વીક એન્ડ

મેઘ ધનુષ

ટૂંકી વાર્તા – પાર્થ મહાબાહુ

તે હાઉસિંગ બોર્ડની દસ બાય દસની ઓરડીમાં, ઊખડી ગયેલા ચૂનાવાળી દીવાલો વચ્ચે બેઠો તેનાં ગામનાં પાદરમાં વિહરવા માંડતો. ગીચ વસ્તી ધરાવતા સિમેન્ટ કોંક્રિટના જંગલમાં પુરાયે તેને પૂરાં પંદર વર્ષ થયાં. ભણવાના બહાને આવ્યો ને સ્થાયી થઇ ગયો. તેના શ્ર્વાસ મિલના ભૂંગળા સાથે જોડાઇ ગયા હતા. નદી તો અહીં પણ નદીએ નદીએ ફેર. તેના ગામની નદીમાં કાળમીંઢ પાણા તોડીને વહેતાં પાણીમાં તેના બાળપણ અને કિશોરાવસ્થાના થઇ પૂરા ચૌદ વર્ષની સ્મૃતિઓ પણ ખળખળતી હતી. સ્મૃતિઓનો સથવારો. હતો એટલે તો તે આ શહેરમાં જીવી શક્યો હતો. નહીં તો આહીં આ ‘કાળઝાળ’માં તેનું શું હતું. પિતાએ તેને ખૂબ સમજાવી જોયો પણ અભ્યાસ પૂરો કરી તે ગામમાં પાછો ન ફર્યો. અભ્યાસ પૂરો કર્યા પછી ગામમાં બે-ત્રણવાર આવેલો. માતા-પિતાને ખૂબ સમજાવ્યા પણ તેઓ શહેરમાં ન આવ્યા.
“અમારાં તો મૂળિયાં આ ભોંમાં છે. હવે ઇ ઊખડે ઇમ નથી. તેના પિતાજી કહેતા, તેની મા તો કશું ન કહેતી.
શહેરથી તે ઘણીવાર કંટાળી જતો… તેને મા યાદ આવતી. ચોખ્ખા ઘીમાં નીતરતો બાજરાનો રોટલો ને છરીએ કપાય તેવું દહીં યાદ આવતા. કીર્તન ગાતાં ગાતાં તેની માએ બનાવેલી રાતી કિનારવાળી ધોળા રંગની રજાઇ યાદ આવતી. પાણિયારામાં બુઝારા પર ટહુકતો મોર યાદ આવતો, નદીની રેત યાદ આવતી, ગામમાં પહોંચી જવાનું મન થતું, પણ આ બધાની સાથે ગૌરી યાદ આવતી અને તે પોતાનામાં સંકેલાઇને બેસી જતો.
માતાજીનાં મંદિરે મેળો ભરાતો ત્યારે આખું ગામ ઊમટતું, તે અને ગૌરી હાથમાં રંગ પાયેલા – ઘૂંટેલા કાગળનાં ફરફરિયાં લઇ મેળામાં કૂદા કૂદ કરતાં. ગૌરી તેની બાલ્યકાળની સખી હતી, તેનું બાળપણ એટલે ગૌરીની અતૂટ ગોઠડી.
ધૂડી નિશાળમાં તેને દાખલ કર્યો. પહેલા વર્ષે તે એકલો જતો. પછીના વર્ષે ગૌરી પણ નિશાળે બેઠી. હવે તેને નિશાળે જવું ગમતું, તે ચડ્ડી ને ખમીસ પહેરતો, ગૌરી ઘાઘરી- પોલકું પહેરતી. નિશાળમાં ચાર ધોરણ હતા પણ માસ્તર એક જ.
બધા ધોરણ સાથે બેસતાં, તેને ભણવું બહુ ગમતું, તે પાંચમા ધોરણમાં આવ્યો એને એકાદ ગાઉ છેટે બાજુના ગામની નિશાળે જવા માંડ્યો. ભણવામાં તે હોશિયાર હતો પણ ભણવાની મજા તેને આવતી નહીં. ‘દફતર- પાટી પેક’ એક કહેવામાં આવે કે તરત તેના પગમાં ચેતન ઊભરાતું, તે દોડતો ઘરે આવતો. ગૌરી તેની રાહ જોતી હોય.
અહીં આવડા મોટા શહેરમાં થોકબંધ માણસો હતા, પરંતુ તેની રાહ જોવાવાળું કોઇ ન હતું. મેટ્રિકમાં આવ્યો ત્યારે તેને આ શહેરની નિશાળમાં દાખલ કર્યો. હોસ્ટેલમાં રહી ભણવા લાગ્યો. જો કે તે પાણી બહારની માછલી જેવું અનુભવતો. રજાઓ પડી નથી કે ગામમાં પૂગ્યો નથી. ગૌરી તો ચાર ધોરણ ભણી ઊતરી ગયેલી એટલે તેનું સ્વાગત કરવા તે હાજર જ હોય.
વરસાદ આવે ને ઝાડવાં કોળી ઊઠે તેમ રે રજાઓમાં કોળી ઊઠતો.
એકવાર તે ઉનાળાની રજાઓમાં આવ્યો, ત્યારે તે કોલેજમાં ભણતો.
“ગૌરીના ઘરે નો જાતો, તેની માએ કહ્યું.
“કેમ?
“ગૌરીને જોવા આવ્યાં છે, તેની માએ આ કહ્યું ત્યારે તે સાવ સૂનમૂન થઇ ગયેલો, તેણે સાંજે ખાધું ખરું પણ ભાવ્યુું ન્હોતું. ફળિયામાં સૂતા સૂતા આખી રાત ગણતો રહેલો. પાછલે પોર માંડ આંખ મળી, તે જાગ્યો ત્યારે સૂરજ ઠીક ઠીક નીકળી ગયો હતો. દાતણ-પાણી પતાવી તે રાંધણિયામાં તેની મા પાસે બેઠો.
“ગૌરીને જોવા આવ્યા હતા તે મહેમાન ગયા? તેણે હદયના વધતા જતા ધબકાર સાથે પૂછેલું.
“ઇ તો સાંજની બસમાં જ વળી જાવાના હતા તે ગ્યા જ હોય ને.
“આજે હું ય ગૌરીને જોવા જઇશ, તું મારી સાથે આવીશ?
તેની આ વાત સાંભળી તેની મા અવાક્ બની ગયેલી. ઘણીવાર વિચારીને તેણે કહેલું, “તારા બાપુને વાત કરીશ વ્હેલા કીધું હોત તો કે દિ’ની જોઇ લીધી હોત.
તેનું રૂધિર સ્વાભાવિક ગતિ ચૂકી ગયું હોય તેવું તેને લાગેલું. તે તેની માને વળગી પડેલો. તેની આંખમાં ઝળઝળિયા બાઝી ગયા હોય તેવું તેને લાગેલું.
ડેલી ખખડી તે સટાક્ બેઠો થઇ ઓંસરીમાં આવ્યો. ગૌરની માએ પતાસાનું પડીકું આપતા કહેલું.
“તું ક્યારે આવ્યો? લે, હરખ કર, ગૌરીના ચાંદલા નક્કી કર્યા, તારે તો જવતલિયો થાવું પડશે.
તેની માએ બહાર આવી પતાસાનું પડીકું ખોલી ગૌરીની માનું મોઢું મીઠું કરાવ્યું, તે તો ઓસરીમાં ઊભો રહી ગયેલો, થાંભલો થઇને.
વળતે દિવસે સવારની બસમાં તે શહેરમાં પાછો આવી ગયો. આખી હોસ્ટેલમાં તે એકલો હતો. તેને લાગેલું તે સમગ્ર સૃષ્ટિમાં એકલો છે, નદીનો ખળભળતો પ્રવાહ થંભી ગયેલો.
ગૌરીના આણાંની ખરીદી કરવા ગૌરીના બાપા અને બા આવેલા, તેને સાથે લઇ ગયેલાં. તેણે આખો દિવસ સાથે રહી બધી ખરીદી કરાવી, પણ ગૌરીનાં લગ્નમાં ન ગયો, તેનું મન તેને જવા દે તેમ ક્યાં હતું?
મિલનું ભૂંગળું થયું, તેણે ઘડિયાળમાં જોયું, ઘણો સમય વીતી ગયો હતો, તે તૈયાર થયો, યંત્રો સાથે કામ પાડતા મિલ મજૂરોના સંગાથમાં તે યંત્ર થઇ ગયેલો, તે ઉતાવળે બહાર નીકળ્યો, તેને મોડું થયું હતું, તેને લાગ્યું કે તે મોડો પડવાવાળો જીવ જ હતો. તે મિલમાં પહોંચી ગયો, પણ તેનો જીવ ન ચોંટ્યો.
રાતે સિલિંગ ફેન નીચે પડ્યા પડ્યા તે જાગતો રહ્યો. એકાદ વર્ષ પહેલા હૉસ્પિટલમાં બનેલી ઘટના તેની આંખ સામે હંમેશની જેમ તરવરવા લાગી.
“ગૌરીના વરને ઝેરી જીવડું આભડી ગ્યું છે, સરકારી દવાખાને દાખલ કર્યો છે, ગૌરીના બાપા તેને તેડવા આવ્યા ત્યારે મોકાણ લેતા આવ્યા હતા, તે હૉસ્પિટલે પહોંચ્યો ત્યારે ગૌરીનો ચૂડલો નંદવાઇ ચૂક્યો હતો. તેની કાયમ કોરી રહેતી આંખોમાંથી આંસુની ધાર વછૂટી હતી. હૉસ્પિટલની લોબીમાં ભીંતને ટેકે ઊભો ઊભો તે ખૂબ રડેલો.
તે થોડા દિવસની રજા લઇ ગામમાં આવ્યો ત્યારે ગૌરી તેને ઘરે જ હતી. તેને જોઇ તેની છાતીમાં જાણે સૂરંગ ફૂટેલી. સફેદ સાડલો પહેરેલી ગૌરીને જોઇ તે ફળિયામાં જ ખાટલે બેસી રડી પડેલો, ગૌરી પાણિયારા પાસે ઊંધું ફરી ઊભી ઊભી રડી હતી.
સિલિંગ ફેનની ઘુમરાતી હવામાં તેનો શ્ર્વાસ રૂંધાવા માંડયો, તે પથારીમાં બેઠો થઇ ગયો, તેનું માથું ભારે લાગતું હતું, તેના શરીરમાંથી કોઇ માંસના લોચા તોડતું હોય તેવું તે અનુભવી રહ્યો, તે બહાર નીકળ્યો.
શહેરની રાત્રિ પણ સુમસામ નથી હોતી, શહેરના લોકો સૂમસામ હોય છે, તે રસ્તા પર ચાલતો રક્ષો. નદીના કિનારે પહોંચ્યો ત્યાર તે થાકી ગયો હતો. નદીમાં પાણી વહેતું હતું, તેમાં સોડિયમ લાઇટના શેરડા તણાતા જતા હતા. પૂલ પરથી પસાર થતા વાહનોની ઝગમગતી લાઇટોથી અંજાઇ જતી નદીને તે જોઇ રહ્યો.
સિનેમાનો છેલ્લો શો છૂટ્યો ને રસ્તા પર અવરજવર વધી ગઇ, કોલેજના છેલબટાઉ છોકરા – છોકરીઓની એક ટોળી ગીત ગાતી ગાતી નીકળી:
ઓ પ્રીતમ! રંગ ગુલાલ!
તું પસાર થા હું ફરકાવું રૂમાલ….
નદી કાંઠે ઘૂંટેલા કાગળનું ફરફરિયું લઇ ઊભેલી ગૌરી તેની સામે આવી ગઇ, તેણે આંખો બંધ કરી દીધી. તેની બંધ આંખોમાં સફેદ સાડલામાં લપેટાયેલી ગૌરીની છબિ ઊપસી અને તેણે ઝટ દઇ આંખો ખોલી નાખી, તેને થયું તેને બાંધીને કોઇ ઢસડી રહ્યું છે, તે નદી કિનારે ચાલતો હતો, તે પૂલ વટાવી સરિયામ રસ્તા પર ચાલવા લાગ્યો, તેને ખબર ન હતી કે તે કંઇ દિશામાં જાય છે, તેને દિશા વિશે વિચારવાનું મન પણ ન થયું.
મિલના ભૂંગળા અને વાહનોના અવાજથી થાકી તે પાછો કર્યો, તેના પગમાં સીસું રેડાયાનો અનુભવ તેને થતો હતો. ચૂનાના પોપડા ઊખડી ગયેલી ભીત પર હાથ ફેરવી તે ખુરસીમાં બેઠો.
તેને સાદ પાડતું મિલનું ભૂંગળું તેણે સાંભળ્યું પણ તે ઊભો ન થયો, તેનું મન નદીના ખળખળતા પાણીનો નિનાદ સાંભળવા અને તેમાં તણાંતા જતાં વૃક્ષોના પ્રતિબિંબો જોવા ઇચ્છતું હતું. આજે કેમે કરીને ય તેની સ્મૃતિમાં સંઘરાયેલા એ દશ્યો બહાર આવતાં ન હતાં. રહી રહીને પાણિયારા પાસે ઊભી ઊભી રડતી ગૌરી તેને દેખાતી હતી. તેને પોક મૂકીને રડી પડવાનું મન થયું. તે પોક ન મૂકી શક્યો.
તે ભીની આંખે ખુરસીમાં જ ઊંઘી ગયો, તેને લાગ્યું તે બસમાં બેઠો છે. બસ ગામમાં પહોંચે છે, તે બગલ-થેલો ઉલાળતો ઘરે પહોંચે છે. રાંધણિયામાં બેઠેલી તેની મા પાસે જઇ કહે છે:
“ચાલ, બા! આપણે ગૌરીને જોવા જઇએ. તેની મા તેને લઇ ગૌરીના ઘરે પહોંચે છે, ફળિયામાં ગાયને નીરણ કરતી સફેદ સાડલો ઓઢેલી ગૌરીને તે જુએ છે.
તે હબકીને જાગી ગયો.
ખુરશીમાંથી ઊભા થઇ તેણે મોઢું ધોયું, તેને નદીની શીતળતા જણાઇ, મનમાં પ્રસન્નતાનો નાનો અંકુર પ્રગટ્યો. તે ખભે બગલ-થેલો નાખી નીકળી પડયો ગામની બસ પકડવા.
બસમાં બેઠા બેઠા તેણે આંખો બંધ કરી. બસ સડસડાટ ચાલી જતી હતી. તેની બંધ આંખોમાં રંગીન ઘૂંટેલા કાગળનું ફરફરિયું લઇ નદી કાંઠે ઊભી ઊભી ગૌરી ગીત ગાતી હતી:
ઓ પ્રીતમ! રંગ ગુલાલ!
તું પસાર થા હું ફરકાવું રૂમાલ…
અને તે ગૌરીના સફેદ સાડલા પર મેઘધનુષ થઇને વરસી રહ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button