વીક એન્ડ

સૈફ પાલનપુરીની શતાબ્દીનું ટાણું, હું આજે ‘મુંબઈ સમાચાર’માં માણું…

પ્રાસંગિક – શોભિત દેસાઈ

(૧) જાનદાર અને શાનદાર સારથી શોભિત દેસાઈ
(૨) ગુજરાતના શાયર રત્ન સૈફ પાલનપુરીની શતાબ્દી નિમિત્તે ‘સૈફ પાલનપુરી શતાબ્દી વિશેષાંક’નું અનાવરણ
(૩) સૈફ પાલનપુરીના સુપુત્ર અને કાર્યક્રમના આયોજક મોહિબ ખારાવાલા
(૪) મખમલી અવાજના જાદુગર મનહર ઉદ્યાસ

આશ્ર્ચર્યોની ભરમાર હતી એ સાંજ. હતો દિવસ ગાંધીજયંતીનો અને સાંજ ઉજવાઈ રહી હતી ગાંધીજીને જેની સાથે લાગતુંવળગતું નહોતું એવી ચીજના શોખીન શાયર સૈફ પાલનપુરીની. ‘જન્મભૂમિ’ ગ્રુપના કવિતાને જ સમર્પિત સુખ્યાત મેગેઝિન ‘કવિતા’ના સૈફ પાલનપુરી શતાબ્દી વિશેષાંકનું અનાવરણ થયું મનહર ઉધાસ દ્વારા, સ્ટેજ ઉપર કુન્દન વ્યાસ અને રમેશ પુરોહિતની હાજરીમાં, અને અંકની પ્રથમ કોપી અર્પણ કરાઈ મોહીબ સૈફ પાલનપુરીને… અને સામે ઓડિયન્સમાં પ્રથમ Rowમાં બેસીને બિરદાવતા હતા ‘મુંબઈ સમાચાર’ના તંત્રી નીલેશ દવે. માણસાઈ, મહોબ્બત અને મિલનસારીનું અજબ મિશ્રણ હતી એ સાંજ.

અને મારા પરમપ્રિય વાચકો! તમને એક વાત કહું? મને આ સાંજના ભાગ બનવાનો એટલો વિશેષ આનંદ મળ્યો છે કે સૈફ પાલનપુરીના કેટલાક અદ્ભુત શેર મારી સ્મૃતિના કાટમાળ નીચે દબાઈ ગયા હતા, એ આપોઆપ હોઠ પર આવી અને સામેના સમુદાયમાંથી પ્રત્યેકના હૃદયમાં જગ્યા બનાવીને બેસી ગયા. સૈફભાઈ એક શેર તો એવો મુકીને ગયા છે કે આજે ય યાદ કરીએ તો શરીરમાંથી એક લખલખું પસાર થઈ જ જાય. નવજાત શિશુના મોત પર, Stillborn બેબી પર આવું નિરીક્ષણ જગતભરની કોઈપણ ભાષામાં થયું હોય તો મારું અજ્ઞાન દૂર કરવા વિનંતી.

બે ચાર શ્ર્વાસ લઈને જે બાળક મરી ગયું
એની કને ખુદાની કોઈ બાતમી હતી

સૈફભાઈનું તગઝ્ઝુલ, સૈફભાઈની ઈશ્કે મિજાજી રજૂ કરતો એક શેર તો ઓડિયન્સમાં બેઠેલા દરેકને જવાની યાદ અપાવી ગયો.

વિખરેલ લટોને ગાલો પર રહેવા દે પવન! તું રહેવા દે
આ મસ્ત ગુલાબી મોસમમાં વાદળનું વિસર્જન કોણ કરે?!

અને સાહેબો! સામે જે ઓડિયન્સ બેઠું’તું!!!

શૂન્યભાઈના, ‘મરીઝ’ના, યુસુફ બુકવાલાનાં સંતાનો, હિરાના વેપારીઓ, બૅંકોના ચેરમેન અને જનરલ મેનેજરો, ઉત્કટ ગઝલરસિયાઓ, દાઉદી વહોરાઓ, જૈન વણિકો, વૈષ્ણવો, નાગર બ્રાહ્મણો… આખું પચરંગી ભારત ઊમટેલું. મેં, શોભિત દેસાઈએ સાત વરસ પછી કોઈપણ હોલ (ભારતીય વિદ્યાભવન) ઉપર નીચે પૂરેપૂરો છલકાયેલો જોયો. અને ઓડિયન્સ એટલે કેવું?! ગઝલની પંકિતના બે શબ્દ વચ્ચેની ખાલી જગ્યાની સમજણમાં પણ શાયરની સમજણ સાથે કદમ મિલાવે, અને ફૂટબોલમાં ગોલ થતાં જે અંતિમ જમણેથી અંતિમ ડાબે હાકલા પડકારા દેકારા થાય એવી દાદ આપે શેરની કાબેલિયત પ્રમાણે. સૈફભાઈએ ગુજરાતી ભાષાને એક અપ્રતિમ શેરની ભેટ આપી છે.

મિત્રો બનાવવામાં રહ્યો સૈફ હું અને
બહુ સારા સારા દુશ્મનો બીજે સરી ગયા

એવા, સૈફભાઈનાં જીવનકાળ દરમિયાનના કદાચ દુશ્મનો અથવા એમનાં સંતાનોની હાજરીની પણ માદક સુગંધ હતી એ સાંજના વાતાવરણમાં… અત્યાર સુધી આ અહેવાલ વાંચી રહેલા તે દિવસના હાજર શ્રોતાઓને હું મહેફિલના વરરાજાનો ઉલ્લેખ ન જડતાં મૂંઝવણ અનુભવતા જોઈ રહ્યો છું. તો એ વાત હવે માંડું.

મનહર ઉધાસ… સૈફભાઈની એ સાંજના વરરાજા, એ સાંજને અલૌકિક સાંજના દરજ્જા પર લઈ ગયા. અવિનાશ વ્યાસ દ્વારા ગુજરાત જરૂર ગાતું થયું, પણ ગુજરાત ગઝલ ગાતું થયું, મનહર ઉધાસ દ્વારા. મહમ્મદ રફીએ ‘દિવસો જુદાઈનાં જાય છે…’ (શાયર: ગની દહીંવાલા, સ્વરકાર: ‘એકમેવ’ પુરુષોત્તમ ઉપાધ્યાય) દ્વારા જે જ્યોત જલાવેલી એ જ્યોતમાં છેલ્લાં ૩૫ વરસથી સતત ઘી પૂરાતું રહ્યું છે મનહર દ્વારા. તારી આંખનો અફીણી (વેણીભાઈ-અજિત મર્ચંટ-દિલીપ ધોળકિયા) કે રંગલો (અવિનાશ – અવિનાશ અને બધા જ ગાયકો) જેટલાં જ મોહક અને હૃદયસ્થ છે શાંત ઝરુખે વાટ નિરખતી (સૈફ-મનહર-મનહર) કે નયનને બંધ રાખીને (બેફામ-મનહર-મનહર). બીજાં કેટલાંય મીઠ્ઠામધ સ્વરાંકનો પર કંઠ ઉપરની વયગતતાએ સહેજ પણ ફરક નથી પડવા દીધો, સૂરની એ કેવડી મોટી સિદ્ધિ…

અને સૌથી છેલ્લે આ કાર્યક્રમની સૌથી મોટી ઉપલબ્ધિ એ એનું આયોજન. મોહીબ સૈફુદ્દીન ખારાવાલાએ, સૈફભાઈનાં સમગ્ર પરિવારને સાથે રાખીને જે આયોજન કર્યું હતું એને સલામ, જનાબ મનહર ઉધાસને અને મને સૈફભાઈનાં ઋણમાંથી આંશિક મુક્તિ મેળવવાનો મોકો આપવા બદલ વંદન. ‘કવિતા’ના તંત્રી અને
ગઝલના પરમ મર્મજ્ઞ રમેશ પુરોહિતને સૈફ શતાબ્દીનું ટાણું
આવી સુંદર રીતે શણગારવા બદલ અભિનંદન અને એ
સાંજના હાજર ગઝલરસિયાઓને હવે પછીની દરેક ગઝલસાંજને આવી જ રીતે હાજર રહીને રોશન કરવાની વિનંતી અને નમણો હઠાગ્રહ.
જયગઝલ

સૈફ પાલનપુરીના અપ્રતિમ સુંદર શેર

આગ આ ઘરને કઈ રીતે લાગી ભલા?!
એ તો વર્ષોથી ખાલી પડેલું હતું


મોત થઈ ગ્યું છે જંગલમાં એકાંતનું, કોઈ રોતું નથી
મોર નાચે છે વસ્તીમાં આવી હવે, કોઈ જોતું નથી

ઝાડ પર જ્યારથી એક પંછીએ માળો વિખેરી દીધો
છાંયડો રોજ આવીને બેસે છે, પણ કોઈ હોતું નથી

આજ ઘર પાસ આવ્યો તો ખુલ્લી કબર એક જોવા મળી
બોલી: ઊભો છે કેમ બહાર? આવી જા સૈફ? કોઈ જોતું નથી.


ભૂલાયેલી ગલીઓ, બંધ દરવાજાઓ યાદ આવ્યા
ઘણા દિવસે ઘરે બેસી રખડવામાં મજા આવી

ગજા મુજબના એક દુશ્મનને અંતે શોધી કાઢ્યો મેં
લડ્યો મારી જ સાથે હું ને લડવામાં મજા આવી


ઘરનું આંગણ એ કોઈ ગામનું પાદર તો નથી!
કેમ છલકાય છે ગોરી! શિરે ગાગર તો નથી!

કોણ આવ્યું હશે વર્ષો પછી મળવા મુજને!
સાવ અજાણ્યો છે આ પગરવ, જુઓ! ઈશ્ર્વર તો નથી?


સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું
હું પોતે મને પોતાને દેખાઈ રહ્યો છું

આ મારો ખુલાસાઓથી ટેવાયેલો ચહેરો…
ચૂપ રહું છું તો લાગે છે કસમ ખાઈ રહ્યો છું

મારા વિશે કોઈ હવે ચર્ચા નથી કરતું
આ કેવી સિફતથી હું વગોવાઈ રહ્યો છું

એક વાર મેં ફૂલો સમો દેખાવ કર્યોે ’તો
આ એની અસર છે કે હું કરમાઈ રહ્યો છું.


સૈફભાઈની ઉપરની ગઝલના રદીફ-કાફિયા લઈને મેં, શોભિત દેસાઈએ સૈફભાઈને અંજલિ આપતી અને એમના જીવન-કવનને સમાવતી એક ગઝલ લખી હતી, એનાથી આજના આ લેખ પૂરતી સૈફભાઈને વિદાય આપીએ…

એથી જ તો દુનિયામાં વગોવાઈ રહ્યો છું
કોઈ નથી સાથે અને હરખાઈ રહ્યો છું.

દરરોજ સવારે મને તોલે છે નવાં માપ
ચળકાટ છું આદિ અને પરખાઈ રહ્યો છું

જોઈને ઝરૂખે ઊભી એક રૂપની રાણી
હું મનમાં ને મનમાં બહુ શરમાઈ રહ્યો છું

એક જ આ વિમાસણ લઈ ઊભો છું બજારે
વેચાઈ રહ્યો છું કે ખરીદાઈ રહ્યો છું?

સૂનું બહુ લાગે છે મને આપ વિના અહીં
ખીલવાની છે મોસમ અને કરમાઈ રહ્યો છું

ઝળહળનું ભલે શ્રેય મળે પૂરું બીજાને
હું પાયો બની ભોંયમાં ધરબાઈ રહ્યો છું

ક્યારેક મળી જાઉં અનાયાસ હું તમને,
બસ એ જ અપેક્ષાથી હું ખોવાઈ રહ્યો છું.

જયગઝલ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો