વીક એન્ડ

પંખી જગતના રાવડી રાઠોડ

નિસર્ગનો નિનાદ – ધર્મેન્દ્ર ત્રિવેદી

દબંગ, રાવડી રાઠોડ જેવી ફિલ્મો જોઉં ત્યારે મને કાયમ મારું બાળપણ યાદ આવી જાય. ગામડાના માથાભારે છોકરાઓથી લઈને ચોક્કસ શેરીના તંતીલા શ્ર્વાન પણ યાદ આવી જાય! હા શાળામાં છોકરા મને ધમકાવતા… મારી શેરીમાંથી નીકળ એટલે તારી હુશિયારી કાઢું… અને શાળાએથી ઘેર જાતા વચ્ચે એક શેરી આવતી જેનો ધોળિયો કૂતરો કાયમ મારી વાહે થાતો… આજે પણ યાદ આવે અને રુવાંડાં ઊભા થઈ જાય! અગાઉ આપણે આ જ કોલમમાં વાઘની સામે બાંયો ચડાવનાર દબંગ ઘોરખોદિયાનો પરિચય પણ કેળવ્યો હતો. તો આજે આપણે પક્ષી જગતના રાવડી રાઠોડ એટલે કે માથાભારે પંખીડાઓનો પરિચય મેળવીશું.

માથાભારે હોવું એટલે શું? માનવ સમાજમાં બે પ્રકારના માથાભારે વ્યક્તિત્વો હોય છે. એક પ્રકાર એવો છે જે લોકો અમથા અમથા મતલબ ખાલીપીલી પોતાની તાકાતના જોરે લુખ્ખાગીરી કરતા હોય છે. અમુક લોકો પોતાના આત્મબળ અને હિંમતના જોરે ઊંચું માથું રાખીને ગમે તેની સામે બાથ ભીડી લેતા હોય છે. પ્રથમ પ્રકારના લોકો લુખ્ખા અથવા ટપોરીઓ હોય છે, પરંતુ બીજા પ્રકારના લોકોને આપણે દબંગ અથવા રાવડી રાઠોડ કહી શકીએ. માનવથી વિપરીત પ્રાણી જગતમાં પ્રાણી હોય કે પક્ષી, આકારણ, અહેતુક કોઈ દબંગાઈ કે રાઠોડગીરી કરતું નથી. કુદરતનો નિયમ છે ‘જિસકી લાઠી ઉસકી ભેંસ’ અથવા સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ… પ્રકૃતિનું ચક્ર આમ જુઓ તો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની એક સતત મથામણ જ છે ને?

તો આજે આપણે ઓળખવા છે એવા થોડાં પંખીઓને જેઓ અનેક પ્રકારે કાં તો દબંગ છે અથવા તો રાવડી રાઠોડ છે. એમના નામ છે. શાહમૃગ (ઓસ્ટ્રિચ), પીટોહુઈ (પીટોહુઈ), ગ્રીફોન વલ્ચર (ગ્રીફોન ગીધ), બ્લ્યુ જે (નીલકંઠ), સધર્ન કસોવરી (કસોવરી)

બ્લ્યુ જે (નીલકંઠ)

શિયાળામાં તમે ગ્રામીણ વિસ્તારમાંથી પસાર થતા હો ત્યારે ઇલેક્ટ્રિકના તાર પર એક રૂપકડું પંખી દેખાય જ. એ ઊડે ત્યારે તેની પાંખોમાં જે રંગો દેખાય તે કોઈને પણ મોહિત કરી દે. આ પંખી એટલે કે બ્લ્યુ જે અથવા નીલકંઠ અથવા ચાષ. નવરાત્રી જાય એટલે વિદેશની ધરતી પરથી તેનું આગમન ભારતના પશ્ર્ચિમી રાજ્યોમાં શરૂ થઈ જાય. આ મનમોહક પંખીનો મુખ્યત્વે ખોરાક મગફળી અને નાના મોટા જીવડાં અને જીવાત છે. આપણાં ચાષભાઈ દેખાવે જેટલા રૂપાળા છે, તો સામે પક્ષે પોતાના વિસ્તારના રક્ષણ માટે એટલા જ દાધારંગા અને તંતીલા છે. તેની હદમાં ભૂલથી પણ કોઈ પંખી, ભલેને પછી તે બાજ, શકરો કે સમળી જેવું શિકારી પક્ષી કેમ નથી, ચાષ તેના પર ભયાનક હુમલો કરીને તેને ભગાડી દે છે. પ્રવાસી પંખી હોવાના નાતે પક્ષી જગતના જમાદાર કાળિયા કોશીની માફક બીજા પંખી એમના આશરે માળા બાંધતા નથી. કારણ કે આ તકવાદી પંખીડું મોકો મળે તો બીજાના માળામાંથી ઇંડા પણ ચોરીને ઓહિયા કરી જાય છે.

તો મિત્રો, દબંગ અને રાવડી હોવા પર માત્ર માનવનો અધિકાર થોડી ન છે?

સધર્ન કસોવરી (કસોવરી)

શાહમૃગની જેમાં કસોવરી પણ ઊડી ન શકતું એક મહાકાય પક્ષી છે. આ પક્ષી પણ ન્યુ-ગિનીનું જ વાતની છે, પરંતુ તેના દુર્વાસા જેવા સ્વભાવના લીધે પક્ષીવિદો તેને બેડ-એસ બર્ડ એટલે કે પંખી જગતના ગુંડા તરીકે ઓળખાવે છે. કહેવાય છે કે શાહમૃગ બાદ કસોવરી જ એવું પક્ષી છે જેના હુમલાઓમાં માનવ-મૃત્યુ નોંધાયા છે. તેના પગમાં ત્રણ આંગળા હોય છે અને તેમાંના વચ્ચેના આંગળામાં એટલો મોટો નહોર હોય છે કે એના હુમલામાં માણસનો હાથ કપાઈ જાય અથવા પેટમાં લાત મારે તો આંતરડા બહાર આવી જાય.
ગુંડાને ઝઘડો કરીને મારામારી કરવા નાનું એવું બહાનું જ
જોઈતું હોય છે એમ જ કસોવારીનો ખાલી મૂડ ખરાબ હોય તો પણ ઝૂમાં પોતાને કાયમ ખોરાક નાખતા ઝૂકીપરો પર હુમલો કર્યાના દાખલા છે.

પીટોહુઈ (પીટોહુઈ)

આપણા દબંગ નંબર બે પરનું પંખી પીટોહુઈ ન્યુ-ગિનીનું છે. આ પંખીડું દેખાવે રૂપકડું છે અને મોટેભાગે આપણા પીળકના કદનું હોય છે. આ પંખીની ખાસિયત એ છે કે પોતાના દુશ્મનોથી બચવા માટે તેની પાસે એક અનોખુ હથિયાર છે. પીટોહુઈના પીંછાં અને ચામડી ઝેરીલી હોય છે. પોઇઝન ડાર્ટ ફ્રોગ નામે ઓળખાતા દેડકાના શરીર પર જે ઘાતક ઝેર મળી આવે છે તે જ ઝેર આપણા પીટોહુઈની ચામડી અને પીંછામાં મળે છે. આનાથી બીજાં શિકારી પક્ષીઓ તેનાથી દૂર ભાગે છે. પોઇઝન ડાર્ટ ફ્રોગ અને આપણા પીટોહુઈમાંથી બટ્રુટોક્સિન નામનું ઘાતક ઝેર
હોય છે. આ ઝેર આવ્યું ક્યાંથી? આ પંખી એક ચોક્કસ પ્રકારનું જીવડું ખાય છે તેમાંથી તેના શરીરમાં આ ટોક્સિન પેદા થાય છે, પરંતુ આ ઝેર બચાવ કરતાં મુખ્યત્વે તો જીવાત અને પરજીવીઓથી બચવા માટે આ પંખીએ વિકસાવ્યું છે! પીટોહુઈની ઘણી પ્રજાતિઓ છે, પરંતુ તેમાંની હૂડેડ પીટોહુઈ અને વેરિયેબલ પીટોહુઈ પ્રજાતિઓ સૌથી વધુ ઘાતક મનાય છે.

ગ્રીફોન વલ્ચર (ગ્રીફોન ગીધ)

ગીધ સામાન્ય રીતે અન્ય શિકારી પંખીઓની માફક પોતે શિકાર કરતા નથી, મૃતદેહોને ખાઈને પર્યાવરણમાં સફાઈ કામદારની ભૂમિકા ભજવે છે. ગીધો વિશેના એક બૃહદ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઉત્તર સ્પેનમાં ગ્રિફોન ગીધોએ નાના કદના ઢોર-ઢાંખરનો શિકાર કરવાનું શરૂ કર્યું છે, મૃતદેહો ખાનાર પંખીમાંથી શિકારી પંખીમાં થયેલું આ પરિવર્તન બદલાતી જતી પરિસ્થિતિઓ સાથે અનુકૂળતા સાધવા માટે પ્રાણી-પંખીઓમાં આવી રહેલા બદલાવનું એક ચોંકાવનારું ઉદાહરણ છે. હવામાંથી અચાનક ઝપાટો બોલાવીને ઘેટાં બકરાના શિકાર કરવાની સાથે સાથે એક ચોંકાવનારી ઘટના પણ સામે આવેલી. સ્પેનના પહાડની કરાડ પરથી પડી જઈને મૃત્યુ પામેલી એક સ્ત્રીને પણ આ ગ્રીફોન ગીધ ખાઈ ગયા હતા.

શાહમૃગ (ઓસ્ટ્રિચ)

શાહમૃગ સ્વભાવે દુષ્ટ નથી હોતા, પરંતુ આ મહાકાય પંખી પોતાના વિસ્તારનું કોઈ પણ ભોગે રક્ષણ કરે છે. શાહમૃગને ખીજવવાની ભૂલ કરવા જેવું નથી, કારણ કે આ પંખી માણસ કરતા મોટા કદનું, ઊંચાઈમાં માણસ કરતાં વધુ ઊંચું અને દોડવામાં ઝડપી છે. આ રાક્ષસી પક્ષીનું વજન ૧૦૦થી ૧૬૦ કિલોગ્રામ જેટલું હોય છે. ઊડી ન શકતું આ પંખી ખૂબ ઝડપથી દોડી શકે છે. નેશનલ જિયોગ્રાફિકના અભ્યાસ અનુસાર શાહમૃગ ૪૩ માઈલ પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. તેમના પગ લાંબા, તીક્ષ્ણ પંજા છે અને તેની લાત ખૂબ જ ભયાનક હોય છે. શાહમૃગના વિસ્તારમાં ઘૂસણખોરી કરનાર પર શાહમૃગ ભયાનક હુમલો કરી દે છે. કહેવાય છે કે પ્રાણી સંગ્રહાલયમાં રૂપકડું લાગતું શાહમૃગ જો તેના પ્રાકૃતિક આવાસમાં મળી જાય તો તેનાથી ભાગીને પણ બચી શકાતું નથી. આફ્રિકન જંગલોમાં શાહમૃગે સિંહોને પડકાર્યાના પણ ઉદાહરણો છે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button