વીક એન્ડ

રુદ્ર: હૉસ્પિટલ ઑન વ્હીલ્સ

આ ટે્રન વરદાન બની રેલવેના હજારો કર્મચારીઓ-મજૂરો ને તેમના પરિવારો માટે

વિશેષ – અનંત મામતોરા

ઘણી વખત એવું બનતું હોય છે જ્યારે ભંગાર સમજીને જે વસ્તુનો ત્યાગ કરાયો હોય તેમાંથી લોકોપયોગી વસ્તુનું સર્જન થતું હોય છે. આવું જ એક ઉદાહરણ પૂં પાડ્યું છે ભુસાવલના ડિવિઝનલ રેલવે મેનેજર ઇટી પાંડેએ. તેમણે ટે્રનના એક ભંગાર પડેલા કોચમાં હોસ્પિટલ બનાવી જેને નામ આપ્યું રુદ્ર. આ હોસ્પિટલમાં દુર્ગમ વિસ્તારોમાં રહેતા રેલવે કર્મચારીઓ અને મજૂરો તથા તેમના પરિવારોને સ્વાસ્થ્ય સંબંધિત સારવાર પૂરી પાડવામાં આવે છે. આ મોબાઇલ ક્લિનિક દ્વારા તાકીદે સમયસર મેડિકલ સારવાર પૂરી પાડવામાં આવે છે. હાલમાં આ હોસ્પિટલનો લાભ 1000 કરતાં વધુ રેલવે કર્મચારી-મજૂરો લઇ રહ્યા છે.

મહારાષ્ટ્રના ખાનદેશ પ્રાંતમાં આવેલું ભુસાવલ રેલવે માટે ઘણું મહત્ત્વનું સ્ટેશન છે. અહીં રેલવે સંબંધિત ઘણા કામ થતા હોય છે. તેથી અહીંના અનેક દુર્ગમ વિસ્તારોમાં પણ રેલવે સંબંધિત કર્મચારીઓના પરિવાર આવેલા છે. ઘણી વખત મેડિકલ કટોકટીના સમયે તેઓને સમયસર સારવાર મેળવવાનું મુશ્કેલ થઇ પડતું હોય છે. આવી પરિસ્થિતિમાં રુદ્ર હોસ્પિટલ તેમની માટે વરદાન બની છે. એક સમય હતો જ્યારે અહીંના રેલવે કર્મચારીઓને મેડિકલ સારવાર મેળવવામાં વિલંબ થતો હતો ત્યારે હવે તેમને તેમના ઘર આંગણે મેડિકલ સારવાર મળી રહે છે.

આ શક્ય થયું છે ફક્ત ઇટી પાંડેના વિચારોથી. તેઓ ભુસાવલમાં ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) તરીકે કાર્યરત છે. તેમનો એક સરળ વિચાર હાલમાં અનેક લોકોના સ્વાસ્થ્યની સારવાર માટે ઉપયોગી થયો છે. તેઓ અલાહાબાદ યુનિવર્સિટીથી સાયકોલોજીમાં ગોલ્ડ મેડલિસ્ટ છે તથા મુંબઈમાં પશ્ચિમ અને મધ્ય રેલવેમાં સેવા આપી ચૂક્યા છે.

રેલવેમાં ઘણા મજૂરો-કર્મચારીઓ ઇજા પામતા હોય છે તેઓને સમયસર સારવાર મળવી જરૂરી હતી અને આ અંગે મારા મનમાં હંમેશાં ચિંતા રહેતી હતી. ભુસાવલમાં 25,000થી વધુ રેલવે મજૂરો અને તેમના પરિવાર રહે છે. તેમને ઘણી વખત સમયસર મેડિકલ સારવાર મળતી નહોતી તથા ગંભીર બીમારીઓનું નિદાન થતું નહોતું. આ વિસ્તારમાં ડોક્ટરો અથવા મેડિકલ નિષ્ણાતોનો અભાવ પણ મોટી સમસ્યા હતી, એમ ઇટી પાંડે જણાવે છે.

ઘણા મજૂરો ચાલીસગાંવ, મૂર્તિઝાપુર અને બડનેરા જેવા દુર્ગમ વિસ્તારમાં રહેતા હોય છે. તેઓને સારવાર માટે ભુસાવલની ડિવિઝનલ રેલવે હોસ્પિટલમાં આવવું પડતું હોય છે જેમાં ઘણો સમય વેડફાય છે. ઘણા મજૂરો રેલવે ટે્રક પર જ કામ કરતા હોય છે જેઓને વારંવાર ઇજા થતી હોય છે ત્યારે તેમને સારવાર મળવી મુશ્કેલ થઇ પડે છે. હાલમાં આ હોસ્પિટલ ઓન વ્હિલ્સમાં ત્રણ એસી કોચ છે જેમાં ડોક્ટરો અને મેડિકલ ટીમ દર પંદર દિવસે દુર્ગમ રેલવે ડિવિઝનોમાં જઇને રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારોને સારવાર આપે છે, એમ તેઓ જણાવે છે.

મારા વિચારોને હકીકત બનાવવું સરળ નહોતું. જરૂરી કામમાં આવતા કોચને આ હોસ્પિટલ બનાવવાનું કામ મુશ્કેલ હતું. તેની માટે પરવાનગી મેળવવી અઘરી હતી, પણ મને ખબર હતી કે આ હોસ્પિટલ લાંબાગાળે દરેક માટે ઉપયોગી થઇ પડશે. આખરે મને ગ્રીન સિગ્નલ મળ્યું. ત્યાર બાદ મુંબઈના માટુંગા મધ્ય રેલવેના વર્કશોપથી જૂના કોચને ભુસાવલ લાવવામાં આવ્યો. આખરે ત્રણ એસી કોચને ભેગા કરીને તેમાં મેડિકલ સારવાર માટેની સામગ્રી વિકસાવવામાં આવી. આ કોચમાં ઇસીજી મશીનથી લઇને બ્લડ સેમ્પલ કલેક્ટ કરવાની સુવિધા તથા ક્નસલ્ટેશન માટે ડોક્ટરો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા. મહિલાઓને પણ યોગ્ય તે સારવાર મળી શકે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું, એમ ઇટી જણાવે છે.

18મી જાન્યુઆરી, 2025ના ભુસાવલ ડિવિઝનના ચાલીસગાંવમાં પ્રથમ મેડિકલ કેમ્પનું આયોજન આ રુદ્ર હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું, જેને અદ્ભુત પ્રતિસાદ મળ્યો હતો. એક જ દિવસમાં જ 259 લોકોએ આ સેવાનો લાભ લીધો જેમાં 159 મજૂરો, 72 રેલવે કર્મચારીઓના પરિવારના સભ્યો, પચીસ નિવૃત્ત મજૂરોનો સમાવેશ થાય છે. રુદ્ર મેડિકલ ટીમમાં 60 ડોક્ટરોનો સમાવેશ થાય છે. અહીં દર્દીઓની સારવારનો રેકોર્ડ સંભાળીને રાખવામાં આવે છે જેથી જો તેઓ અન્ય સારવાર માટે હોસ્પિટલમાં જાય ત્યારે તેમને કોઇ સમસ્યા ન નડે. બીજો મેડિકલ કેમ્પ 30મી જાન્યુઆરી, 2025ના મૂર્તિઝાપુરમાં રાખવામાં આવ્યો હતો જ્યાં 291 લોકોએ તેનો લાભ લીધો હતો, એમ ઓફિસર પાંડે જણાવે છે. હાલમાં ઇટી પાંડે અને રુદ્રની ટીમ આ મોબાઇલ હોસ્પિટલમાં વધુ કોચ જોડીને લોકોને વધુને વધુ મેડિકલ સારવાર આપવા માટે વિચારી રહી છે. શકય હોય ત્યાં સુધી રેલવે કર્મચારીઓને એક છત નીચે જ તમામ મેડિકલ સારવાર મળી રહે એ માટેના પ્રયાસ ચાલી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button