અસલી વકીલ નકલી જજ
કવર સ્ટોરી -મનીષા પી. શાહ.
‘ધ સ્માર્ટેસ્ટ ચોર, સુપર માઇન્ડ’ ભારતનો ચાર્લ્સ શોભરાજ, સુપર નટવરલાલ ગ્રેટેસ્ટ ઠગ. આ બધા વિશેષણો એક જ વ્યક્તિને મળ્યા છે. ને મોટાભાગની પ્રશસ્તિ વર્દીધારીઓએ જ કરી છે. એના અમુક કારનામા તો વિશ્ર્વના ગુનાખોરીની ઇતિહાસમાં અજોડ કહી શકાય એવા છે. નામ ધનીરામ મિત્તલ.
આ સુપર સ્માર્ટ ઠગ-ચોરની વિશિષ્ટતા જોઇએ. અભ્યાસ કર્યો કાયદાનો અને કાયમ રહ્યો કાનૂનની સામેની બાજુ. એક હજારથી વધુ વાહનોની મોટાભાગની કારની, ચોરી કરી. એક-એક ચોરી દિવસમાં અજવાળામાં વાહન ચોરે ખોટા દસ્તાવેજ બનાવે અને વેચી નાખે. લગભગ આ બધી હાથ ચાલાકી દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં અજમાવે. એ મોટે ભાગે સલામતી-સુરક્ષાવાળી આધુનિક યંત્રણા ન બેસાડેલા વાહનને નિશાન બનાવે.
ધનીરામ મિત્તલમાં ચાલાકી, ચપળતા, લુચ્ચાઇ અને ગુનાખોરીનું માનસ ભારોભાર પણ એને સફળ-સરળ બનાવવા માટે તેણે ઉઠાવેલી જહેમત અને કરેલા આયોજન માટે માન ઉપજે. કોઇ જન્મથી તો ગુનેગાર હોતું નથી. એ જ રીતે ધનીરામને સપનાં હતાં. એને સાકાર કરવા હરિયાણાના ભિવાની શહેરના યુવાને એલ.એલ.બી. પાસ કર્યું. પછી ખૂબ મહેનત કરવા છતાં લાંબા સમય સુધી ન કોઇ કામ મળ્યું કે ન નોકરી મળી.
આ નિરાશા, હતાશા અને લાચારી વચ્ચે ધનીરામ મિત્તલના મગજમાં એક ચમકારો થયો. પછી આકરી મહેનત કરીને હસ્તાક્ષર નિષ્ણાત (હા, હેન્ડરાઇટિંગ એક્સપર્ટ) બન્યો. સાથોસાથ કેલીગ્રાફી શીખ્યો. ગ્રાફોલોજીની ડિગ્રી મેળવી. બસ, આ બધા આયુધોથી સજજ થયા બાદ ધનીરામ મિત્તલે ક્યારેય પાછું વળીને ન જોયું.
પોતાની બહુલક્ષી આવડતનો પહેલો પરચો બતાવ્યો રેલવે વિભાગને. બનાવટી કાગળોને આધારે તે સ્ટેશન માસ્ટરની નોકરીએ લાગી ગયો. માત્ર થોડા દિવસો કે મહિના નહીં, છ-છ વર્ષ આ નોકરીમાં ટકી રહ્યો, પગાર લીધો અને મજા કરી.
પરંતુ આટલાથી ધનીરામને સંતોષ ન થયો. એ વાહનચોરીની દુનિયામાં પહોંચી ગયો. અહીં ગાડી ચોરીને એના બનાવટી પેપર્સ બનાવીને એ વેચી નાખે. ઘણીવાર પકડાઇ જાય, કોર્ટ સજા કરે અને જેલમાંય જાય. પણ બહાર આવીને કરોળિયાની જેમ પોતાના જૂના વ્યવસાયમાં જોતરાઇ જાય. એક અંદાજ મુજબ એકાદ હજાર ગાડી ચોરવામાંથી માત્ર ૯૪ કેસમાં પકડાયો અને જેલ ગયો હતો. જાણે સરકારી નોકરી હોય એમ પૂરેપૂરી નિષ્ઠ, ધગશ અને પ્રમાણિકતાથી એ કાર-ચોરી કરતો રહ્યો. કહેવાય છે કે એક હજારથી વધુ વાહનોની ચોરીઓ ધનીરામનો વિશ્ર્વ વિક્રમ હોઇ શકે. પરંતુ મોટર ચોરવી, બોગસ દસ્તાવેજ બનાવવા અને એને વેચી નાખવાનું તો ઘણાં કરી શકે.
બાજ નજરવાળા ધનીરામ મિત્તલ ભણેલો હતો. અદાલતમાં અવરજવરનો અનુભવ હતો. જેલના કેદીઓ સાથે દોસ્તી હતી. ગુનેગાર હોવા છતાં માનસિક રીતેે એ એકદમ સજજ હતો. ભલભલા શિક્ષિતોને ભૂ પાઇ દેવાની ક્ષમતા હતી.
સને ૧૯૮૦માં એમણે એક એવું ‘પરાક્રમ’ કર્યું કે જેની કોઇને કલ્પના સુધ્ધાં ન આવે. ઠગી બનાવટ અને ચીટિંગની દુનિયામાં તેણે ભાગ્યે જ કોઇ કયારેય સ્પર્શી શકે એવું કામ કરી બતાવ્યું.
થયું એવું કે અખબારમાં એક સમાચાર વાંચીને ધનીરામ મિત્તલના મગજમાં એક શૈતાની સપનું આવ્યું. સમાચાર કંઇક એવા હતા કે પંજાબ-હરિયાણા હાઇકોર્ટે ઇજજરના એડિશનલ સિવિલ જજ સામે વિભાગીય તપાસના આદેશ આપવાની છે. આના પરથી ધનીરામ હાઇ કોર્ટના રજિસ્ટ્રાર વતી ઇજજરના એડિશનલ સિવિલ જજને બનાવટી સત્તાવાર પત્ર લખ્યો કે આપની વિરુદ્ધની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી બે મહિનાની રજા પર ઉતરી જાઓ. આ પત્ર મળતા જ જજસાહેબ તો રજા પર ઉતરી ગયા.
ધનીરામ મિત્તલનો ખેલ પૂરો ન થયો, બલ્કે અહીંથી શરૂ થયો. તેણે સિવિલ કોર્ટને હરિયાણા-પંજાબ હાઇ કોર્ટના રજિસ્ટ્રાર વતી બીજો પત્ર મોકલાવ્યો કે જજસાહેબ બે મહિનાની રજા પરથી પાછા ન આવે ત્યાં સુધી આ પત્ર લાવનારા જજ એટલે કે ધનીરામ મિત્તલ અદાલતમાં ફરજ બજાવશે.
લાગે છે ને એકદમ કલ્પનાતીત, ફિલ્મી કે અતિ નાટકીય? પણ, ધનીરામ માટે એવું નહોતું. કાયદાના અભ્યાસ, કોર્ટમાં હાજર રહેવાનો અનુભવને જોરે એ તો કરવા માંડયો જજનો રોલ. ૪૦ દિવસ ફરજ બજાવી એ દરમિયાન હત્યા, બળાત્કાર અને અન્ય ગંભીર બાબતના ગુના સિવાયના અપરાધીઓને એ ધડાધડ જામીન પર છોડી મૂકવાના આદેશ આપવા માંડયો.
નવા જજની ફટાફટ ન્યાય આપવાની નીતિની ચર્ચા થવા માંડી. આટલી ઝડપથી જામીન અગાઉ કયારેય અપાયા નહોતા. જેલના કેદીઓમાં પણ નવા જજ માટે માન વધવા માંડયું. અરે હદ તો ત્યારે આવી ગઇ કે પોતાના વિરુદ્ધમાં એક કેસમાં તેણે પોતાની વિરુદ્ધના એક કેસમાં તેણે પોતાની તરફેણમાં ચુકાદો આપી દીધો. ગણતરીના દિવસોમા બે હજાર કેસમાં જામીન-ચુકાદા આપી દીધા. આની બધે નોંધ લેવાઇ. ૪૦ દિવસની ફરજ બજાવ્યા બાદ તેણે કોર્ટમાં આવવાનું બંધ કર્યા બાદ તપાસ શરૂ થઇ. એ ફરી પકડાઇ ગયો.
સુપર ચોર, બનાવટી જજ કે અદ્ભુત ભેજું જે કહો એ પણ ધનીરામ મિત્તલની તોલે આવે એવા કેટલા? હવે કદાચ ૮૫ વર્ષની ઉંમર પસાર કરી ચૂકેલો ધનીરામ મિત્તલ કયાં છે એ કોઇ જાણતું નથી.