વીક એન્ડ

રૂફ ટોપ સોલાર શક્તિ: દિલ્હી હજુ દૂર છે

વિશેષ – પ્રથમેશ મહેતા

વીજળી પ્રાપ્તિ અર્થે દેશમાં વર્ષોથી થર્મલ પ્લાન્ટ્સ ચલાવાય છે. જળશક્તિ અને અણુશક્તિનો પણ ઉપયોગ થાય છે, પરંતુ દેશની વધતી વસતિ, ઉદ્યોગો અને શહેરીકરણને કારણે વીજળીની ખપતને પહોંચી વળાતું નથી. દૂર દૂરના અંતરિયાળ ગામોમાં પણ આમ પ્રજાને ૨૪ કલાક વીજળી મળી રહે તેવો વિકાસ કરવો હોય તો હવે વૈકલ્પિક ઊર્જા વ્યવસ્થા કરવી જ રહી. અલબત્ત આ વ્યવસ્થા ઊભી કરવામાં સૂર્યશક્તિનો ઉપયોગ કરવાનું કેટલાય વર્ષોથી શરૂ થઇ ચૂક્યું છે, પણ હજુંયે વધુ મહેનત કરવાની અને ઠેર ઠેર જનજાગૃતિ ફેલાવવાની ખૂબ જરૂર છે.

ભારતમાં સૌપ્રથમ સૂર્યમાંથી શક્તિ મેળવવાનું અભિયાન આજથી ૧૪ વર્ષ પહેલાં શરૂ થયું. ૨૦૧૦માં કૉંગ્રેસ સત્તા પર હતી ત્યારે જવાહરલાલ નહેરુ નેશનલ સોલાર મિશનની શરૂઆત થઇ હતી. તે વખતે આ યોજનાનો લક્ષ્યાંક હતો ૨૦ ગીગાવૉટ સૂર્ય શક્તિ (સૉલાર એનર્જી) પ્રાપ્ત કરવાનો જેમાં મકાનો અને ખાનગી મિલકતો પર લાગેલી સૉલાર પેનલોને (રૂફ ટોપ સોલાર કૅપેસિટી) પણ ગણતરીમાં લીધી હતી. આ લક્ષ્યાંક ત્રણ તબક્કામાં પાર પાડવાનો નિર્ણય સેવાયો હતો. ૨૦૧૦-૨૦૧૩,૨૦૧૩-૨૦૧૭ અને ૨૦૧૭-૨૦૨૨. જોકે, ૨૦૧૪માં ભાજપની સરકાર આવી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના વધુ રસ લીધો. ૨૦૧૫માં આ સરકારે ૨૦૨૨ સુધીમાં ૧૦૦ ગીગાવૉટ સૉલાર એનર્જી પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક રાખ્યો જેમાંથી ૪૦ ગીગા વૉટ રૂફ ટોપ સોલાર યોજના દ્વારા મેળવવાનો ઇરાદો હતો.
જોકે, ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં માત્ર ૭.૫ ગીગા વૉટની ક્ષમતા જ પ્રાપ્ત કરી શકાઇ છે અને હવે ૨૦૨૬ સુધીમાં ૪૦ ગીગા વૉટ સૉલાર એનર્જીનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અનેક જાતના આર્થિક વળતરો, એડવાન્સ્ડ ટૅકનોલોજીનો ઉપયોગ, જન જાગૃતિ અને તાલીમ આપ્યા પછી પરિસ્થિતિ સુધરી તો છે, પણ લાગે છે દિલ્હી તો હજૂં ઘણું દૂર છે. ટારગેટ પ્રાપ્ત કરવા માટે યુદ્ધના ધોરણે કામ કરવું પડશે તેમાં બેમત નથી.

કેન્દ્ર સરકારે શરૂ કરેલા આ અભિયાનમાં રાજ્યોએ કદમથી કદમ મેળવીને ચાલવું પડશે. માર્ચ ૩૧,૨૦૨૪ સુધીમાં આવેલા આંકડા મુજબ ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાને જ નોંધ લઇ શકાય એવો દેખાવ કર્યો છે. ગુજરાત ૩૪૫૬ મૅગા વૉટના રૂફ ટોપ ઉત્પાદન સાથે અગ્રેસર રહ્યું છે. ગુજરાતી સરકારની ઝડપી મંજૂરી યોજનાને કારણે બહોળી સંખ્યામાં રૂફ ટોપ સૉલાર લગાડનારા વધ્યા છે. ગુજરાતમાં જનજાગૃતિ અભિયાન પણ અન્ય રાજ્યો કરતાં વધુ જોરશોરથી ચાલી રહ્યું હોવાથી તેને લાભ મળ્યો છે. ૨૦૭૨ મૅગાવૉટના ઉત્પાદન સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમે રહ્યું છે. જ્યારે રાજસ્થાન ૧૧૫૪ મૅગાવૉટ સાથે ત્રીજા નંબર પર છે. કેરળ, તમિળનાડુ અને કર્ણાટકે અનુક્રમે ૬૭૫, ૫૯૯ અને ૫૯૪ મૅગાવૉટની ક્ષમતા મેળવી છે.

જોકે, ઉત્તર પ્રદેશ, બિહાર-ઝારખંડ જેવા મોટા રાજ્યોમાં હાલત ઘણી ગંભીર છે. અહીં જનજાગૃતિનો અભાવ અને અયોગ્ય માળખાકીય તંત્ર આંખે ઊડીને વળગે છે.
આવા સંજોગોમાં પ્રધાન મંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના ચાલુ થઇ છે એ ભારતની ક્ષમતા વધારશે એવી આશા રખાય છે. એક કરોડથી પણ વધુ ઘરોમાં સોલાર પેનલ લગાડી લશ્ર્યાંકની નજીક પહોંચવાના પ્રયત્નો થઇ રહ્યા છે. દરેક ઘરમાં સૉલાર પેનલ્સ દ્વારા બે કિલોવૉટ વીજળી મેળવવાની. તેમાંથી ત્રણસો યુનિટ ( પ્રતિ માસ)ની વીજળી આ ઘરોને મફત આપવાની ધારણા છે. આ યોજના પાર પાડવા સરકારે ૭૫,૦૦૦ કરોડથી વધુ રૂપિયા ફાળવ્યા છે. આ પૈસા ઘર માલિકો, ડિસ્ટ્રીબ્યુટરોને પ્રોત્સાહક ઇન્સેન્ટિવ્ઝ આપવા માટે વપરાશે. આ ઉપરાંત આધુનિક ટૅકનોલાજીનો ઉપયોગ અને જનજાગૃતિ અભિયાન પણ તેજ કરવાનો ઇરાદો છે.

આટલા બધા પ્રયાસો કરવા છતાંય આ ભગીરથ કાર્ય વધુ પ્રયત્નો માગી લે તેવું છે. દરેક ગૃહ ધારકો પાસે આ યોજના ઇન્સ્ટોલ કરવાનીઆર્થિક ક્ષમતા હોતી નથી. સરકાર ફક્ત સબસિડી આપે એ નહીં ચાલે. અન્ય આર્થિક યોજનાઓ જાહેર કરવી પડશે જેનાથી નાનામાં નાનો માણસ પણ શરૂઆતમાં ભોગવવો પડતો આર્થિક ભાર ખમી શકે. આ યોજના માટે લૉન આપતી સરકારી કે ગેરસરકારી નાણાંકીય સંસ્થાઓએ હજી વધુ રાહત દરે આ કામ ઉપાડી લેવું પડશે.

સૉલાર ટૅકનોલોજી,એનર્જી સ્ટોરેજ સોલ્યુશન અને ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હજી વધું રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટની જરૂર છે. ‘સૂર્યમિત્ર’ જેવા વધુને વધુ સરળ તાલીમકેન્દ્રો ઊભા કરવા પડશે. નેટ મીટરીંગ રેગ્યુલેશન્સ, ગ્રીડ-ઇન્ટિગ્રેશન સ્ટાન્ડર્ડ અને બિલ્ડિંગ કૉડ્સની પુન: સમીક્ષા કરવી પડશે.

સૂર્યમાંથી ઊર્જા મેળવવાની યોજના પાના પર તો ઘણી સારી લાગે છે, પણ તેને વ્યવહારમાં મૂકવાનું કાર્ય મુશ્કેલ છે. હા અસંભવ નથી. મજબૂત ઇચ્છાશક્તિ સાથે લક્ષ્યાંક પાર પાડવા સરકાર અને જનતા બન્નેએ ખભેખભા મેળવીને કામ કરવું પડશે. પ્રદૂષણરહિત ઊર્જા મેળવવાનો આ એક મોટો વિકલ્પ છે એ હકીકત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button