરી છે. આ નોકરીમાં કોથમીર-મીઠા લીંબડા જેટલા રૂપિયા પાંત્રીસ હજારનો પગાર મળતો હતો. નેશનલાઇઝડ બેંકના ચપરાસીને મારા કરતાં વધારે પગાર મળે છે. પાણી જેવા પાતળા પગારમાં પરિવારનું પૂરું થતું ન હોઇ નોકરી છોડી શાકભાજી વેચું છું!’ સંદીપે એની વ્યથા વ્યક્ત કરી.

‘અરે બોસ, વી આર સેઇલીંગ ઇન સેમ બોટ. હું પણ બેકાર મેડિકલ પ્રેકટિશનર છું. આવ ભાઇ હરખા, આપણે બેય સરખા’ એમ કહી બેકાર ગ્રાહક અને ડોકટર સંદીપસિંહ ગર્મજોશીથી ભેટી પડ્યા.
આપણે સંદીપ સિંહનું શાકપાંદડું લેવા ચંદીગઢ ન જઇ શકીએ, પરંતુ સંદીપસિંહનો વેજીટેબલ બિઝનેસ ‘બિગબાસ્કેટ’ કંપની જેટલો વધે તેવી શુભેચ્છા જરૂર આપીએ. ભવિષ્યમાં કોઇ પીએચડી કે હાયર એજયુકેટેડને વખાના માર્યા શાક વેચવું ન પડે તેના ગેરેંટી કોઇ પણ પક્ષ ચૂંટણી ઢંઢેરામાં આપે તેમજ તેનો અમલ પણ કરે તેની રાહ જોઇએ…બીજું તો મતદાર શું કરી શકે ?!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button