વીક એન્ડ

સત્યમેવ જયતે

ટૂંકી વાર્તા -અતુલકુમાર વ્યાસ

રાત્રે રોલ કોલમાંથી પાછો ફર્યો ત્યારે જ એને કંટાળો આવી ગયો હતો. મનોમન વિચારેય આવેલો કે આ નોકરી કરવી એના કરતાં તો દાણાપીઠમાં જઈને બારદાન ઊંચકવાં વધારે સારાં…! ઉપરી અમલદારોની જોહુકમી એનાથી સહન થતી નહોતી, પણ આખરે સરકારનો સિપાઈ હતો, એક કોન્સ્ટેબલ હતો. અરવિંદ જીવાભાઈ હળવદિયા, એ એનું પોલીસ રેકોર્ડમાં નોંધાયેલું નામ હતું, પણ નહીં, નામની ઓળખ ક્યાં હતી? એ તો માત્ર એક બક્કલ નંબર હતો. એના નંબરમાં ક્રમશ: ચાર, બે અને શૂન્ય આવતાં, એટલે કેટલાક ટિખળી કોન્સ્ટેબલ મિત્રો એને ફોર ટ્વેન્ટી કહેતા. મિત્રોની આ મજાક એ ખુલ્લા દિલે સહી લેતો, પણ પી. આઈ.ની ભૂંડી ગાળ એના માટે અસહ્ય હતી ને આ નવો પી.આઈ. ખુશવન્ત સિંહ તો નરાધમ હતો નરાધમ…!

એના જ કહેવાથી એ.એસ.આઈ. પટેલે ભીખા સમોસાવાળાને માર્યો…. ને અરવિંદ વચ્ચે પડ્યો એટલે એનેય સિંહસાહેબની ગાળો આવી પડી… રાત્રે અઢી વાગ્યે રાઉન્ડમાં નીકળ્યા ત્યારેય સિંહસાહેબે એને ગાળો દઈને કહ્યું હતું: ‘પુલિસવાલા હો કે પુલિસ કારવાઈ મેં રુકાવટ ડાલતા હૈ… સાલે…’

‘શાન્તિથી નોકરી જ નથી કરવા દેતાને… સાલાઓ….’ અરવિંદની જીભે શબ્દો આવી ગયા પણ એ મૂંગો જ રહ્યો. જિંદગીની કમનસીબીને એક ફૂંકમાં ફૂંકી મારવી હોય એમ ઊંડા બે કશ ખેંચી એણે બીડી પૂરી કરી ફેંકી દીધી. પછી ઘડિયાળમાં જોયું: અઢી થયા હતા.

બીજા પોલીસમેનની જેમ સાહેબ રાઉન્ડમાંથી આવી જાય પછી ઘરભેગા થઈ જવાની હિંમત અરવિંદમાં નહોતી. આખી રાત નોકરી પૂરી કરતો. ભગવાનથી એટલું બીતો જેટલું અધિકારીથી નહોતો બીતો. એટલે અનીતિની એક પાઈ પણ મેળવવાની ઝંખના નહોતી રાખી, પણ રાત્રે સિંહસાહેબે પેટમાં ગોદો મારીને જે રીતે ખખડાવ્યો હતો એ ભુલાતું નહોતું. અરવિંદ સવાર સુધી મનમાં અકળાતો રહ્યો.

સવારે અરવિંદ સાઈકલ લઈને વસુમહારાજના ડેલા પાસેથી પસાર થયો ત્યારે ભીખાલાલે એને બોલાવ્યો: ‘અરવિંદભાઈ આવો, આવો, ચા પીવા.’ એટલે અરવિંદ સાઈકલ ધીમી પાડીને ઊભો રહ્યો.
ભીખાનો બારેક વર્ષનો દીકરો રાજુ દોડાદોડ બાજુની લારીએથી ચા લઈ આવ્યો. ભીખાલાલે ગળગળા સાદે કહ્યું: ‘અરવિંદભાઈ, તમે આડા ન આવ્યા હોત તો પટેલસાહેબે મને અધમૂઓ કરી નાખ્યો હોત…’

અરવિંદે રકાબીમાં ચા ઠારતાં પૂછ્યું: ‘ભીખાલાલ, બાબત શું હતી? તમે કઈ બાબતમાં આવી ગયા….?’

‘આ લારીનું ટ્રાફિકમાં નડતર છે એમ કહે છે…’ ભીખો બોલ્યો: ‘નવા સાહેબ આવ્યા છે એટલે બધુંય ઉઠાવી લેવાનું છે, એમ પણ કહેતા હતા…’

‘પણ ટ્રાફિકનું નડતર જોવાનું કામ એમનું નથી.’ અરવિંદે ચાની રકાબી નીચે મૂકી: ‘એ કામ તો ટ્રાફિક ઈન્સ્પેકટરનું છે.’

ભીખાલાલ બાઘડાની જેમ એની સામે તાકી રહ્યો…

એક સ્ત્રીએ આગળ આવીને અરવિંદને કહ્યું: ‘જમાદારસાહેબ આમને સમજાવો કે આંયથી બીજા ઠેકાણે જતા રહે. સરકાર અને હુકમની સામે થવાની અમારી ગરીબ માણહની ત્રેવડ નથી.’

અરવિંદે સ્ત્રી સામે જોયું એટલે ભીખાએ કહ્યું: ‘અરવિંદભાઈ, આ મારા રાજુની બા છે…’ પછી એણે પત્ની સામે જોઈને કહ્યું: ‘પોલીસખાતામાં અરવિંદભાઈ જેવા સારા માણસેય છે, એટલે કોઈની તાનાશાહી નથી ચાલતી સમજી… બધા માણસ ભૂંડા જ હોય તો સરકારનું તંત્ર કેમ ચાલે…? ને બધાય અમલદાર ખરાબજ હોય તો ધરતી રસાતળમાં જ જતી રહે…’

‘ધરતી રસાતળમાં જતી જ રહી છે ભીખાલાલ…’ અરવિંદને કહેવાનું મન થયું: ‘હવે આ ધરતીનું પતન થવામાં શું બાકી રહ્યું છે?’ અરવિંદે એક નજર ભીખાલાલની પત્ની તરફ ફેંકી. અત્યંત સુંદર અને રૂપરૂપનો અવતાર સ્ત્રી હતી એ…! પણ અરવિંદ તો એને પહેલી વાર જોઈ રહ્યો હતો, જેના માટે પટેલે સિંહસાહેબને ઠસાવ્યું હતું કે ભીખાની આ બૈરી સાથે અરવિંદને કશુંક છે… અરવિંદના મનમાંથી અરેરાટી નીકળી ગઈ… આ બિચારી નિર્દોષ સ્ત્રીને શા માટે એ લોકો આમ બદનામ કરતા હશે…?

અરવિંદ ચૂપચાપ સાઈકલ ઉપર રવાના થયો.

એ પોલીસ લાઈને પહોંચ્યો ત્યારે સવારના સાડાઆઠ થયા હતા. ક્વોર્ટરનું લોક ખોલી એ અંદર આવ્યો.

બાર બાય બારની રૂમના એકઢાળિયા પોલીસ ક્વોર્ટર્સમાં લાકડાનું પાર્ટિશન કરી ઓરડો અને ઓસરી જુદા પાડ્યાં હતાં. અરવિંદ ઓસરીની ચોકડીએ હાથમોઢું ધોઈને ટુવાલથી મોં લૂછતો રૂમમાં આવ્યો. હાથ લૂછી રૂમની લાઈટ ઓન કરી. ઓરડાનો અસબાબ ચમકી ઊઠ્યો.

તૂટી ગયેલાં પાંગતવાળી ખાટલીમાં શેત્રંજી પાથરીને ઉપરવાળી દીધેલું પીળું પડી ગયેલું ગાદલું, ગોટો વાળીને પાંગતે ફેંકી દીધેલી ચાદર, જે અડધી ખાટલી ઉપર અને અડધી ભોંયે અડકતી પડી હતી. ઉપરાઉપરી ગોઠવી રાખેલી જુનવાણી પતરાની બે બેગો, એક ખાખી કવર સીવડાવી સાચવી રાખેલી સારી કંપનીની સૂટકેસ, એક તરફના ખૂણામાં કાટ ખાઈ ગયેલા પતરાના ડબ્બાઓનો ખખડધજ ઘોડો, ને બાજુમાં ટીન અને પિત્તળનાં કેટલાંક સીધાંઅવળાં મૂકેલાં વાસણો…!

અહીં રૂમમાં જ રસોડું હતું. જ્યાં એ એના પૂરતું કાચુંપાકું થોડું રાંધીને ખાઈ લેતો. બૈરી હતી પણ અછતના ઓળાઓથી ગભરાઈને ટકી નહીં…. અરવિંદના ઘરમાંથી અને જિંદગીમાંથી ચાલી ગઈ. હવે તો અરવિંદને આ એકાન્ત કોઠે પડી ગયું હતું. અરવિંદે શર્ટ ઉતાર્યું ને ચાદર ભોંયે અડકતી હતી એ વ્યવસ્થિત કરી ખાટલીએ બેઠો. સામે ખૂણામાં કેરોસીનના કેન પાસે એક મોટો કોઠીવાળો ભડભડિયો પ્રાઈમસ પડ્યો હતો, એની એકમાત્ર વડીલો પાર્જિત સંપત્તિ….! એ જ પ્રાઈમસની કોઠીમાં હવા પૂરવા મથતા બાપનો શ્ર્વાસ ધમણ થઈ જતો એણે અનેક વાર જોયો હતો.

બાપની પાંસળીઓ જેટલી ખેંચાતી એટલી પંપના વાઈસરમાં હવા સંકોચાતી… આ કોઠી હવાથી ભરાતી અને બાપની છાતી ખાલી થઈ જતી…! એ વખતે બાર વર્ષના અરવિંદને લાગતું કે પ્રાઈમસની કોઠીમાં જે હવા છે એ બાપનો શ્ર્વાસ ભર્યો છે… બર્નરમાંથી નીકળતી વાદળી જ્યોત બાપની આંખોમાં તગતગતી એણે જોઈ હતી.

ધીમે ધીમે પ્રાઈમસ સળગતો જતો એમ બાપનો શ્ર્વાસ નીચે બેસતો. વસુ મહારાજના ડેલા પાસે એ જગ્યાએ વર્ષો પહેલાં અરવિંદના પિતા જીવરાજભાઈ ભજિયાંની લારી મૂકતા જ્યાં અત્યારે ભીખાલાલની લારી રહે છે, એટલે અરવિંદને ભીખાલાલ તરફ થોડી હમદર્દી હતી. પહેલાંનો સમય સારો હતો. ટ્રાફિકની પીડાઓ સામાન્ય માણસને પીડતી નહોતી, સરકારી કાયદાના કોરડા તો ત્યારેય વીંઝાતા પણ એનો ઉપયોગ જોહુકમી માટે જ સાવ નહોતો થતો, જે આજે થાય છે એવું અરવિંદને લાગતું હતું.

અરવિંદની બા દુર્ગા ટી. બી.માં મરી ગઈ… પછી અરવિંદ એના બાપ જીવાની ઘોર એકલતાનો સાથી હતો. જીવાની લારીએ દરરોજ મફતમાં ભજિયાં ખાઈ જતા હવાલદાર જનકસિંહ સાથે જીવાને દોસ્તી થઈ ગયેલી.

એમણે તાજેતરમાં એસ.એસ.સી. પાસ થયેલા અરવિંદને જિલ્લામાં યોજાનાર પોલીસના ભરતીમેળામાં જવાની સલાહ આપી અને અમલદારને ભલામણ કરી દેવાનું પોલું અભયવચન પણ આપ્યું. એ દિવસથી જીવો જનકસિંહનો પરમ ભક્ત થઈ ગયો. જિલ્લાના ભરતીમેળામાં યોગાનુયોગ અરવિંદની પસંદગી પણ થઈ ગઈ… જીવાને માથેથી તો મોટો ભાર ઊતરી ગયો, પણ અરવિંદ ટ્રેનિંગમાં હતો ત્યારે જ જીવાનું હૃદય બંધ પડી ગયું… દીકરાને પોલીસવર્દીમાં જોવાની
અધૂરી ઈચ્છા લઈને જીવાનું મોત થયું.

ભૂતકાળમાં ડૂબેલો અરવિંદ એકાએક ઝબક્યો. કોઈ બારણું ખખડાવતું હતું. અરવિંદ ઝડપથી વિચારોમાંથી જાગ્યો ને બારણું ખોલ્યું. સામે પટેલ ઊભો હતો. અરવિંદે ભાવવિહીન સ્મિત સાથે કહ્યું: ‘તમે પટેલભાઈ…?

આવો-’ પટેલ એની પાછળ પાછળ અંદર આવ્યો. આવતાં આવતાં એ બોલ્યો: ‘અરવિંદ, તું સૂઈ ગયો હતો કે શું….?’

‘ના- પણ ઊંઘવાની તૈયારી કરતો હતો. ગઈ રાતની નોકરી હતી એટલે આખી રાતનો ઉજાગરો હોયને…?’ પણ પટેલના ચહેરા ઉપર ખંધુ હાસ્ય હતું. એ ખાટલીએ બેસતાં વ્યંગમાં બોલ્યો:
‘તું તો હરિશ્ર્ચંદ્ર રહ્યો એટલે આખી રાત નોકરીનો રોન પહેરો ભરેને…?’

‘નોકરી છે એ તો કરવી પડેને…?’ અરવિંદે બચાવ કર્યો: ‘સરકારનું મફતમાં ખાવાની ટેવ મારે પાડવી નથી એટલે.’ પણ અરવિંદનો જવાબ પટેલને લમણે વાગ્યો હતો. પટેલ થોડી વાર ચૂપ રહ્યો. પછી ઘરમાં નજર દોડાવી બોલ્યો: ‘એકલો એકલો કંટાળી નથી જતો…?’

અરવિંદ પટેલનો સવાલ ગળી ગયો: ‘થોડી ચા પીશો….? પટેલભાઈ…’

‘ના, ચા નથી પીવી પણ,’ પટેલે કહ્યું: ‘અરવિંદ હું તને કશુંક સમજાવવા આવ્યો છું….’

‘શું….?’ અરવિંદ, પટેલ સામે જોઈ રહ્યો.

‘જો અરવિંદ, આ દુનિયામાં એક જ નિયમ છે યા તો શિકાર કરો યા શિકાર બનો -’ પટેલે અરવિંદ તરફ નજર નોંધી કહ્યું: ‘અમલદારો માટે આપણે શિકાર ન શોધીએ તો આપણે શિકાર બનવાનું આવે જેમ તું આજ સુધીમાં હંમેશાં બનતો આવ્યો છે…’

‘આ સરકારી લૂગડાં શિકાર કરવા નથી મળ્યાં!’ અરવિંદે સ્પષ્ટ કહી દીધું: ‘ગરીબ માણસ એ કોઈ શિકાર થનારું પશુ નથી.’

‘માસ્તર… એક નંબરનો માસ્તર…’ પટેલે વ્યંગ કર્યો: ‘તું મુદ્દાની વાત સાંભળ…’ પટેલે વાતને મોણ દીધા વિના સીધી જ વાત ખેંચી: ‘ભીખાલાલની બૈરી તારી સાથે છેને…?’
‘શું…?’ અરવિંદ ચોંકી ઊઠ્યો..

‘મને બધી ખબર છે-!’ પટેલે એનો હાથ દબાવી રાખ્યો: ‘એ બાઈ છે જ એવી કે તોપ કહેવાય તોપ… એમાં તારો વાંક નથી. ભલભલાના મનમાં વસી જાય એવી છે…’

‘પટેલ…!’ અરવિંદ ગરજી ઊઠ્યો: ‘શું બોલો છો તમે…?’

‘સિંહસાહેબના મનમાં ઈ બાઈ વસી ગઈ છે…’ પટેલ બોલ્યો: ‘ભીખાની બૈરીને એક વાર સમજાવીને સાહેબ પાસે સરકિટ હાઉસે મોકલી દે પછી સાહેબ ન તો તારું નામ પૂછે કે ન તો ભીખાનું.’
‘પટેલ…’ અરવિંદને ત્રાસ છૂટી ગયો: ‘આપણા શરીર ઉપર ખાખી કપડાં છે એની શરમ તો તેં વેચી ખાધી છે પણ માણસમાં હોય એટલી તો શરમ રાખ, કાંઈક ઉપરવાળાની બીક તો રાખ, પોલીસપણું મૂકીને ભડવાગીરી કરવા નીકળ્યો છો તે…’

‘અરવિંદ, લૂગડાંમાં રહેતાં શીખ… માન મૂકીને વાત ન કરીશ…’ પટેલ ઊકળ્યો: ‘તુંકારા શેનો કરેશ? હું તારો સિનિયર છું સમજ્યોને…?’

‘ઈ બધુંય પોલીસથાણામાં, આંય નહીં. હવે આગળ કાંઈ ભસ્યો તો હાથ પણ ઊપડી જશે…’ અરવિંદ ક્રોધથી બોલ્યો: ‘રંક માણસના શિકાર કરવા નીકળ્યો છો પણ તારો મારા હાથે શિકાર થઈ જશે.’

  • પટેલ પગ પછાડતો ચાલતો થયો…

અરવિંદ બારણાને સાંકળ દઈને ખાટલીમાં સૂતો. ક્ષણેક મન ફફડી ગયું. સિંહસાહેબનો ખાસ મળતિયો છે, આ પટેલ હવે ખરેખર રોઝડી થશે… સિંહ સાલો જટિયાં પકડીને હચમચાવશે… બહાનું બીજું ધરશે…: ‘મિ. હળવદિયા, ડ્યૂટી પર સોતા હૈ, મિ. હળવદિયા, બ્રાશો ક્યૂં નહીં કિયા…? બૂટપોલિશ ક્યૂં નહીં કિયા? શર્ટ ખેંચીને ઈન્સર્ટ કાઢી નાખશે પછી કહેશે: કૈસા ઈન્શર્ટ કિયા હૈ ઈતને સાલ સે પુલિસ મેં તુમ ક્યા જખ મારતા હૈ…? પછી અસંખ્ય અસહ્ય ભૂંડાબોલી એકએકથી ચઢિયાતી ગાળો ઝૂડશે… એ પછી ચૌદ ચૌદ કલાકની થઈ જાય એવી ડ્યૂટી સોંપશે… આ બધું અગાઉનાં વર્ષોમાં થઈ ચૂક્યું છે. ક્યારેક માસિક હપ્તાની વસૂલી માટે, ક્યારેક અગત્યના કેસમાં કાગળો બદલવા માટે અધિકારીના દલાલ તરીકે કામ ન કરવા બદલ. ઘણી વાર એણે આવી જુદી જુદી સજાઓ ભોગવી હતી…!

એક પી.આઈ.ને બાદ કરતાં…

હા, જેણે અરવિંદની ખરેખર કદર કરી હતી… એ પોલીસ ઈન્સ્પેકટર દવે! પણ દવેની બદલી દસ જ મહિના પછી પોલીસ ટ્રેનિંગ કેમ્પમાં થઈ ગઈ…!!

અરવિંદ આંખો મીંચી ગયો. આંખોની સામે અંધારાના ઓળા ઊતરતા હતા. વર્ષો પહેલાં બા મરી ગઈ, પછી બે વર્ષે બાપુ ગયા… ટ્રેનિંગ કેમ્પમાંથી બાપની બીમારી પર એક દિવસ રજા લઈને એ ઘેર આવ્યો ત્યારે એમની હાલત જોવાય એમ નહોતી. પ્રાઈમસમાં હવા ભરી ભરીને શ્ર્વાસ ચઢી જતો. એ બેસી જતો પણ હવે ડોસાને ચડેલો શ્ર્વાસ બેસતો જ નહોતો. ડૉક્ટરે કહ્યું હતું કે હૃદયનું પમ્પિંગ નહીંવત્ થઈ ગયું છે. હવે ડોસા બહુ ખેંચે તેમ નથી… ત્યારે અરવિંદને આંખે આંસુ આવી ગયેલાં… પણ જીવાડોસાએ એને ખાટલે બેસાડીને સમજાવ્યો હતો: ‘તું હવે પોલીસ ખાતાનો માણહ કે’વાય, આમ ઢીલો થઈ જાય એ સારું ન લાગે, કોઈનાં મા-બાપ આખો જન્મારો બેઠાં નથી રહેતાં…’ પણ અરવિંદની આંખે આંસુઓ ડબડબી ગયેલાં… બાપના ગળામાં હેડિયો ગાજતો હતો.
અરવિંદની સગાઈ નક્કી કરી હતી, પણ પોતે એને પરણાવવા રોકાઈ શકશે નહીં એનો વસવસો ડોસાને હતો, પણ આખરે ડોસાની ડોક એક તરફ ઢળી ગઈ.

પોલીસ ક્વોર્ટરની છતમાં વિચિત્ર અવાજ કરતો સીલિંગ ફેન ફરતો હતો… એની સામે તાકી રહેલ અરવિંદને શી ખબર કેમ આજે વીતેલાં વર્ષોની ક્ષણેક્ષણ યાદ આવી રહી હતી.
સવિતા એની ઘરવાળી થઈને આવી પણ પછી રહી નહીં, ક્યાં ગઈ? કોની સાથે ગઈ? એ એને ખબર નહોતી પણ શા માટે ગઈ એ તો એને બરાબર ખબર હતી.’ એ દિવસે એને સસ્પેન્ડ કર્યો હતો. એસ. પી. સૈયદે એને ત્રાડ પાડીને રીતસર ચેમ્બરમાંથી હાંકી કાઢ્યો હતો: ‘હળવદિયા, ગેટ આઉટ…’

એ રાત્રે જમ્યા વિના જ ઊંઘ આવી ગઈ… સવલીએ એને ઢંઢોળીને કહ્યું: ‘થોડું ખાઈ તો લ્યો-’

‘મને ભૂખ નથી, તું ખાઈ લે…’ અરવિંદે બંધ આંખે જ જવાબ આપ્યો, પણ રાત્રે એનું શરીર સવિતાએ ફરી ઢંઢોળ્યું, હજી રાત જ હતી સવાર પડી નહોતી. ઊંડી ઊતરી ગયેલી ખાટલીમાં એની અડોઅડ સૂતેલી ને એના શરીરે આંગળીઓ ફેરવવા માંડેલી. સવલી તો એની ભુલાતી જતી ફરજ યાદ કરાવતી હતી પણ, અરવિંદે એનો હાથ તરછોડી દીધો.

-ને સવલી ઊભી થઈ જતી રહી. અરવિંદને એમ કે દરરોજની જેમ ગુસ્સે થઈને ભોંયપથારી કરી ઊંઘી જશે પણ એ રાત્રે સવલી ગઈ તે ગઈ, પાછી ન આવી…!

અરવિંદ ખાટલીમાં બેઠો થયો. એકાદ બીડી જગાવી વિચાર્યું: કાલે ભીખાલાલને ચેતવી દેવો પડશે કે આ પટેલથી જરા સાવધાન રહે….! -ને એ રાત્રે અરવિંદ સૂઈ ગયો…

પણ સવારે ભીખાલાલની લારીએ પહોંચ્યો ત્યાં લારી નહોતી. આસપાસવાળાએ કહ્યું કે ભીખાને પટેલસાહેબ થાણે લઈ ગયા છે…! અરવિંદને સમજાઈ ગયું કે હવે પટેલ વેર વાળશે. જે કાળા કામ માટે આ ઉધામો કર્યો છે એ પાર પાડ્યા વિના રહેશે નહીં. એટલે અરવિંદ તત્કાળ પોલીસ સ્ટેશને પહોંચ્યો.

પટેલ ભીખાલાલને લાકડી મારવા ઉગામતો હતો, ત્યાં અરવિંદ પહોંચ્યો… એ પટેલ પાસે દોડી આવ્યો. ‘પટેલસાહેબ, કોઈ દી દારૂ મોઢે અડાડ્યો નથી…’ ભીખાને ગાલે પટેલે થપ્પડ મારી હતી એટલે એ ગાલ ચોળતાં કરગરતો હતો. અરવિંદ ભીખાની નજીક દોડી આવ્યો, પણ ત્યાં જ સામેથી સિંહસાહેબ આવી ચઢ્યા… એમણે ભીખાલાલને વાળ પકડીને એના આખા શરીરને હવામાં ફંગોળતાં બેરહેમીથી ધુણાવ્યો પછી જોરદાર થપ્પડ ભીખાના ગાલે વીંઝી જેનાથી ભીખાની ચીસ નીકળી ગઈ. અરવિંદ સિંહસાહેબ તરફ ધસ્યો: ‘સાહેબ હું આ માણસને ઓળખું છું એને દારૂ પીવાની લત નથી…’

‘તૂ અભી ઈધર ક્યા કર રહા હૈ…? તુમારા ડ્યૂટી તો રાત કા હૈ…?’ સિંહસાહેબ ભીખાને છોડીને અરવિંદ તરફ ધસ્યા, એના તરફ એક થપ્પડ ઉગામી પણ પટેલ ત્યાં દોડી આવ્યો, એણે સિંહસાહેબને શાંત પાડ્યા ને અરવિંદને સાહેબથી સહેજ દૂર લઈ જઈને સમજાવ્યો: ‘અરવિંદ, તું ઘેર જતો રહે… આ કેસમાં ન પડીશ… મેં તને રાત્રે જ સમજાવ્યો હતો…’

અરવિંદની નજર સિંહસાહેબની હરકત પર જ મંડાયેલી હતી. સિંહસાહેબે સળગાવેલી સિગારેટ ભીખાના ફાટેલા ખમીસમાંથી એની કમરે ચાંપી ને ભીખાના મોઢેથી અવાજ ફાટી જાય એવી ચીસ નીકળી ગઈ… સાથોસાથ જ અરવિંદના લોહીમાં ઉછાળો આવ્યો: ‘અરે તારી જાતના સિંહ, સાલા તું તો શિયાળથીયે બેદ છો…’ અરવિંદે ખૂણામાં પડેલી નેતરની સોટી ઉઠાવીને અવળીસવળી ચારપાંચ સિંહના માથામાં જ ઝીંકી દીધી… સિંહના માથેથી લોહી દડવા માંડ્યું… એ બેભાન થઈ ગયો… બે પોલીસવાળાએ દોડી આવીને અરવિંદને પકડી રાખ્યો. એ પક્કડમાંથી તો અરવિંદ છટક્યો પણ ઘેર ન ગયો. એ પહોંચ્યો સીધો પોલીસ હેડક્વોર્ટર્સ, પોલીસ સુપરિન્ટેન્ડેન્ટની ઓફિસના બંધ કમરામાં અરવિંદે સુપરિન્ટેન્ડેન્ટ સાથે લાંબી વાત કરી.

બે દિવસ પછી સુપરિન્ટેન્ડેન્ટે એને ફરી બોલાવ્યો. એણે ધાર્યું જ હતું કે આ અપરાધ ડિપાર્ટમેન્ટ સાંખી નહીં લે… એને ભાગવાની ઈચ્છાય થઈ આવેલી પણ એ ખાતાને જાણતો હતો. સવારથી સાંજ નહીં પડે ત્યાં શોધી કાઢશે, એટલે સાહેબે આપેલા સમયે અરવિંદ હાજર થયો… કડક હાથે સેલ્યુટ કરી ટટ્ટાર ખડો થયો, પણ એની આંખો ઝૂકેલી હતી…

સુપરિન્ટેન્ડેન્ટે કડક સ્વરે કહ્યું: ‘હળવદિયા, આંખે મિલા કે સૂનો…’

અરવિંદ ફફડી ગયો: ‘જી સાહેબ-’ એણે મહામહેનતે આંખો ઉઠાવી.

સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું: ‘તુમારા ટ્રાન્સફર કિયા જાતા હૈ… બાકી મૈ દેખ લૂંગા.’ પછી સુપરિન્ટેન્ડેન્ટે નજીક આવી કહ્યું: ‘દો-ચાર મહિને મેં તુમારા પ્રમોશન ભી હો જાયેગા. તુમ બહોત હિંમતવાલા ઔર ન્યાય પસંદ આદમી હૈ…’

‘થેન્ય યુ સર-’ અરવિંદે સુપરિન્ટેન્ડેન્ટ સામે આદરથી સેલ્યુટ કરી.

એની આંખો સામે દીવાલ પર સૂત્ર લેખલું હતું: સત્યમેવ જયતે….

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…